પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી વારાણસીમાં દેવદિવાળી મહોત્સવમાં સામેલ થયા


માતા અન્નપૂર્ણાની ચોરાઈ ગયેલી પ્રતિમા પરત મળશે એ બદલ કાશીવાસીઓને અભિનંદન

ગુરુ નાનક દેવજી સુધારાનું સૌથી મોટું પ્રતીક છેઃ પ્રધાનમંત્રી

Posted On: 30 NOV 2020 7:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં દેવદિવાળી મહોત્સવમાં સામેલ થયા હતા.

પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે કાશી માટે આ એક વિશેષ પ્રસંગ છે. તેમણે કહ્યું હતું કે કાશીમાંથી 100 વર્ષથી વધારે સમય અગાઉ માતા અન્નપૂર્ણા દેવીની મૂર્તિની ચોરી થઈ હતી, જે હવે ભારતમાં પરત ફરી રહી છે. આ કાશી માટે સદનસીબની વાત છે. તેમણે જણાવ્યું હતું કે આપણા દેવો અને દેવીઓની પ્રાચીન મૂર્તિઓ આપણા વિશ્વાસ તેમજ આપણા અમૂલ્ય વારસાનું પ્રતીક છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જો આ પ્રકારનો પ્રયાસ અગાઉ કરવામાં આવ્યો હોત, તો દેશને આ પ્રકારની ઘણી પ્રતિમાઓ પરત મળી હોત. તેમણે જણાવ્યું હતું કે અમારા માટે વારસાનો અર્થ દેશનો સાંસ્કૃતિક વારસો છે, ત્યારે કેટલાંક માટે એનો અર્થ તેમનો પરિવાર અને તેમના પરિવારના સભ્યો પૂરતો મર્યાદિત છે. તેમણે ઉમેર્યું હતું કે અમારા માટે વારસાનો અર્થ આપણી સંસ્કૃતિ છે, આપણી આસ્થા છે, આપણા મૂલ્યો છે! અન્ય લોકો માટે એનો અર્થ તેમની મૂર્તિઓ અને ફેમિલી ફોટો સાથે સંબંધિત છે.

પ્રધાનમંત્રીએ ગુરુ નાનક દેવજીને સમાજ અને વ્યવસ્થામાં સુધારાનું સૌથી મોટું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે સમાજમાં ફેરફારો થઈ રહ્યાં છે અને રાષ્ટ્રીય હિત બદલાઈ રહ્યું છે, ત્યારે કોઈ પણ કારણસર વિરોધ માટેનો અવાજ ઊઠી રહ્યો છે. પણ જ્યારે આ સુધારાના મહત્ત્વપૂર્ણ ફાયદા દેખાશે, ત્યારે બધું બરોબર થઈ જશે. તેમણે આ માટે આપણે ગુરુ નાનક દેવજીના જીવનમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જ્યારે કાશી માટે વિકાસલક્ષી કાર્યોની શરૂઆત થઈ હતી, ત્યારે વિરોધ કરનારાઓએ માત્ર વિરોધ કરવા માટે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે કાશીએ નિર્ણય લીધો હતો કે વિશ્વનાથ કોરિડોર બાબાના દરબાર સુધી બનશે, ત્યારે વિરોધ કરનારાઓએ એની પણ ટીકા કરી હતી, પણ અત્યારે કાશીની ભવ્યતા બાબાના આશીર્વાદથી પરત ફરી છે. તેમણે જણાવ્યું હતું કે બાબાના દરબાર અને મા ગંગા વચ્ચે સદીઓથી રહેલું સીધું અને લાંબુ જોડાણ ફરી સ્થાપિત થયું છે.

પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભગવાન કાશી વિશ્વનાથના આશીર્વાદથી તેમને કાશીમાં પ્રકાશના પર્વમાં સહભાગી થવાની તક મળી હતી. તેમણે પ્રાચીન નગરની ભવ્યતાને યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે સદીઓથી કાશી દુનિયાને માર્ગદર્શન આપે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કોરોનાના નિયંત્રણોને કારણે તેઓ નગરમાં અવારનવાર આવી શક્યાં નહોતાં, જે તેમનો મતવિસ્તાર છે અને તેઓ આ શૂન્યાવકાશ ભરવા આતુર હતા. તેમણે કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન તેઓ આ મતવિસ્તારના લોકોથી ક્યારેય દૂર થયા નહોતા અને રોગચાળાના પડકારજનક સમયગાળા દરમિયાન વિવિધ વ્યવસ્થાઓ પર નજર રાખી હતી. તેમણે રોગચાળા દરમિયાન કાશીના લોકોએ કરેલી જનતાની સેવાના જુસ્સાની પ્રશંસા કરી હતી.

 

SD/GP/BT

 



(Release ID: 1677264) Visitor Counter : 210