પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સ્માર્ટ ઇન્ડિયા હૈકાથોન 2020ની ગ્રાન્ડ ફિનાલેમાં સંબોધન કર્યું
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ 21મી સદીની યુવા પેઢીની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, એનઇપીનો ઉદ્દેશ પરિવર્તનકારક સુધારા કરવાનો છે; જેમાં રોજગારવાંચ્છુઓને બદલ રોજગારીનાં સર્જકો બનાવવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે
Posted On:
01 AUG 2020 8:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ મારફતે સ્માર્ટ ઇન્ડિયા હૈકાથોન 2020ની ગ્રાન્ડ ફિનાલેને સંબોધિત કરી હતી.
સ્માર્ટ ઇન્ડિયા હૈકાથોન
પ્રધાનમંત્રીએ સ્માર્ટ ઇન્ડિયા હૈકાથોનની ગ્રાન્ડ ફિનાલેમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અત્યારે દેશ જે પડકારોનો સામનો કરી રહ્યો છે, એના કેટલાંક નિરાકરણો શોધવા વિદ્યાર્થીઓ કામ કરી રહ્યાં છે. સમસ્યાઓનાં સમાધાનો પ્રદાન કરવાની સાથે વિદ્યાર્થીઓની કામગીરી ડેટા, ડિજિટાઇઝેશન અને હાઇ-ટેક ભવિષ્ય સાથે સંબંધિત ભારતની આકાંક્ષાઓને પણ મજબૂત કરશે. ઝડપથી આગળ વધી રહેલી 21મી સદીમાં ભારતે અસરકારક ભૂમિકા સતત ભજવવા પોતાને ઝડપથી બદલવાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઇનોવેશન, સંશોધન, ડિઝાઇન, વિકાસ અને ઉદ્યોગસાહસિકતા માટે દેશમાં જરૂરી ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે ભારતની શિક્ષણ વ્યવસ્થાને વધારે આધુનિક બનાવવા અને પ્રતિભાઓ માટે તકોનું સર્જન કરવાના ઉદ્દેશ પર ભાર મૂક્યો હતો.
નવી શિક્ષણ નીતિ
પ્રધાનમંત્રીએ નવી શિક્ષણ નીતિ પર કહ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ 21મી સદીની યુવા પેઢીના વિચારો, જરૂરિયાતો, આશાઓ અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ફક્ત નીતિગત દસ્તાવેજ નથી, પણ 130 કરોડથી વધારે ભારતીયોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું હતું કે, “આજે પણ બાળકો માને છે કે, તેમનું મૂલ્યાંકન તેમને રસ ન હોય એવા વિષયોને આધારે થાય છે. માતા-પિતાઓ, સગાસંબંધીઓ, મિત્રો વગેરેના દબાણને કારણે બાળકોને એમની પસંદગીના વિષયોમાં અભ્યાસ કરવાની ફરજ પાડે છે. એને પરિણામે મોટી સંખ્યામાં લોકો સારી રીતે શિક્ષિત છે, પણ તેમણે જેનો અભ્યાસ કર્યો છે, એ તેમના માટે ઉપયોગી નથી.” તેમણે ધ્યાન દોર્યું હતું કે, નવી શિક્ષણ નીતિ ભારતની શિક્ષણ વ્યવસ્થામાં વ્યવસ્થિત સુધારા લાવીને આ અભિગમને બદલવા ઇચ્છે છે તથા શિક્ષણનો આશય અને સામગ્રી એમ બંનેમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ થયો છે. તેમણે જણાવ્યું હતું કે, શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ, સંશોધન અને ઇનોવેશન પર કેન્દ્રિત બનાવીને વિદ્યાર્થીઓને ફળદાયક, બહોળો અનુભવ પ્રદાન કરવા ઇચ્છ છે, જે વ્યક્તિની સ્વાભાવિક શક્તિઓને ખીલવવામાં મદદરૂપ થશે.
પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, “આ હૈકાથોનમાં તમે પહેલી વાર સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો નથી, કે તમારો પ્રયાસો છેલ્લો નથી.” તેમણે યુવાનોને ત્રણ બાબતો જીવનમાં ઉતારવાની શીખ આપી હતીઃ સતત શીખવું, પ્રશ્રો પૂછવાં અને એનું સમાધાન કરવું. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે વ્યક્તિ શીખે છે, ત્યારે વ્યક્તિની અંદર જિજ્ઞાસાવૃત્તિ જાગે છે અને ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનું પ્રતિબિંબ છે. તેમણે ઉમેર્યું હતું કે, નવી શિક્ષણ નીતિ બાળકોને શાળાની બેગના ભારણમાંથી મુક્તિ આપીને મહત્ત્વપૂર્ણ વિચારશક્તિ ખીલાવવા તરફ પ્રોત્સાહન આપે છે.
વિવિધ શાખાઓના અભ્યાસ પર ભાર
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિની સૌથી વિશિષ્ટ ખાસિયતોમાંની એક ખાસિયત વિવિધ શાખાઓના અભ્યાસ પર મૂકવામાં આવેલો ભાર છે. આ વિભાવનાને લોકપ્રિયતા મળી રહી છે, કારણ કે એક જ પ્રકારની પદ્ધતિ બધા માટે ઉપયોગી નથી. તેમણે કહ્યું હતું કે, એકથી વધારે શાખાનો અભ્યાસ વિદ્યાર્થીને અભ્યાસ કરવાની ઇચ્છા પર ધ્યાન કેન્દ્રિત કરશે, એમાં વિદ્યાર્થી સમાજની અપેક્ષા પૂર્ણ કરવાને બદલે પોતાના રસના વિષય તરફ વધારે વળશે.
શિક્ષણની સુલભતા
શિક્ષણ તમામને મળવું જોઈએ એવું બાબાસાહેબ આંબેડકરનું વિધાન ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ શિક્ષણ નીતિ શિક્ષણ તમામને સુલભ કરવાના વિચાર પ્રત્યે સમર્પિત છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ તમામને શિક્ષણ મળે એ સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્ચતર શિક્ષણ પ્રદાન કરવા પર કેન્દ્રિત છે. તેમણે જણાવ્યું હતું કે, આ નીતિનો ઉદ્દેશ વર્ષ 2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં કુલ નોંધણીનો રેશિયો વધારીને 50 ટકા કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ શિક્ષણ નીતિ રોજગારવાંચ્છુઓને બદલે રોજગારસર્જકો બનાવવા પર ભાર મૂકે છે. એ એક રીતે આપણી માનસિકતા અને આપણા અભિગમમાં મોટો સુધારો કરવાનો પ્રયાસ છે.
સ્થાનિક ભાષા પર ભાર
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ ભારતીય ભાષાઓની પ્રગતિ અને એના વધારે વિકાસમાં મદદરૂપ થશે. તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને તેમના શરૂઆતના વર્ષોમાં તેમની પોતાની રીતે શિક્ષણનો લાભ થશે. તેમણે ઉમેર્યું હતું કે, નવી શિક્ષણ નીતિ દુનિયા સમક્ષ સમૃદ્ધ ભારતીય ભાષાઓ પણ પ્રસ્તુત કરશે અને તેમને દેશના ભાષા વૈવિધ્યનો પરિચય થશે.
આંતરરાષ્ટ્રીય સંકલન પર ભાર
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે લોકલ પર નીતિગત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, ત્યારે એટલો જ ભાર આંતરરાષ્ટ્રીય સંકલન પર મૂકવામાં આવ્યો છે. ટોચની આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓને ભારતમાં કેમ્પસ ખોલવા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. એનાથી ભારતીય યુવા પેઢીને આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણ અને તકોનો પરિચય થશે તથા તેમને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે સજ્જ થવામાં મદદ મળશે. આ ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓનું નિર્માણ કરવામાં પણ મદદરૂપ થશે, જે છેવટે ભારતને આંતરરાષ્ટ્રીય શિક્ષણનું કેન્દ્ર બનાવશે.
SD/GP/BT
(Release ID: 1642953)
Visitor Counter : 327
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam