પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આઇઆઇએસએફ 2020માં પ્રારંભિક સંબોધન કર્યું
ભારત આંતરરાષ્ટ્રીય સ્તરના વૈજ્ઞાનિક ઉકેલ હાંસલ કરવા ડેટા, ડેમોગ્રાફી (વસ્તી), ડિમાન્ડ (માગ) અને ડેમોક્રેસી (લોકશાહી) ધરાવે છેઃ પ્રધાનમંત્રી
દેશના વિકાસ માટે વિજ્ઞાનને વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
ભારતીય પ્રતિભા અને ભારતમાં ઇનોવેશનમાં રોકાણ કરવા આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી
Posted On:
22 DEC 2020 5:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ (આઇઆઇએસએફ) 2020માં ઉદ્ઘાટન સમારંભમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ ઉપસ્થિત હતા.
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશનમાં સમૃદ્ધ વારસો ધરાવે છે. આપણા વૈજ્ઞાનિકોએ પથપ્રદર્શક સંશોધન કામગીરી કરી છે. આપણો ટેકનોલોજી ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સમસ્યાઓનું સમાધાન કરવામાં મોખરે છે. પણ ભારતીયો હજુ વધારે કામગીરી કરવા ઇચ્છે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આપણે ભૂતકાળ પર ગર્વ સાથે નજર કરીએ છીએ, પણ સાથે સાથે ઉજ્જવળ ભવિષ્ય ઝંખીએ છીએ.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા તમામ પ્રયાસોનો ઉદ્દેશ ભારતને વિજ્ઞાનના અભ્યાસ માટે સૌથી વિશ્વસનીય કેન્દ્ર બનાવવાનો છે. સાથે-સાથે આપણે આપણા વૈજ્ઞાનિક સમુદાય આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ પ્રતિભાઓ સાથે કામ કરે અને વિકાસ કરે એવું ઇચ્છીએ છીએ. આ લક્ષ્યાંક પાર પાડવા વિવિધ પગલાં હાથ ધરવામાં આવ્યા છે, જેમાંનું એક પગલું આ મહોત્સવનું આયોજન છે અને હેકેથોનમાં સહભાગી થવાનું છે, જે ભારતીય વૈજ્ઞાનિકોને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રતિભાઓ સાથે સહભાગી તક પૂરી પાડે છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓ વચ્ચે નાની ઉંમરથી વિજ્ઞાનપ્રવાહમાં રસ વધારવામાં મદદરૂપ થશે. તેમણે કહ્યું હતું કે, અત્યારે ધ્યાન રૂપરેખાથી પરિણામો પર, પાઠ્યપુસ્તકોમાંથી સંશોધન અને ઉપયોગિતા પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નવી નીતિ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષકો મોટી સંખ્યામાં ઊભા કરવા પ્રોત્સાહન આપશે. આ અભિગમ યુવા પેઢીમાં વૈજ્ઞાનિકો સંખ્યા વધારવામાં મદદરૂપ થશે. તેમણે ઉમેર્યું હતું કે, અટલ ઇનોવેશન મિશન અને અટલ ટિન્કરિંગ લેબ્સ આ નીતિ માટે પૂરક બનશે.
ગુણવત્તાયુક્ત સંશોધન માટે સરકાર દેશની શ્રેષ્ઠ પ્રતિભાઓને રસ અને પ્રતિભા અનુસાર સંશોધન હાથ ધરવા પ્રોત્સાહન આપવા પ્રાઇમ મિનિસ્ટર રિસર્ચ ફેલો સ્કીમ ચલાવે છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, આ યોજના ટોચની સંસ્થાઓમાં વૈજ્ઞાનિકોને મદદરૂપ છે.
પ્રધાનમંત્રીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના લાભ તમામને મળે એના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વિજ્ઞાન અને ટેકનોલોજી સંસાધનની ખેંચ અને એની અસર વચ્ચે સેતુરૂપ બને છે. આ સરકારને દરિદ્રનારાયણ સાથે જોડે છે. તેમણે ઉમેર્યુ હતું કે, ડિજિટલ ટેકનોલોજીમાં પ્રગતિ થવાની સાથે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરના હાઈ-ટેકનોલોજી પાવરના પરિવર્તન અને ક્રાંતિનું કેન્દ્ર બની ગયું છે.
આ આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણ, સ્વાસ્થ્ય, જોડાણ અને ગ્રામીણ સમાધાનો હાંસલ કરવા વર્તમાન ભારત ડેટા, વસ્તી અને માગ ધરાવે છે. તેમણે ભાર મૂક્યો હતો કે, આ ઉપરાંત ભારત લોકશાહી વ્યવસ્થા ધરાવતો દેશ છે, જે આ તમામ વચ્ચે સંતુલન જાળવે છે અને એનું રક્ષણ કરે છે. આ કારણે દુનિયા ભારત પર ભરોસો કરે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં પાણીની અછત, પ્રદૂષણ, જમીનની નબળી ગુણવત્તા, ખાદ્ય સુરક્ષા જેવા અનેક પડકારો છે, જે માટે આધુનિક વિજ્ઞાન સમાધાન ધરાવે છે. વિજ્ઞાન આપણા દરિયામાં જળ, ઊર્જા અને ખાદ્ય સંસાધનોની સુલભતા ઝડપથી ચકાસવામાં મોટી ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું હતું કે, આ માટે ભારત ડીપ ઓશન મિશન ચલાવે છે અને એને સફળતા પ્રાપ્ત થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, વિજ્ઞાનમાં નવી શોધોનો લાભ વેપારવાણિજ્ય અને વ્યવસાયોને મળી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અંતરિક્ષ ક્ષેત્રને હવે વધારે ઉદાર બનાવવામાં આવ્યું છે, એમાં સુધારા કરવામાં આવ્યાં છે, જેનો આશય આપણી યુવા પેઢી અન ખાનગી ક્ષેત્રને આકાશને આંબવા પ્રોત્સાહન આપવાની સાથે અંતરિક્ષમાં સંશોધન કરવા પ્રેરિત કરવાનો છે. તેમણે કહ્યું હતું કે, નવા ઉત્પાદન સાથે જોડાણ ધરાવતી પ્રોત્સાહન યોજના પણ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંબંધિત ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રકારના પગલાથી વૈજ્ઞાનિક સમુદાયને પ્રોત્સાહન મળશે, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંબંધિત ઇકોસિસ્ટમ વધારે સારી બનશે અને ઇનોવેશન માટે વધારે સંસાધનો પેદા થશે તેમજ વિજ્ઞાન અને ઉદ્યોગ વચ્ચે ભાગીદારીને નવી દિશા મળશે. તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે, આ ફેસ્ટિવલ વિજ્ઞાન અને ઉદ્યોગ વચ્ચે સંકલન અને જોડાણના જુસ્સાને નવા પરિમાણો આપશે, કારણ કે નવા જોડાણો નવા વિકલ્પો તરફ દોરી જશે.
પ્રધાનમંત્રીએ આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે વિજ્ઞાન કોવિડ રોગચાળા માટે રસી બનાવવાના મોટા પડકારનો સામનો કરી રહ્યું છે. પણ આ કામચલાઉ પડકાર છે. વિજ્ઞાન માટે લાંબા ગાળાનો પડકાર છે – ઉચ્ચ પ્રતિભા ધરાવતા યુવાનોને આકર્ષવા અને તેમને જાળવી રાખવા. તેમણે ટેકનોલોજી અને એન્જિનીયરિંગ ક્ષેત્રો તરફ યુવા પેઢીના આકર્ષણ પર ધ્યાન ખેંચ્યું હતું તેમજ દેશના વિકાસ માટે વિજ્ઞાનને વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે જે વિજ્ઞાન નામે ઓળખાય છે, એ ભવિષ્યની ટેકનોલોજી બનશે અને પછી ઇજનેરી સમાધાન બનશે. તેમણે જણાવ્યું હતું કે, આપણા વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રતિભાસંપન્ન લોકોને આકર્ષિત કરવા માટે સરકારે વિવિધ સ્તરે શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે. પણ વૈજ્ઞાનિક સમુદાયની અંદરથી મોટા પાયે લોકોને પ્રોત્સાહન આપવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, ચંદ્રાયાન અભિયાનને લઈને દેશમાં આતુરતા પેદા થઈ હતી, જેણે આપણી યુવા પેઢીને વિજ્ઞાનમાં નવેસરથી રસ લેતી કરી છે.
પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતીય પ્રતિભામાં અને ભારતમાં ઇનોવેશનમાં રોકાણ કરવાની અપીલ કરી હતી. તેમણે આ ફેસ્ટિવલમાં સામેલ થયેલા લોકોને જણાવ્યું હતું કે, ભારત પ્રતિભાસંપન્ન લોકો ધરાવે છે તથા ઉદારતા અને પારદર્શક વ્યવસ્થા ધરાવે છે. ભારત સરકાર કોઈ પણ પડકાર ઝીલવા તૈયાર છે અને અહીં સંશોધન માટેનું વાતાવરણ સુધારવા સજ્જ છે. તેમણે જણાવ્યું હતું કે, વિજ્ઞાન વ્યક્તિની અંદર રહેલી શ્રેષ્ઠ ક્ષમતાને બહાર લાવે છે અને વિશિષ્ટ ક્ષમતાનો ઉપયોગ કરે છે. તેમણે કોરોના સામેની લડાઈમાં ભારતને અગ્રેસર અને શ્રેષ્ઠ સ્થિતિમાં રાખવા બદલ આપણા વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી.
SD/GP/BT
(Release ID: 1682806)
Visitor Counter : 307
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam