પ્રધાનમંત્રીનું કાર્યાલય
વિશ્વ યુવા કૌશલ્ય દિન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
15 JUL 2020 12:04PM by PIB Ahmedabad
નમસ્કાર,
મારા યુવા સાથીઓને નમસ્કાર,
વિશ્વ યુવા કૌશલ્ય દિન પ્રસંગે આપ સૌ નવયુવાનોને મારી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
આજનો આ દિવસ તમારી સ્કીલને, તમારા કૌશલ્યને સમર્પિત છે. 21મી સદી એ યુવાનોની સદી છે. આજના મિલેનિયલ્સની જો કોઈ સૌથી મોટી તાકાત હોય, તો તે તેમનું કૌશલ્ય છે, કૌશલ્ય હાંસલ કરવાની તેમની ક્ષમતા છે.
સાથીઓ,
કોરોનાના હાલના સંકટે વિશ્વની સંસ્કૃતિની સાથે કામ કરવાની પધ્ધતિને પણ બદલી નાંખી છે. રોજેરોજ બદલાતી જતી નવી ટેકનોલોજીનો પણ તેની ઉપર પ્રભાવ વર્તાય છે. નવા વર્ક કલ્ચર અને નવા કામ કરવાના પ્રકારને જોતાં આપણા યુવાનો નવાં-નવાં કૌશલ્યોને ઝડપભેર અપનાવી રહ્યા છે.
સાથીઓ, એક રીતે વાત કરૂ તો ઘણાં લોકો મને પૂછતાં હોય છે કે, આજની સ્થિતિમાં વ્યવસાય અને બજાર એટલા ઝડપથી બદલાઈ રહ્યા છે કે સમજમાં જ નથી આવતું કે કઈ બાબત સાથે સુસંગત થઈને રહેવુ. કોરોનાના આ સમયમાં, આ પ્રશ્ન હજી વધુ મહત્વપૂર્ણ બની ગયો છે.
સાથીઓ,
હું આનો એક જ જવાબ આપું છું કે સુસંગત રહેવાનો મંત્ર છે- કૌશલ્ય, પુનઃ કોશલ્ય અને કૌશલ્યમાં વૃધ્ધિ, કૌશલ્યનો અર્થ એવો થાય છે કે, તમે કોઈ નવું હુન્નર શીખો. જે રીતે તમે લાકડાના કોઈ એક ટૂકડામાંથી ખુરશી બનાવવાનુ શીખો, તો તે તમારૂ કૌશલ્ય થયું તેમ કહી શકાય. તમે લાકડાના એ ટુકડાની કિંમતમાં પણ વધારો કરી દીધો અને મૂલ્યમાં પણ વૃધ્ધિ કરી, પરંતુ એની કિંમત જળવાઈ રહે તે માટે એક નવી ડિઝાઈન, નવી સ્ટાઈલ એટલે કે રોજેરોજ તમારે એમાં ઉમેરો કરતાં રહેવુ પડે છે, એના માટે કશુંક ને કશુંક નવું શિખતા રહેવુ પડે છે. નવું શીખતા રહેવાનો અર્થ થાય છે રિ-સ્કીલ અને અપ- સ્કીલનો અર્થ થાય છે તેનો વિસ્તાર કરતા રહેવું, તેને જાણવુ અને સમજવું. સ્કીલ, રિ-સ્કીલ અને અપ-સ્કીલના આ મંત્રને જાણતા રહેવુ , સમજતા રહેવું તે આપણા જીવન માટે ખૂબ જ મહત્વનુ બની રહે છે.
હું જ્યારે કૌશલ્યની વાત કરતો હોઉં છું ત્યારે હવે એક જૂના કૌશલ્ય જાણનારની યાદ આવે છે. તેમની સાથે મારે સીધો પરિચય તો હતો નહીં, પણ અમારા એક પરિચિત સજ્જન તેમની અંગે વાત કરતા રહેતા હતા. પોતાના પરિચિતની બાબતમાં વાત કરતાં તે કહેતા કે, તે વધુ ભણેલા-ગણેલા ન હતા, પરંતુ તેમના હાથનું લખાણ ખૂબ જ સારૂ હતુ. સમય જતાં તેમણે પોતાના હસ્ત લેખનમાં નવી-નવી શૈલીનો ઉમેરો કરવાનું ચાલુ રાખ્યું. એટલે કે પોતાને રિ-સ્કીલ કરી દીધા. તેમનું કૌશલ્ય જોઈને લોકો જાતે તેમની પાસે પહોંચવા લાગ્યા. લોકો તેમને કહેતા હતા કે, અમારે ત્યાં ખાસ પ્રસંગ છે, તો તમે આવો અને આમંત્રણ પત્ર ઉપર નામ વગેરે લખી આપો. પછીથી તેમણે પોતાની જાતને રિ-સ્કીલ કરી, અપ- સ્કીલ કરી. તેમણે અન્ય વધુ ભાષાઓમાં પણ લખવાની શરૂઆત કરી. થોડી વધુ ભાષાઓ પણ શીખ્યા અને એક રીતે પોતાનો વ્યવસાય વધારવામાં લાગી ગયા. ઘરે બેઠાં લોકો તેમની પાસે કામ લઈને આવવા લાગ્યા. એક શોખ ખાતર વિકસાવેલુ કૌશલ્ય આજીવિકા અને સન્માનનું માધ્યમ બની ગયુ.
મિત્રો,
કૌશલ્ય એ એક એવી વસ્તુ છે કે જેની આપણે આપણી જાતને ભેટ આપીએ છીએ. અનુભવની સાથે-સાથે એમાં વધારો થતો જાય છે. સમય જતાં તે વધુ બહેતર બનતું જાય છે. કૌશલ્ય એક અનોખી બાબત છે, જે તમને અન્ય કરતાં નોંખા બનાવે છે. કૌશલ્ય એ એક એવો ખજાનો છે કે જેને કોઈ તમારી પાસેથી છીનવી શકતું નથી. કૌશલ્ય એ એક આત્મનિર્ભરતા પણ છે, તે વ્યક્તિને રોજગારપાત્ર તો બનાવે છે જ, પણ સાથે સાથે સ્વરોજગાર પણ બક્ષે છે. કૌશલ્યની આ તાકાત છે, જે વ્યક્તિને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે.
સાથીઓ,
એક સફળ વ્યક્તિનો એક મોટો ગુણધર્મ એ હોય છે કે તે પોતાનું કૌશલ્ય વધારવાની કોઈ તક જવા દેતો નથી. માત્ર એટલુ જ નહીં, કૌશલ્ય વધારવાની તક શોધતો રહેતો હોય છે. તમને જો કૌશલ્ય મેળવવા માટે કોઈ આકર્ષણ ના હોય, કશુંક નવુ શીખવાની ધગશ ના હોય, તો જીવન સ્થિર થઈ જાય છે. ક્યાંક અટકી ગયા હોઈએ તેવો અનુભવ થતો હોય છે. એક રીતે કહીએ તો એ વ્યક્તિ પોતાના વ્યક્તિત્વ માટે બોજારૂપ બની જાય છે અને માત્ર પોતાના માટે જ નહીં, પોતાના સ્વજનો માટે પણ બોજારૂપ બને છે. તેથી વિરૂધ્ધ, કૌશલ્ય તરફનું આકર્ષણ તમને જીવન જીવવાની તાકાત આપે છે, ઉત્સાહ આપે છે. કૌશલ્ય માત્ર રોજી-રોટી અને પૈસા મેળવવાનું સાધન જ નથી, પણ જીંદગીમાં ઉમંગ જોઈએ, ઉત્સાહ જોઈએ, જીવવાની જીદ જોઈએ અને જો આ બધું હોય તો કૌશલ્ય તમારા માટે એક પ્રેરક બળ બની જાય છે. તમારા માટે નવી પ્રેરણા લઈને આવે છે. ઉર્જા આપવાનું કામ કરે છે. તમારી ઉંમર કોઈપણ હોય, તમે યુવાન હોવ કે વૃધ્ધ, જો તમે નવા-નવા કૌશલ્ય શીખી રહ્યા હોવ તો જીવન તરફનો ઉત્સાહ ઓછો નહીં થાય.
સાથીઓ,
કૌશલ્યમાં એક તાકાત હોય છે. તેની સાથે જોડાયેલો કોઈને કોઈ અનુભવ તમને પણ થયો જ હશે અને મને પણ થયો છે. અને આજે હું તે અંગે વાત કરીશ. મને એક જૂની ઘટના યાદ આવી રહી છે. આ એ સમયની વાત છે કે, જ્યારે હું યુવાન અવસ્થામાં આદિવાસી પટ્ટામાં સ્વયં સેવક તરીકે કામ કરી રહ્યો હતો અને કેટલીક સંસ્થાઓ સાથે મળીને હું કામ કરતો હતો. આથી એક વખત એક સંસ્થા સાથે, તે સંસ્થાના લોકોની સાથે મારે ક્યાંક બહાર જવાનું હતું. અમે બધા તેમની જીપમાં જવાના હતા, પરંતુ સવારે જ્યારે નીકળવાનું હતું ત્યારે જ તે જીપ ચાલુ થઈ નહીં. હવે આ જંગલોમાં ભટકતા-ભટકતા જવું પડે તેમ હતું. જીપ પણ એવી જ હતી. હવે બધા લોકો જોડાઈ ગયા અને ઘણાં બધા લોકોએ કોશિશ કરી, ધક્કા માર્યા, ઘણી મહેનત કરી પણ જીપ ચાલુ જ ના થઈ શકી. અને જ્યારે 7-8 વાગી ગયા ત્યારે કોઈ એક મિકેનિકને બોલાવવામાં આવ્યો. તેણે આવીને થોડુંક આઘુ-પાછુ કર્યું અને બે મિનિટમાં તો જીપ ઠીક થઈ ગઈ. પછી તેને પૂછવામાં આવ્યું કે કેટલા પૈસા થયા તો તેણે કહ્યું રૂ.20. તે જમાનામાં રૂ.20 ઘણી મોટી બાબત હતી. મારા એક સાથીએ કહ્યું કે યાર, બે મિનિટનું કામ હતું અને તું રૂ.20 માંગી રહ્યો છે. તેણે જે જવાબ આપ્યો તે આજે પણ મને પ્રેરણા આપી રહ્યો છે. મારા મનમાં પ્રભાવ પેદા કરી રહ્યો છે. તે નિરક્ષર મિકેનિકે કહ્યું કે, સાહેબ હું બે મિનિટના કામના પૈસા નથી લેતો. હું 20 વર્ષ સુધી કામ કરતાં-કરતાં જે શીખ્યો, મને જે કૌશલ્ય આવડ્યું, મને જે અનુભવ થયો તેના આ 20 રૂપિયા છે. મારી એવી સમજ છે કે, કૌશલ્યની આ જ તો તાકાત છે. કૌશલ્યની તાકાત માત્ર પોતાના કામમાં જ નહીં, પણ પોતાની પ્રતિભાને પ્રભાવશાળી બનાવવામાં પણ પ્રેરક પૂરવાર થાય છે.
અને સાથીઓ,
અહિંયા એક વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે. કેટલાક લોકો કૌશલ્ય અને જ્ઞાન બાબતે ખૂબ જ ગૂંચવાડામાં રહેતા હોય છે અને ગૂંચવાડો પેદા કરતા રહેતા હોય છે. આવા લોકો અંગે હું તમને એક નાનુ સરખુ ઉદાહરણ આપીશ. તમે પુસ્તકો વાંચી શકો છો, યુ ટ્યુબ પર વીડીયો જોઈ શકો છો કે, સાયકલ કેવી રીતે ચલાવવામાં આવે છે, સાયકલ પર કેવી રીતે બેસવું જોઈએ, સાયકલ કેવી હોય છે, તેનો કયો ભાગ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે હેન્ડલ પકડવાનું હોય છે અને કેવી રીતે બ્રેક લગાવવાની હોય છે. આ બધુ તમે વીડીયોમાં પણ જોઈ શકો છો. તમને જે જાણકારી મળે છે તે તમારૂં જ્ઞાન છે. તમને જ્ઞાન હશે તો તમે સાયકલ ચલાવી શકશો જ તેની કોઈ ગેરંટી હોતી નથી, પરંતુ વાસ્તવમાં, હકિકતમાં જ્યારે સાયકલ ચલાવવાની હોય છે ત્યારે કૌશલ્યની જરૂર પડતી હોય છે. તમને ધીરે-ધીરે સાયકલ ચલાવતાં આવડી જાય છે. પછી તમે તમારી મસ્તીમાં પણ સાયકલ ચલાવી શકો છો, આગળ વધતાં રહો છો અને કોઈ તકલીફ પડતી નથી. જેમ-જેમ તમે આ કલાને શિખી લો છો, તેમ-તેમ ટેલેન્ટ મળતી રહે છે. તમારે ક્યારેય મગજ લગાવવું પડતું નથી.
અને આ ફર્કને સમજવાનું શાસકોથી માંડીને સમાજના દરેક સ્તરના લોકો માટે ખૂબ જરૂરી બની જાય છે. આજે ભારતમાં જ્ઞાન અને કૌશલ્ય બંને વચ્ચે જે અંતર છે તેને સમજીને કામ કરવામાં આવી રહ્યું છે. આજથી 5 વર્ષ પહેલાં આજના જ દિવસે સ્કીલ ઈન્ડિયા મિશન આવી જ કોઈ વિચારણા સાથે શરૂ કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ એવો હતો કે યુવાનોને કૌશલ્યની સાથે-સાથે જ્ઞાન પણ મળે. તેના માટે સમગ્ર દેશમાં સેંકડો પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આઈટીઆઈની સંખ્યા વધારવામાં આવી છે. તેમાં લાખો નવી બેઠકોનો ઉમેરો કરવામાં આવ્યો છે અને આ ગાળા દરમિયાન 5 કરોડ કરતાં વધુ લોકોનો કૌશલ્ય વિકાસ કરવામાં આવ્યો છે અને આ અભિયાન નિરંતર ચાલુ રહ્યું છે.
સાથીઓ,
ઝડપભેર બદલાઈ રહેલી આજની આ દુનિયામાં અનેક સેક્ટરોમાં કૌશલ્ય ધરાવતા લાખો લોકોની જરૂર છે. ખાસ કરીને આરોગ્ય સેવાઓના ક્ષેત્રે ખૂબ મોટી સંભાવના ઉભી થઈ છે. આ બાબત સમજીને હવે કૌશલ્ય વિકાસ મંત્રાલયે દુનિયાભરમાં ઉભી થયેલી આવી તકોનું આકલન કરવાની શરૂઆત કરી છે. આપણી કોશિશ એ છે કે, ભારતના યુવાનોને અન્ય દેશોની જરૂરિયાત અંગે, તેના સંબંધમાં સાચી અને નિશ્ચિત જાણકારી પ્રાપ્ત મળી રહે. કયા દેશમાં હેલ્થ સેક્ટરમાં નવા દ્વાર ખૂલ્યા છે, કયા દેશની કઈ સર્વિસમાં કેટલી માંગ ઉભી થઈ છે તે અંગેની જાણકારી હવે ઝડપભેર ભારતના યુવાનોને મળતી રહેશે.
હવે મર્ચન્ટ નેવીનું જ ઉદાહરણ લો. ભારત સહિત દુનિયાના ઘણાં દેશોને ખલાસીઓની મોટી જરૂરિયાત રહે છે. આપણી પાસે તો સાડા સાત હજાર કીલો મીટર કરતાં મોટો દરિયાકાંઠો છે. ખૂબ મોટી સંખ્યામાં આપણાં યુવાનો સમુદ્ર અને સાગરકાંઠાની પરિસ્થિતિથી જાણકાર છે. જો આ ક્ષેત્રમાં કૌશલ્ય વધારવાનું કામ કરવામાં આવે તો સમગ્ર દુનિયાને આપણે નિષ્ણાંત ખલાસીઓ આપી શકીએ તેમ છીએ અને સાથે-સાથે આપણાં દેશના સાગરતટના અર્થતંત્રને મજબૂત પણ બનાવી શકીએ તેમ છીએ.
મેપીંગના કારણે હવે આ પ્રકારની જાણકારીઓ આપવાનું કામ આસાન થઈ જશે. આ ઉપરાંત ચાર-પાંચ દિવસ પહેલાં દેશના શ્રમિકોના કૌશલ્યના મેપીંગ માટે એક પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ કૌશલ્ય ધરાવતા લોકોનું અને શ્રમિકોનું મેપીંગ કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા બજાવશે. તેના ઉપયોગ થકી માલિકો એક વખત ક્લીક કરીને કૌશલ્ય ધરાવતા કામદારો સુધી પહોંચી શકશે. ખાસ કરીને એવા શ્રમિકો સુધી પહોંચી શકશે કે જે હાલમાં શહેરોમાંથી પોતાના ગામડાંઓમાં આવ્યા છે. તેમને પણ ખૂબ જ મદદ મળશે. તમે હમણાં જાણ્યું હશે કે, એક ખાસ કૌશલ્ય ધરાવતા લોકો ગામડાંમાં પહોંચ્યા અને ગામડાંનો કાયાકલ્પ કરવાનું શરૂ કરી દીધુ છે. કોઈ શાળામાં રંગાટી કામ કરી રહ્યું છે, તો કોઈ નવી-નવી ડિઝાઈનના ઘર બનાવી રહ્યું છે. નાના મોટા આ પ્રકારના અનેક કૌશલ્ય આત્મનિર્ભર ભારતની ખૂબ મોટી શક્તિ બની શકે તેમ છે.
હું દેશના યુવાનોને આજે વિશ્વ યુવા કૌશલ્ય દિન પ્રસંગે ફરી એક વખત ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
હાલમાં વૈશ્વિક મહામારીનો યુગ ચાલી રહ્યો છે, ત્યારે મારૂં પણ એક કર્તવ્ય બની રહે છે કે એક વખત નહીં, પણ વારંવાર એક બાબત ઉચ્ચારતો રહું. અને માત્ર હું જ તેનો પુનરોચ્ચાર ના કરૂં, તમે પણ મારી સાથે કરો. તો એ શું છે? પહેલાં તો હું એવી ઈચ્છા રાખીશ કે તમે સ્વસ્થ રહો. બે ગજના અંતરનું પાલન કરતા રહો. માસ્ક પહેરવાનું ભૂલશો નહીં. થાકી જવાની આદત છોડવાનું સૌને સમજાવતાં રહો અને આજે જે કામ માટે આપણે એકઠા થયા છીએ તે મંત્રને હંમેશા માટે યાદ રાખો. ગમે તેટલું ભણીએ ગણીએ, ગમે તેટલી મોટી પદવીઓ કેમ ના હોય, પરંતુ તમારૂં કૌશલ્ય સતત વધારતા રહો. લગાતાર નવા-નવા કૌશલ્ય માટે પોતાની જાતને તૈયાર રાખવી જોઈએ. આવું કરશો તો જીંદગી જીવવાનો આનંદ આવશે, જીંદગીમાં નવા અવસરો પ્રાપ્ત કરવાનો આનંદ મળશે. અને મને વિશ્વાસ છે કે, તમે તમારા હાથની તાકાત, તમારી આંગળીઓની તાકાત, તમારા દિલ અને દિમાગની તાકાતથી એક હુન્નર વિકસાવશો, તેને આગળ ધપાવશો તો તમે પણ પ્રગતિ કરશો અને દેશ પણ પ્રગતિ કરશે.
તમને સૌને ખૂબ ખૂબ ધન્યવાદ !
DS/GP/BT
(Release ID: 1638746)
Visitor Counter : 384
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam