સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

દુનિયામાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછી મૃત્યુ સંખ્યા ધરાવતા દેશોમાં ભારતે સ્થાન જાળવી રાખ્યું


છેલ્લા 14 દિવસમાં 1100 કરતાં ઓછો દૈનિક મૃત્યુઆંક નોંધાયો

22 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો

Posted On: 16 OCT 2020 2:18PM by PIB Ahmedabad

દુનિયામાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછી મૃત્યુ સંખ્યા ધરાવતા દેશોમાં ભારતે સ્થાન જાળવી રાખ્યું અને આજે આ આંકડો 81 દર્દીના મૃત્યુનો છે.

2 ઓક્ટોબરથી સતત દેશમાં દૈનિક મૃત્યુની સંખ્યા 1100 કરતાં ઓછી નોંધાઇ રહી છે.

આના કારણે 22 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્થિતિમાં સુધારો આવ્યો છે અને અહીં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો નોંધાયો છે.

દર્દીઓના મૃત્યુદરની ટકાવારીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. વર્તમાન સમયમાં મૃત્યુદર 1.52% છે જે 22 માર્ચ 2020 પછી સૌથી નીચો આંકડો છે.

કોવિડ વ્યવસ્થાપન અને પ્રતિક્રિયા નીતિના ભાગરૂપે, કેન્દ્ર સરકાર દ્વારા કોવિડના સંક્રમણને નિયંત્રણમાં રાખવા ઉપરાંત, મૃત્યુના આંકડામાં ઘટાડો કરવા પર અને કોવિડની તીવ્ર તેમજ ગંભીર અસર ધરાવતા દર્દીઓને ગુણવત્તાપૂર્ણ તબીબી સંભાળ પૂરી પાડીને લોકોના જીવન બચાવવા પર પણ તીવ્ર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો સહિયારા પ્રયાસોના પરિણામે સમગ્ર દેશમાં આરોગ્ય સુવિધાઓ વધુ મજબૂત થઇ શકી છે. 2212 સમર્પિત કોવિડ હોસ્પિટલોમાં ગુણવત્તાપૂર્ણ સારવાર આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા તબીબી સારવાર પ્રોટોકોલમાં સારવારના માપદંડોની માર્ગદર્શિકા પર સંમિલિત કરવામાં આવી છે જેના કારણે કોવિડના દર્દીઓની સારવાર માટે તમામ સરકારી અને ખાનગી સુવિધાઓમાં તબીબી સંભાળની પ્રમાણભૂત ગુણવત્તા સુનિશ્ચિત થઇ શકે.

મૃત્યુદર ઘટાડવા માટે ગંભીર રીતે પીડાઇ રહેલા દર્દીઓના તબીબી વ્યવસ્થાપનમાં જોડાયેલા ICUના ડૉક્ટરોની ક્ષમતાનું નિર્માણ કરવા માટે શરૂ કરવામાં આવેલી અનન્ય પહેલરૂપે નવી દિલ્હી સ્થિત એઇમ્સ દ્વારા e-ICUનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત અઠવાડિયામાં બે વખત એટલે કે મંગળવારે અને શુક્રવારે ટેલિ/વીડિયો કન્સલ્ટેશન સત્રોનું આયોજન કરવામાં આવે છે જેમાં રાજ્યોમાં આવેલી વિવિધ હોસ્પિટલોમાં ICUનું સંચાલન કરવા માટે ડૉક્ટરોને માર્ગદર્શન આપવા માટે જે-તે બાબતોના જ્ઞાન અને ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા સલાહસૂચન આપવામાં આવે છે. આ સત્રોની શરૂઆત 8 જુલાઇ 2020ના રોજથી કરવામાં આવી છે.

આજદિન સુધીમાં, આવા 23 ટેલિ-સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 34 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલી 334 હોસ્પિટલોના ડૉક્ટરોએ ભાગ લીધો છે.

નવા પુષ્ટિ થતા પોઝિટીવ કેસોની સરખામણીએ નવા સાજા થઇ રહેલા દર્દીઓનો આંકડો વધારે જળવાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 70,338 દર્દીઓ સાજા થઇ ગયા છે જ્યારે 63,371 નવા પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. આજદિન સુધીમાં દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 64,53,779 છે. સાજા થયેલા અને સક્રિય દર્દીઓ વચ્ચેનો તફાવત વધીને 56 લાખ (56,49,251)નો આંકડો ઓળંગી ગયો છે. સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા હાલમાં સક્રિય કેસોની સંખ્યા કરતાં 8 ગણાથી વધારે છે.

સક્રિય કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. હાલમાં સક્રિય કેસોની ટકાવારી દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી માત્ર 10.92% છે અને સક્રિય કેસોનો આંકડો 8,04,528 છે. મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યાં હોવાથી દેશના સરેરાશ રિકવરી દરમાં સુધારો થતા વધીને 87.56% થઇ ગયો છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 78% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી હોવાનું નોંધાયું છે. એક જ દિવસમાં 13,000 કરતા વધુ દર્દીઓ સાજા થવાની સંખ્યા સાથે સર્વાધિક રિકવરી મામલે મહારાષ્ટ્ર સૌથી ટોચે છે.

નવા નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી 79% દર્દીઓ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે. સૌથી વધુ નવા પોઝિટીવ કેસો મામલે પણ મહારાષ્ટ્ર સૌથી ટોચે છે જ્યાં 10,000 કરતા વધુ દર્દી એક દિવસમાં નોંધાયા છે જ્યારે 8,000 કરતાં વધારે દર્દી સાથે કર્ણાટક બીજા ક્રમે છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 895 દર્દીઓના મૃત્યુ થયા છે.

મૃત્યુ પામેલા દર્દીઓમાંથી લગભગ 82% મૃત્યુ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નોંધાયા છે જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઓડિશા અને દિલ્હી સામેલ છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 37% કરતાં વધારે દર્દીઓ માત્ર મહારાષ્ટ્રમાં જ મૃત્યુ પામ્યા છે (337 મૃત્યુ).

13 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ નોંધાયેલો મૃત્યુઆંક રાષ્ટ્રીય સરેરાશ મૃત્યુઆંકની સરખામણીએ વધારે છે.

 

SD/GP/BT

 


(Release ID: 1665122) Visitor Counter : 303