પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહામારીની વર્તમાન પરિસ્થિતિ અને તેને નિયંત્રણમાં લેવા માટે આગામી યોજના અંગે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી
આપણે નવા મંત્રનુ પાલન કરવાની જરૂર છે - ચેપગ્રસ્ત વ્યક્તિનાં સંપર્કમાં આવેલ તમામ લોકોને 72 કલાકમાં ટ્રેસ કરીને તેમનું પરીક્ષણ કરવું જોઇએ: પ્રધાનમંત્રી
80% સક્રિય કેસો 10 રાજ્યોમાં છે, જો વાયરસને ત્યાં ખતમ કરવામાં આવે તો, સંપૂર્ણ દેશ મહામારી સામે વિજયી થઇ જશે: પ્રધાનમંત્રી
મૃત્યુદર 1%ની નીચે લાવવાનું લક્ષ્ય ટૂંક સમયમાં પ્રાપ્ત થઇ શકશે: પ્રધાનમંત્રી
ચર્ચામાંથી એવું તારણ આવ્યું કે, બિહાર, ગુજરાત, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં તાકીદના ધોરણે પરીક્ષણની સંખ્યા વધારવાની જરૂર છે: પ્રધાનમંત્રી
આ લડાઇમાં કન્ટેઇન્મેન્ટ, સંપર્ક ટ્રેસિંગ અને સર્વેલન્સ સૌથી અસરકારક શસ્ત્રો છે: પ્રધાનમંત્રી
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં મહામારીને નિયંત્રણમાં લેવા માટે ગૃહમંત્રીએ તૈયાર કરેલી રૂપરેખાનો પ્રધાનમંત્રીએ ફરી ઉલ્લેખ કર્યો
મુખ્યમંત્રીઓએ પાયાના સ્તરની પરિસ્થિતિ અંગે પ્રતિભાવો આપ્યા, આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરીક્ષણની સંખ્યામાં વધારો કરવા માટેના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો
Posted On:
11 AUG 2020 2:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ગુજરાત, તેલંગાણા અને ઉત્તરપ્રદેશ સહિત દસ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને કોવિડ-19 મહામારીની વર્તમાન પરિસ્થિતિ અને તેને નિયંત્રણમાં લેવા માટે ઘડવામાં આવેલી ભાવિ યોજનાઓ અંગે તેમની સાથે વિગતવાર ચર્ચા કરી હતી. કર્ણાટક વતી નાયબ મુખ્યમંત્રીએ આ બેઠકમાં ભાગ લીધો હતો.
ટીમ ઇન્ડિયા દ્વારા ટીમ વર્ક
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિએ ખૂબ જ સારા પ્રમાણમાં સહકાર આપ્યો છે અને ટીમ ઇન્ડિયાએ ખૂબ સારા ટીમવર્કની ભાવના દર્શાવી છે. હોસ્પિટલો અને આરોગ્ય સંભાળ કર્મચારીઓને જે પડકારોનો સામનો કરવો પડ્યો અને જે દબાણપૂર્ણ સ્થિતિમાં રહેવું પડ્યું તે અંગે તેમણે ચર્ચા કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, કુલ કેસમાંથી લગભગ 80% સક્રિય કેસો માત્ર 10 રાજ્યોમાં જ છે માટે જો આ દસ રાજ્યોમાં વાયરસનો ખાતમો કરવામાં આવે તો સમજો કે, ભારત કોવિડ-19 સામેની આ લડાઇમાં વિજયી થઇ ગયું.
પરીક્ષણોમાં વૃદ્ધિ, મૃત્યુદરમાં ઘટાડો
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, હાલમાં દેશમાં દૈનિક પરીક્ષણોની સંખ્યા વધીને 7 લાખનો આંકડો વટાવી ગઇ છે અને તેમાં સતત વૃદ્ધિ થઇ રહી છે જેના કારણે ચેપગ્રસ્ત દર્દીઓને વહેલી તકે ઓળખી કાઢવામાં અને કન્ટેઇન્મેન્ટની કામગીરીમાં ઘણી મદદ મળી રહી છે. દેશમાં સરેરાશ મૃત્યુદર સમગ્ર દુનિયામાં નોંધાયેલા સૌથી ઓછા મૃત્યુદર પૈકી એક છે અને તેમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, સક્રિય કેસોની સંખ્યાની ટકાવારીમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે જ્યારે સાજા થનારા દર્દીઓના દરમાં સતત વૃદ્ધિ નોંધાઇ રહી છે. પ્રધાનમંત્રીએ ખાસ ટાંક્યું હતું કે, આ પગલાંના કારણે લોકોમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને તેમણે કહ્યું હતું કે, 1%થી નીચે મૃત્યુદર લઇ જવાનું લક્ષ્ય ટૂંક સમયમાં જ પ્રાપ્ત થઇ શકશે.
પ્રધાનમંત્રીએ ખાસ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ ચર્ચાના અંતે એવું તારણ આવ્યું છે કે, બિહાર, ગુજરાત, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં તાકીદના ધોરણે પરીક્ષણોની સંખ્યામાં વૃદ્ધિ કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, કન્ટેઇન્મેન્ટ, સંપર્ક ટ્રેસિંગ અને સર્વેલન્સની કામગીરી આ મહામારી સામેની લડાઇમાં સૌથી અસરકારક શસ્ત્રો પૂરવાર થયા છે. લોકો હવે આ બાબતે જાગૃત થયા છે અને આ પ્રયાસોમાં મદદરૂપ થવા માટે આગળ આવી રહ્યા છે, જેના પરિણામે, આપણે હોમ ક્વૉરેન્ટાઇનના વિકલ્પનો સફળતાપૂવર્ક ઉપયોગ કરી રહ્યાં છીએ. આરોગ્ય સેતુ એપ્લિકેશનની ઉપયોગિતા વિશે તેમણે ખાસ ટાંક્યું હતું અને કહ્યું હતું કે, નિષ્ણાતોના મત અનુસાર, જો આપણે પ્રારંભિક 72 કલાકમાં ચેપગ્રસ્ત કેસોનો ઓળખી કાઢવામાં સફળ રહીએ તો, આ વાયરસના સંક્રમણને ધીમું પાડી શકાય તેમ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જેઓ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તેવા તમામ લોકોને 72 કલાકમાં ટ્રેસ કરવા અને તેમના પરીક્ષણ કરવાની જરૂર છે. વારંવાર હાથ ધોવા, બે ગજનું અંતર જાળવવું અને માસ્ક પહેરવું વગેરે બાબતોની જેમ આનું પણ એક મંત્રની જેમ પાલન કરવું જોઇએ તેવું તેમણે જણાવ્યું હતું.
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વ્યૂહનીતિ
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં મહામારીને નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીએ તૈયાર કરેલી વ્યૂહનીતિના અનુભવનો ફરી ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ વ્યૂહનીતિના મુખ્ય આધારસ્તંભ કન્ટેઇન્મેન્ટ ઝોનનું વિભાગીકરણ અને ખાસ કરીને અતિ જોખમ ધરાવતા લોકો સહિત અન્ય લોકોના સ્ક્રિનિંગ પર વિશેષ ધ્યાન આપવાની નીતિ હતા. તેમણે કહ્યું હતું કે, આ પગલાંના પરિણામો આપણે સૌ અત્યારે જોઇ રહ્યાં છીએ અને ઉમેર્યું હતું કે, હોસ્પિટલોમાં વ્યવસ્થિત વ્યવસ્થાપન અને ICU બેડની સંખ્યામાં વૃદ્ધિની જેમ આ પગલાં ઉમેરવાથી ખૂબ જ મદદરૂપ પૂરવાર થયાં છે.
મુખ્યમંત્રીઓએ પોતાની વાતો રજૂ કરી
આ બેઠક દરમિયાન વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાના રાજ્યોમાં પાયાના સ્તરની પરિસ્થિતિ અંગે પ્રતિભાવો આપ્યા હતા. તેમણે મહામારીના સફળ વ્યવસ્થાપનમાં નેતૃત્ત્વ સંભાળવાની પ્રધાનમંત્રીની કામગીરીની પ્રશંસા કરી હતી અને તેમના સતત માર્ગદર્શન તેમજ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે હાલમાં થઇ રહેલા પરીક્ષણો, પરીક્ષણોની સંખ્યા વધારવા માટે લેવામાં આવતા પગલાં, ટેલિ-મેડિસિનનો ઉપયોગ અને આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિ કરવા માટે થઇ રહેલા પ્રયાસો અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે સીરો-સર્વેલન્સ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા વધુ માર્ગદર્શન માટે પણ વિનંતી કરી હતી જ્યારે, સાથે સાથે દેશમાં એકીકૃત તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાનું સૂચન પણ આપ્યું હતું.
WHO દ્વારા પ્રશંસા
સંરક્ષણમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વાયરસ સામે દેશની આ લડાઇમાં સરકાર તરફથી શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેની વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવે દેશમાં કોવિડના કેસો સંબંધિત વિહંગાવલોકન રજૂ કર્યું હતું અને ટાંક્યું હતું કે, કેટલાક રાજ્યોમાં કેસોની સંખ્યામાં વૃદ્ધિ થવાનો દર સરેરાશ દર કરતાં વધારે છે અને તેવા રાજ્યોને વિનંતી કરી હતી કે, તેઓ પરીક્ષણની ક્ષમતાઓના મહત્તમ ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મૃત્યુના સચોટ આંકડાઓની જાણ કરવાની ખાસ જરૂર છે અને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સ્થાનિક સમુદાયોની મદદથી પરીસીમા દેખરેખ અંગે પણ તેઓ બોલ્યા હતા.
કેન્દ્રીય નાણામંત્રી, આરોગ્ય મંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ આ વાર્તાલાપ દરમિયાન ઉપસ્થિત રહ્યાં હતા.
SD/GP/BT
(Release ID: 1645071)
Visitor Counter : 315
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam