પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી આવતીકાલે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ ધિરાણની સુવિધાઓનો શુભારંભ કરશે અને 'પીએમ-કિસાન' હેઠળ લાભ જાહેર કરશે


રૂપિયા 1 લાખ કરોડનું એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ લણણી પછીના સંચાલન માળખાને અને સામુદાયિક ખેતી સંપત્તિના નિર્માણને મદદરુપ થશે

'પીએમ-કિસાન' ના છઠ્ઠા હપ્તા હેઠળ 8.5 કરોડથી વધુ ખેડુતોને 17,000 કરોડ રૂપિયાની રકમની નાણાકીય સહાય જાહેર કરવામાં આવશે

Posted On: 08 AUG 2020 1:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 'કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ' હેઠળ 1 લાખ કરોડ રૂપિયાની ધિરાણની સુવિધાઓનો શુભારંભ કરશે. પ્રધાનમંત્રી આ સાથે ‘પીએમ-કિસાન યોજના' હેઠળ 8.5 કરોડ ખેડુતોને 17,000 કરોડ રૂપિયાની ધનરાશિના છઠ્ઠા હપ્તાની વિમુક્તિ કરશે. દેશભરના લાખો ખેડુતો, સહકારી મંડળો અને નાગરિકો આ કાર્યક્રમના સાક્ષી બનશે.આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહેશે.

મંત્રીમંડળે "કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ" અંતર્ગત 1 લાખ કરોડ રૂપિયાની ધિરાણ સુવિધાની કેન્દ્રિય ક્ષેત્ર યોજનાને મંજૂરી આપી છે. આ ફંડ લણણી પછીના સંચાલન માળખા અને કોલ્ડ સ્ટોરેજ, સંચય કેન્દ્રો, પ્રક્રિયા એકમ વગેરે જેવી સામુદાયિક ખેતીની સંપત્તિના નિર્માણમાં મદદરૂપ થશે. આ સંપત્તિ દ્વારા ખેડૂતો તેમના ઉત્પાદન માટે વધુ મૂલ્ય પ્રાપ્ત કરી શકશે, કારણ કે, તેઓ સંગ્રહ કરી શકશે અને ઉંચા ભાવે વેચી શકશે, બગાડમાં ઘટાડો અને ઉત્પાદનમાં વધારો અને મૂલ્યમાં વધારો કરી શકશે. અનેક ધિરાણ આપતી સંસ્થાઓની ભાગીદારીમાં ફાઇનાન્સિંગ સુવિધા હેઠળ રૂપિયા 1 લાખ કરોડની મંજૂરી આપવામાં આવશે; જાહેર ક્ષેત્રની 12 માંથી 11 બેંકોએ પહેલાથી જ ડીએસી અને એફડબલ્યુ સાથે એમઓયુ કર્યા છે. 3% વ્યાજ સબસિડી અને 2 કરોડ રૂપિયા સુધીની ક્રેડિટ ગેરેંટી આ પ્રોજેક્ટ્સની કાર્યક્ષમતામાં વધારો કરવા લાભાર્થીઓને પૂરી પાડવામાં આવશે. યોજનાના લાભાર્થીઓમાં ખેડૂત, પીએસીએસ, માર્કેટિંગ કોઓપરેટિવ સોસાયટીઓ, એફપીઓ, એસએચજી, સંયુક્ત જવાબદારી જૂથો ( જેએલજી), બહુહેતુક સહકારી મંડળીઓ, કૃષિ-ઉદ્યમીઓ, સ્ટાર્ટઅપ્સ અને સેન્ટ્રલ / સ્ટેટ એજન્સી અથવા સ્થાનિક સંસ્થા પ્રાયોજિત જાહેર-ખાનગી ભાગીદારી યોજનાઓ સામેલ હશે.

01 ડિસેમ્બર, 2018ના રોજ શરૂ કરાયેલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (પીએમ-કિસાન) હેઠળ 9.9 કરોડથી પણ વધારે ખેડૂતોને રૂપિયા 75,000 કરોડથી પણ વધારાની રોકડ રકમનો સીધો લાભ પૂરો પાડવામાં આવ્યો છે. આનાથી ખેડૂતો તેમની કૃષિ જરૂરિયાતો પૂરી કરી શકશે અને તેમના પરિવારોને મદદ પણ કરી શકશે. પીએમ-કિસાન યોજનાનો શુભારંભ અને અમલીકરણ અભૂતપૂર્વ ગતિએ થયું છે, જે હેઠળ ધનરાશિને સીધી જ 'આધાર' અધિકૃત લાભકર્તાઓના બેંક ખાતામાં હસ્તાંતરિત કરવામાં આવ્યા છે, જેથી ભંડોળના લિકેજને અટકાવી શકાય અને ખેડૂતો માટે સુવિધા વધારી શકાય. આ યોજના કોવિડ-19 રોગચાળા દરમિયાન પણ ખેડૂતોને સહાય કરવામાં મદદરૂપ થઈ છે, લોકડાઉન સમયગાળા દરમિયાન ખેડૂતોને સહાય કરવા માટે આશરે રૂપિયા 22,000 કરોડ આપવામાં આવ્યા હતા. 

 

SD/GP/BT(Release ID: 1644404) Visitor Counter : 282