સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કેબિનેટ સચિવે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કોવિડની સ્થિતિ અંગે સમીક્ષા કરી
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડની સ્થિતિ ‘ગંભીર ચિંતાજનક’

ખાસ કરીને મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢની સ્થિતિ વધારે ચિંતાપૂર્ણ

સંક્રમણમાં ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે પાંચ સાધનોમાં વધારેલું પરીક્ષણ, ચુસ્ત કન્ટેઇન્મેન્ટ, ત્વરિત સંપર્ક ટ્રેસિંગ અને કોવિડ માટે યોગ્ય વર્તણુકના અમલીકરણ ઉપરાંત રસીકરણ પણ છે

Posted On: 02 APR 2021 6:26PM by PIB Ahmedabad

કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, પોલીસ DG અને આરોગ્ય સચિવો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને છેલ્લા બે અઠવાડિયાથી મોટી સંખ્યામાં દૈનિક ધોરણે કોવિડ-19ના નવા કેસો નોંધાતા અને મોટી સંખ્યામાં મૃત્યુદર નોંધાતા 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કોવિડના વ્યવસ્થાપન અને પ્રતિભાવ વ્યૂહનીતિની સમીક્ષા અને ચર્ચા કરવા માટે યોજવામાં આવેલી આ બેઠકમાં તમામ રાજ્યોના મુખ્ય સચિવો, DGPs અને વરિષ્ઠ આરોગ્ય પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યાં હતા તેમજ નીતિ આયોગના સભ્ય (આરોગ્ય), કેન્દ્રીય ગૃહ સચિવ, કેન્દ્રીય આરોગ્ય સચિવ, કેન્દ્રીય સચિવ (I&B), ICMRના DG અને NCDCના નિદેશક પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.

છેલ્લા એક પખવાડિયાથી કોવિડની પરિદૃશ્યમાં એકધારી સ્થિતિ વણસી રહી હોવાથી ઉભી થયેલી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેબિનેટ સચિવે નોંધ્યું હતું કે, વર્તમાન કોવિડના કેસોની સંખ્યામાં વૃદ્ધિદર માર્ચ 2021માં 6.8% રહ્યો હતો જે અગાઉના વિક્રમી દર 5.5% (જૂન 2020માં) કરતાં વધારે છે. દેશમાં આ સમયગાળામાં કોવિડના કારણે દૈનિક ધોરણે મૃત્યુની સંખ્યામાં પણ 5.5%ની વૃદ્ધિ નોંધાઇ છે. જ્યારે સપ્ટેમ્બર 2020માં મહામારી તેના સર્વોચ્ચ સ્તરે હતી ત્યારે દૈનિક ધોરણે કોવિડના લગભગ 97,000 નવા કેસો નોંધાતા હતા જ્યારે હવે હાલમાં કોવિડના દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોનો આંકડો 81,000 દૈનિક સુધી પહોંચી ગયો છે.

વિગતવાર અને વ્યાપક પ્રેઝન્ટેશન દ્વારા કેન્દ્રિય આરોગ્ય સચિવે એ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડના કેસોની સંખ્યામાં વર્તમાન સમયમાં વધતી સ્થિતિ પર પ્રકાશ પાડ્યો હતો જ્યારે કેન્દ્રીય સચિવ (I&B)એ જનસમુદાયમાં કોવિડ માટે યોગ્ય વર્તણુક સ્થાપિત કરવા માટે અસરકારક વર્તણુક પરિવર્તન સંદેશાવ્યહારની અલગ અલગ રીતો પર પ્રકાશ પાડ્યો હતો. ડો. વી.કે. પૌલે રાજ્યોએ જીનોમ સિક્વન્સિંગ માટે વાયરસના મ્યુટન્ટ સ્ટ્રેઇનનો વધુ વિગતવાર અભ્યાસ કરવા માટે ક્લિનિકલ અને રોગશાસ્ત્રને લગતા ડેટા શેર કરવાના પ્રોટોકોલનું રાજ્યો દ્વારા વધુ પાલન કરવામાં આવને તે બાબત પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય ગૃહ સચિવે ખાસ ધ્યાન દોર્યું હતું કે, 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડના નવા કેસોમાં દૈનિક ધોરણે વધારો નોંધાઇ રહ્યો છે ત્યાં કન્ટેઇન્મેન્ટની પ્રવૃત્તિઓના અમલીકરણમાં અનુરૂપ વૃદ્ધિ જોવા મળી નથી. તેમણે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને DGs (પોલીસ)ને આ સંબંધમાં યોગ્ય ચુસ્ત પગલાં લેવા માટે અનુરોધ કર્યો હતો.

દૈનિક ધોરણે વધારે કેસો નોંધાઇ રહેલા તેમજ મોટી સંખ્યામાં મૃત્યુઆંક નોંધાઇ રહેલા આ 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને “ગંભીર ચિંતાજનર રાજ્ય” તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. છેલ્લા 14 દિવસમાં (31 માર્ચ સુધીમાં) દેશમાં નોંધાયેલા કોવિડના કુલ નવા કેસોમાંથી આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 90% નોંધાયા છે જ્યારે નવા મૃત્યુઆંકમાંથી 90.5% મૃત્યુ (31 માર્ચ સુધીમાં) અહીંયા નોંધાયા છે. તેમજ આ તમામે ગત વર્ષ દરમિયાન અગાઉ નોંધાયેલા તેમના સર્વાધિક આંકડાઓની મર્યાદાઓ ઓળંગી ગયા છે. એવું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, ખાસ કરીને મહારાષ્ટ્રની સ્થિતિ વધુ વિકટ બની રહી છે. તેમને સક્રિય કેસોનું કન્ટેઇન્મેન્ટ સુનિશ્ચિત કરવા માટે અને દૈનિક મૃત્યુઆંકને નિયંત્રણમાં લેવા માટે અગાઉ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આપવામાં આવેલા પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપનના પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરીને તાકીદના ધોરણે અતિ અસરકારક પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.

અન્ય એક ચિંતાજનક પાસા પર પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, 2 અને 3 સ્તરના શહેરો તેમજ શહેરી વિસ્તારોના પરિઘીય વિસ્તારોમાં કોવિડના કેસોમાં તાજેતરમાં તીવ્ર વધારો નોંધાયો છે; આ વિસ્તારોમાંથી નબળી આરોગ્ય માળખાકીય સુવિધાઓ ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણના ફેલાવાના કારણે સ્થાનિક પ્રશાસનની સ્થિતિ પણ કથળી જશે તે બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંઓની વિગતવાર અને વ્યાપક સમીક્ષા કર્યા પછી કેબિનેટ સચિવે પુનરુચ્ચાર કર્યો હતો કે, ચુસ્ત કન્ટેઇન્મેન્ટના અમલ અને સર્વેલન્સના માપદંડો માટે સાવચેતીપૂર્ણ અને સખત પરિશ્રમ કરવાની આવશ્યકતા છે અને રસીકરણમાં વધુ વેગ લાવવાની તેમજ કોવિડ માટે યોગ્ય વર્તણુકનું ચુસ્ત પાલન કરવવાની પણ પ્રબળ જરૂર છે. રાજ્યોને ખાસ કરીને કહેવામાં આવ્યું હતું કે:

 • જ્યાં સુધી પોઝિટીવિટી દર 5% અથવા 5%થી ઓછો ના થાય ત્યાં સુધી પરીક્ષણોની સંખ્યામાં એકધારો વધારો કરવામાં આવે

 • કુલ પરીક્ષણોમાંથી 70% પરીક્ષણો RT-PCR થાય તે બાબત પર ધ્યાન આપવામાં આવે

 • પરીક્ષણના પરિણામોની રાહ જોવાનો સમય ઘટાડવાં આવે અને પરીક્ષણ લેબોરેટરીઓની નિયમિત સમીક્ષા કરવામાં આવે

 • જ્યાં નવા ક્લસ્ટર્સ બની રહ્યાં હોય તેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં રેપિડ એન્ટીજેન પરીક્ષણો (RAT)નો ઉપયોગ સ્ક્રિનિંગ પરીક્ષણ તરીકે કરવામાં આવે

 • લક્ષણો ધરાવતા દર્દીઓમાં RAT પરીક્ષણ નેગેટિવ આવે તેવા તમામ લોકો માટે RT-PCR પરીક્ષણો ફરજિયાત કરવામાં આવે.

 • જેઓ સંક્રમિત થયા હોય તેવા લોકોને સંસ્થાગત સુવિધાઓ (કોવિડ સંભાળ કેન્દ્રો)માં અસરકારક અને ત્વરિત આઇસોલેશનમાં રાખવાનું સુનિશ્ચિત કરવામાં આવે. એ પણ સુનિશ્ચિત કરવામાં આવે કે, જે દર્દીઓ તેમના ઘરમાં આઇસોલેટ થયા હોય તેમના પર દૈનિક ધોરણે દેખરેખ રહે. આઇસોલેશનમાં રાખવામાં આવેલા સંક્રમિત દર્દીઓને જો જરૂર જણાય તો, તાત્કાલિક આરોગ્ય સુવિધાઓમાં ખસેડવાનું સુનિશ્ચિત કરવામાં આવે.

 • દરેક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા ઓછામાં ઓછા 25 થી 30 લોકોને ટ્રેસ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવે. નજીકના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ અને તેમનું આઇસોલેશન 72 કલાકમાં થઇ જવું જોઇએ. તે પછી તમામ સંપર્કોના પરીક્ષણ અને ફોલોઅપની કામગીરી પણ સુનિશ્ચિતપણે થઇ જવી જોઇએ.

 • સંક્રમણની સાંકળને તોડવા માટે જરૂર પ્રમાણે કન્ટેઇન્મેન્ટ ઝોન/ માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન તૈયાર કરવામાં આવે.

 

રાજ્યોને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, તેઓ હોસ્પિટલ અનુસાર, કેસોના મૃત્યુની સંખ્યાનું પરીક્ષણ કરે, યોગ્ય વ્યૂહનીતિ ઘડીને તેનો અમલ કરે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં વિલંબ તેમજ રાષ્ટ્રીય તબીબી વ્યવસ્થાપનના પ્રોટોકોલનું પાલન ના કરવા સંબંધિત ચિંતાઓ દૂર કરે. કેસોના મેપિંગ, વૉર્ડ/બ્લોક પ્રમાણે સૂચકાંકોની સમીક્ષા, 24X7 ધોરણે ઇમરજન્સી પરિચાલન કેન્દ્રો, ઇન્સિડન્ટ કમાન્ડ પ્રણાલી (ચોક્કસ વિસ્તાર પ્રમાણે ત્વરિત પ્રતિભાવ ટીમ અને માહિતીના સમયસર આદાનપ્રદાન પર ભાર મૂકવામાં આવ્યો છે) પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને જિલ્લાવાર એક્શન પ્લાન તૈયાર કરવાની જરૂરિયાત પણ દર્શાવવામાં આવી હતી.

દૈનિક ધોરણે દર્દીઓની મૃત્યુ સંખ્યામાં ઘટાડો લાવવા માટે, રાજ્યોને જાહેર અને ખાનગી આરોગ્ય સંભાળના સંસાધનો વધુ મજબૂત કરવાની સલાહ આપવામાં આવી છે. તેમને ખાસ કહેવામાં આવ્યું છે કે:

 • આઇસોલેશન બેડ, ઓક્સિજન બેડ, વેન્ટિલેટર્સ/ ICU બેડની સંખ્યામાં જરૂરિયાત અનુસાર વધારો કરવામાં આવે.

 • ઓક્સિજનના પૂરતા પૂરવઠા માટે યોજના તૈયાર કરવામાં આવે.

 • એમ્બ્યુલન્સ સેવાઓ વધુ મજબૂત કરવામાં આવે અને પ્રતિભાવનો સમય તેમજ ઇનકાર કરવાના દરમાં ઘટાડો કરવામાં આવે અને સ્થાનિક પ્રશાસન દ્વારા તમામ પાસાંઓ પર નિયમિત દેખરેખ રાખવામાં આવે.

 • કોન્ટ્રાક્ટરના સ્ટાફની પૂરતી સંખ્યા ઉપલબ્ધ હોય અને ડ્યૂટીનું શ્રેષ્ઠતમ રોસ્ટરિંગ સુનિશ્ચિત કરવામાં આવે.

 • જિલ્લાઓમાં ICU ડૉક્ટરો માટે નવી દિલ્હી સ્થિતિ એઇમ્સની પાયાની ટીમ અથવા રાજ્યની પાયાની ટીમ સાથે નિયમિત ધોરણે ટેલિ-કન્સલ્ટેશન સુનિશ્ચિત કરવાનું આયોજન કરવામાં આવે. નવી દિલ્હી સ્થિત એઇમ્સ દ્વારા દર અઠવાડિયે મંગળવાર અને શુક્રવારના રોજ ટેલિ-કન્સલ્ટેશન કરવામાં આવે છે.

 • કોવિડ માટે યોગ્ય વર્તણુક (CAB)ના ચુસ્ત અમલીકરણની જરૂરિયાતનો પુનરુચ્ચાર કરવામાં આવ્યો હતો. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના તાત્કાલિક ધોરણે નીચે દર્શાવેલી બાબતોના અનુપાલનને રેખાંકિત કરવામાં આવ્યું હતું:

  • ઉલ્લંઘન કરનારાઓ સામે દંડાત્મક પગલાં લેવા માટે પોલીસ અધિનિયમ, આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અને અન્ય કાનુની/ પ્રશાસનિક જોગવાઇઓનો ઉપયોગ કરવામાં આવે.

  • સ્થાનિક અધિકારીઓ, રાજકીય, સાંસ્કૃતિક, રમતગમત, ધાર્મિક પ્રભાવશાળી લોકો દ્વારા યોગ્ય રીતે માસ્ક પહેરવા અને શારીરિક અંતર જાળવી રાખવા અંગે લોકોમાં માહિતીનો પ્રસાર કરવામાં આવે.

  • બજારો, મેળા, સામાજિક અને ધાર્મિક મેળવાડાઓ કે જે સુપર સ્પ્રેડર ઘટનાઓ બની શકે છે તેના પર ખાસ ધ્યાન આપવામાં આવે.

  • CABનું મહત્વ પણ રસીકરણ જેટલું જ છે તે બાબતે લોકજાગૃતિ વધારવામાં આવે અને રસીકરણ પછી પણ તેનું પાલન કરવું આવશ્યક છે તે અંગે લોકોને સમજાવવામાં આવે.

  • ‘દવા પણ, સખતાઇ પણ’નો સંદેશો મલ્ટી-મીડિયા અને બહુપક્ષીય પ્લેટફોર્મ દ્વારા વ્યાપક પ્રમાણમાં લોકોમાં ફેલાવવામાં આવે.

 

જે જિલ્લાઓમાં દૈનિક ધોરણે કોવિડના કેસોની મોટી સંખ્યા નોંધાઇ રહી હોય ત્યાં પ્રાથમિકતા વય સમૂહના લોકોમાં રસીકરણની સંખ્યા સર્વાધિક સ્તરે લઇ જવા માટે, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને નીચે દર્શાવ્યા અનુસાર સલાહ આપવામાં આવી છે:

 • પાત્રતા ધરાવતા આરોગ્ય સંભાળ કર્મચારીઓ, અગ્ર હરોળના કર્મચારીઓ અને પાત્રતા ધરાવતા વયજૂથના લોકોનું નિર્ધારિત સમયમાં 100% રસીકરણ કરવા માટે આયોજન કરવું.

 • કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સાથે સંકલનમાં રહેવું જેથી પૂરતા પ્રમાણમાં રસીના ડોઝ ઉપબલ્ધ કરાવી શકાય. એ બાબતે ભાર મૂકવામાં આવ્યો હતો કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીના ડોઝની કોઇ જ અછત નથી; કેન્દ્ર દ્વારા સતત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જરૂરિયાત અનુસાર જથ્થો ભરવામાં આવે.

 • જરૂરી ફરી-ફાળવણી માટે રાજ્ય સ્તરે દરેક કોલ્ડ ચેઇન પોઇન્ટ પર દૈનિક વપરાશની સમીક્ષા કરવામાં આવે.

કેબિનેટ સચિવે મુખ્ય સચિવોને ભારપૂર્વક કહ્યું હતું કે, તેઓ રાજ્ય પ્રશાસનને વધુ સક્રિય બનાવે અને તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે જેથી તાજેતરમાં કોવિડના કેસોની સંખ્યામાં થયેલી વૃદ્ધિને નિયંત્રણમાં લાવી શકાય. આજની બેઠક દરમિયાન “સંપૂર્ણ સરકાર”ના અભિગમ સાથે આરોગ્ય વિભાગ સિવાયના વિભાગો સુધી પ્રયાસો વિસ્તારિત કરવાની જરૂરિયાત પર ફરી ભાર મૂકવામાં આવ્યો હતો. એવું પણ ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્ર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર આરોગ્યના માપદંડો અને કોવિડ-19 સામે લડવા માટે તબીબી વ્યવસ્થાપન માટે અવિરત ધોરણે તમામ સંસાધનો પૂરા પાડવામાં આવશે અને સહકાર આપવાનું ચાલુ રાખવામાં આવશે.

 

 (Release ID: 1709250) Visitor Counter : 28