પ્રધાનમંત્રીનું કાર્યાલય

આઈસીસીઆર અને યુપીઆઈડી દ્વારા ટેક્સ્ટાઈલ ક્ષેત્રની પરંપરાઓ વિષે યોજાયેલા આંતરરાષ્ટ્રીય વેબિનારમાં પ્રધાનમંત્રીના સંદેશનો મૂળપાઠ

Posted On: 03 OCT 2020 7:29PM by PIB Ahmedabad

નમસ્તે !

કાપડ ઉદ્યોગ અંગેની ચર્ચામાં જોડાતાં મને આનંદ થાય છે. મને એ બાબતની પણ ખુશી છે કે વિવિધ દેશના લોકો આમાં ભાગ લઈ રહ્યા છે. ધ ઈન્ડીયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ અને ઉત્તર પ્રદેશ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈને સૌને એકત્ર કરવામાં ભારે પ્રયાસો કર્યા છે. તમે વિષય પણ સુંદર પસંદ કર્યો છે- “વીવીંગ રિલેશન્સઃ ટેક્સટાઈલ ટ્રેડીશન્સ”.

મિત્રો, ટેક્સટાઈલ ક્ષેત્ર સાથેનો આપણો સંબંધ વર્ષો જૂનો છે. ટેક્સટાઈલ ક્ષેત્રનો ઈતિહાસ તપાસશો તો આપણું વૈવિધ્ય અને અસંખ્ય તકો જોવા મળશે.

મિત્રો, ભારતમાં ટેક્સટાઈલની પરંપરા ઘણી જૂની છે. કાપડનું વણાટ અને રંગકામ ઘણાં જૂના સમયથી દેશમાં ચાલી રહ્યું છે. સ્વાભાવિક છે કે ભારતમાં કલર કોટનનો ઈતિહાસ ખૂબ જ લાંબો અને ભવ્ય છે. આવું જ રેશમ અંગે પણ કહી શકાય તેમ છે. મિત્રો, આપણાં ટેક્સટાઈલ ક્ષેત્રમાં જે વિવિધતા છે તે આપણી સંસ્કૃતિની સમૃધ્ધિ દર્શાવે છે. કોઈપણ રાજ્યમાં જાવ, કોઈપણ ગામમાં જાવ, અલગ અલગ સમુદાયો વચ્ચે જાવ, તેમની કાપડની પરંપરામાં કશુંક નવું જોવા મળશે. આંધ્ર પ્રદેશ પાસે કલમકારી છે, તો મુગા સિલ્ક આસામનું ગૌરવ છે. કાશ્મીર એ પશ્મીનાનું વતન છે. ફૂલકારીએ પંજાબની સંસ્કૃતિને પ્રચલિત બનાવી છે. જો ગુજરાત પટોળા માટે પ્રખ્યાત છે, તો બનારસે તેની સાડીઓ માટે નામના મેળવી છે. મધ્ય પ્રદેશ તેના ચંદેરી કાપડ માટે અને ઓડીશા પણ તેના સંબલપુરી કાપડ માટે જાણીતું છે. મેં માત્ર થોડાક જ નામ આપ્યા છે અને તેમાં ઘણાં બધા નામ ઉમેરી શકાય તેમ છે.

આ પ્રસંગે હું આપણાં આદિવાસી સમુદાયની સમૃધ્ધ કાપડ પરંપરા અંગે પણ તમારૂં ધ્યાન દોરીશ. ભારતની તમામ ટેક્સટાઈલ ટ્રેડીશનમાં રંગ છે, ધબકાર છે અને આંખોને ગમી જાય તેવી ઝીણી ઝીણી વિગતો છે.

મિત્રો, કાપડ ઉદ્યોગ હંમેશા વિવિધ તક લઈને આવ્યું છે. ભારતમાં ટેક્સટાઈલ સેક્ટર સૌથી વધુ નોકરીઓ પૂરી પાડે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાપડ ઉદ્યોગે દુનિયા સાથે વેપાર અને સાંસ્કૃતિક સંબંધોના નિર્માણમાં સહાય કરી છે. એકંદરે ભારતના કાપડનું મૂલ્ય વિશ્વમાં ઉંચુ આંકવામાં આવે છે. ભારતની કાપડ પરંપરા રિવાજો, કસબ, વિવિધ પ્રકારના ઉત્પાદનો અને ટેકનિકથી સભર છે.

મિત્રો, આ કાર્યક્રમ ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહ્યો છે. ગાંધીજીએ કાપડ ક્ષેત્ર અને સામાજિક સશક્તિકરણ વચ્ચે ઘનિષ્ટ સંબંધ જોયો હતો. તેમણે એક સાદા ચરખાનું ભારતની આઝાદીની ચળવળના પ્રતિક તરીકે રૂપાંતર કર્યું હતું. ચરખાએ આપણને એક રાષ્ટ્ર તરીકે વણી લીધા છે.

મિત્રો, આજે કાપડ ઉદ્યોગને આપણે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેના એટલે કે સેલ્ફ રિલાયન્ટ ઈન્ડીયાના મહત્વના પરિબળ તરીકે જોઈ રહ્યા છીએ. આપણી સરકાર, ખાસ કરીને કૌશલ્યમાં સુધારા, નાણાંકીય સહાય તથા આ સેક્ટરને અતિ આધુનિક ટેકનોલોજી સાથે જોડવા ઉપર ધ્યાન આપી રહી છે. આપણાં વણકરો વિશ્વ સ્તરનું ઉત્પાદન આપી શકે તે માટે તેમને સહાય કરવામાં આવી રહી છે. આ સિધ્ધિ હાંસલ કરવા માટે આપણે વિશ્વની ઉત્તમ પ્રણાલિઓ શિખવાની જરૂર છે. આપણે પણ ઈચ્છીએ કે દુનિયા ઉત્તમ પ્રણાલિઓ અપનાવે. આથી જ 11 રાષ્ટ્રો આ ચર્ચામાં સામેલ થયા છે તેનો મને આનંદ છે. વિચારો તથા ઉત્તમ પ્રણાલિઓના આદાન-પ્રદાનને કારણે સહયોગના નવા દ્વાર ખૂલી જશે.

મિત્રો, દુનિયાભરમાં કાપડ ક્ષેત્ર અનેક મહિલાઓને રોજગારી આપી રહ્યું છે. આ રીતે ધબકતું કાપડ ક્ષેત્ર મહિલા સશક્તિકરણની તાકાતમાં ઉમેરો કરનાર પરિબળ બની રહ્યું છે. મિત્રો, આપણે પડકારયુક્ત સમય માટે આપણાં ભવિષ્યને સજ્જ બનાવવાનું છે. કાપડ ઉદ્યોગની આપણી પરંપરામાં શક્તિશાળી વિચારો અને સિધ્ધાંતો જોવા મળ્યા છે, જેમા વિવિધતા અને અપનાવવાની ક્ષમતા, આત્મનિર્ભરતા, કૌશલ્ય અને ઈનોવેશનનો સમાવેશ થાય છે. આ તમામ સિધ્ધાંતો હાલમાં ખૂબ જ સુસંગત છે. હું આશા રાખું છું કે આજના વેબીનાર જેવા કાર્યક્રમો આ તમામ સિધ્ધાંતોને મજબૂત બનાવવામાં યોગદાન આપશે. હું ધબકતા કાપડ ક્ષેત્રમાં યોગદાન આપવાની આશા રાખું છું. હું આઈસીસીઆર, યુપીઆઈડી તથા સામેલ થનાર અન્યને તેમના પ્રયાસોની સફળતા માટે શુભેચ્છા પાઠવું છું.

આપનો ખૂબ ખૂબ આભાર.

 

SD/GP/BT




(Release ID: 1661505) Visitor Counter : 231