પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગુજરાતના કચ્છમાં મુખ્ય પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો


કોઈ પણ વ્યક્તિએ બદલાતા સ્થિતિસંજોગો અનુસાર બદલાવું પડે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ પદ્ધતિઓને અપનાવવી પડશેઃ પ્રધાનમંત્રી

અમે ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ અને અમે ખેડૂતોને તેમની સમસ્યાઓનું સમાધાન કરવાની ખાતરી આપીએ છીએઃ પ્રધાનમંત્રી

કચ્છે અત્યાધુનિક ટેકનોલોજી અને અદ્યતન અર્થતંત્ર એમ બંનેમાં મોટી હરણફાળ ભરી છેઃ પ્રધાનમંત્રી

Posted On: 15 DEC 2020 3:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના કચ્છમાં વિવિધ વિકાસલક્ષી મુખ્ય પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજનાઓમાં એક ડિસેલિનેશન પ્લાન્ટ, એક હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક અને એક સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટ સામેલ છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિએ સ્થિતિસંજોગો સાથે બદલાવું પડે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવી પડે છે. તેમણે આ સંબંધમાં કચ્છના ખેડૂતોની પ્રશંસા કરી હતી, કારણ કે તેઓ હવે વિદેશમાં ફળફળાદિની નિકાસ કરે છે. તેમણે કહ્યું હતું કે, આ આપણા ખેડૂતોના નવીન ઉત્સાહનો સંકેત છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં બે દાયકા કરતા વધારે સમયથી સરકારના ઓછામાં ઓછા હસ્તક્ષેપને કારણે કૃષિ, ડેરી અને મત્સ્યપાલન ક્ષેત્રો ફાલ્યાંફૂલ્યાં છે. ગુજરાતે ખેડૂતો અને સહકારી ક્ષેત્રને સક્ષમ બનાવ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં સુધારાને પગલે ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવ્યાં છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રમાં જે સુધારા કર્યા છે એ ખેડૂત સંગઠનો અને વિરોધી પક્ષો વર્ષોથી ઇચ્છતાં હતાં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સરકાર ખેડૂતોના કલ્યાણ માટે હંમેશા પ્રતિબદ્ધ રહી છે અને અમે ખેડૂતોને ખાતરી આપીએ છીએ કે, તેમની ચિંતાઓ દૂર કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે કચ્છ જિલ્લાએ અત્યાધુનિક ટેકનોલોજી અને નવા યુગના અર્થતંત્રમાં મોટી હરણફાળ ભરી છે. કચ્છના ખરેરામાં પુનઃપ્રાપ્ય ઊર્જા પાર્ક માટે શિલાન્યાસ કર્યો હતો. તેમણે માંડવીમાં એક ડિસેલિનેશન પ્લાન્ટ અને અંજારમાં સરહદ ડેરીમાં નવા ઓટોમેટિક પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો, જેનો ઉદ્દેશ કચ્છના વિકાસની સફરમાં નવા સીમાચિહ્નો સર કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ તમામ પ્રોજેક્ટ આ વિસ્તારની જનજાતિ, ખેડૂતો, પશુપાલકો, માલધારીઓ એમ તમામ સમુદાય માટે લાભદાયક પુરવાર થશે. તેમણે કહ્યું હતું કે, દેશમાં સૌથી વધુ ઝડપથી વિકસતા વિસ્તારોમાં કચ્છ સામેલ છે. અહીં દરરોજ જોડાણમાં સુધારો થઈ રહ્યો છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એ સમયને યાદ કર્યો હતો, જ્યારે ગુજરાતના લોકો રાત્રી ભોજનના સમય દરમિયાન વીજળીની સરળ માંગ ધરાવતા હતા. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે સ્થિતિસંજોગોમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે. ગુજરાતમાં આજની યુવા પેઢી અગાઉના દિવસોની પ્રતિકૂળતાઓથી પણ વાકેફ નથી. પ્રધાનમંત્રીએ અન્ય એક બાબતને યાદ કરતાં જણાવ્યું હતું કે, કચ્છમાં વસ્તી સામાન્ય રીતે નકારાત્મક વૃદ્ધિથી ટેવાઈ ગઈ હતી. અહીંથી મોટા પાયે વસ્તીનું સ્થળાંતરણ થતું હતું. પણ હવે આ પ્રક્રિયા અટકી ગઈ છે. લોકોને કચ્છ છોડીને બહાર જવાની ફરજ પડતી નથી. અત્યારે બહાર વસી ગયેલા લોકો કચ્છમાં પોતાના વતનમાં પરત ફરી રહ્યાં છે. તેમણે કચ્છમાં વર્ષ 2001માં આવેલા પ્રચંડ ધરતીકંપ પછી ચાર ગણા વિકાસ પર અભ્યાસ કરવા સંશોધકો અને યુનિવર્સિટીઓને અપીલ કરી હતી.

તેમણે ગુજરાત સરકારની ગત 12 વર્ષ દરમિયાન ખેડૂતોને અનુકૂળ અનેક યોજનાઓ પ્રસ્તુત કરવા માટે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, સૌર ઊર્જાની ક્ષમતાને વધારવા ગુજરાતે પથપ્રદર્શક કામગીરી કરી છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ઊર્જા સુરક્ષા અને જળસુરક્ષા 21મી સદીની આવશ્યકતા છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે તેઓ નર્મદા નદીનું પાણી કચ્છની પાણીની ખેંચની સમસ્યાનું સમાધાન કરશે એવી વાત કરતાં હતાં, ત્યારે લોકો હાંસી ઉડાવતા હતા. અત્યારે નર્મદાના નીર કચ્છ સુધી પહોંચી ગયાં છે અને કચ્છ પ્રગતિના પંથે અગ્રેસર છે.

 

SD/GP/BT



(Release ID: 1680791) Visitor Counter : 264