પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 17મા આસિયાન ભારત શિખર સંમેલનમાં સંબોધન કર્યું

Posted On: 12 NOV 2020 10:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે 17મા આસિયાન-ભારત શિખર સંમેલનમાં સહભાગી થયા હતા. તેમણે આસિયાનના વર્તમાન અધ્યક્ષ અને વિયેતનામના પ્રધાનમંત્રી મહામહિમ ઝુઓન ફુકે આમંત્રણ આપ્યું હતું. આ શિખર સંમેલનની વર્ચ્યુઅલ બેઠકમાં આસિયાનના દસ સભ્ય રાષ્ટ્રના વડાઓ સહભાગી થયા હતા.

આ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીએ ભારતની એક્ટ ઇસ્ટ નીતિના કેન્દ્રમાં આસિયાન હોવાની બાબત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સમન્વિત, જવાબદારપૂર્ણ અને સમૃદ્ધ આસિયાન ભારતના ભારત-પ્રશાંત વિઝનના કેન્દ્રમાં છે તથા વિસ્તારમાં તમામ માટે સુરક્ષા અને વૃદ્ધિ (સાગર)માં પ્રદાન કરશે. પ્રધાનમંત્રીએ ભારતની ભારત-પ્રશાંત દરિયાઈ પહેલો અને ભારત-પ્રશાંત આસિયાન દ્રષ્ટિકોણ વચ્ચેના સમન્વયને મજબૂત કરવાના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો, જેથી ભારત-પ્રશાંત વિસ્તાર મુક્ત, ઉદાર અને નિયમ-આધારિત બને. તેમણે આસિયાન દેશોને ભારતની ભારત-પ્રશાંત દરિયાઈ પહેલો (આઇપીઓઆઈ)ના વિવિધ આધારસ્તંભો પર સાથસહકાર આપવા આમંત્રણ પણ આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ કોવિડ-19 પર ભારતની કામગીરી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને બહોળા સાથસહકાર વિશે જાણકારી આપી હતી. તેમણે રોગચાળા સામે લડવા આસિયાનની પહેલોને આવકાર આપ્યો હતો. પ્રધાનમંત્રીએ કોવિડ-19 આસિયાન રિસ્પોન્સ ફંડને 1 મિલિયન અમેરિકન ડોલરનું પ્રદાન કરવાની જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રીએ આસિયાન અને ભારત વચ્ચે વધારે ફિઝિકલ અને ડિજિટલ જોડાણના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે આસિયાન જોડાણને ટેકો આપવા 1 અબજ અમેરિકન ડોલરની લાઇન ઓફ ક્રેડિટ (એલઓસી) પર પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વેપાર અને રોકાણના મોરચે તેમણે કોવિડ પછી આર્થિક સુધારા માટે પુરવઠાની સાંકળમાં વિવિધતા લાવવા અને એને મજબૂત કરવાના મહત્ત્વને રેખાંકિત કર્યું હતું.

આસિયાન દેશોના નેતાઓએ આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા ભારતના પ્રદાનની નોંધ લીધી હતી તથા આસિયાનને ટેકો આપવા ભારતની પહેલોને આવકારી હતી. આ નેતાઓએ વર્ષ 2021થી વર્ષ 2025 માટે નવી આસિયાન-ભારત કાર્યયોજનાની સ્વીકાર્યતાને પણ આવકાર આપ્યો હતો.

આ બેઠકમાં સામાન્ય હિત સાથે સંબંધિત વિવિધ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યાં હતાં, જેમાં દક્ષિણ ચીન દરિયાઈ સમસ્યા અને આતંકવાદ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ સામેલ હતા. બંને પક્ષોએ વિસ્તારમાં નિયમ-આધારિત વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાના મહત્ત્વની નોંધ લીધી હતી, જેમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન, ખાસ કરીને યુએનસીએલઓએસનું. નેતાઓએ દક્ષિણ ચીન દરિયામાં શાંતિ, સ્થિરતા, સલામતી અને સુરક્ષા જાળવવા અને એને પ્રોત્સાહન આપવાના મહત્ત્વ પર તેમજ આ વિસ્તારમાં જળ પરિવહન અને એના પરથી વિમાન ઉડ્ડયનની સ્વતંત્રતા સુરક્ષિત કરવા પર ભાર મૂક્યો હતો.

SD/GP/BT


(Release ID: 1672617) Visitor Counter : 283