પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત-જાપાન સંવાદ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીનો સંદેશ
Posted On:
21 DEC 2020 10:01AM by PIB Ahmedabad
પ્રિય મિત્રો,
છઠ્ઠી ભારત-જાપાન સંવાદ કોન્ફરન્સને સંબોધિત કરતાં હું સન્માનની લાગણી અનુભવુ છું.
પાંચ વર્ષ પહેલાં અમે પૂર્વ પ્રધાનમંત્રી શીન્જો આબે સાથે કોન્ફરન્સ શ્રેણીનો પ્રારંભ કર્યો હતો. તે પછી સંવાદ નવી દિલ્હીથી ટોકયોના પ્રવાસે ગયો. યાનગોનથી ઉલ્લાનબાતાર ગયો, આ મજલમાં, તે મૂળભૂત ઉદ્દેશો મુજબનો જ રહ્યો છે. તેનો ઉદ્દેશ સંવાદ અને ચર્ચાને પ્રોત્સાહન આપવાનો છે. આપણા વચ્ચે લોકશાહી, માનવતાવાદ, અહિંસા, સ્વતંત્રતા અને સહિષ્ણુતા જેવાં સહીયારાં મૂલ્યોની વહેચણી કરવા ઉપર ભાર મુકવાનો અને આપણી પ્રાચીન આધ્યાત્મિક પરંપરા અને વિદ્વતાપૂર્ણ આદાન પ્રદાનને આગળ ધપાવવાનો રહ્યો છે. હું સંવાદને તેમના સતત સહયોગ બદલ જાપાન સરકારનો આભાર માનુ છું.
મિત્રો,
આ મંચ ભગવાન બુધ્ધના વિચારો અને આદર્શોનો અને ખાસ કરીને યુવા સમુદાયમાં તેનો પ્રચાર કરવા માટેનું ખાત્રીપૂર્વકનું મોટુ માધ્યમ બની રહ્યું છે. ઐતિહાસિક રીતે વાત કરીએ તો ભગવાન બુધ્ધના સંદેશનો પ્રકાશ ભારતમાંથી દુનિયાના અનેક દેશમાં ફેલાયો હતો. આમ છતાં આ પ્રકાશ સ્થિર રહ્યો ન હતો. તે દરેક નવા સ્થાને પહોંચતો રહ્યો હતો. વિતેલી સદીઓ દરમિયાન બૌધ્ધ વિચારો આગળ ધપતા રહ્યા હતા, કારણ કે બૌધ્ધ વિચારધારા અને સાહિત્યનો આ મહાન ખજાનો વર્તમાન સમયમાં ઘણા અલગ અલગ દેશના મઠ અને ભાષામાં જોવા મળે છે.
આ લખાણનું માળખુ સમગ્ર માનવ જાત માટે એક ખજાના સમાન છે. વર્તમાન સમયમાં હું એવી દરખાસ્ત કરવા સૂચવુ છું કે આવા તમામ પરંપરાગત બૌધ્ધ સાહિત્ય અને ધાર્મિક ગંર્થોના ગ્રથાલયનું નિર્માણ કરવુ જોઈએ અને તેને અનેક દેશ અને ભાષાના મઠમાં ઉપલબ્ધ બનાવવુ જોઈએ. અમે ભારતમાં આ પ્રકારની સુવિધા પૂરી પાડવા તૈયાર છીએ અને અમે તે માટે યોગ્ય સ્ત્રોતો પૂરા પાડીશું. આ ગ્રંથાલય આવા તમામ બૌધ્ધ સાહિત્યની ડિજિટલ નકલો વિવિધ દેશમાંથી એકત્ર કરશે. તેનું ભાષાંતર કરવાનો અને તે તમામ બૌધ્ધ સાધુઓને અને વિદ્વાનોને મુકતપણે ઉપલ્બધ કરવાનો આશય છે. આ ગ્રંથાલય માત્ર સાહિત્યનું સંગ્રહ સ્થળ બની રહેશે નહીં.
તે સંશોધન અને સંવાદનો એક મંચ બની રહેશે અને માનવ જાત માટે, વિવિધ સમાજ વચ્ચે તથા માનવ અને પ્રકૃતિ વચ્ચે સાચો સંવાદ બની રહેશે. તેના સંશોધનના બોધમાં એ તપાસવામાં આવશે કે બુધ્ધનો સંદેશો વર્તમાન સમયના ગરીબી, વંશવાદ, આત્યંતિકવાદ, જાતિય ભેદભાવ, જળવાયુ પરિવર્તનની સમસ્યાઓ તથા તેના જેવા અન્ય પડકારો વચ્ચે આપણી માનવ જાતને માર્ગદર્શન પૂરૂ પાડશે.
મિત્રો,
આશરે 3 સપ્તાહ પહેલાં, હું સારનાથ ખાતે હતો, સારનાથ એ એવુ સ્થળ છે કે જ્યાં ભગવાન બુધ્ધે જ્ઞાન પ્રાપ્તિ પછી તેમનું પ્રથમ ધાર્મિક પ્રવચન આપ્યુ હતું. આ જ્યોતિ પૂંજનો સારનાથમાં ઉદભવ થયો છે અને કરૂણા, ઉદારતા અને આ બધા ઉપરાંત સમગ્ર માનવ કલ્યાણનાં મૂલ્યોને દુનિયાભરમાં પ્રસરાવ્યાં છે અને નમ્ર ભાવે તથા શાંતિપૂર્ણ રીતે તેણે માનવ જાતનો ઈતિહાસ બદલ્યો છે. સારનાથ એ એવી જગ્યા છે કે જ્યાં ભગવાન બુધ્ધે ધમ્મના વિચારની વિગતે વાત કરી હતી. તેમના માટે ધમ્મ એ પ્રાર્થના અને ધાર્મિક તહેવારો કરતાં પણ વધુ અને સાથી માનવો સાથેના તેમના સંબંધો કરતાં પણ વિશેષ હતો. આ રીતે અન્યના જીવનમાં હકારાત્મક પરિબળ બનવુ તે ખૂબ જ મહત્વનું છે. સંવાદ એવો હોવો જોઈએ કે જેના પ્રસારની હાલમાં અત્યંત જરૂર છે ત્યારે આવી હકારાત્મકતાની ભાવના પ્રસરાવી શકે.
મિત્રો
નવા દાયકાનો આ પ્રથમ સંવાદ છે. તે માનવ ઈતિહાસની અત્યંત મહત્વની શ્રેણીમાં થઈ રહ્યો છે. વર્તમાન સમયનાં આપણાં કાર્યો આવનારા સમયની ચર્ચાઓને આકાર આપશે. આ દાયકો અને તેથી આગળનો સમય એવા લોકોનો રહેશે કે જે ભણતર અને ઈનોવેશનને એક સાથે વિશેષ મહત્વ આપતા હોય. તે એવો સમય હશે કે જેમાં યુવા અને તેજસ્વી માનસનું સંવર્ધન કરાતુ હશે અને તે આવનારા સમયમાં માનવજાતનાં મૂલ્યોમાં ઉમેરો કરનાર બની રહેશે. ભણતર એવું હોવું જોઈએ કે જે ઈનોવેશનને આગળ ધપાવે. આખરે તો ઈનોવેશન એ માનવ સશક્તિકરણ તરફનો પડાવ છે.
એ સમાજો કે જે ખુલ્લુ મન, લોકશાહી તેમજ પારદર્શકતા ધરાવતા હશે, તે ઈનોવેશન કરવા માટે ખૂબ જ લાયક બની રહેશે. આથી હવે એ સમય છે કે આપણે જેને ઈનોવેશન તરીકે ઓળખીએ છીએ અથવા તો આપણે જેને વિકાસ કહીએ છીએ તેમાં સમૂળગુ પરિવર્તન લાવી શકશે. ફલક મોટું હોવું જોઈએ અને એજન્ડા વ્યાપક હોવો જોઈએ. વિકાસની તરાહમાં માનવ કેન્દ્રિત અભિગમ અનુસરાવો જોઈએ અને આપણી આસપાસમાં સંવાદિતા રહેવી જોઈએ.
મિત્રો,
અહીં એ ઉલ્લેખ કરવા ખૂબ જ યોગ્ય ગણાશે કે :
यमक वग्गो धम्मपद:
न हि वेरेन वेरानि, सम्मन्तीध कुदाचं।
अवेरेन च सम्मन्ति, एस धम्मो सनन्तनो॥
શત્રુતાથી ક્યારેય શાંતિ હાંસલ કરી શકાશે નહીં. ભૂતકાળના સમયમાં માનવજાતે સહયોગના બદલે સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો હતો. સામ્રાજ્યવાદથી આગળ વધી વિશ્વ યુધ્ધો પસંદ કર્યાં હતાં. શસ્ત્રો માટેની દોડથી આગળ વધી અવકાશ દોડ પસંદ કરી હતી. આપણે સંવાદ તો કરતા હતા પણ તેનો ઉપયોગ અન્યને નીચો દર્શાવવા માટે કરવામાં આવતો હતો. આપણે હવે એક સાથે ઉત્કર્ષ કરવાનો સમય પાકી ગયો છે. ભગવાન બુધ્ધનો ઉપદેશ ચર્ચાને શત્રુતામાંથી સશક્તિકરણમાં ફેરવવાનો બોધ આપે છે. તેમનો ઉપદેશ આપણને ઉદાર હૃદય ધરાવતા બનાવે છે. તે આપણને કહે છે કે : ભૂતકાળમાંથી શીખો અને બહેતર ભવિષ્ય માટે કામ કરો. આપણે આ રીતે આપણી ભાવિ પેઢીની બહેતર સેવા કરી શકીએ તેમ છીએ.
મિત્રો,
સંવાદનો સાર એકતા છે. સંવાદને આપણામાંના શ્રેષ્ઠ તત્વો બહાર લાવવા દો. પ્રાચીન મૂલ્યોમાંથી કશુંક મેળવવાનો અને આવનારા સમય માટે સજજ થવાનો આ સમય છે. આપણે માનવતાવાદને આપણી નીતિઓના કેન્દ્રમાં રાખવો જોઈએ. આપણે કુદરત સાથે સંવાદી સહઅસ્તિત્વ ઉભુ કરી તેને આપણા અસ્તિત્વનો મુખ્ય સ્થંભ બનાવવાનો છે. સંવાદ એ આપણી જાત સાથેનો સંવાદ છે, સાથી માનવો સાથેનો સંવાદ છે અને કુદરત સાથેનો સંવાદ છે. જે આપણા આ માર્ગને ઉજાળી શકે તેમ છે. આ મહત્વના સમારંભના આયોજન બદલ હું આયોજકોને અભિનંદન પાઠવુ છું અને તેમને તેમની તમામ ચર્ચાઓમાં સફળતા માટે શુભેચ્છા પાઠવુ છું.
આપનો આભાર.
SD/GP/BT
(Release ID: 1682349)
Visitor Counter : 280
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam