ગૃહ મંત્રાલય

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નવી દિલ્હી સ્થિત સરદાર પટેલ ચોક પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન થયું


રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી અનિલ બૈજલે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી

શ્રી અમિત શાહે કહ્યું – “સરદાર પટેલનું લોખંડી નેતૃત્વ, કર્તવ્યપરાયણતા અને દેશભક્તિ હંમેશા આપણને માર્ગદર્શન આપતી રહેશે.”

કેન્દ્રીય ગૃહમંત્રીએ આ પ્રસંગે ઉપસ્થિત લોકોને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા

શ્રી અમિત શાહે કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી મહાન દેશભક્ત સરદાર પટેલના ચરણોમાં વંદન કરીને કહ્યું – “રાષ્ટ્રીય એકતાના પ્રતિબિંબ અને દરેક ભારતના હૃદયમાં વસતા લોહ પુરુષ સરદાર પટેલને કોટી કોટી નમન”

“સરદાર પટેલે આઝાદી પછી સેંકડો રજવાડામાં વિખરાયેલા ભારતને એકતાંતણે બાંધીને આજના મજબૂત ભારતનો પાયો નાંખ્યો હતો. તેમનું દ્રઢ નેતૃત્વ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની ભાવના અને વિરાટ યોગદાનને ભારત ક્યારેય નહીં ભૂલે” – કેન્દ્રીય ગૃહમંત્રી

Posted On: 31 OCT 2020 12:08PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આજે નવી દિલ્હી સ્થિત સરદાર પટેલ ચોક પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું. એમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી અનિલ બૈજલે રાષ્ટ્રીય ગૌરવ અને આપણા બધાના પ્રેરણાસ્ત્રોત સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ પર એમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું હતું કે, સરદાર પટેલનું લોહ નેતૃત્વ, કર્તવ્યપરાયણતા અને રાષ્ટ્રભક્તિ હંમેશા આપણને માર્ગદર્શન આપતી રહેશે.

તેમણે ઉપસ્થિત લોકોને રાષ્ટ્રીય એકતાની શપથ લેવડાવતાં કહ્યું હતું કે, હું સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છું કે, હું રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવી રાખવા માટે પોતાની જાતને સમર્પિત કરું છું અને પોતાના દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાનો સતત પ્રયાસ કરીશ. હું આ શપથ પોતાના દેશની એકતાની ભાવના માટે લઈ રહ્યો છું, જેને સરદાર પટેલની દીર્ઘદ્રષ્ટિ અને કાર્યો દ્વારા સંભવ બનાવી શકાય. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોતાનું યોગદાન આપવાનો પણ સત્યનિષ્ઠા સાથે સંકલ્પ કરું છું.

શ્રી અમિત શાહે પોતાની ટ્વીટમાં કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી મહાન રાષ્ટ્રભક્ત સરદાર પટેલના ચરણોમાં વંદન કરતા કહ્યું હતું કે, રાષ્ટ્રીય એકતાના પ્રતિબિંબ અને દરેક ભારતીયના હૃદયમાં વસતા લોહપુરુષ સરદાર પટેલને કોટી કોટી નમન. આઝાદી પછી સેંકડો રજવાડામાં વિખરાયેલા ભારતને એકતાંતણે બાંધીને તેમણે આજના ભારતનો મજબૂત પાયો નાંખ્યો. તેમનું દ્રઢ નેતૃત્વ, રાષ્ટ્ર માટે સમર્પણની ભાવના અને વિરાટ યોગદાનને ભારત ક્યારેય નહીં ભૂલે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ એ પણ કહ્યું હતું કે, બંધારણ અને સનાતનના સંતુલનના અદ્વિતીય પ્રતીક સરદાર પટેલે દેશને એકતાંતણે બાંધવાથી લઈને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર સુધી પોતાના જીવનની એક-એક ક્ષણ ભારતમાં એક રાષ્ટ્રની ભાવના જાગૃત કરવા માટે સમર્પિત કરી હતી. કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી આ મહાન રાષ્ટ્રભક્ત લોહપુરુષ સરદાર પટેલના ચરણોમાં શત શત વંદન.

 

SD/GP/BT

 



(Release ID: 1669046) Visitor Counter : 434