પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વારાણસીમાં કોવિડ-19 મુદ્દે સ્થાનિક જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે સંવાદ કર્યો


પ્રશાસને ખૂબ જ સંવેદનશીલતા સાથે વારાણસીના લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવી જોઇએઃ પ્રધાનમંત્રી

'દો ગજ કી દૂરી'નું પાલન કરો, માસ્ક અત્યંત જરૂરી અને પ્રશાસને 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોનું રસીકરણ સુનિશ્ચિત કરવું જોઇએઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગની જરૂરિયાત ઉપર ફરી ભાર મૂક્યો. કોરોનાની પ્રથમ લહેરની જેમ, બીજી લહેર સામે પણ લડવું મહત્ત્વપૂર્ણ છે

કોવિડનો ચેપ અટકાવવા માટે સરકાર અને સમાજ બન્નેનો સહકાર જરૂરીઃ પ્રધાનમંત્રી

Posted On: 18 APR 2021 1:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વારાણસીમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ કોરોનાનો ફેલાવો અટકાવવા માટે અને કોરોનાથી ચેપગ્રસ્ત થયેલા દર્દીઓની સારવાર માટે કોરોનાના પરીક્ષણ, પથારીઓ, દવાઓ, રસી તથા માનવબળ વગેરેની ઉપલબ્ધતા અંગે અંદાજ મેળવ્યો હતો. તેમણે લોકોને તાત્કાલિકપણે તમામ શક્ય મદદ પૂરી પાડવા અધિકારીઓને નિર્દેશો આપ્યાં હતાં.

બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ "દો ગજ કી દૂરી" જાળવવી જોઇએ અને ફરજિયાત માસ્ક પહેરવું જોઇએ. રસીકરણ ઝૂંબેશના મહત્ત્વ ઉપર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પ્રશાસને 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતી દરેક વ્યક્તિને રસી લેવાના મહત્ત્વ અંગે માહિતગાર કરવા જોઇએ. તેમણે વહીવટીતંત્રને અત્યંત સંવેદનશીલતા દાખવીને વારાણસીના લોકોને શક્ય તમામ સહાયતા પૂરી પાડવા આદેશો આપ્યાં હતાં.

પ્રધાનમંત્રી દેશના તમામ ડૉક્ટર અને તબીબી કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ કટોકટીના સમયગાળામાં તેઓ પોતાની ફરજ ખૂબ જ ગંભીરતાપૂર્વક નિભાવી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે આપણે ગયા વર્ષના અનુભવથી શીખવું પડશે અને અત્યંત સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વારાણસીના પ્રતિનિધિ તરીકે તેઓ સામાન્ય લોકો પાસેથી નિરંતર પ્રતિભાવો પ્રાપ્ત કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 5-6 વર્ષોમાં વારાણસીમાં તબીબી માળખાના વિસ્તરણ અને આધૂનિકીકરણે કોરોના સામે લડાઇ લડવામાં ખૂબ જ મદદ કરી છે. તેની સાથે સાથે વારાણસીમાં પથારીઓ, આઇસીયુ અને ઓક્સિજનની ઉપલબ્ધતા પણ વધારવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ દર્દીઓની સંખ્યામાં થયેલા વધારાના કારણે તમામ સ્તરે પેદા થયેલા ભારણને ધ્યાનમાં રાખીને પ્રયત્નો વધારવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વારાણસીના વહીવટીતંત્રે તમામ ક્ષેત્રોમાં કામગીરીની ઝડપ તે રીતે જ વધારવી જોઇએ જે રીતે તેમણે 'કાશી કોવિડ પ્રતિક્રિયા કેન્દ્ર'ની સ્થાપના કરી હતી.

પ્રધાનમંત્રીએ 'પરીક્ષણ, તપાસ અને સારવાર' ઉપર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે કોરોનાની પ્રથમ લહેરની જેમ જ આ વખતે પણ વાયરસ ઉપર વિજય મેળવવા માટે તે જ રણનીતિ અપનાવવી પડશે. તેમણે વહેલામાં વહેલી તકે ચેપગ્રસ્ત વ્યક્તિઓની સંપર્ક તપાસ અને પરીક્ષણ અહેવાલ પૂરો પાડવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓ અને તેમના પરિવારો પ્રત્યે તમામ જવાબદારીઓનું વહન સંવેદનશીલ રીતે કરવા માટે વહીવટીતંત્રને નિર્દેશો આપ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ સરકાર સાથે ખૂબ નજીકથી કામગીરી કરી રહેલા સ્વૈચ્છિક સંગઠનોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તેમને વધુ પ્રોત્સાહિત કરવા જોઇએ. તેમણે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તેની ઉપર ચાંપતી નજર રાખવા અને સાવધાની રાખવા પર ભાર મૂક્યો હતો.

વારાણસીના જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કોરોનાના નિવારણ અને સારવાર માટે હાથ ધરાયેલી તૈયારીઓ અંગે પ્રધાનમંત્રીને અવગત કર્યા હતા. આ સંબંધમાં પ્રધાનમંત્રીને સંપર્ક તપાસ માટે સ્થાપવામાં આવેલા નિયંત્રણ કેન્દ્રો, હોમ આઇસોલેશન માટે સ્થાપવામાં આવેલા કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, એમ્બ્યુલન્સ માટે સમર્પિત ફોનલાઇન, કંટ્રોલ રૂમ પરથી ટેલિમેડિસિનની સુવિધા, શહેરી વિસ્તારોમાં વધારાની રેપિડ રિસ્પોન્સ ટીમની ફાળવણી વગેરે અંગે માહિતી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીને જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધી કોવિડ અટકાવવા માટે 1,98,383 વ્યક્તિઓએ રસીનો પ્રથમ ડોઝ પ્રાપ્ત કર્યો છે અને 35,014 લોકોએ રસીના બન્ને ડોઝ પ્રાપ્ત કરી લીધા છે.

વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન વિધાન પરિષદના સભ્ય અને વારાણસીના કોવિડ પ્રભારી શ્રી એ.કે.શર્મા, ક્ષેત્રીય વડા શ્રી દીપક અગ્રવાલ, પોલીસ કમિશનર શ્રી એ.સતિશ ગણેશ, જિલ્લા કલેક્ટર શ્રી કૌશલ રાજ શર્મા, મ્યુનિસિપલ કમિશનર શ્રી ગૌરાંગ રાઠી, મુખ્ય તબીબી અધિકારી ડૉ.એન.પી.સિંઘ, આઇએમએસ બીએચયુના ડિરેક્ટર પ્રોફેસર બી.આર.મિત્તલ, રાજ્ય મંત્રીઓ શ્રી નિલકંઠ તિવારી અને શ્રી રવિન્દ્ર જયસ્વાલ, રોહાનિયાના ધારાસભ્ય શ્રી સુરેન્દ્ર નારાયણ સિંઘ, વિધાન પરિષદના સભ્યો શ્રી અશોક ધવન અને શ્રી લક્ષ્મણ આચાર્ય પણ હાજર રહ્યાં હતાં.

SD/GP/JD



(Release ID: 1712573) Visitor Counter : 237