પ્રધાનમંત્રીનું કાર્યાલય

આગ્રા મેટ્રો પ્રોજેકટના નિર્માણ કાર્યના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 07 DEC 2020 2:12PM by PIB Ahmedabad

ઉત્તર પ્રદેશનાં રાજયપાલ શ્રીમતી આનંદી બેન પટેલજી, કેન્દ્રિય મંત્રીમંડળના મારા સાથી શ્રી હરદીપ સિંહ પૂરીજી, ઉત્તર પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી શ્રી ઉદયભાન સિંહજી, ડો. ડી એસ ધર્મેશજી, સંસદના મારા સાથીદાર પ્રોફેસર એસ.પી. સિંહ બધેલજી, શ્રી રાજ કુમાર ચાહરજી, શ્રી હરિદ્વાર દુબેજી, અન્ય લોક પ્રતિનિધિઓ અને આગરાના મારા વહાલા ભાઈઓ અને બહેનો. આપ સૌને આગ્રા મેટ્રો પ્રોજેકટ શરૂ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આગ્રાની એક પુરાતન ઓળખ તો છે હંમેશાની રહી છે. હવે તેમાં આધુનિકતાનું એક નવુ પાસુ ઉમેરાયું છે. સેંકડો વર્ષોનો ઈતિહાસ ધરાવતુ આ શહેર હવે 21મી સદી સાથે કદમ મિલાવવા માટે તૈયાર થઈ ગયુ છે.

ભાઈઓ અને બહેનો,

આગ્રામાં સ્માર્ટ સુવિધાઓ વિકસિત કરવા માટે અગાઉથી જ રૂ. 1 હજાર કરોડનાં કામ ચાલી રહ્યાં છે. ગત વર્ષે જે કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર શરૂ કરવાનું મને જે સૌભાગ્ય હાંસલ થયું હતું તે પણ નિર્માણ પામીને તૈયાર થઈ ગયું છે. મને કહેવામાં આવ્યુ છે કે કોરોનાના સમયમાં આ સેન્ટર ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. હવે 8,000 કરોડ કરતાં પણ વધુ ખર્ચે તૈયાર થનાર આ મેટ્રો પ્રોજેકટ, આગ્રામાં સ્માર્ટ સુવિધાઓના નિર્માણ સાથે જોડાયેલા મિશનને વધુ મજબૂત કરશે.

સાથીઓ,

વિતેલા 6 વર્ષમાં ઉત્તર પ્રદેશમાં જે ગતિ અને વ્યાપ સાથે મેટ્રો નેટવર્કનું કામ થયું છે તે સરકારની ઓળખ અને કટિબધ્ધતા બંને દર્શાવે છે. વર્ષ 2014 સુધીમાં દેશમાં આશરે 215 કી.મી.ની મેટ્રો લાઈન કાર્યરત થઈ હતી. વર્ષ 2014 પછી 6 વર્ષમાં દેશમાં 450 કી.મી.થી વધુ રેલવે લાઈન દેશભરમાં કાર્યરત છે અને આશરે 1000 મેટ્રો લાઈન ઉપર ઝડપથી કામ પણ ચાલી રહ્યું છે. આજે દેશમાં 27 શહેરોમાં મેટ્રોનું કામ કાં તો પૂરૂ થઈ ગયું છે અથવા તો વિવિધ તબક્કાઓમાં ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશની જ વાત કરીએ તો મેટ્રો સુવિધા સાથે જોડાનાર આગ્રા એ 7મુ શહેર છે અને તેની વચ્ચે વધુ એક વિશેષ બાબત એ છે કે દેશમાં માત્ર મેટ્રો રેલવે નેટવર્ક જ નિર્માણ પામી રહ્યું છે એવું નથી, પણ હાલમાં મેક ઈન ઈન્ડીયા હેઠળ મેટ્રો કોચ પણ બની રહ્યા છે. એટલું જ નહીં, જે સિગ્નલ સિસ્ટમ છે તેનું પણ ભારતમાં જ સંપૂર્ણપણે નિર્માણ કરવામાં આવ્યું છે. અને એ અંગે પણ કામ ચાલી રહ્યું છે. આનો અર્થ એ કે હવે મેટ્રો નેટવર્કની બાબતમાં ભારત આત્મનિર્ભર થઈ ગયું છે.

ભાઈઓ અને બહેનો,

આજના ભારતના નવા સપનાં એટલા જ મોટાં છે, એટલા જ વિરાટ છે, પરંતુ માત્ર સપનાં જોવાથી કામ ચાલતું નથી. સપનાંને સાહસ સાથે પૂરાં કરવા પડે છે. હવે જો તમે સાહસની સાથે, સમર્પણ ભાવ સાથે આગળ ધપતાં હોવ તો કોઈપણ અવરોધ તમને રોકી શકશે નહીં. ભારતનો સામાન્ય યુવક અને ભારતના નાનાં શહેરો આવું જ સાહસ દર્શાવી રહ્યા છે. આવો જ સમર્પણ ભાવ બતાવી રહ્યા છે. 20મી સદીમાં જે ભૂમિકા મેટ્રો શહેરોએ નિભાવી છે તેનું વિસ્તરણ કરવાનું કામ હવે આપણાં આગ્રા જેવા નાના શહેરો કરી રહ્યા છે. નાના શહેરોને આત્મનિર્ભર ભારતની ધરી બનાવવા માટે અને વિકાસના અનેક કામો ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના આ શહેરોમાં એવી દરેક ચીજ છે કે જેની આત્મનિર્ભર ભારત માટે આપણને જરૂર છે. અહીંની ભૂમિ, અહીંના ખેડૂતોમાં અપાર સામર્થ્ય છે. પશુધનની બાબતમાં પણ આ વિસ્તારો અગ્ર સ્થાન ધરાવે છે. આવી સ્થિતિમાં અહીંયા ડેરી અને ફૂડ પ્રોસેસીંગ સાથે જોડાયેલા ઉદ્યોગો માટે અપાર શક્યતાઓ છે. એ સિવાય પણ આ વિસ્તારમાં સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરીંગ સેક્ટર પણ આગળ ધપી રહ્યા છે.

સાથીઓ,

આધુનિક સુવિધાઓ મળવાને કારણે, આધુનિક કનેક્ટીવિટી મળવાને કારણે પશ્ચિમ ઉત્તર પ્રદેશનું આ સામર્થ્ય વધુ આગળ ધપી રહ્યું છે. દેશની પ્રથમ રેપીડ રેઈલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મેરઠ અને દિલ્હી વચ્ચે તૈયાર થઈ રહી છે. મેરઠ અને દિલ્હીની વચ્ચે 14 લેનનો એક્સપ્રેસ માર્ગ પણ ટૂંક સમયમાં જ આ ક્ષેત્રના લોકોને સેવા આપવા લાગશે. પશ્ચિમી ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓને જોડનાર ગંગા એક્સપ્રેસ વેને યોગીજીની સરકારે આ અગાઉ સ્વીકૃતિ આપી દીધી છે અને એટલું જ નહીં, ઉત્તર પ્રદેશમાં ડઝન જેટલા એરપોર્ટને પ્રાદેશિક કનેક્ટીવિટી માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આમાંથી મોટાભાગના એરપોર્ટ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં છે. ગ્રેટર નોઈડાના જેવરમાં આધુનિક અને વિશ્વસ્તરનું એરપોર્ટ થશે એટલે આ સમગ્ર ક્ષેત્રની ઓળખ સંપૂર્ણપણે બદલાઈ જવાની છે.

સાથીઓ,

દેશમાં માળખાગત સુવિધાઓના ક્ષેત્રની એક ખૂબ મોટી તકલીફ એ હતી કે નવી યોજનાઓની ઘોષણા તો કરી દેવામાં આવતી હતી, પરંતુ તેના માટે નાણાં ક્યાંથી આવશે તે અંગે ખાસ ધ્યાન આપવામાં આવતું ન હતું અને આ કારણે અનેક યોજનાઓ વર્ષોથી લટકી રહી હતી. આવી યોજનાઓની ગતિ ખૂબ ધીમી રહેતી હતી. નામ માત્ર કામ થતું હતું. અમારી સરકારે નવી યોજનાઓ માટેનું કામ શરૂ કરવાની સાથે જ તેના માટે જરૂરી નાણાંની વ્યવસ્થા કરવા માટે પણ એટલું જ ધ્યાન આપ્યું છે. કનેક્ટીવિટી અને આધુનિક માળખાગત સુવિધાઓ માટે દેશમાં આજે જેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેટલો ખર્ચ અગાઉ ક્યારેય થયો નથી. હવે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન પ્રોજેક્ટ હેઠળ રૂ.100 લાખ કરોડ કરતાં વધુ રકમનો ખર્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. મલ્ટી-મોડલ કનેક્ટીવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન ઉપર પણ કામ ચાલી રહ્યું છે. અમારી કોશિશ એવી રહી છે કે દેશમાં માળખાગત સુવિધાઓને બહેતર બનાવવા માટે સમગ્ર દુનિયામાંથી મૂડી રોકાણને આકર્ષવામાં આવે. માળખાગત સુવિધાઓ અને રિયલ એસ્ટેટની યોજનાઓમાં વિદેશી મૂડી રોકાણને આસાન બનાવવા માટે જરૂરી તમામ કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે.

સાથીઓ,

બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બહેતર કનેક્ટીવિટીનો સૌથી વધુ લાભ આપણાં પ્રવાસન ક્ષેત્રને થતો હોય છે. મારો હંમેશા એવો અભિપ્રાય રહ્યો છે કે પ્રવાસન એક એવું ક્ષેત્ર છે કે જેમાં દરેક વ્યક્તિ માટે કમાણીનું સાધન છે. ઓછામાં ઓછા મૂડી રોકાણથી વધુમાં વધુ આવક પ્રવાસનના માધ્મયથી શક્ય બની શકે છે. આવી વિચારધારા સાથે દેશ લોકલ ટુરિઝમ માટે વોકલ બની રહ્યો છે અને તેના માટે અનેક સ્તરે કામ ચાલી રહ્યા છે.

તાજમહાલ જેવી ધરોહરની આસપાસ આધુનિક સુવિધાઓ વિકસાવવાની સાથે સાથે પ્રવાસીઓ માટે પ્રવાસ કરવામાં આસાની વધે તે પ્રકારની સુવિધાઓ વધારવામાં આવી રહી છે. સરકારે માત્ર ઈ-વિઝા યોજનામાં સામેલ દેશોમાં ઘણો વધારો કર્યો છે અને તેની સાથે-સાથે હોટલ-રૂમ પર લાગતા વેરાના દર પણ ઓછા કર્યા છે. સ્વદેશ દર્શન અને પ્રસાદ જેવી યોજનાઓના માધ્યમથી પણ પ્રવાસીઓને આકર્ષિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. સરકારના પ્રયાસોને કારણે જ ભારત હવે ટ્રાવેલ અને ટુરિઝમ કોમ્પિટીટીવ ઈન્ડેક્સમાં 34મા નંબરે આવી ગયું છે. અગાઉ 2013માં ભારત આ ઈન્ડેક્સમાં 65મા નંબર પર અટકીને ઉભું હતું. આજે ત્યાંથી આટલી પ્રગતિ થઈ છે. મને આશા છે કે જેમ જેમ કોરોનાની સ્થિતિ સુધરતી જાય છે તેમ તેમ ખૂબ ઝડપથી પ્રવાસન ક્ષેત્રની રોનક પણ ફરીથી પાછી ફરશે.

સાથીઓ,

નવી સુવિધાઓ માટે, નવી વ્યવસ્થાઓ હાથ ધરવા માટે સુધારા ખૂબ જ જરૂરી બની રહે છે. આપણે વિતેલી સદીના કાયદાઓને સાથે લઈને આગળની શતાબ્દીનું નિર્માણ કરી શકીએ તેમ નથી. જે કાયદા વિતેલી સદીમાં ખૂબ જ ઉપયોગી નીવડ્યા હતા તે પછીની સદી માટે બોજારૂપ બની ગયા છે અને એટલા માટે સુધારાની પ્રક્રિયા સતત ચાલતી જ રહેતી હોય છે. લોકો ઘણીવાર સવાલ કરતા હોય છે કે અગાઉની તુલનામાં હવે કરવામાં આવેલા સુધારા વધુ સારી રીતે કઈ રીતે કામ કરી રહ્યા છે ? અગાઉની તુલનામાં હવે અલગ કામ કઈ રીતે થઈ રહ્યું છે ? કારણ ખૂબ જ સીધું સાદું છે. અગાઉ સુધારા ટૂકડાઓમાં થતા હતા, કેટલાક સેક્ટર અને કેટલાક વિભાગોને ધ્યાનમાં રાખીને સુધારા કરવામાં આવતા હતા. હવે સંપૂર્ણ વિચારધારા સાથે સુધારા કરવામાં આવી રહ્યા છે. હવે જે રીતે શહેરોના વિકાસની જ વાત કરીએ તો, શહેરોના વિકાસ માટે અમે 4 સ્થળ ઉપર કામ કરી રહ્યા છીએ કે જેથી અગાઉથી ચાલી આવી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવી શકે. વધુમાં વધુ મૂડી રોકાણ થાય અને શહેરોની વ્યવસ્થાઓમાં આધુનિક ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ થઈ શકે.

ભાઈઓ અને બહેનો,

રિયલ એસ્ટેટ સેક્ટરની કેવી સ્થિતિ છે તે બાબતે આપણે સારી રીતે પરિચિત છીએ. ઘર બનાવનાર અને ઘર ખરીદનાર વચ્ચે ભરોંસાની એક ખાઈ ઉભી થઈ ચૂકી છે. કેટલાક ખોટી નિયત ધરાવતા લોકોને કારણે સમગ્ર રિયલ એસ્ટેટ ઉદ્યોગ બદનામ થઈ ચૂક્યો છે. આપણો મધ્યમ વર્ગ પરેશાન થઈ ચૂક્યો છે. આ પરેશાની દૂર કરવા માટે રેરાનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. હાલમાં જે કેટલાક અહેવાલ પ્રાપ્ત થયા છે તે દર્શાવે છે કે આ કાયદો આવ્યા પછી મધ્યમ વર્ગના લોકો માટે ઘર બનાવવાનું કામ ઝડપથી શરૂ થઈ ગયું છે. આ રીતે આપણાં શહેરોમાં વધુ એક સમસ્યા પણ છે અને તે છે મોટી સંખ્યામાં ખાલી પડેલા ઘરની છે. આવું ત્યારે જ થાય કે જ્યારે મોટી વસતિને ભાડેથી ઘર મેળવવામાં તકલીફ પડતી હોય. આ સમસ્યા દૂર કરવા માટે એક મોડેલ કાયદો બનાવીને રાજ્યોને આપવામાં આવ્યો છે.

સાથીઓ,

શહેરના લોકોનું જીવન સરળ બનાવવા માટે આધુનિક પબ્લિક ટ્રાન્સપોર્ટથી માંડીને હાઉસિંગ સુધીના કામ ચારે તરફ ચાલી રહ્યા છે. અહીં આગ્રામાંથી જ પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ શહેરી ગરીબો માટે એક કરોડ કરતાં વધુ ઘર સ્વીકૃત થઈ ચૂક્યા છે. શહેરોના મધ્યમ વર્ગ માટે પણ પ્રથમ વખત ઘર ખરીદવા માટે મદદ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં સાડા બાર લાખ કરતાં વધુ શહેરી મધ્યમ વર્ગના પરિવારોને ઘર ખરીદવા આશરે 28 હજાર કરોડની મદદ થઈ ચૂકી છે. અમૃત મિશન હેઠળ દેશના સેંકડો શહેરોમાં પાણી અને ગટર જેવી માળખાગત સુવિધાઓ અપગ્રેડ કરવામાં આવી છે. શહેરોમાં સાર્વજનિક ટોયલેટની સુવિધા બહેતર બને તે માટે વેસ્ટ મેનેજમેન્ટની આધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. વેસ્ટ મેનેજમેન્ટને અગ્રતા આપવાના ઉપાયો હાથ ધરી શકાય તે માટે સ્થાનિક સંસ્થાઓને મદદ કરવામાં આવી રહી છે.

ભાઈઓ અને બહેનો,

હાલમાં શહેરી ગરીબોને મફત સારવાર મળી રહી છે અને મધ્યમ વર્ગને સસ્તી દવાઓ મળી રહી છે, સસ્તી શસ્ત્રક્રિયા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સરકારના પ્રયાસોથી વીજળીથી માંડીને મોબાઈલ ફોન સુધીના ખર્ચાઓ ખૂબ જ ઓછા થયા છે. શિક્ષણ માટે ધિરાણથી માંડીને આવાસ ધિરાણ માટેના વ્યાજ દર ઓછા કરવામાં આવ્યા છે. આ પણ પ્રથમ વખત જ થયું છે. જ્યારે લારી ફેરીનું કામકાજ કરતા નાના વેપારીઓને બેંકો પાસેથી સસ્તું ધિરાણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ જ તો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ છે.

ભાઈઓ અને બહેનો,

વિતેલા થોડા સમયથી આ જે સુધારા કરવામાં આવી રહ્યા છે તેના કારણે દેશમાં નવો આત્મવિશ્વાસ આવ્યો છે. ખાસ કરીને દેશની બહેનો અને દિકરીઓ સુધી જે પ્રકારે સરકારી લાભ પહોંચ્યો છે તે અંગે ખરેખર ઝીણવટપૂર્વક જાણકારી મેળવશો તો તમને સંતોષ થશે. અગાઉની તુલનામાં તમારામાં પણ એક નવો આત્મવિશ્વાસ ઉભો થશે. મને રોજે રોજ દૂર-દૂરના વિસ્તારોમાંથી અનેક પત્રો મળી રહ્યા છે. મીડિયાના માધ્યમથી બહેનો અને દિકરીઓની ભાવનાઓ મારા સુધી પહોંચી રહી છે. માતાઓ અને બહેનોના આ આશીર્વાદને કારણે હું સાચા અર્થમાં ભાવ વિભોર છું. દેશની બહેનો અને દિકરીઓ, દેશના યુવાનો, દેશના ખેડૂતો, દેશના શ્રમિકો, કર્મચારીઓ, વેપારીઓ વગેરે તરફથી પ્રાપ્ત થયેલો વિશ્વાસ વિતેલી દરેક ચૂંટણીમાં દેખાઈ આવ્યો છે. ઉત્તર પ્રદેશ સહિત દેશના ખૂણે ખૂણે થયેલી ચૂંટણીઓના પરિણામોમાં આ વિશ્વાસ દેખાઈ રહ્યો છે. બે- ત્રણ દિવસ પહેલાં તેલંગણામાં, હૈદરાબાદમાં ગરીબ અને મધ્યમ વર્ગ તરફથી સરકારના પ્રયાસોને અભૂતપૂર્વ આશીર્વાદ પ્રાપ્ત થયા છે. તમારો સાથ અને સમર્થન જ મારી પ્રેરણા શક્તિ છે. દેશવાસીઓની નાની-નાની ખુશીઓ મને નવા-નવા કામ કરવા માટે હિંમત આપી રહી છે. નવા ઈનિશ્યેટીવ લેવા માટે તાકાત આપી રહી છે કે જેથી હું તમારી ભલાઈ માટે વધુ કામ કરી શકું. આત્મનિર્ભરતાનો આ આત્મવિશ્વાસ આ રીતે જ મજબૂત થતો રહે, વિકાસના કાર્યો આવી રીતે જ આગળ ધપતાં રહે તેવી શુભેચ્છા સાથે તમને મેટ્રો પ્રોજેક્ટ માટે ફરીથી ખૂબ અભિનંદન પાઠવું છું!! પરંતુ હું તમને એક વાત જરૂર યાદ કરાવીશ. કોરોનાની રસીની પ્રતિક્ષા કરી રહ્યા છીએ અને વિતેલા દિવસોમાં હું જ્યારે વૈજ્ઞાનિકોને મળ્યો ત્યારે લાગ્યું કે હવે વધુ વિલંબ થશે નહીં એવું લાગે છે, પરંતુ સંક્રમણથી બચવા માટે આપણી સાવધાનીમાં કોઈ ઊણપ આવવી જોઈએ નહીં. માસ્ક, બે ગજનું અંતર આ બધુ ખૂબ જ જરૂરી છે અને તમે તેનું ધ્યાન રાખશો તેવા વિશ્વાસની સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર !! ધન્યવાદ !

 

SD/GP/BT



(Release ID: 1678839) Visitor Counter : 334