PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
18 JUL 2020 6:11PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Date: 18.07.2020

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India


કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: દેશમાં કોવિડ-19ના દર્દીઓના કેસોનું વાસ્તવિક ભારણ 3,58,692 કેસ છે; સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 6,53,750 થઇ
દેશમાં કોવિડ-19ના અસરકારક નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારના નેતૃત્વમાં અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા સમયસર, સક્રિયપણે અને તબક્કાવાર વ્યૂહનીતિ આધારિત પગલાંના અમલીકરણના પરિણામે, હાલમાં દેશમાં કોવિડ-19ના દર્દીઓના વાસ્તવિક કેસોનું ભારણ નોંધપાત્ર રીતે સંચાલન થઇ શકે તેવા સ્તરે રહ્યું છે. દેશમાં કોવિડ-19ના દર્દીઓના વાસ્તવિક કેસોનું ભારણ આજે માત્ર 3,58,692 છે. દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 6,53,750 થઇ ગઇ છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા અને સક્રીય કેસો વચ્ચેનો તફાવત એકધારો પ્રગતિપૂર્વક વધી રહ્યો છે. આજે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2,95,058 વધારે નોંધાઇ હતી. હાલમાં કોવિડ-19ના કુલ 3,58,692 સક્રિય કેસોને હોમ આઇસોલેશન અથવા ગંભીર લક્ષણો હોય તેવી સ્થિતિમાં હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. બિહારમાં કોવિડના કેસોની વધતી સંખ્યાનું વ્યવસ્થાપન કરવા માટે અને તમામ જરૂરી સહાય કરવા માટે કેન્દ્રની એક ટીમ બિહારમાં નિયુક્ત કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 17,994 કોવિડ-19ના દર્દીઓ સાજા થઇ ગયા છે. હાલમાં દેશમાં સાજા થવાનો દર 63% નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,61,024 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. આજદિન સુધીમાં દેશમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને 1,34,33,742 સુધી પહોંચી ગયો છે. આથી ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરરેશ પરીક્ષણની સંખ્યા 9734.6 થઇ ગઇ છે.
ECOSOCના હાઈલેવલ સેગમેન્ટને પ્રધાનમંત્રીનુ સંબોધન; અમારા પાયાના સ્તરના આરોગ્યતંત્રએ કોવિડ સામેની લડાઇમાં ભારતને દુનિયાભરમાં સૌથી શ્રેષ્ઠ સાજા થવાનો દર પ્રાપ્ત કરનાર રાષ્ટ્ર બનવામાં મદદ કરી છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે ગઇકાલે, આ વર્ષના સંયુક્ત રાષ્ટ્રસંઘ આર્થિક અને સામાજિક પરિષદ (ECOSOC) સત્રના ઉચ્ચ સ્તરીય વિભાગમાં વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્ય સંબોધન આપ્યું હતું. કોવિડ-19 પછીના વિશ્વમાં ‘સુધારેલા બહુપક્ષવાદ’ માટે ભારતના આહ્વાનનો પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો, જે સમકાલિન વિશ્વની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે નોંધ્યું હતું કે, ભારતનો ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ વિકાસનો મંત્ર કોઇને પણ વંચિત ના રહેવા દેવાના મૂળ SDG સિદ્ધાંતનો પડઘો પાડે છે. પોતાના પ્રદેશમાં પ્રથમ પ્રતિભાવક તરીકેની ભારતની ભૂમિકા અંગે જણાવતા પ્રધાનમંત્રીએ વિવિધ દેશોમાં તબીબી પૂરવઠો પહોંચાડવાનું સુનિશ્ચિત કરવામાં અને SAARC દેશોમાં તબીબી સંયુક્ત પ્રતિભાવ વ્યૂહનીતિનું સંકલન સાધવામાં ભારત સરકાર અને ભારતીય ફાર્મા કંપનીઓ દ્વારા આપવામાં આવેલા સાથ-સહકારને પણ યાદ કર્યો હતો.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1639570
પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રસંઘની 75મી વર્ષગાંઠે ECOSOC સમારંભમાં આપેલા સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1639578
CBDTએ કોવિડ-19 મહામારીના સમય દરમિયાન કરદાતાઓને મદદરૂપ થવા માટે અત્યાર સુધીમાં રૂ. 71,229 કરોડ રિફંડ પેટે ચુકવ્યા
કોવિડ-19 મહામારીના સમયમાં કરદાતાઓને રોકડ પ્રવાહિતામાં મદદરૂપ થવા માટે કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ (CBDT) દ્વારા 11 જુલાઇ 2020 સુધીમાં 21.24 લાખ કરતાં વધારે કરદાતાઓને રૂ. 71,229 કરોડ રિફંડ પેટે ચુકવવામાં આવ્યા છે. 8 એપ્રિલ 2020ના રોજ આવકવેરા રિફંડના પડતર પ્રશ્નો વહેલી તકે ઉકેલી દેવાનો નિર્ણય લેવાયો ત્યારથી અત્યાર સુધીમાં આ ચુકવણી કરવામાં આવી છે. કોવિડ-19 મહામારી દરમિયાન રૂ. 24,603 કરોડ રૂપિયાની આવકવેરા રિફંડની રકમ 19.79 લાખ કરદાતાઓને અને રૂ. 46,626 કરોડ રૂપિયાની રકમ 1.45 લાખ કોર્પોરેટ ટેક્સના રિફંડ પેટે ચુકવવામાં આવી છે. કરવેરાની માંગને દૂર કરવા સંબંધિત તમામ રિફંડને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને 31 ઑગસ્ટ 2020 સુધીમાં તે પૂર્ણ થઇ જાય તેવી સંભાવના છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639373
ડાયાબિટિસના દર્દીઓને કોવિડ મહામારી દરમિયાન ચુસ્ત સુગર કંટ્રોલ રાખવું જરૂરી છે: ડૉ. જીતેન્દ્રસિંહ
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે ગઇકાલે જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારીના સમયમાં ડાયાબિટિસના દર્દીઓએ તેમના લોહીમાં સુગરનું સ્તર ખૂબ જ નિયંત્રણમાં રાખવું જરૂરી છે. હેલો ડાયાબિટિસ એકેડેમિઆ 2020ના ડિજિટલ પરિસંવાદને સંબોધતી વખતે તેમણે જણાવ્યું હતું કે, કોવિડ હોવા છતાં, ભારતમાં તમામ પ્રવૃત્તિઓ અને શૈક્ષણિકતાઓ મહામારીના સમયમાં પણ તેમના શ્રેષ્ઠ સ્તરે આગળ વધી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, કોવિડે આપણને વિપરિત સંજોગોમાં નવા માપદંડો શોધવા માટે ફરજ પાડી છે. ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, જેઓ ડાયાબિટિસની બીમારીથી પીડાઇ રહ્યા છે તેમની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે જેના કારણે તેમની પ્રતિરોધકતા ઘટી જાય છે અને કોરોના જેવી ચેપી બીમારીઓ તેમજ તેના પરિણામે ઉભી થતી અન્ય સમસ્યાઓ સામે તેમનું શરીર વધુ સંવેદનશીલ હોય છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639421
યુ.એસ. – ભારત વ્યૂહાત્મક ઉર્જા ભાગીદારી બાબતે સંયુક્ત નિવેદન
હાલમાં વૈશ્વિક મહામારીમાં સંખ્યાબંધ લોકોના મૃત્યુ થયા છે અને આ સ્થિતિના કારણે ઉર્જાની માંગ, વૈશ્વિક ઉર્જા બજારો અને ટકાઉક્ષમ ઉર્જા વિકાસને વિપરિત અસર પડી છે તેવા સંજોગોની વચ્ચે, યુ.એસ.- ભારત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી અભૂતપૂર્વ રીતે મહત્વની બની ગઇ છે. આજે, અમેરિકાના ઉર્જા સચિવ ડેન બ્રોઇલેટ અને કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી વાયુ તથા સ્ટીલ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રગતીની સમીક્ષા કરવા, મુખ્ય સિદ્ધિઓને ચિહ્નિત કરવા અને સહયોગના નવા ક્ષેત્રોની પ્રાથમિકતાઓ નક્કી કરવા માટે અમેરિકા- ભારત વ્યૂહાત્મક ઉર્જા ભાગીદારીની વર્ચ્યુઅલ મંત્રી સ્તરની બેઠકમાં સહ-અધ્યક્ષતા કરી હતી. બંને પક્ષે SEP હેઠળ સંખ્યાબંધ સિદ્ધિઓ અને નવા કાર્યોની પ્રાથમિકતાઓ અંગે જાહેરાત કરવામાં આવી હતી જેમાં ઉર્જા સુરક્ષામાં વૃદ્ધિ, ઇનોવેશનમાં વધુ કૌશલ્ય લાવવું, પાવર સિસ્ટમનું આધુનિકીકરણ, ઉર્જા કાર્યદક્ષતા અને સંરક્ષણમાં વૃદ્ધિ, ઉર્જા વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવું, સહિયારા અને ટકાઉક્ષમ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવું, ઉર્જા ક્ષેત્રમાં મહિલાઓનું સશક્તિકરણ કરવું વગેરે પણ સામેલ છે. બંને દેશોમાં વ્યૂહાત્મક અને આર્થિક હિતોને આગળ વધારવા માટે કેટલાક સમજૂતી કરારો અને ભાગીદારીની પણ યુ.એસ.-ભારત વ્યૂહાત્મક ઉર્જા ભાગીદારી (SEP) સંવાદ અંતર્ગત જાહેરાત કરવામાં આવી હતી.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639482
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- પંજાબ: રાજ્યમાં કોવિડથી ચેપગ્રસ્ત કેસોની સંખ્યામાં સતત થઇ રહેલી વૃદ્ધિ અંગે ચિંતા વ્યક્ત કરતા પંજાબના મુખ્યમંત્રીએ DGPને નિર્દેશો આપ્યા હતા કે, બિન-આવશ્યક ડ્યૂટીમાં તૈનાત કરવામાં આવેલા પોલીસ જવાનોને ત્યાંથી પાછા લઇને આગામી થોડા મહિના સુધી વિશેષ કોવિડ રિઝર્વ્સની રચના કરવામાં આવે. તેમણે DGPને કહ્યું હતું કે, સલામતીના માપદંડોનું ઉલ્લંઘન કરનારાઓ સામે વધુ આકરું વલણ અપનાવવામાં આવે, જેમાં ખાસ કરીને જેમણે માસ્ક ના પહેર્યું હોય તેમના પર વિશેષ ધ્યાન આપવું. તેમણે DGPને વધુમાં એવા પણ નિર્દેશો આપ્યા હતા કે, વધારે કેસોનું ભારત ધરાવતા શહેરોના તમામ SSPને બીમારીનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે નિર્ધારિત કરવામાં આવેલા તમામ માપદંડો અને નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે સૂચનાઓ આપે.
- હરિયાણા: રાજ્યના મુખ્યમંત્રીએ અધિકારીઓને નિર્દેશો આપ્યા હતા કે, અનલૉક-2 દરમિયાન કોવિડના સંક્રમણનું જોખમ વધ્યું હોવાથી લોકો માસ્ક પહેરવા પ્રોત્સાહિત થાય તે માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવે. તેમણે કહ્યું હતું કે, ટ્રાફિક ઇન્ટરસેક્શન, શહેરી સ્થાનિક એકમોના વિભાગોના વાહનો અને માહિતી વિભાગના પ્રચારના વાહનો, જાહેર સંબંધો અને ભાષાના વાહનોનો ઉપયોગ લોકોમા જાગૃતિ ફેલાવવા માટે થવો જોઇએ.
- હિમાચલ પ્રદેશ: રાજ્યપાલ શ્રી બંદારુ દત્તાત્રેયે સ્વતંત્રતા દિવસે રાજભવન ખાતે સત્કાર સમારંભનું આયોજન ના કરવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે પ્રવર્તમાન કોરોના વાયરસ બીમારીના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, સ્વતંત્રતા દિવસે રાજભવન ખાતે સત્કાર સમારંભની પરંપરા ખૂબ લાંબા સમયથી ચાલતી આવે છે પરંતુ આ વર્ષે આ કાર્યક્રમ દરેક વ્યક્તિના આરોગ્ય અને સલામતીના હિતને ધ્યાનમાં રાખીને રદ કરવામં આવ્યો છે.
- મહારાષ્ટ્ર: આરોગ્ય વિભાગે જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોવિડ-19ના 8,308 નવા કેસનો જંગી વધારો થયો છે. આ કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા શુક્રવારે વધીને 2,92,589 સુધી પહોંચી ગઇ છે. રાજ્યમાં ત્રીજીવખત એક જ દિવસમાં નવા નોંધાયેલા કેસની સંખ્યા 8,000 કરતાં વધારે હોય તેવું નોંધાયું છે. શુક્રવારે કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વધુ 258 લોકોએ જીવ ગુમાવ્યા હોવાથી રાજ્યમાં કોવિડના કારણે આજદિન સુધીમાં કુલ મૃત્યુઆંક વધીને 11,452 થઇ ગયો છે. કોવિડ મહામારીના કારણે મહારાષ્ટ્રમાં દૂધના પૂરવઠા પર વિપરિત અસર પડી છે. રાજ્યમાં 1.19 કરોડ લીટર દૂધના દૈનિક ઉત્પાદનની સામે 47 લાખ લીટર દૂધ દરરોજ વેચાયા વગરનું પડ્યું રહેતું હોવાથી દૂધ ઉત્પાદક ખેડૂતો અત્યંત કફોડી સ્થિતિમાં મૂકાઇ ગયા છે. ખેડૂત સંગઠનોએ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે, દૂધ ઉત્પાદકનો અચૂક આર્થિક સહાય આપવામાં આવે.
- ગુજરાત: ગુજરાતમાં શુક્રવારે કોવિડના નવા 950 પોઝિટીવ કેસ ઓળખી કાઢવામાં આવ્યા છે જેમાંથી 234 કેસ સુરતમાં નોંધાયા છે જ્યારે 184 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોવિડ-19ના કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 46,449 સુધી પહોંચી ગઇ છે. રાજ્યમાં કોવિડના પરીક્ષણમાં સતત વધારો થઇ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 12,800થી વધુ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. માત્ર અમદાવાદમાં જ શુક્રવારે 3,000 સેમ્પલનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
- રાજસ્થાન: રાજસ્થાનમાં કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયેલા દર્દીઓની કુલ સંખ્યા 20,000નો આંકડો વટાવી ગઇ છે. શુક્રવારે રાજ્યમાં વધુ 656 કેસ સાજા થઇ ગયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ નોંધાયેલા 27,789 પોઝિટીવ કેસમાંથી 20,626 દર્દીઓ આ બીમારીથી સાજા થઇ ગયા છે. રાજ્યમાં આજદિન સુધીમાં 546 દર્દીઓ કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે.
- છત્તીસગઢ: છત્તીસગઢમાં જાહેર સ્થળોએ થુંકનાર, હોમ ક્વૉરેન્ટાઇન અને સામાજિક અંતરના નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ પાસેથી હવે રૂપિયા 100ના બદલે રૂપિયા 1,000 દંડ પેટે વસુલવામાં આવશે. વ્યાપારી સંસ્થાઓ અને દુકાનોની હદમાં જો કોઇ સામાજિક અંતરના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરતા પકડાય તો જે-તે જગ્યાના માલિક રૂપિયા 200 દંડ પેટે ભરવા માટે જવાબદાર રહેશે. જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું હવે ફરજિયાત કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં છત્તીસગઢમાં કોવિડ-19ના 1,429 સક્રિય કેસ છે.
- કેરળ: રાજ્યના આરોગ્યમંત્રી કે.કે. શૈલેજાએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તેના નિયંત્રણ માટે તમામ પગલાં લેવામાં આવ્યા છે. મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, સરકારે ખાનગી હોસ્પિટલો સાથે પરામર્શ કર્યો છે અને કોવિડ-19ના પરીક્ષણ તેમજ સારવાર માટે ચોક્કસ દર નિર્ધારિત કરવા બાબતે નિર્ણય લીધો છે. તિરુવનંતપુરમનો સંપૂર્ણ દરિયાકાંઠા વિસ્તાર આજે લૉકડાઉન હેઠળ લાવવામાં આવ્યો હતો. ઉત્તરમાં, કસારાગોડ જિલ્લામાં વધુ આકરા પ્રતિબંધોનો અમલ કરવામાં આવ્યો છે. કન્નૂર– કસારાગોડ સરહદોને બંધ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ગઇકાલે કોવિડ-19ના નવા 791 પોઝિટીવ કેસ નોંધાયા હતા. 532 દર્દીઓને સંપર્ક દ્વારા ચેપ લાગ્યો હતો અને 42 કેસને અજાણ્યા સ્રોતોથી ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા 11,066 છે. હાલમાં આ બીમારીના 6,029 સક્રિય કેસો સારવાર હેઠળ છે.
- તામિલનાડુ: પુડુચેરીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના કારણે વધુ ત્રણ વ્યક્તિના મરણ નીપજ્યાં હોવાથી આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોરોના વાયરસથી કુલ 28 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. કોડીસિયા ટ્રેડ ફેર કોમ્પ્લેક્સ ખાતે કોઇમ્બતૂર કોવિડ સંભાળ કેન્દ્રમાં 300 પોઝિટીવ દર્દીઓ માટે ચાર આરામ માટેના રૂમ બનાવાયા હોવાની અટકળોએ વેગ પકડ્યો છે. મદુરાઇમાં એક્સ-રે ઇમેજિંગ સાથેના મોબાઇલ ટ્રાયજિંગ કેન્દ્રોથી કોવિડ-19ના કારણે થતા મૃત્યુની સંખ્યામાં ઘટાડો થવાની અપેક્ષા છે. મદુરાઇના ડૉક્ટરો જણાવે છે કે, સંક્રમણની ઝડપી પ્રગતિ અને દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં થતા વિલંબના કારણે કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. 17 જુલાઇના રોજ વધુ 138 દર્દીઓના મૃત્યુ સાથે મદુરાઇ સમગ્ર તામિલનાડુમાં કોવિડ-19ના કારણે સૌથી વધુ મૃત્યુદરમાં ચોથા ક્રમે આવી ગયું છે. ગઇકાલે સમગ્ર રાજ્યમાં કુલ 4538 નવા પોઝિટીવ કેસ નોંધાયા હતા જ્યારે 79 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. ચેન્નઇમાં 1243 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 1,60,907; સક્રિય કેસ: 47,782; મૃત્યુ પામ્યા: 2315; ચેન્નઇમાં સક્રિય કેસ: 14,923.
- કર્ણાટક: બેંગલોર અને અન્ય જિલ્લાઓમાં કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યામાં સતત થઇ રહેલી વૃદ્ધિને ધ્યાનમાં રાખતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ કમિશનરે કોવિડના માત્ર મધ્યમ અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે જ હોસ્પિટલના બેડનો ઉપયોગ કરવા સંબંધિત પરિપત્ર બહાર પાડ્યો છે. BBMP દ્વારા પ્રોટોકોલ બહાર પાડવામાં આવ્યા છે જેનું કોઇ દર્દી કોવિડના કારણે મૃત્યુ પામે તે પછી અથવા કોઇ મૃત્યુ પામેલી વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની આશંકા હોય ત્યારે કરવાનું રહેશે. રાજ્યની ઉચ્ચ અદાલતે રાજ્ય સરકારને કોવિડ-19ના આરોગ્ય માપદંડોનું ઉલ્લંઘન કરનારાઓ રાજકીય નેતાઓ તેમજ અન્ય લોકો સામે તાકીદના ધોરણે સખત પગલાં લેવાના નિર્દેશો આપ્યા છે. ગઇકાલે કોવિડ-19ના નવા 3693 કેસ નોંધાયા હતા જ્યારે 115 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા; માત્ર બેંગલોર શહેરમાં જ નવા 2208 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજદિન સુધીમાં પુષ્ટિ થયેલા કુલ પોઝિટીવ કેસ: 55,115; સક્રિય કેસ: 33,205; મૃત્યુ પામ્યા: 1147.
- આંધ્રપ્રદેશ: જે લોકો કોવિડ-19ના કારણે ચેન્નઇ અને અન્ય જગ્યાએથી આંધપ્રદેશમાં તેમના વતન ગામમાં પરત ફર્યા છે તેવા લોકોએ ગામડાઓમાં આજીવિકાના કોઇ જ વૈકલ્પિક સ્રોતોના હોવાથી હવે પાછા જવાનું શરૂ કરી દીધું છે. આંધ્રપ્રદેશમાં છેલ્લા એક અઠવાડિયામાં (10-17 જુલાઇ) કોવિડ-19ના પોઝિટીવ કેસની સંખ્યામાં 9 ટકાના દરે વધારો થયો છે. 6 જુલાઇથી દરરોજ નવા પોઝિટીવ કેસોની સંખ્યામાં 1,000થી વધારે ઉમેરો થઇ રહ્યો છે અને છેલ્લા ત્રણ દિવસમાં દરરોજ 2,000થી વધુ લોકોના પોઝિટીવ રિપોર્ટ આવી રહ્યા છે. શ્રીવરી મંદિરમાં પૂજારી સહિત મંદિર સ્ટાફના સંખ્યાબંધ સભ્યોને કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ આવ્યા પછી, TTD મંદિરમાં ભક્તોને દર્શન ચાલુ રાખવા અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 23,872 સેમ્પલનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં 3963 નવા કેસ પોઝિટીવ મળી આવ્યા હતા, 1411 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી અને 52 દર્દીઓ કોવિડના કારણે મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં નોંધાયેલા કુસ કેસ: 44,609; સક્રિય કેસ: 22,260; રજા આપવામાં આવી: 21,763; મૃત્યુ પામ્યા: 586.
