પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરિશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જગન્નાથે સંયુક્તપણે સુપ્રીમ કોર્ટના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 30 JUL 2020 1:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરિશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જગન્નાથે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા મોરિશિયસમાં સુપ્રીમ કોર્ટના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. મોરિશિયસની રાજધાની પોર્ટ લૂઇસની અંદર આ ભવન ભારતની સહાયથી નિર્માણ પામેલ પ્રથમ માળખાગત પ્રોજેક્ટ છે, જેમાં કામગીરી કોવિડ રોગચાળા પછી શરૂ થશે. આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ ભારત સરકારની 28.12 અમેરિકી મિલિયન ડોલરની સહાય સાથે પૂર્ણ થયો છે.    

આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ માનવ-કેન્દ્રિત અભિગમના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જે ભારતના વિકાસલક્ષી સાથસહકારના તત્વોનું હાર્દ છે. તેમણે ભારત અને મોરિશિયસ વચ્ચેના ગાઢ સંબંધોને વધારે ઘનિષ્ઠ બનાવવા માટે નાગરિકલક્ષી માળખાગત પ્રોજેક્ટ્સની ભૂમિકાની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનું નવું ભવન આધુનિક ડિઝાઇન ધરાવે છે અને અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ છે, જે મોરિશિયસની ન્યાયિક વ્યવસ્થાને અનુરૂપ છે. વળી આ ભવન ભારત અને મોરિશિયસના સહિયારા મૂલ્ય તરીકે સાથસહકારનું પ્રતીક પણ છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થયો છે અને આ માટેનો ખર્ચ પ્રારંભિક અંદાજથી ઓછો આવ્યો છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, મોરિશિયસ સાથે વિકાસલક્ષી સાથસહકાર વિકાસલક્ષી ભાગીદારીના ભારતના અભિગમનું હાર્દ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકાસ માટે ભારતનો સાથસહકાર બિનશરતી છે. વળી અમારા અભિગમમાં કોઈ પણ પ્રકારનો રાજકીય કે વાણિજ્યિક પ્રભાવ ઊભો કરવાનો ઇરાદો પણ નથી. વિકાસલક્ષી સાથસહકાર માટે ભારતનો મુખ્ય સિદ્ધાંત અમારા ભાગીદાર માટે સન્માન છે અને મુખ્ય પ્રેરકબળ અમારા વિકાસલક્ષી અનુભવોને અન્ય દેશો સાથે વહેંચવાનું છે. તેમણે ભાર મૂક્યો હતો કે, ભારતના વિકાસલક્ષી સાથસહકારની આ વિશેષતાનાં હાર્દરૂપ મૂલ્યો છે  - ‘સન્માન’, ‘વિવિધતા’, ‘ભવિષ્યલક્ષી લાંબા ગાળાનું આયોજન’ અને ‘પર્યાવરણને અનુકૂળ સતત વિકાસ’.

મોરિશિયસના લોકોની સફળતા પર ભારતને ગર્વ છે એવું જણાવીને પ્રધાનમંત્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી વર્ષોમાં ભારત અને મોરિશિયસ વચ્ચેના સંબંધો નવી ઊંચાઈ સર કરશે.

પ્રધાનમંત્રી જગન્નાથે પ્રોજેક્ટ માટે ભારતના સાથસહકાર બદલ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો અને ગાઢ સાથસહકારનું પ્રતિબિંબ છે. તેમણે નોંધ્યું હતું કે, ભારતીય સહાય સાથે સુપ્રીમ કોર્ટના ભવનનું નિર્માણ મોરિશિયસમાં માળખાગત સુવિધાના આધુનિકીકરણમાં નવું સીમાચિહ્ન છે અને આ મોરિશિયસની ન્યાયિક વ્યવસ્થાને વધારે કાર્યદક્ષ, સુલભ અને સર્વસમાવેશક બનાવવામાં મદદરૂપ થશે.

ભારતના વિઝન સાગરતમામ વિસ્તારમાં સુરક્ષા અને વૃદ્ધિ (સીક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન રિઝન)ને સુસંગત સુપ્રીમ કોર્ટના નવા ભવનનું નિર્માણ હિંદ મહાસાગરના વિસ્તારમાં મોરિશિયસના વિશ્વસનીય ભાગીદાર તરીકે ભારતની ભૂમિકા પ્રદર્શિત કરે છે તેમજ બંને દેશો વચ્ચે ભવિષ્યલક્ષી ભાગીદારીને મજબૂત કરવા ભારતની નિર્ણાયક કટિબદ્ધતાને પણ વ્યક્ત કરે છે.

 

SD/GP/BT



(Release ID: 1642304) Visitor Counter : 219