મંત્રીમંડળ
મંત્રીમંડળે ભૂવિજ્ઞાન અને ખનીજ સંસાધનોના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે ભારત અને ફિનલેન્ડ વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી
Posted On:
02 SEP 2020 4:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં ભારત સરકારના ખાણ મંત્રાલયના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગ અને ફિનલેન્ડની સરકારના રોજગાર અને અર્થતંત્ર મંત્રાલયના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગ (Geologiantutkimuskeskus) વચ્ચે ભૂવિજ્ઞાન અને ખનીજ સંસાધનોના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપવામાં આવી છે.
આ સમજૂતીકરાર અંતર્ગત બંને સંસ્થાઓ વચ્ચે ભૂવિજ્ઞાન, એની સાથે સંબંધિત કામગીરી માટે તાલીમ, ખનીજ સંસાધનોની અગાઉથી જાણકારી મેળવવી અને આ માટે અનુકૂળ પરિબળોનું વિશ્લેષણ કરવું, 3/4ડી મોડેલિંગ, ધરતીકંપ સાથે સંબંધિત અભ્યાસ અને અન્ય ભૌગોલિક સર્વેક્ષણો જેવા જુદાં-જુદાં કાર્યક્ષેત્રોમાં સાથસહકાર સ્થાપિત થશે. ઉપરાંત આ સમજૂતીકરારમાં બંને સંસ્થાઓ વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવાનો તથા વૈજ્ઞાનિક કામગીરીના સંબંધોને વધારવાનો આશય વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ સમજૂતીકરારનો ઉદ્દેશ લાભદાયક આર્થિક, સામાજિક અને પર્યાવરણલક્ષી ફાયદા થાય એવી કામગીરી માટે બંને સંસ્થાઓ વચ્ચે ભૂવિજ્ઞાન અને ખનીજ સંસાધનોના ક્ષેત્રમાં સાથસહકારને પ્રોત્સાહન આપવાનો તથા એને વધારવા એક માળખું ઊભું કરવાનો અને પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે. ઉપરાંત એનો ઉદ્દેશ ભૂવિજ્ઞાન અને ખનીજ સંસાધનોના ક્ષેત્રોમાં ઉત્ખનન અને ખાણકામને પ્રોત્સાહન આપવા ભૂસ્તરીય જાણકારી વહેંચવા અને માહિતીનું આદાનપ્રદાન કરવાનો પણ છે.
ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (જીએસઆઈ) એ ભારત સરકારની આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રતિષ્ઠિત ભૂ-વિજ્ઞાન સંસ્થા છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય ભૂવૈજ્ઞાનિક માહિતી અને ખનીજ સંસ્થાનોની આકારણી કરવા અને એને અપડેટ કરવાની નામના ધરાવે છે. બંને સંસ્થાઓ વચ્ચે એમઓયુમાં વ્યક્ત કરેલા ઉદ્દેશો જમીન, હવાઈ અને દરિયાઈ સર્વે, ખનીજ સંસાધનોની સંભવિતતા અને ચકાસણી, જિઑસાયન્ટિફિક, જિઑ-ટેકનિકલ, જિઑ-એન્વાયર્મેન્ટલ જેવી વિવિધ શાખાઓ તથા કુદરતી જોખમનો અભ્યાસો, ગ્લેશિયોલોજી (હિમનદી સાથે સંબંધિત શાસ્ત્ર), સેઇસ્મોટેક્ટોનિક (ધરતીકંપ સાથે સંબંધિત માળખા) અભ્યાસ દ્વારા હાંસલ કરવામાં આવી રહ્યાં છે તથા આ માટે મૂળભૂત સંશોધનો હાથ ધરવામાં આવ્યાં છે.
ફિનલેન્ડના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગ એકથી વધારે વિષય સાથે સંબંધિત ડેટાના સંકલન અને એના વિશ્લેષણમાં કુશળતા ધરાવે છે, જે માટે જમીનની નીચે દટાયેલા ખનીજ સંસાધનોની જાણકારી મેળવવા માટે 3/4ડી મોડલિંગ પર વિશેષ ભાર મૂકીને સ્થળ સંબંધિત પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. વળી સંસ્થા ભૂવૈજ્ઞાનિક કામગીરી સાથે સંબંધિત જોખમનું નિવારણ કે વ્યવસ્થાપન, પર્યાવરણ પર અસરનું મૂલ્યાંકન અને અન્ય મહત્ત્વપૂર્ણ સામાજિક-આર્થિક ક્ષેત્રોની આકારણી કરવામાં બહોળો અનુભવ ધરાવે છે. સંસ્થાએ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ (નિર્ણય લેવામાં મદદરૂપ વ્યવસ્થા) પણ વિકસાવી છે, જેનો ઉપયોગ જીઆઇએસ આધારિત મોડેલિંગની ઓછામાં ઓછી જાણકારી સાથેઉપયોગકર્તાઓ દ્વારા કરી શકાશે.
SD/BT
(Release ID: 1650699)
Visitor Counter : 265
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam