PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 14 JUL 2020 7:14PM by PIB Ahmedabad

 

 

 

Coat of arms of India PNG images free download

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 

 

 

 
 

 

Date: 14.07.2020

 

Reserved: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19માંથી 17,989 દર્દી સાજા થતા દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19માંથી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા વધીને 5,71,459 થઇ અને સાજા થવાનો દર 63.02% નોંધાયો.
હાલમાં દેશમાં કોવિડ-19ના 3,11,565 સક્રિય કેસો છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
ભારતમાં મૃત્યુદર ઘટીને 2.62% થયો.
હાલમાં દેશમાં કોવિડના પરીક્ષણ માટે કુલ 1206 લેબોરેટરીઓ કાર્યરત છે.
ડૉ. હર્ષવર્ધને કટોકટીનું તકમાં રૂપાંતરણ કરવા કહ્યું
ભારતીય રેલવેએ મુસાફરોની સુરક્ષિત સફર સુનિશ્ચિત કરવા માટે પોસ્ટ કોવિડ કોચ તૈયાર કર્યા.

 

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ:

હાલમાં 853 સરકારી ક્ષેત્રની લેબોરેટરી અને 353 ખાનગી ક્ષેત્રની લેબોરેટરી સાથે દેશમાં કુલ 1206 લેબોરેટરી કોવિડના પરીક્ષણ માટે ઉપલબ્ધ છે. છેલ્લા 24 કલાકમાં 2,86,247 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 1,20,92,503 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પ્રયાસોના પરિણામે હાલમાં પ્રત્યેક દસ લાખ વ્યક્તિએ સરેરાશ પરીક્ષણની સંખ્યા 8762.7 નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં 17,989 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે. આથી દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 5,71,459 થઇ ગઇ છે. સાજા થવાનો દર હાલમાં વધીને 63.02% સુધી પહોંચી ગયો છે. હાલમાં 3,11,565 સક્રિય કેસ છે તમામને હોમ આઇસોલેશન અથવા હોસ્પિટલમાં કોવિડ સંભાળ સુવિધામાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હાલમાં સાજા થયેલા કેસની સંખ્યા સક્રિય કેસની સંખ્યાની સરખામણીએ 2,59,894 વધારે છે.  ભારતમાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામતા દર્દીઓનો દર વધુ ઘટીને 2.62% થઇ ગયો છે જે કોવિડ-19ના દર્દીઓના અસરકારક તબીબી વ્યવસ્થાપનના કારણે ઘટ્યો છે.

 

કટોકટીનું તકમાં રૂપાંતરણ કરવાનું છે - ડૉ. હર્ષવર્ધને કોવિડ-19 સહિત દ્વિપક્ષીય આરોગ્ય સહકાર અંગે ઑસ્ટ્રેલિયાના આરોગ્યમંત્રી સાથે ચર્ચા કરી

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને આજે ઑસ્ટ્રેલિયાના આરોગ્યમંત્રી શ્રી ગ્રેગોય એન્ડ્રૂ હન્ટ સાથે દ્વિપક્ષીય આરોગ્ય સહકાર અંગે ડિજિટલ માધ્યમથી વાર્તાલાપ કર્યો હતો. પ્રવર્તમાન મહામારીને નિયંત્રણમાં લાવવા અને તેના વ્યવસ્થાપન માટે ભારતીય તબીબી સમુદાયની ભૂમિકાનો ઉલ્લેખ કરતા ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ભારતના તબીબી વ્યાવસાયિકો, પેરામેડિકલ સ્ટાફ અને વૈજ્ઞાનિકોએ કોવિડ-19ને નિયંત્રણમાં લાવવા માટે ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી છે. તેમણે કહ્યું કે, તેઓ દવાની શોધ કરવામાં અને વર્તમાન દવાઓનો અલગ રીતે ઉપયોગ કરવા માટે મદદરૂપ થઇ રહ્યા છે. તેમણે આ વાયરસને બીમારીના ફેલાવાના શરૂઆતના તબક્કે જ અંકુશમાં લીધો છે અને જીનોમ સિક્વન્સિંગની મદદથી વાયરસનો અભ્યાસ કરવામાં જોડાયા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “જાન્યુઆરી 2020માં ભારતમાં કોવિડનું પરીક્ષણ કરવા માટે માત્ર એક લેબોરેટરી હતી જ્યારે હાલમાં સમગ્ર દેશમાં 1200થી વધુ લેબોરેટરીમાં કોવિડના પરીક્ષણની સુવિધા આપવામાં આવે છે જેથી લોકોનું વ્યાપક પ્રમાણમાં પરીક્ષણ શક્ય બન્યું છે.ભારતના દવાના ઉત્પાદકોએ 140 દેશોમાં હાઇડ્રોક્લોરોક્વિનના પૂરવઠો પહોંચાડવા માટે ભારતને સમર્થ બનાવ્યું છે. બંને દેશના આરોગ્યમંત્રી એ વાતે સંમત થયા હતા કે, આરોગ્ય અને અન્ય સહિયારા હિતોના ક્ષેત્રોમાં બંને દેશો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638517

