પ્રધાનમંત્રીનું કાર્યાલય

FICCIની 93મી વાર્ષિક સામાન્ય સભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 12 DEC 2020 2:12PM by PIB Ahmedabad

નમસ્કાર !

FICCI પ્રેસીડેન્ટ સંગીતા રેડ્ડીજી, સેક્રેટરી જનરલ દિલીપ ચિનોયજી, ભારતના ઉદ્યોગ જગતના સાથીઓ, દેવીઓ અને સજ્જનો,

આપણે લોકોએ 20-20ની મેચમાં ઝડપથી ઘણું બધુ બદલાતું જોયુ છે, પરંતુ આ વર્ષે 20-20ના વર્ષે તમામ લોકોને માત આપી દીધી છે. દેશ એટલા ચઢાવ ઉતારમાંથી પસાર થયો છે કે થોડાં વર્ષ પછી આપણે જ્યારે કોરોના કાળને યાદ કરીશું ત્યારે કદાચ વિશ્વાસ પણ નહીં બેસે. અને તેનાથી પણ સારી બાબત એ રહી છે કે જેટલી ઝડપથી હાલત બગડી, તેટલી જ ઝડપ સાથે સુધરી પણ રહી છે. ફેબ્રુઆરી-માર્ચમાં જ્યારે મહામારીનો આ દોર શરૂ થયો હતો ત્યારે આપણે એક અજાણ્યા દુશ્મન સાથે લડી રહ્યા હતા. ઘણી બધી અનિશ્ચિતતાઓ હતી. ઉત્પાદન હોય કે લોજીસ્ટીક્સ હોય કે પછી અર્થતંત્રને પુનઃ ગતિશીલ કરવાની વાત હોય, એવી અનેક બાબતો હતી કે ક્યાં સુધી આવુ ચાલશે. દરેક વ્યક્તિના મનમાં એક જ સવાલ હતો કે આ બધું ક્યારે ઠીક થશે. આ બધા સવાલો, પડકારો અને ચિંતાઓમાં દુનિયાનો દરેક માનવી ફસાયેલો પડયો હતો, પરંતુ આજે ડિસેમ્બર આવતાં જ આ હાલત ઘણી બદલાયેલી જણાય છે. આપણી પાસે જવાબ પણ છે અને રોડ મેપ પણ છે. આજે અર્થતંત્રના જે નિર્દેશકો છે તે પણ ઉત્સાહ વધારે તેવા છે, જોમ વધારે તેવાં છે સંકટના સમય દરમિયાન દેશને જે શિખવા મળ્યું છે તેનાથી ભવિષ્યના સંકલ્પો વધુ દ્રઢ થયા છે. આ બધાનો ખૂબ મોટો શ્રેય ભારતના ઉદ્યોગસાહસિકોને જાય છે, ભારતની યુવા પેઢીને જાય છે. તમામ શ્રમિકો અને તમામ દેશવાસીઓને જાય છે.

સાથીઓ,

હંમેશાં વૈશ્વિક મહામારી સાથે એક ઈતિહાસ, એક શિખામણ જોડાયેલી છે. જે દેશ આવી મહામારીના કાળમાં પોતાના વધુને વધુ નાગરિકોને બચાવી શકે છે, એ દેશની બાકીની તમામ વ્યવસ્થાઓ, અથડાઈ (રિબાઉન્ડ થવાની) ને ઝડપથી પાછા વળવાની તાકાત રાખતી હોય છે. આ મહામારીના સમયમાં ભારતે તેના નાગરિકોના જીવનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. વધુને વધુ લોકોના જીવ બચાવ્યા અને એનું પરિણામ આજે દેશ જોઈ રહ્યો છે. ભારતે જે રીતે વિતેલા થોડાક જ મહિનામાં સંગઠીત થઈને જે કામ કર્યુ છે, નીતિઓ બનાવી છે, નિર્ણય લીધા છે, સ્થિતિઓ સંભાળી છે, તે બાબતે પૂરી દુનિયાને અચરજમાં મૂકી દીધી છે. વિતેલા 6 વર્ષમાં દુનિયાને ભારત માટે જે વિશ્વાસ બંધાયો હતો તે વિતેલા મહિનાઓમાં મજબૂત થયો છે. સીધું વિદેશી મૂડીરોકાણ હોય કે ફોરેન પોર્ટફોલિયો ઈનવેસ્ટર્સ હોય, વિદેશી રોકાણકારોએ ભારતમાં વિક્રમ મૂડી રોકાણ કર્યુ છે અને નિરંતર રોકાણ થઈ રહ્યુ છે.

સાથીઓ,

આજે દેશનો દરેક નાગરિક, આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવા માટે કટિબધ્ધ છે. લોકલ માટે વોકલ થઈને કામ કરી રહ્યો છે. આ એક જીવંત ઉદાહરણ છે કે દેશને પોતાના ખાનગી ક્ષેત્રના સામર્થ્ય ઉપર કેટલો વિશ્વાસ છે. ભારતનું ખાનગી ક્ષેત્ર આપણી સ્થાનિક જરૂરિયાતો તો પૂરી કરે જ છે, પણ વૈશ્વિક સ્તરે પણ મજબૂતી સાથે પોતાની ઓળખને સ્થાપિત કરી રહ્યુ છે.

સાથીઓ,

આત્મનિર્ભર ભારત અભિયાન એ ભારતમાં ગુણવત્તા ધરાવતી પ્રોડકટસ બનાવવામાં અને ભારતના ઉદ્યોગોને વધુ સ્પર્ધાત્મક બનાવવાનું પણ માધ્યમ છે. વર્ષ 2014માં મને પ્રથમ વખત જ્યારે લાલ કિલ્લા ઉપરથી બોલવાની તક મળી હતી ત્યારે મેં એક વાત કરી હતી કે આપણું લક્ષ્ય જીરો ડિફેકટ, જીરો ઈફેકટ રહેવી જોઈએ.

સાથીઓ,

આપણો એ અનુભવ રહ્યો છે કે અગાઉના સમયમાં નીતિઓએ અનેક ક્ષેત્રમાં બિનકાર્યક્ષમતાને સંરક્ષણ પૂરૂ પાડ્યું હતું અને નવા પ્રયોગો કરતાં પણ રોક્યા છે. જ્યારે આત્મનિર્ભર ભારત અભિયાનમાં દરેક ક્ષેત્રમાં કાર્યક્ષમતાને પ્રોત્સાહિત કરવામાં આવે છે. એવાં ક્ષેત્રો છે કે જેમાં ભારતને લાંબા ગાળે તુલનાત્મક લાભ છે, તેમાં સનરાઈઝ અને ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને ઉર્જા પૂરી પાડવા બાબતે વધુ ઝોક દાખવવામાં આવી રહ્યો છે. આપણે ઈચ્છીએ છીએ કે આપણા નાના ઉદ્યોગો પણ ભવિષ્યમાં મજબૂત અને સ્વતંત્ર બને. એટલા માટે તમે જોયું હશે કે વધુ એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યુ છે. દેશમાં ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના એવા ક્ષેત્રો માટે છે કે જેમાં ભારત વિશ્વ સ્તરે ચેમ્પિયન બનવાની ક્ષમતા ધરાવે છે, જે સારો દેખાવ કરશે, જે સારી કાર્યક્ષમતા સાથે કામ કરશે, અને પ્રોત્સાહન લાભ મેળવવા માટે પણ હકદાર રહેશે.

