પ્રધાનમંત્રીનું કાર્યાલય

વર્ચ્યુઅલ વૈશ્વિક રોકાણકાર ગોળમેજી બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 05 NOV 2020 8:02PM by PIB Ahmedabad

નમસ્કાર, સૌને તહેવારોની ખૂબ શુભેચ્છાઓ.

આપ સૌનું સ્વાગત કરતા મને ઘણો આનંદ થાય છે. અમારી સાથે તમારું જોડાણ વધારવા માટે તમારી આતુરતા જોઇને મને ખૂબ જ ખુશીનો અનુભવ થઇ રહ્યો છે. હું આશા રાખું છું કે એકબીજાના દૃષ્ટિકોણ વિશેની આપણી સારી પારસ્પરિક સમજણ, તમારી યોજનાઓ અને અમારી દૂરંદેશીને વધુ એકરૂપ કરવામાં પરિણમશે.

મિત્રો,

આ આખા વર્ષમાં, ભારતે હિંમતપૂર્વક વૈશ્વિક મહામારી સામે લડાઇ આપી, આખી દુનિયાએ ભારતની રાષ્ટ્રીય લાક્ષાણિકતા જોઇ. દુનિયાએ ભારતની ખરી શક્તિઓ પણ જોઇ. ભારતીયો જેના માટે જાણીતા છે તે લક્ષણો: કરુણાની ભાવના, રાષ્ટ્રીય એકતા આનાથી સફળતાપૂર્વક સામે આવ્યા છે. નાવીન્યકરણનો ચમકારો જોવા મળ્યો છે. વાત વાયરસ સામે લડવાની હોય કે પછી, આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરવાની હોય, ભારતે આ મહામારીમાં નોંધપાત્ર સહનશીલતા દર્શાવી છે. આ સહનશીલતા અમારી પ્રણાલીઓની શક્તિ, અમારા લોકોના સહકાર અને અમારી નીતિઓની સ્થિરતાથી ચાલે છે. અમારી પ્રણાલીઓની શક્તિના કારણે જ, અમે અંદાજે 800 મિલિયન લોકોને ખાદ્યાન્ન પૂરું પાડી શક્યા, 420 મિલિયન લોકોને નાણાં પહોંચાડી શક્યા અને અંદાજે 80 મિલિયન પરિવારોને વિનામૂલ્યે રાંધણગેસ પૂરો પાડી શક્યા. અમારા લોકો કે જેમણે સામાજિક અંતરનું આચરણ કર્યું અને માસ્ક પહેરવાની આદત કેળવી તેમના સહકારના કારણે જ ભારતે આ વાયરસ સામે આટલી મજબૂત લડત આપી છે. અમારી નીતિઓની સ્થિરતાના કારણે જ ભારત દુનિયામાં સૌથી પ્રાધાન્યતા ધરાવતા રોકાણના મુકામ તરીકે ઉભરી આવ્યું છે.

મિત્રો,

અમે નવા ભારતનું નિર્માણ કરી રહ્યાં છીએ જે જુની પદ્ધતિઓથી મુક્ત છે. આજે, ભારત બદલાઇ રહ્યું છે અને વધુ સારું બની રહ્યું છે. નાણાકીય બેજવાબદારીમાંથી નાણાકીય સમજદારી, અતિ ફુગાવામાંથી ઓછો ફુગાવો, નોન પરફોર્મિંગ એસેટ્સનું સર્જન કરતા અવિચારી ધિરાણમાંથી યોગ્યતા આધારિત ધિરાણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉણપમાંથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારો, અસ્તવ્યસ્ત શહેરી વિકાસમાંથી સર્વાંગી અને સંતુલિત વિકાસ અને ભૌતિકમાંથી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઇ રહ્યું છે.

મિત્રો,

આત્મનિર્ભર બનવાની ભારતની ઝંખના માત્ર એક દૂરંદેશી નથી પરંતુ સુનિયોજિત આર્થિક વ્યૂહનીતિ છે. આ વ્યૂહનીતિ ભારતને વૈશ્વિક વિનિર્માણનું પાવરહાઉસ બનાવવા માટે અમારા વ્યવસાયો અને અમારા કામદારોના કૌશલ્યનો ઉપયોગ કરવાનો ઉદ્દેશ રાખે છે. આ વ્યૂહનીતિ નવાચારમાં વૈશ્વિક કેન્દ્ર બનવા માટે અમારી ટેકનોલોજી ક્ષેત્રની શક્તિનો ઉપયોગ કરવાનો ઉદ્દેશ રાખે છે. આ નીતિ અમારા પુષ્કળ માનવ સંસાધનો અને તેમના કૌશલ્યોનો ઉપયોગ કરીને વૈશ્વિક વિકાસમાં યોગદાન આપવાનો ઉદ્દેશ રાખે છે.

મિત્રો,

આજે, રોકાણકારો એવી કંપનીઓ તરફ ખસી રહ્યાં છે જે પર્યાવરણીય, સામાજિક અને સુશાસનમાં ઉંચો સ્કોર ધરાવતી હોય. ભારત પાસે પહેલાંથી જ એવી પ્રણાલીઓ અને કંપનીઓ છે જે આ બાબતે ઉંચો રેન્ક ધરાવે છે. ભારત ESG પર સમાન પ્રમાણમાં ધ્યાન કેન્દ્રિત કરીને વિકાસના માર્ગને અનુસરવામાં માને છે.

મિત્રો,

ભારત તમને લોકશાહી, જનસમુદાય, માંગ તેમજ વિવિધતા આપે છે. આવી જ અમારી વિવિધતા એ છે કે, તમે એક જ બજારમાં બહુવિધ બજારો મેળવી શકો છો. આ બહુવિધ આર્થિક કદ અને બહુવિધ પ્રાધાન્યતાઓ સાથે આવે છે. આ બહુવિધ હવામાન અને વિકાસના બહુવિધ સ્તરો સાથે આવે છે. આ વિવિધતા લોકશાહી, સહિયારી અને કાયદાને અનુસરતી પ્રણાલીમાં મુક્ત મન અને મુક્ત બજારો સાથે પણ આવે છે.

મિત્રો,

હું જાણું છું કે, હું આર્થિક જગતના કેટલાક શ્રેષ્ઠ બૌદ્ધિકોને સંબોધી રહ્યો છું. આ એવા લોકો છે જેઓ નાવીન્યતા અને વિકાસના નવા ક્ષેત્રોને દીર્ધકાલિન વ્યવસાયની દરખાસ્તોમાં રૂપાંતરિત કરી શકે છે. સાથે સાથે, હું તમારા ભરોસામાં, શ્રેષ્ઠ અને સૌથી સલામત લાંબાગાળાના વળતર માટે ભંડોળ પૂરું પાડવાની તમારી જરૂરિયાતથી પણ સભાન છું.

આથી મિત્રો.

હું ભારપૂર્વક કહેવા માંગુ છુ કે, અમારો અભિગમ સમસ્યાઓ માટે લાંબાગાળા અને ટકાઉક્ષમ ઉકેલો શોધવાનો છે. આવો અભિગમ તમારી જરૂરિયાતો સાથે ખૂબ જ સારી રીતે સંમિશ્રિત થાય છે. ચાલો હું તમને કેટલાક ઉદાહરણ આપું.

મિત્રો,

અમારી વિનિર્માણની સંભાવનાઓમાં વધારો કરવા માટે અમે ઘણી પહેલો હાથ ધરી છે. અમે GSTના રૂપમાં એક રાષ્ટ્ર એક કર પ્રણાલી લાવ્યા છીએ. સૌથી ઓછા કોર્પોરેટ ટેક્સ વાળા દેશોમાં અમે છીએ અને નવા વિનિર્માણ એકમો માટે પ્રોત્સાહકો પણ ઉમેર્યા છે. આવકવેરા આકારણી અને અપીલ માટે ફેસ-લેસ કર કાયદો લાવ્યા છીએ. નવા શ્રમ કાયદામાં કામદારોના કલ્યાણ અને નોકરીદાતાઓ માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વચ્ચે સંતુલન કરવામાં આવ્યું છે. ચોક્કસ ક્ષેત્રોમાં ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. રોકાણકારો માટે એક સશક્ત સંસ્થાગત વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

મિત્રો,

રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન અંતર્ગત અમે પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનવા માટેની મહત્વાકાંક્ષી યોજના ધરાવીએ છીએ. અગ્રેસર મલ્ટિ-મોડેલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાનને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. ભારતે, સમગ્ર દેશમાં સંખ્યાબંધ ધોરીમાર્ગો, રેલવે, મેટ્રો, જળમાર્ગો, હવાઇમથકોના વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણનો પ્રારંભ કર્યો છે. અમે ગરીબ-મધ્યમ વર્ગ માટે પરવડે તેવા લાખો મકાનોનું નિર્માણ કરી રહ્યાં છીએ. અમે માત્ર મોટા શહેરોમાં જ નહીં પરંતુ, નાના શહેરો અને નગરોમાં પણ રોકાણ લાવવા માંગીએ છીએ. ગુજરાતમાં ગિફ્ટ સિટી આનું ઉત્તમ ઉદાહરણ છે. અમે આવા શહેરોમાં વિકાસની યોજનાઓ મિશન મોડ પર અમલમાં મૂકી રહ્યાં છીએ.

મિત્રો,

વિનિર્માણનો પાયો મજબૂત કરવાની અને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની અમારી વ્યૂહનીતિની જેમ જ, નાણાકીય ક્ષેત્ર માટેની અમારી વ્યૂહનીતિ પણ સર્વાંગી છે. અમારા દ્વારા લેવામાં આવેલા કેટલાક મુખ્ય પગલાંમાં, બેંકિંગ ક્ષેત્રમાં વ્યાપક સુધારા, નાણાકીય બજારોનું મજબૂતીકરણ, આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર માટે એકીકૃત સત્તામંડળ, સૌથી ઉદાર પૈકી એક એવા FDI કાયદા, વિદેશી મૂડી માટે હળવા કર કાયદા, રોકાણના વાહકો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ ટ્રસ્ટ અને રીઅલ એસ્ટેટ રોકાણ ટ્રસ્ટ જેવા અનુકૂળ નીતિગત કાયદા, નાદારી અને દેવાળિયાપણું સંહિતાનો અમલ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આર્થિક સશક્તિકરણ અને રૂપે કાર્ડ તેમજ BHIM-UPI જેવી ફિન-ટેક આધારિત ચુકવણી પ્રણાલીઓ સામેલ છે.

મિત્રો,

નાવીન્યતા અને ડિજિટલ સંબંધિત પહેલ હંમેશા સરકારની નીતિઓ અને સુધારાઓમાં કેન્દ્ર સ્થાને રહ્યાં છે. અમે આખી દુનિયામાં સૌથી મોટી સંખ્યામાં સ્ટાર્ટઅપ અને યુનિકોર્ન કંપનીઓ ધરાવનારાઓમાંથી એક છીએ. અમે હજુ પણ ખૂબ ઝડપથી વિકસી રહ્યાં છીએ. 2019માં વૃદ્ધિનો દર દરરોજ બેથી 3 નવા સ્ટાર્ટઅપ ઉભા થવાનો નોંધાયો છે.

મિત્રો,

અમારી સરકારે ખાનગી સંસ્થાઓ મુક્ત રીતે કામ કરી શકે તે માટે વિવિધ પગલાં લીધા છે. વ્યૂહાત્મક વિનિવેશ અને અસ્કયામતોનું મુદ્રીકરણ આટલા મોટાપાયે અગાઉ ક્યારેય જોવા મળ્યું નહોતું. જાહેર ક્ષેત્રના સાહસોમાં અમારો હિસ્સો ઓછો કરીને 51 ટકા કરતાં નીચે લાવવાનો માટેનો ઐતિહાસિક નિર્ણય અમે લીધો છે. કોલસા, અવકાશ, અણુ ઉર્જા, રેલવે, નાગરિક ઉડ્ડયન અને સંરક્ષણ જેવા નવા ક્ષેત્રોમાં ખાનગી ભાગીદારી માટે નીતિ કાયદા લાવવામાં આવ્યા છે. જાહેર ક્ષેત્રની વાજબી ઉપસ્થિતિ માટે જાહેર ક્ષેત્રના સાહસો માટે નવી નીતિ લાવવામાં આવી છે.

મિત્રો,

આજે, ભારતમાં દરેક ક્ષેત્ર- વિનિર્માણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, કૃષિ, નાણાં અને આરોગ્ય તેમજ શિક્ષણ જેવા સામાજિક ક્ષેત્રો ઉન્નતિ કરી રહ્યાં છે. કૃષિ ક્ષેત્રમાં તાજેતરમાં અમે કરેલા સુધારાથી ભારતમાં ખેડૂતો સાથે ભાગીદારી માટેની નવી સંભાવનાઓના દ્વાર ખુલ્યા છે. ટેકનોલોજી અને અદ્યતન પ્રસંસ્કરણ ઉકેલોની મદદથી, ભારત ટૂંક સમયમાં જ કૃષિ નિકાસના હબ તરીકે ઉભરી આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિદેશી યુનિવિર્સિટીઓને અહીં તેમના સંકુલો ખોલવા માટે અનુમતિ આપે છે. રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશન ફિન-ટેક માટે નવા કાર્યક્ષેત્રો પૂરા પાડે છે.

મિત્રો,

મને ઘણી ખુશી છે કે રોકાણકાર સમુદાય અમારા ભવિષ્યમાં વિશ્વાસ બતાવી રહ્યો છે. છેલ્લા 5 મહિનામાં અમારા FDIના આવવાના પ્રવાહમાં ગત વર્ષની સરખામણીએ 13 ટકાનો વધારો નોંધાયો છે. આ ગોળમેજી બેઠકમાં તમારી સક્રિય ભાગીદારીથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે.

મિત્રો,

જે તમે વિશ્વસનીયતા સાથે વળતર મેળવવા માંગતા હોવ તો, ભારત આપના માટે આવું જ સ્થળ છે. જો તમે લોકશાહી સાથે માંગ ઇચ્છતા હોવ તો, ભારત આપના માટે આવું જ સ્થળ છે. જો તમે ટકાઉક્ષમતા સાથે સ્થિરતા ઇચ્છતા હોવ તો, ભારત આપના માટે આવું જ સ્થળ છે. જો તમે હરિત અભિગમ સાથે વિકાસ ઇચ્છતા હોવ તો, ભારત આપના માટે આવું જ સ્થળ છે.

મિત્રો,

ભારતના વિકાસમાં વૈશ્વિક આર્થિક પુનરુત્થાનની સંભાવનાઓ સમાયેલી છે. ભારતે પ્રાપ્ત કરેલી કોઇપણ સિદ્ધિની વૈશ્વિક વિકાસ અને કલ્યાણ પર અનેકગણી અસર પડશે. મજબૂત અને ધબકતું ભારત વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાં સ્થિરતા લાવવામાં યોગદાન આપી શકે છે. ભારતને વૈશ્વિક વિકાસના પુનરુત્થાનનું એન્જિન બનાવવા માટે અમે કંઇપણ કરીશું. આગળ પ્રગતિનો ઉત્સાહજનક તબક્કો આવી રહ્યો છે. હું આપ સૌને તેનો હિસ્સો બનવા માટે નિમંત્રણ આપું છું.

આપ સૌનો ખૂબ ખૂબ આભાર!

 

SD/GP/BT



(Release ID: 1670476) Visitor Counter : 223