 

ભારતીય રેલવેએ મુસાફરોની સફર સુરક્ષિત બનાવવા માટે પોસ્ટ કોવિડ કોચ તૈયાર કર્યા

ભારતીય રેલવે દ્વારા દેશમાં કોવિડ-19 વાયરસનો ચેપ ફેલાતો રોકવા માટે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે. કોવિડ-19 સામેની લડત અવિરત ચાલુ રાખતા, ભારતીય રેલવેના ઉત્પાદન એકમ, રેલ કોચ ફેક્ટરી, કપુરથલા દ્વારા કોવિડ-19 સામે લડવા માટે પોસ્ટ કોવિડ કોચ (કોવિડ પછીના કોચ) કૈયાર કરવામાં આવ્યા છે. આ કોવિડ પછીના કોચની ડિઝાઇનમાં સુધારો કરવામાં આવ્યો છે અને તેમાં હેન્ડ્સ-ફ્રી સુવિધાઓ, કોપર કોટિંગ વાળી હેન્ડરેલ અને લેચ, પ્લાઝ્મા એર પ્યોરિફિકેશન અને ટિટાનિયમ ડાયોક્સાઇડ કોટિંગ સામેલ કરવામાં આવ્યા છે જેથી મુસાફરોને કોવિડ મુક્ત સફર સુનિશ્ચિત થઇ શકે. પોસ્ટ કોવિડ કોચમાં પગથી સંચાલિત પાણીના નળ અને સોપ ડિસ્પેન્સર, પગથી સંચાલિત લેવટરી ડોર (બહારની બાજુ), પગથી સંચાલિત ફ્લશ વાલ્વ, લેવેટરી ડોરમાં પગથી સંચાલિત લેચ, પગથી સંચાલિત નળ અને સોપ ડિસ્પેન્સર સાથેના આઉટસાઇડ વોશબેસિન અને હાથના આગળના હિસ્સાથી સંચાલિત કમ્પાર્ટમેન્ટ ડોરના હેન્ડલ જેવી હેન્ડ્સ ફ્રી સુવિધાઓ સમાવવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638516

 

HRD મંત્રીએ ડિજિટલ શિક્ષણ માટે પ્રજ્ઞાતા માર્ગદર્શિકાઓ વર્ચ્યુઅલ માધ્યમથી બહાર પાડી

કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ 'નિશંકે' આજે નવી દિલ્હી ખાતે ઑનલાઇન માધ્યમથી ડિજિટલ શિક્ષણ માટે પ્રજ્ઞાતા માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. પ્રજ્ઞાતા માર્ગદર્શિકાઓમાં ઑનલાઇન/ ડિજિટલ અભ્યાસ માટેના આઠ પગલાં વર્ણવવામાં આવ્યા છે જેમાં આયોજન- સમીક્ષા- ગોઠવણી- માર્ગદર્શન- યાક (ચર્ચા) – ફાળવણી- ટ્રેક- કદર સામેલ છે. આ તમામ પગલાંમાં ડિજિટલ અભ્યાસના આયોજન અને અમલીકરણ અંગે વારાફરતી ઉદાહરણો આપીને સંપૂર્ણ સમજાવટ આપવામાં આવી છે. આ પ્રસંગે, શ્રી રમેશ પોખરિયાલ 'નિશંકે' જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારીના કારણે દેશભરમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે અને તેના કારણે શાળામાં નોંધાયેલા 240 મિલિયન વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી છે. શાળાઓ લાંબા સમય સુધી બંધ રહેવાથી તેમને અભ્યાસમાં ઘણું નુકસાન થયું છે. શ્રી પોખરિયાલે જણાવ્યું હતું કે, મહામારીના કારણે અભ્યાસ પર થતી અસરો ઓછી કરવા માટે, હવે શાળાઓએ રિમોડેલિંગ કરવું પડશે અને અત્યાર સુધીમાં શિક્ષણ અને અભ્યાસની જે રીતો હતી તેમાં પણ નવી પરિકલ્પના લાવવી પડશે તેમજ શાળામાં જ ઘર અને શાળાના માહોલનું યોગ્ય મિશ્રણ કરીને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવા માટે યોગ્ય પદ્ધતિ પણ લાવવાની જરૂર છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638541

 

નાણાં મંત્રીએ પીએમજીકેપી અંતર્ગત કોવિડ-19 સામે લડતા હેલ્થ વર્કર્સ માટે વીમા યોજનાઓના અમલની સમીક્ષા કરી હતી

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી નિર્મલા સીતારમણે ગઇકાલે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (પીએમજીકેપી) અંતર્ગત જાહેર થયેલ કોવિડ-19 સામે હેલ્થ વર્કર્સ માટે વીમા યોજનાના અમલની સમીક્ષા કરવા એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન, નાણાં મંત્રીએ ઝડપી પતાવટના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને વારસદારોને વહેલી તકે લાભો પહોંચાડવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિકારીઓએ રાજ્ય સરકારની નોડલ સંસ્થાઓ સાથે વ્યવસ્થાની સમીક્ષા પૂરી પાડી હતી, જેમાં ઝડપથી દાવાની પતાવટ થઈ રહી છે એવું જણાવવામાં આવ્યું હતું તેમજ મૃતકના પરિવારજનો સુધી પહોંચવામાં તેમજ કાયદેસર વારસદારનું સર્ટિફિકેટ મેળવવામાં પડેલી સમસ્યાઓ વિશે જાણકારી આપી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638391

 

નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની સમીક્ષા કરી

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ગઇકાલે વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (પીએમએફબીવાય)ના અમલીકરણની સમીક્ષા કરવા એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. નાણાં મંત્રીએ યોજના સ્વૈચ્છિક હોવાથી તમામ ખેડૂતો વચ્ચે માહિતીના પ્રસારને સુનિશ્ચિત કરવાની પ્રવૃત્તિ હાથ ધરવાની જરૂરિયાત અને રાજ્યો માટે દાવાની પતાવટ સમયસર સુનિશ્ચિત કરવા સમયસર પ્રીમિયમની ચુકવણી જાહેર કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. શ્રીમતી સીતારમણે સૂચન કર્યું હતું કે, રાજ્યો સાથે કડક ફોલોઅપ કરવું પડશે, જેમાં ખરીફ 2020માં યોજનાનો અમલ ન થયો હોય એવા લોકો માટે સબસિડી બાકી છે, જેથી વહેલી તકે ખેડૂતોને તમામ વિલંબિત દાવાની ચુકવણી સુનિશ્ચિત થાય.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1638393

 

CBSE ધોરણ XIIનું પરિણામ જાહેર કહ્યું; CBSE નાપાસ શબ્દના બદલે આવશ્યક પુનરાવર્તન શબ્દનો પ્રયોગ કર્યો

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ગઇકાલે ધોરણ XIIના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. તમામ પ્રદેશોમાં ત્રિવેન્દ્રમનું પરિણામ 97.67% પાસ ટકાવારી સાથે સૌથી ટોચે રહ્યું હતું જ્યારે 97.05% સાથે બેંગલોર બીજા ક્રમે આવ્યું છે. કુલ 11,92,961 વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષામાં બેઠા હતા જેમાંથી 10,59,080 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એકંદરે પાસ થનારા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 88.78% ટકા છે જે ગત વર્ષની સરખામણીએ 5.38% વધારે છે. CBSE ધોરણ XIIની બોર્ડની પરીક્ષાઓ 15.02.2020 થી 30.03.2020 દરમિયાન યોજવાની હતી. જોકે કોવિડ-19 મહામારીના ફેલાવાને ધ્યાનમાં રાખતા, CBSEને નાછુટકે 19.03.2020 થી 30.03.2020 દરમિયાન 12 વિષયોમાં પરીક્ષા યોજવી પડી હતી અને સાથે સાથે પૂર્વોત્તરના રાજ્યો તેમજ દિલ્હીના વિદ્યાર્થીઓ માટે 11 વિષયો માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જોકે, આ પરીક્ષાઓનું ફરી આયોજન બદલીને 01 થી 15 જુલાઇ 2020 દરમિયાન પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન અનિશ્ચિતતાઓ અને અભૂતપૂર્વ પરિસ્થિતિના કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખતા ભારતની સર્વોચ્ચ અદાલતે તા. 26.06.2020ના રોજ ચુકાદો આપીને CBSEને પરિણામોની ગણતરી માટે આકલન યોજના અમલમાં મૂકવાની મંજૂરી આપી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1638385