સાથીઓ,

જીવન હોય કે શાસન, આપણને એક વિરોધાભાસ ઘણી વાર જોવા મળતો હોય છે. જે આત્મવિશ્વાસ ધરાવે છે તે બીજા લોકોને જગા કરી આપવામાં ખંચકાટ અનુભવતો નથી. જે અસુરક્ષિત છે તે આસપાસના લોકોને તક આપવાથી ડરતો હોય છે. ઘણી વાર સરકારો માટે પણ આવું બનતું હોય છે. જનતા જનાર્દનના ભારે સમર્થન અને વિશ્વાસથી બનેલી સરકારને તેનો ખુદનો આત્મવિશ્વાસ હોય છે, એને સમર્પણ ભાવ પણ હોય છે, અને એટલે જ તો સૌના સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસની ભાવનાને ચરિતાર્થ કરવા માટે સરકાર તમામ તાકાત ખર્ચીને મચેલી રહેવામાં વ્યસ્ત છે. સરકાર જેટલી નિર્ણાયક હોય છે તે બીજાને માટે અવરોધો પણ ઓછા ઉભા કરતી હોય છે. એક નિર્ણાયક સરકારની હંમેશાં એવી કોશિશ રહેતી હોય છે કે તે સમાજ માટે, રાષ્ટ્ર માટે વધુને વધુ પ્રમાણમાં યોગદાન આપે, બધાને સંગઠીત રાખે. એક નિર્ણાયક અને આત્મવિશ્વાસથી ભરેલી સરકાર એવું ઈચ્છતી નથી હોતી કે તમામ નિયંત્રણો તેની પાસે રહે. બીજાને કશું કરવા જ ના દે. અગાઉના સમયની સરકારોના તમે સાક્ષી પણ છો. દેશ તેમનો શિકાર પણ બન્યો છે. એ વિચારધારા કેવી હતી, બધુ કામ સરકાર જ કરશે. ઘડીયાળ બનાવાની હોય તો તે પણ સરકાર જ બનાવતી હતી, સ્કૂટર બનાવવાનું હોય તો તે પણ સરકાર જ બનાવતી હતી. ટીવી બનાવવો હોય તો તે પણ સરકાર જ બનાવતી હતી અને તે પણ એટલી હદ સુધી કે બ્રેડ અને કેક પણ સરકાર જ બનાવતી હતી. આપણે જોયું છે કે આ અભિગમને કારણે કેવી દુર્દશા પેદા થઈ છે. તેનાથી અલગ એક નિર્ણાયક અને દૂરદર્શી સરકાર, દરેક સહયોગીને પ્રોત્સાહિત કરતી રહે છે કે જેથી તે પોતાની ક્ષમતાઓનો પૂરો ઉપયોગ કરી શકે.

સાથીઓ,

વિતેલા 6 વર્ષોમાં ભારતે પણ એવી સરકારો જોઈ છે કે જે માત્રને માત્ર 130 કરોડ દેશવાસીઓનાં સપનાંને સમર્પિત છે. જે દરેક સ્તરે દેશવાસીઓને આગળ લાવવા માટેનું કામ કરી રહી છે. ભારતમાં હાલમાં દરેક ક્ષેત્રમાં દરેક સહયોગીની ભાગીદારી વધારવા માટે કામ કરવામાં આવી રહ્યુ છે. આવી વિચારધારા સાથે મેન્યુફેકચરીંગથી માંડીને નાના, મધ્યમ અને માઈક્રો ક્ષેત્રનાં એકમો સુધી, ખેતીથી માંડીને માળખાગત સુવિધાના ક્ષેત્ર સુધી, ટેકનિકલ ઉદ્યોગોથી માંડીને કરવેરા સુધી, રિયલ એસ્ટેટથી માંડીને નિયમન તંત્ર આસાન બનાવવા માટે ચારે તરફ સુધારા કરવામાં આવી રહ્યા છે. આજે ભારતમાં કોર્પોરેટ વેરો દુનિયામાં સૌથી વધુ સ્પર્ધાત્મક છે. આજે ભારતનો દુનિયાના એવા થોડા દેશોમાં સમાવેશ થાય છે કે જયાં ફેસલેસ એસેસમેન્ટ અને ફેસલેસ અપીલની સુવિધા છે. ઈન્સપેકટર રાજ અને ટેક્સ ટેરરિઝમને પાછળ છોડીને ભારત પોતાના દેશના ઉદ્યોગોના સામર્થ્ય પર ભરોંસો મૂકીને આગળ ધપી રહ્યુ છે. ખાણ ક્ષેત્ર હોય કે સંરક્ષણ ક્ષેત્ર હોય, મોટાભાગનાં ક્ષેત્રોને મૂડીરોકાણ માટે, ભારતીય પ્રતિભાઓ અને સ્પર્ધા માટે આજે અવસરોની, એક રીતે કહીએ અગણીત અવસરોની પરંપરા ઉભી કરવામાં આવી છે. દેશમાં લોજીસ્ટીક્સને સ્પર્ધાત્મક બનાવવા માટે, મલ્ટીમોડેલ કનેક્ટિવીટી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યુ છે.

સાથીઓ,

એક ધબકતા અર્થતંત્રમાં જ્યારે કોઈ સેકટરમાં વૃધ્ધિ થાય છે ત્યારે તેનો સીધો પ્રભાવ અન્ય ક્ષેત્રો ઉપર પણ પડતો હોય છે, પરંતુ તમે કલ્પના કરી શકો છો કે જો કોઈ એક ઉદ્યોગ અને બીજા ઉદ્યોગની વચ્ચે બિન જરૂરી દિવાલ ઉભી કરવામાં આવે તો શું થઈ શકે. કોઈ ઉદ્યોગ તેનામાં તાકાત હોય તે પ્રમાણે ઝડપથી વૃધ્ધિ કરી શકશે નહીં. તેણે જેટલો વિકાસ કરવો જોઈએ તેટલો કરી શકશે નહીં. એક ઉદ્યોગ કોઈપણ રીતે જો વૃધ્ધિ પામશે તો તેનો પ્રભાવ બીજા ક્ષેત્રો પર નહીં છોડે. અલગ અલગ ક્ષેત્રોમાં આવી દિવાલોને કારણે દેશની અર્થ વ્યવસ્થાને ઘણું જ નુકશાન થયું છે. સામાન્ય માનવીને પણ નુકશાન થયું છે. હવે દેશમાં સુધારા થઈ રહ્યા છે. આ દિવાલોને હટાવવા માટે કામ થઈ રહ્યું છે. હજુ હમણાં જ ખેત સુધારા કરવામાં આવ્યા છે તે તેની એક કડી છે. કૃષિ ક્ષેત્ર અને તેની સાથે જોડાયેલા અન્ય ક્ષેત્રો, પછી ભલેને તે ખેતી માટેની માળખાગત સુવિધાઓનું ક્ષેત્ર હોય, ફૂડ પ્રોસેસીંગ હોય, સંગ્રહની કામગીરી હોય, કોલ્ડચેઈન હોય, આ બધાં વચ્ચે અગાઉ પણ આવી જ દિવાલો જોવા મળી હતી. હવે આ દિવાલો દૂર કરવામાં આવી છે. તમામ અવરોધો દૂર કરી દેવામાં આવ્યા છે. આ દિવાલો દૂર થયા પછી આ સુધારાઓ થયા પછી ખેડૂતોને નવું બજાર મળશે, નવા વિકલ્પ મળશે. તેમને ટેકનોલોજીનો પણ લાભ મળશે. દેશમાં કોલ્ડ સ્ટોરેજની માળખાગત સુવિધાઓ આધુનિક બનશે અને આ બધાને કારણે કૃષિ ક્ષેત્રમાં વધુ મૂડી રોકાણ થશે. આ બધાંનો સૌથી વધુ ફાયદો જો કોઈને થવાનો હોય તો તે મારા દેશના ખેડૂતોને થવાનો છે. જમીનના નાના નાના ટૂકડાઓને આધાર જે પોતાની જીંદગી વ્યતીત કરે છે તે ખેડૂતનું ભલુ થવાનું છે. આપણાં દેશની વ્યવસ્થાના અલગ અલગ ક્ષેત્રોમાં દિવાલો નહીં, વધુને વધુ બ્રીજ હોવા જોઈએ કે જેથી એક બીજાને ટેકો કરી શકે.

સાથીઓ,

વિતેલા વર્ષોમાં આ બધી દિવાલોને તોડવા માટે જે રીતે આયોજીત અને સુસંકલિત અભિગમ સાથે સુધારા કરવામાં આવ્યા છે તેનું એક બહેતર ઉદાહરણ દેશના કરોડો લોકોની નાણાંકિય સમાવેશિતા છે. હવે આપણે બેંકોથી અળગા રહેવાના બદલે અત્યંત સમાવેશી દેશો સાથે સામેલ થઈ ગયા છીએ અને તમે પણ આ વાતના સાક્ષી રહ્યા છો કે તમામ અવરોધોને દૂર કરતાં કરતાં ભારતમાં જે રીતે આધારને બંધારણીય સંરક્ષણ પૂરૂં પાડવામાં આવ્યું તેના કારણે બેંકોની સુવિધા વગરના લોકોને બેંકો સાથે જોડી દેવામાં આવ્યા છે. સસ્તો મોબાઈલ ડેટા અને સસ્તા ફોન ઉપલબ્ધ કરીને ગરીબમાં ગરીબ વ્યક્તિને જોડવામાં આવ્યો છે. તે પછી જનધન ખાતા, આધાર અને મોબાઈલ (JAM) ની ત્રિપૂટીનું નિર્માણ થયું છે.

સાથીઓ,

આજે દેશમાં સૌથી મોટી ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર (ડીબીટી) સિસ્ટમ કામ કરી રહી છે. ડીબીટી દેશમાં કામ કરી રહી છે. હજી થોડાંક સમય પહેલાં આંતરરાષ્ટ્રીય જનરલના એક અહેવાલ અંગે તમે સાંભળ્યું હશે કે તેમાં ભારતમાં ઉભી કરવામાં આવેલી આ વ્યવસ્થાની ભારોભાર પ્રશંસા કરવામાં આવી હતી. કોરોનાના સમયમાં જ્યારે અનેક દેશોને પોતાના નાગરિકો સુધી સીધા પૈસા પહોંચાડવામાં અવરોધ નડી રહ્યા હતા ત્યારે તે ચેક અને ટપાલ વિભાગ પર આધાર રાખતા હતા. ભારતમાં માત્ર એક જ ક્લિક કરવાથી હજારો કરોડ રૂપિયા કોટી કોટી નાગરિકોના બેંકના ખાતામાં તબદીલ થઈ જતા હતા. બેંક બંધ હોય તો પણ ક્ષણભરમાં આવી કામગીરી થઈ શકતી હતી. દેશમાં લૉકડાઉન હતું, આંતરરાષ્ટ્રીય દુનિયાના જાણકારો પણ એવું કહી રહ્યા છે કે ભારતના આ મોડલમાંથી બીજા લોકોએ પણ શિખવું જોઈએ. આ બધું વાંચીને, સાંભળીને, કોને ગર્વ ના થાય.

સાથીઓ,

એક સમય એવો હતો કે જ્યારે કેટલાક લોકોને એવો સવાલ ઉભો થતો હતો કે નિરક્ષરતા અને ગરીબીથી ભરેલા વાતાવરણમાં ભારત કેવી રીતે પોતાના નાગરિકો સુધી ટેકનોલોજી પહોંચાડી શકશે, પરંતુ ભારતે આ કરીને દેખાડ્યું છે અને દેખાડતો રહેશે. આજે માત્ર યુપીઆઈ પ્લેટફોર્મ પર જ દર મહિને આશરે 4 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થઈ રહ્યા છે અને નવા નવા વિક્રમનું નિર્માણ થઈ રહયું છે. આજે ગામડાંઓમાં પણ નાની નાની લારી ફેરીવાળાને પણ ડીજીટલ પેમેન્ટ કરી શકાય છે. ભારતના ઉદ્યોગો જગતને દેશની આ તાકાતને સમજીને આગળ ધપતું જોઈ રહ્યા છે.

સાથીઓ,

આપણાં જે રીતે ગામ અને નાના શહેરોનું વાતાવરણ ટીવી અથવા તો ફિલ્મોમાં જોઈને મોટા થયા છીએ તેને કારણે અલગ અલગ ધારણાંઓ સ્વાભાવિક છે. ગામડાંઓ અને શહેરો વચ્ચે એટલું ભૌતિક અંતર નથી, જેટલું તેના અભિગમ બાબતે રહે છે. કેટલાક લોકોના અભિપ્રાય મુજબ ગામનો અર્થ એવો થાય છે કે જ્યાં આવવા- જવાનું મુશ્કેલ હોય, જ્યાં ઓછામાં ઓછી સુવિધા હોય, ખૂબ ઓછો વિકાસ થયો હોય, વધુને વધુ પછાતપણું જોવા મળતું હોય. પરંતુ તમે જો આજે ગ્રામ્ય અથવા તો અર્ધ શહેરી વિસ્તારમાં જશો તો એકદમ અલગ ચિત્ર જોવા મળશે. એક નવી આશા, નવો વિશ્વાસ તમને નજરે પડશે. આજનું ગ્રામીણ ભારત ખૂબ મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. શું તમે જાણો છો કે ગ્રામ્ય ભારતમાં એક્ટીવ ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા શહેરો કરતાં પણ વધી ગઈ છે ? શું તમે જાણો છો કે ભારતના અડધાથી વધુ સ્ટાર્ટઅપ્સ આપણાં બીજા અને ત્રીજા વર્ગના શહેરોમાં છે. પ્રધાન મંત્રી ગ્રામીણ સડક યોજનાના કારણે દેશની લગભગ 98 ટકા વસતિ સડકો સાથે જોડાઈ ચૂકી છે. કહેવાનો અર્થ એ થાય છે કે ગામડાંના લોકો હવે બજાર, સ્કૂલ, હોસ્પિટલ અને અન્ય સુવિધાઓ સાથે ઝડપભેર જોડાઈ રહ્યા છે. ગામમાં રહેનારા લોકોની આકાંક્ષાઓ વધતી જાય છે અને તે હવે આર્થિક- સામાજીક મોબીલીટીની અપેક્ષા રાખતા હોય છે. સરકાર પોતાની તરફથી આ આકાંક્ષાઓ પૂર્ણ કરવાના કામમાં લાગી ચૂકી છે. હવે જે રીતે હાલમાં રજૂ કરવામાં આવેલી પીએમ વાણી (PM WANI) યોજનાની વાત કરીએ તો આ યોજના હેઠળ સમગ્ર દેશમાં સાર્વજનિક વાઈ-ફાઈ હોટસ્પોટનું નેટવર્ક તૈયાર કરવામાં આવશે અને તેનાથી ગામે ગામ કનેક્ટીવિટીનો વ્યાપ વિસ્તરશે. મારા તમામ ઉદ્યોગ ક્ષેત્રના મિત્રોને આગ્રહ કરૂં છું કે આ તકનો ઉપયોગ કરીને ગ્રામ્ય અને અર્ધ શહેરી ક્ષેત્રોમાં બહેતર કનેક્ટીવિટીની પ્રયાસોમાં ભાગીદાર બને. એ બાબત નિશ્ચિત છે કે 21મી સદીના ભારતના વિકાસને ગામ અને નાના શહેર ટેકો આપવાના છે. એટલા માટે જ તમારા જેવા ઉદ્યોગસાહસિકોએ ગામડાં અને નાના શહેરોમાં મૂડી રોકાણની તક બિલકુલ ગૂમાવવી જોઈએ નહીં. તમારા દ્વારા કરવામાં આવેલું મૂડી રોકાણ આપણાં ગામડાંઓમાં વસતા ભાઈ- બહેનો માટે, આપણાં કૃષિ ક્ષેત્ર માટે સંભાવનાઓના નવા દ્વાર ખોલી દેશે.

સાથીઓ,

કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા માટે વિતેલા વર્ષોમાં ભારતમાં ઝડપભેર કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજે ભારતનું કૃષિ ક્ષેત્ર અગાઉની તુલનામાં વધુ ધબકતું થયું છે. આજે ભારતના ખેડૂતો પાસે પોતાની ઉપજ મંડીઓની સાથે સાથે, મંડીની બહાર પણ વેચવાનો વિકલ્પ છે. આજે ભારતમાં મંડીઓનું આધુનિકીકરણ તો થઈ જ રહ્યું છે. ખેડૂતોને ડીજીટલ પ્લેટફોર્મ ઉપર ઉપજ ખરીદવાનો અને વેચવાનો વિકલ્પ પણ પ્રાપ્ત થયો છે. આ તમામ પ્રયાસોનું લક્ષ એ રહ્યું છે કે ખેડૂતોની આવક વધે, દેશનો ખેડૂત સમૃધ્ધ થાય. જો દેશનો ખેડૂત સમૃધ્ધ થશે તો દેશ પણ સમૃધ્ધ થશે. હું તમને એક ઉદાહરણ આપવા માંગુ છું કે અગાઉ કૃષિ ક્ષેત્રને કેવી રીતે હેન્ડલ કરવામાં આવતું હતું.

સાથીઓ,

આપણાં દેશમાં અગાઉ ઈથેનોલ સુધીની ચીજોને અગ્રતા આપીને આયાત કરવામાં આવતી હતી, જ્યારે ખેતરોમાં શેરડી પકવતા ખેડૂતો પરેશાન રહેતા હતા કે તેમની શેરડી વેચાતી નથી. આ કારણે ખેડૂતોને હજારો કરોડ રૂપિયાની આવક તે સમયે મળી શકતી ન હતી. અમે આ સ્થિતિને બદલી નાંખી. અમે દેશમાં ઈથેનોલના ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું. અગાઉ ખાંડ બનતી હતી, ગોળ બનતો હતો, ક્યારેક ખાંડના ભાવ ગગડી જતા હતા ત્યારે ખેડૂતોને પૈસા મળતા ન હતા. ખાંડના ભાવ વધતા હતા ત્યારે ગ્રાહકોને તકલીફ થતી હતી. આનો અર્થ એ કે વ્યવસ્થા એ રીતે ચાલી રહી હતી કે જે રીતે ચાલવી જોઈએ નહીં. જ્યારે બીજી તરફ આપણાં કાર- સ્કૂટર ચલાવવા માટે વિદેશથી પેટ્રોલ લાવવામાં આવતું હતું. હવે આ કામ ઈથેનોલ પણ કરી શકે છે. હવે દેશમાં પેટ્રોલમાં 10 ટકા સુધી ઈથેનોલનું મિશ્રણ કરવાની તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. જરા વિચાર કરી જુઓ, આટલું મોટું પરિવર્તન આવવાનું છે અને તેના કારણે શેરડી પકવતા ખેડૂતોની આવક તો વધશે જ, પણ સાથે સાથે રોજગારીની નવી તકો પણ ઉભી થશે.

સાથીઓ,

આજે જ્યારે હું ઉદ્યોગ જગતના વરિષ્ટ લોકોની વચ્ચે છું ત્યારે આ વાત ખૂબ જ ખૂલીને કરવા માંગુ છું કે આપણાં દેશમાં કૃષિ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રોએ જેટલું મૂડી રોકાણ કરવું જોઈએ તેટલું થઈ શક્યું નથી તે દુર્ભાગ્ય છે. આ ક્ષેત્રનો ખાનગી ક્ષેત્રએ જેટલો લાભ લેવો જોઈએ તે લીધો નથી. આપણે ત્યાં કોલ્ડ સ્ટોરેજની સમસ્યા રહે છે. ખાનગી ક્ષેત્રના ટેકા વગર સપ્લાય ચેઈન ખૂબ જ સિમીત રીતે કામ કરી શકે છે. ફર્ટિલાઈઝરની અછત ઉભી થાય છે તે તમે જોયું છે. ભારત તેની કેટલી આયાત કરે છે તે તમે પણ જાણો છો. કૃષિ ક્ષેત્રના આવા ઘણાં બધા પડકારોના ઉકેલ માટે કેન્દ્ર સરકાર નિરંતર કામ કરી રહી છે, પરંતુ તેમાં તમારી રૂચિ અને તમારા મૂડી રોકાણ બંનેની આવશ્યકતા છે. હું માનું છું કે ખેતી સાથે જોડાયેલી ઘણી કંપનીઓ સારૂં કામ કરી રહી છે, પરંતુ માત્ર એટલું જ પૂરતું નથી. પાક ઉગાડનારા ખેડૂતોને ફળ અને શાકભાજી પેદા કરનાર ખેડૂતને આધુનિક ટેકનોલોજીનો, આધુનિક વેપાર ઉદ્યોગની પધ્ધતિઓનો જેટલો ટેકો મળવો જોઈએ તે મળ્યો નથી. તેમની જરૂરિયાતો જોઈને આપણે જેટલું મૂડી રોકાણ કરીશું તેટલો આપણાં દેશના ખેડૂતોના પાકને નુકશાન ઓછું થશે. તેમની આવકમાં તેટલો જ વધારો થશે. હાલમાં ભારતમાં ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ આધારિત ઉદ્યોગ માટે ઘણી બધી તકો છે. અગાઉની નીતિઓ જેવી પણ હોય, પરંતુ આજની નીતિઓ ગ્રામીણ, કૃષિ આધારિત અર્થ વ્યવસ્થાને વિકસીત કરવા માટે ખૂબ જ અનુકૂળ છે. નીતિ સાથે અને નિયત સાથે સરકાર સંપૂર્ણ રીતે ખેડૂતોનું હિત કરવા માટે કટિબધ્ધ છે.

સાથીઓ,

કૃષિ ક્ષેત્રની સાથે સાથે સર્વિસ સેક્ટર હોય, મેન્યુફેક્ચરીંગ હોય, સોશ્યલ સેક્ટર હોય, તેમાં આપણે એક બીજાને પૂરક કેવી રીતે બની શકીએ તે માટે આપણે પૂરી ઉર્જા કામે લગાડવાની છે. ફીક્કી જેવી સંસ્થાઓએ તેમાં સેતુ તરીકે કામ કરવાનું છે અને પ્રેરણારૂપ પણ બનવાનું છે. મધ્યમ, લઘુ અને માઈક્રો સેક્ટરના એકમોએ સરકારને તાકાત પૂરી પાડી છે. તમે આ તાકાતને અતિ ગુણિત કરી શકો છો. સ્થાનિક મૂલ્ય અને સપ્લાયને સશક્ત કરી શકો છો. ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ભારતની ભૂમિકા કેવી રીતે વ્યાપક બની શકે તેના સ્પષ્ટ લક્ષ્ય માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. ભારત પાસે બજાર પણ છે, માનવ બળ પણ છે અને મિશન મોડમાં આવીને કામ કરવાની ક્ષમતા પણ છે. મહામારીના આ દોરમાં આપણે જોયું છે કે આત્મનિર્ભરતા તરફ આગળ ધપતા ભારતનું દરેક કદમ કેવી રીતે સમગ્ર દુનિયાને લાભ આપે છે. આપણાં ફાર્મા સેક્ટરે મુશ્કેલ સમયમાં પણ ગ્લોબલ સપ્લાય ચેઈનને અસર થવા દીધી નથી. જ્યારે હવે ભારત રસીના ઉત્પાદન બાબતે આગળ ધપી રહ્યું છે તેના કારણે ભારતના કરોડો લોકોને સુરક્ષા કવચ તો મળશે જ, સાથે સાથે દુનિયાના અનેક દેશોને પણ નવી અપેક્ષાઓ ઉભી થઈ છે.

સાથીઓ,

આપણે સૌ એક મંત્રથી પરિચિત છીએ અને તે આપણાં જીવન માટે આવશ્યક પણ છે. આપણે ત્યાં કહેવામાં આવે છે કે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ એટલે કે મારૂં મન ઉત્તમ સંકલ્પો વાળું બને. આવી ભાવના સાથે આપણે સૌએ આગળ ધપવાનું છે. દેશનું લક્ષ્ય, દેશના સંકલ્પ, દેશની નીતિઓ સ્પષ્ટ છે. માળખાગત સુવિધાઓ હોય કે પોલિસી, સુધારા બાબતે ભારતના ઈરાદા મજબૂત છે. મહામારી સ્વરૂપે જે કોઈ સ્પીડ બ્રેકર આવ્યું હતું તેને પાર કરીને આપણે આગળ નીકળી ચૂક્યા છીએ. હવે નવા વિશ્વાસ સાથે આપણે સૌએ અગાઉ કરતાં પણ વધુ મહેનત કરવાની છે. વિશ્વાસ અને આત્મવિશ્વાસ ભરેલા આ વાતાવરણની વચ્ચે આપણે નવા દાયકામાં આગળ ધપવાનું છે. વર્ષ 2022માં દેશ પોતાની આઝાદીના 75 વર્ષનું પર્વ મનાવશે. આઝાદીના આંદોલનથી માંડીને આજ સુધી દેશની વિકાસ યાત્રામાં ફિક્કીની પણ મોટી ભૂમિકા રહી છે. ફિક્કીના 100 વર્ષ પણ બહુ દૂર નથી. મહત્વના આ મુકામ પર તમારે પણ રાષ્ટ્ર નિર્માણની પોતાની ભૂમિકાનો વિસ્તાર કરવાનો છે અને તેને વ્યાપક બનાવવાની છે. તમારા પ્રયાસો આત્મનિર્ભર અભિયાનને વધુ ગતિ આપશે. તમારા પ્રયાસો લોકલથી વૉકલ સુધીના મંત્રને સમગ્ર દુનિયા સુધી પહોંચાડશે. અંતમાં, હું ડો. સંગીતા રેડ્ડીજીને પ્રમુખ તરીકે એક બહેતર કાર્યકાળ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે ભાઈ ઉદયશંકરજીને પણ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તમારા સૌની વચ્ચે આવવાની મને જે તક મળી તે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂં છું.

ધન્યવાદ !

 

SD/GP/BT

 

 

 



(Release ID: 1680270) Visitor Counter : 219