- તેલંગાણા: રાજ્યમાં હવે પરીક્ષણની સંખ્યામાં વધારો કરવામાં આવશે અને આગામી દિવસોમાં રેપિડ એન્ટિજેન કિટ્સ દ્વારા પાંચ લાખ પરીક્ષણો કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કે.સી.આર. દ્વારા કોવિડ-19 ઇમરજન્સી ફંડ તરીકે રૂપિયા 100 કરોડ રિલીઝ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ગઇકાલે 1478 નવા પોઝિટીવ કેસ મળ્યા હોવાની પુષ્ટિ થઇ હતી, 1410 દર્દીઓ સાજા થયા હતા જ્યારે વધુ 7 દર્દી મૃત્યુ પામ્યા હતા. નવા નોંધાયેલા કેસોમાંથી 806 દર્દી GHMCમાંથી નોંધાયા હતા. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 42,496; સક્રિય કેસ: 13,389; મૃત્યુ પામ્યા: 403; સાજા થયા: 28,705.
- અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશમાં રાજ્યમાં આજદિન સુધીમાં 16000થી વધુ લોકો અન્ય રાજ્યોમાંથી પરત આવ્યા છે. 35000થી વધુ સેમ્પલ કોવિડ-19ના પરીક્ષણ માટે એકત્ર કરવામાં આવ્યા છે. અરુણાચલના આરોગ્યમંત્રી અલાઓ લિબાંગે જણાવ્યું હતું કે, આવશ્યક જીવનરક્ષક દવાઓ કોવિડ-19ની સારવાર માટે ખરીદવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં દવાની અછત વર્તાય તેવી કોઇ જ શક્યતા નથી. તેમણે માહિતી આપી હતી કે, નવી 20 મેડિકલ એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી છે.
- આસામ: આસામના આરોગ્યમંત્રી શ્રી હિમાંતા બિશ્વા શર્માએ ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે, ગુવાહાટીમાં GMCH ખાતે કોવિડ-19થી અસરગ્રસ્ત 10 પોઝિટીવ માતાઓમાંથી ચાર મહિલાઓએ પુત્રીને જ્યારે છ મહિલાઓએ પુત્રને જન્મ આપ્યો છે.
- મણિપુર: મણિપુરમાં RIMSમાં PG કોર્સના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા ડૉક્ટરને કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ આવ્યા પછી અહીં ફિઝિયોલોજી અને બાયો-કેમેસ્ટ્રી બંને વિભાગોને બંધ કરવામાં આવ્યા છે. મણિપુરમાં થૌબલમાં નવા કોવિડના કેસો મળી રહ્યા હોવાથી, જિલ્લા નાયબ કમિશનરે મોઇજિંગ ગ્રામ પંચાયત વૉર્ડ નંબર 1, 6, 8 અને 10ને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે અને સક્રિય સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે.
- મિઝોરમ: મિઝોરમમાં આજે કોવિડનો એક દર્દી સાજો થઇ ગયો છે. હવે રાજ્યમાં કુલ કેસની સંખ્યા હવે 282 થઇ ગઇ છે જેમાંથી 121 સક્રિય કેસો સારવાર હેઠળ છે જ્યારે 161 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ગયા છે.
- નાગાલેન્ડ: નાગાલેન્ડમાં, કોવિડ-19 વધુ 22 દર્દીઓ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. તેમાંથી 11 પેરેનમાં, 8 દીમાપુરમાં અને 3 દર્દી કોહિમામાં નોંધાયા છે. તમામ કેસો ક્વૉરેન્ટાઇન કેન્દ્રોમાંથી નોંધાયા હતા. નાગાલેન્ડમાં કુલ નોંધાયેલા પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધીને 978 થઇ ગઇ છે જેમાંથી 573 સક્રિય કેસો સારવાર હેઠળ છે જ્યારે 405 દર્દીઓ સાજા થઇ ગયા છે.
- સિક્કિમ: સિક્કિમના મુખ્યમંત્રીએ કોવિડ-19ના પોઝિટીવ કેસોમાં તાજેતરમાં થયેલી વૃદ્ધિ જેમાં ખાસ કરીને પૂર્વીય જિલ્લાના બે પેટા ડિવિઝન રંગોલી અને પોકયાંગમાં કેસોની વધતી સંખ્યા સંબંધિત વિવિધ મુદ્દા પર ચર્ચા કરવા માટે સન્માન ભવન ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું.

(Release ID: 1639701)
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam