પ્રધાનમંત્રીનું કાર્યાલય

સર્વપક્ષીય બેઠકના સમાપનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 04 DEC 2020 2:30PM by PIB Ahmedabad

આપ સૌ વરિષ્ઠ સાથીદારોનો ખૂબ ખૂબ આભાર ! આ ચર્ચામાં તમે જે વિચારો વ્યક્ત કર્યા છે અને જે સૂચનો કર્યા તેને હું ખૂબ જ મહત્વનાં સમજુ છું. રસી બાબતે જે વિશ્વાસ આ ચર્ચામાં જોવા મળ્યો તે કોરોના વિરૂધ્ધ દેશની લડાઈને વધુ મજબૂત કરશે. અહીં જે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યાં તેમાં પણ વિગતવાર જણાવવામાં આવ્યું હતું કે કેટલા દિવસથી આ પ્રયાસો ચાલી રહ્યા છે, શું શું ચાલી રહ્યુ હતું અને હવે આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ તથા હવે કેટલી મજબૂતીથી આપણે આગળ ધપવાનું છે.

સાથીઓ, આ બાબતે વિતેલા દિવસોમાં મારે વિવિધ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે પણ લાંબી વાત થઈ છે. રસીકરણ બાબતે રાજ્ય સરકારો તરફથી અનેક સૂચનો મળ્યાં હતાં. થોડાક દિવસ પહેલાં મારે ભારતમાં રસી તૈયાર કરનારી જે વૈજ્ઞાનિક ટુકડીઓ છે તેમની સાથે લાંબા સમય સુધી સાર્થક વાત પણ થઈ હતી. ભારતના આ વૈજ્ઞાનિકો પોતાની સફળતા બાબતે આત્મવિશ્વાસ ધરાવે છે. તેમના આત્મવિશ્વાસનું સ્તર ઘણુ ઉંચુ છે. આપણે અન્ય દેશોની ઘણી રસીનાં નામ પણ બજારમાં સંભળી રહ્યા છીએ. પરંતુ દુનિયાની નજર ઓછી કિંમત ધરાવતી રસી ઉપર છે અને તે કારણે સ્વાભાવિક છે કે સમગ્ર દુનિયાની નજર પણ ભારત ઉપર જ છે. અમદાવાદ, પુણે અને હૈદ્રાબાદ જઈને મેં જોયુ છે કે રસીના ઉત્પાદન માટે દેશની તૈયારીઓ કેવી છે.

આપણા ભારતીય ઉત્પાદકો, આઈસીએમઆર, બાયોટેકનોલોજી વિભાગ અને વૈશ્વિક ઉદ્યોગના કેટલાક મોટા અગ્રણીઓ સાથે મળીને, એક બીજા સાથે તાલમેલ વડે કામ આગળ ધપાવવામાં આવી રહ્યુ છે. એક રીતે તમે માનીને ચાલી શકો કે તમામ લોકો કમર કસીને તૈયાર બેઠા છે. આશરે લગભગ 8 એવી સંભવિત રસી છે કે જે ટ્રાયલના અલગ અલગ ચરણમાં છે અને તેનું ઉત્પાદન ભારતમાં જ થવાનું છે. જે રીતે અહીં ચર્ચામાં પણ વાત થઈ તે મુજબ ભારતની પોતાની 2 રસીનો ટ્રાયલ અલગ-અલગ તબક્કામાં છે અને નિષ્ણાતો એવુ માનીને ચાલી રહ્યા છે કે હવે કોરોનાની રસી માટે વધુ પ્રતિક્ષા નહી કરવી પડે. એવુ પણ માનવામાં આવી રહ્યું છે કે હવે પછીના થોડાક સપ્તાહોમાં કોરોનાની રસી તૈયાર થઈ જશે અને જેવી વૈજ્ઞાનિકો તરફથી લીલી ઝંડી મળી જશે કે ભારતમાં રસીકરણ અભિયાન શરૂ કરી દેવામાં આવશે. રસીકરણના પહેલા તબક્કામાં કોને રસી આપવામાં આવશે તે બાબતે પણ કેન્દ્ર સરકાર તેને રાજ્ય સરકારો તરફથી મળેલાં સૂચનોને આધારે કામ કરી રહી છે. તેમાં અગ્રતા કોરોનાના દર્દીઓની સારવારમાં રોકાયેલા હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ, અને અગાઉથી જ ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યા છે તેવા વૃધ્ધ લોકોનો સમાવેશ કરવામાં આવશે.

સાથીઓ,

રસીના વિતરણ બાબતે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારની ટુકડીઓ સાથે મળીને કામ કરી રહી છે. ભારત પાસે રસીના વિતરણની નિપુણતા અને ક્ષમતા પણ છે. દુનિયાના અન્ય દેશોની તુલનામાં ખૂબ મોટું અને અનુભવી નેટવર્ક પણ અહીં મોજુદ છે. તેનો પૂરો લાભ લેવામાં આવશે, જો કોઈ કોલ્ડ ચેઈન સાધનો અથવા અન્ય લોજીસ્ટીક્સની જરૂર પડશે તો તે માટે રાજ્ય સરકારોની મદદથી તેનો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે. કોલ્ડ ચેઈનને વધુ મજબૂત બનાવવા માટે એક સાથે અનેક પ્રકારના વિકલ્પો વિચારવામાં આવી રહ્યા છે. અને નવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. ભારતે કો-વીન નામનુ એક ખાસ પ્રકારનું નવુ સોફટવેર પણ બનાવ્યું છે. જેમાં કોરોના રસીના લાભાર્થી, રસીનો ઉપલબ્ધ સ્ટોક, અને સંગ્રહ સાથે સંકળાયેલી વિવિધ રિયલ ટાઈમ માહિતી મળી રહેશે. ભારતમાં કોરોના રસીના સંશોધન સાથે જોડાયેલી જવાબદારીઓ માટે એક ખાસ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને રસી સાથે જોડાએલા અભિયાનની જવાબદારી નેશનલ એક્સપર્ટ ગ્રુપને સોંપવામાં આવી છે. તેમાં ટેકનિકલ નિષ્ણાતો છે, કેન્દ્ર સરકારનાં સંબંધિત મંત્રાલયો અને વિભાગોના વિવિધ અધિકારીઓ પણ છે અને દરેક ઝોન મુજબ રાજ્ય સરકારના પ્રતિનિધિઓ પણ છે. આ નેશનલ એક્સપર્ટ ગ્રુપ રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહ્યું છે. રાષ્ટ્રીય અને સ્થાનિક, દરેક જરૂરિયાત મુજબ, નેશનલ એક્સપર્ટ ગ્રુપ મારફતે સામૂહિક રીતે નિર્ણયો લેવામાં આવશે.

સાથીઓ, રસીની કિંમત કેટલી રહેશે, તે બાબતે પણ સવાલ થાય તે સ્વાભાવિક છે. કેન્દ્ર સરકાર આ મુદ્દે રાજ્ય સરકારો સાથે વાત કરી રહી છે. રસીની કિંમત બાબતે નિર્ણય લોકોના આરોગ્યને સર્વોચ્ચ અગ્રતા આપીને કરવામાં આવશે અને તે માટે દરેક રાજ્યનો સહયોગ લેવામાં આવશે.

સાથીઓ,

એક રાષ્ટ્ર તરીકે ભારતે જે-જે નિર્ણયો લીધા છે તે અને જે રીતે વૈજ્ઞાનિક પધ્ધતિઓ અપનાવવામાં આવી છે તેનાં પરિણામો આજે જેવા મળી રહ્યાં છે. ભારતનો સમાવેશ આજે એ દેશોમાં કરવામાં આવે છે કે જ્યાં રોજે રોજ ટેસ્ટીંગ વધુ પ્રમાણમાં કરવામાં આવી રહ્યું છે. ભારતનો સમાવેશ એ દેશોમાં પણ થાય છે કે જ્યાં સાજા થવાનો દર ઘણો ઉંચો છે. ભારતનો સમાવેશ એવા દેશોમાં થાય છે કે જ્યાં કોરોનાને કારણે થતા મૃત્યુનો દર આટલો બધો ઓછો છે. ભારતે જે રીતે કોરોના સામેની લડત લડી છે, તે દરેક દેશવાસીની અદમ્ય ઈચ્છા શક્તિ દર્શાવે છે. વિકસિત દેશો અને સારી તબીબી માળખાગત સુવિધા ધરાવતા દેશોની તુલનામાં ભારત આ લડાઈ ઘણી સારી રીતે લડયુ છે અને પોતાના વધુને વધુ નાગરિકોના જીવ બચાવ્યા છે. આપણા ભારતીય લોકોનો સંયમ, આપણા ભારતીયોનુ સાહસ, આપણા ભારતીયોની સમર્થતા, આ સમગ્ર લડત દરમ્યાન કોઈની સાથે સરખાવી શકાય નહી તેવા રહ્યા છે, અભૂતપૂર્વ રહ્યા છે. આપણે માત્ર આપણા જ નાગરિકોની જ ચિંતા કરી છે તેવુ નથી, પણ અન્ય દેશોના નાગરિકોને બચાવવાના શક્ય તેટલા પ્રયાસો કર્યા છે.

સાથીઓ,

ફેબ્રુઆરી અને માર્ચની આશંકાઓ અને ડરથી સભર માહોલ બાબતે આજે વિશ્વાસ અને આશા ભર્યા વાતાવરણની વચ્ચે ભારતે એક ખૂબ લાંબી મજલ નક્કી કરી છે. આપણે હવે રસીના તબક્કે આવી ઉભા છીએ, તેથી એવી જ જનભાગીદારી અને એવો જ અભિગમ અને સમાન પ્રકારનો સહયોગ હવે પછી પણ મળતો રહે તે ખૂબ જ જરૂરી છે. આપ સૌ અનુભવી સાથીઓનાં સૂચનો પણ, જે તે સમયે અસરકારક ભૂમિકા બજાવી શકશે. તમે એ પણ જાણો છો કે જ્યારે પણ આટલા વ્યાપક પ્રમાણમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યુ હોય ત્યારે સમાજમાં અનેક પ્રકારની અફવાઓ પણ ફેલાતી રહેતી હોય છે. આ ફવાઓ જન હિત અને રાષ્ટ્ર હિત બંનેના વિરોધમાં કામ કરે છે. એટલા માટે આપણે સૌ પક્ષોની એ જવાબદારી રહે છે કે દેશના નાગરિકોને વધુને વધુ પ્રમાણમાં જાગૃત કરવામાં આવે. તેમને કોઈ પણ અફવા સામે રક્ષણ કરવામાં આવે. તેની સાથે સાથે આપણે જાણીએ છીએ કે જે રીતે વળાંક બદલાઈ રહ્યો છે, અને ચિત્ર ક્યાંથી ક્યાં સુધી પહોંચશે તે કોઈ કહી શકે તેમ નથી. અને એ પરિસ્થિતિ વચ્ચે આપણા જે પુરવાર થયેલા માર્ગો છે, નિપુણ નિવડેલાં હથિયાર છે, તે આપણે ક્યારેય પણ છોડવાનાં નથી. અને એટલા માટે જ બે ગજનુ અંતર અને માસ્ક બાબતે પણ આપણે સૌ લોકોએ સતત જાગૃત રહેવાની જરૂર છે. દેશે અત્યાર સુધી જે પ્રાપ્ત કર્યુ છે તેને કોઈ પણ પ્રકારની બેદરકારી નુકશાન પહોંચાડી શકે તેમ છે. હુ તમામ રાજકીય દળોના મહાનુભવોને આગ્રહ કરૂ છું કે આજે તમામને બોલવાની તક મળી નથી. પરંતુ મારી એ વિનંતી છે કે તમે લેખિત સૂચનો મોકલી આપો. તમારા સૂચનો ખૂબ જ કામ લાગશે. તમારાં સૂચનોને ગંભીરતાથી લેવામાં આવશે  અને યોજનામાં પણ તે ખૂબ જ પૂરક બની રહેશે.

આ તમામ આગ્રહ સાથે, હું આપ સૌ માટે ખૂબ-ખૂબ આભારની લાગણી વ્યક્ત કરૂ છું. તમે સમય ફાળવ્યો તે બદલ આપને ખૂબ-ખૂબ ધન્યવાદ !

 

SD/GP/BT



(Release ID: 1678372) Visitor Counter : 248