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • પંજાબ: કોવિડ-19 સામેની લડાઇમાં વધુ એક ડગલું આગળ વધતા, પંજાબ સરકારે તમામ જાહેર મિલનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે તેમજ સામાજિક મિલનમાં પાંચ વ્યક્તિ અને લગ્ન/ અન્ય સામાજિક કાર્યક્રમમાં હાલમાં 50 વ્યક્તિની મંજૂરી છે તે ઘટાડીને 30 વ્યક્તિને ભેગા થવાની મંજૂરી આપી છે. જેઓ જાહેર મેળવાડા પર મૂકવામાં આવેલા આ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરશે તેમના વિરુદ્ધ ફરજિયાત FIR દાખલ કરવામાં આવશે કારણ કે હવે આવા મેળવાડાને સખતપણે નામંજૂર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા માટે IIT ચેન્નઇના નિષ્ણાતો સાથે પણ ભાગીદારી કરી છે જેથી ભૂતકાળમાં જેના કારણે કોવિડનો ફેલાવો થયો હતો તેવા સુપર-સ્પ્રેડર્સને ઓળખી શકાય અને આગળની કાર્યવાહી માટે માર્ગદર્શન આપી શકાય.
  • અરુણાચલ પ્રદેશ: અરુણાચલના ઇટાનગરમાં રાજભવન ખાતે આદરણીય રાજ્યપાલ, તેમના પરિવારના સભ્યો, અધિકારીઓ અને સરકારી સચિવાલયના અન્ય સ્ટાફના સભ્યોનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.
  • આસામ: આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે હાલમાં ચાલી રહેલી જળ સંસાધન વિભાગની પરિયોજનાઓ અને કામકાજોની સમીક્ષા કરી હતી. આસામમાં જોનાઇ ખાતે પૂર અને ધોવાણથી પ્રભાવિત ઓખલેન્ડ ખાતે વિસ્તારને સુરક્ષિત કરવાના ઉદ્દેશ સાથે આ સમીક્ષા કરવામાં આવી હતી.
  • મણિપુર: મણિપુરમાં લૉકડાઉન દરમિયાન માસ્ક ન પહેરીને તેમજ જાહેર જગ્યાએ સામાજિક અંતર ના જાળવીને નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને ઝડપી પાડવાની કવાયત દરમિયાન પોલીસ વિભાગે 411 વ્યક્તિની અટકાયત કરી હતી અને 310 વાહનો જપ્ત કરીને તેમની પાસેથી દંડ પેટે રૂ. 60,750 વસુલ્યા હતા.
  • મિઝોરમ: મિઝોરમમાં આજે કોવિડ-19ના આઠ દર્દીઓ સાજા થઇ ગયા છે. હવે રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 74 થઇ ગઇ છે જ્યારે અત્યાર સુધીમાં સાજા થયેલાની સંખ્યા 159 છે.
  • નાગાલેન્ડ: કોહીમા જિલ્લા વહીવટીતંત્ર હાલમાં અમલમાં મુકવામાં આવેલા તમામ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોવિડ-19ના સંક્રમણની સાંકળ તોડવા માટે ચેપગ્રસ્ત કેસોનું વહેલું નિદાન કરવા સક્રિય સર્વેલન્સ કરી રહ્યું છે.
  • સિક્કિમ: મુખ્યમંત્રી શ્રી પ્રેમસિંહ તમાંગે રંગોલી પેટા-વિભાગમાં ખૂબ જ મોટી સંખ્યામાં વધી રહેલા કોવિડ-19ના કેસો અંગે ચર્ચા કરવા માટે અને તાકીદના ધોરણે જરૂરી પગલાં લેવા માટે આજે રાજ્યની ટાસ્ક ફોર્સની તાત્કાલિક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ, DGP અને વિવિધ વિભાગોના વડા ઉપસ્થિત રહ્યા હતા. સિક્કિમ સરકારે કોવિડ-19ના નિયંત્રણ માટે નવા માપદંડો જાહેરા કર્યા છે. જીમ અને બાર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે અને તમામ આંતર જિલ્લા અને એકબીજા જિલ્લામાં થતા લોકોના આવનજવાનને હવેથી બંધ કરવામાં આવશે. ટુ-વ્હીલર સહિત તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે, ટેક્સી સેવા એકી-બેકી નંબરની ફોર્મ્યુલા સાથે ચાલુ રહેશે પરંતુ માત્ર સ્થાનિક આવનજાવનની મંજૂરી આપવામાં આવશેઆ નિયમો તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને 31 જુલાઇ સુધી તેનું પાલન કરવાનું રહેશે.
  • મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 6,497 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોવિડ-19ના પોઝિટીવ કેસની સંખ્યા વધીને 2,60,924 થઇ ગઇ છે. તેમજ, રાજ્યમાં વધુ 193 દર્દીઓ કોવિડનો ચેપ લાગવાના કારણે મૃત્યુ પામ્યા છે જેથી રાજ્યમાં કોવિડ-19થી કુલ 10,482 લોકોના મરણ થયા છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 1,05,637 છે. કોવિડ-19ના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાથી પુણે અને પીમ્પરી- છીંદવાડ પ્રદેશમાં ગઇકાલે મધ્યરાતથી ફરી લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
  • ગુજરાત: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 902 પોઝિટીવ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના મળી આવેલા પોઝિટીવ કેસની કુલ સંખ્યા વધીને 42,808 થઇ ગઇ છે. આમાંથી 10,945 કેસ હાલમાં સક્રિય છે અને 74 દર્દીઓની સ્થિતિ ગંભીર છે અને તે તમામને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ માટે 4.70 લાખ પરીક્ષણો કરવામાં આવ્યા છે.
  • રાજસ્થાન: રાજ્યમાં મંગળવારે સવારે કોવિડ-19ના નવા 98 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત પોઝિટીવ કેસની સંખ્યા વધીને 25,034 થઇ ગઇ છે. હાલમાં રાજ્યમાં 5,759 સક્રિય કેસ સારવાર હેઠળ છે.
  • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં સોમવારે કોવિડના નવા 575 કેસ પોઝિટીવ હોવાનું નિદાન થયું છે અને વધુ 10 લોકોએ આ બીમારીના કારણે અંતિમ શ્વાસ લીધા છે. સોમવારે નોંધાયેલા નવા દર્દીની સંખ્યા આજદિન સુધીમાં રાજ્યમાં એક જ દિવસમાં થયેલી સૌથી મોટી વૃદ્ધિ છે જેના કારણે રાજ્યમાં કુલ નોંધાયેલા કોવિડ-19ના કેસનો આંકડો 18,207 થયો છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 4,336 છે. 13,208 દર્દીઓ આજદિન સુધીમાં આ કોરોનાના ચેપમાંથી સાજા થઇ ગયા છે. ગ્વાલિયર રાજ્યમાં નવું હોટસ્પોટ બની રહ્યું છે. અહીં નવા 110 કેસ પોઝિટીવ નોંધાયા હતા જ્યારે ત્યારબાદ ઇન્દોરમાં 92 અને ભોપાલમાં 88 નવા કેસ નોંધાયા હતા.
  • છત્તીસગઢ: છત્તીસગઢમાં સોમવારે 184 નવા દર્દીઓના નિદાન સાથે એક જ દિવસમાં સૌથી વધુ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત પોઝિટીવ કેસ નોંધાયા હતા જેના કારણે રાજ્યમાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા વધીને 4265 થઇ ગઇ છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 1044 છે. તેમાંથી સૌથી વધુ 87 કેસ રાયપુરમાં ત્યારબાદ 26 કેસ રાજનંદગાવમાં અને 25 કેસ દુર્ગમાં છે.
  • ગોવા: રાજ્યમાં કોવિડ-19ના નવા 130 કેસ પોઝિટીવ હોવાનું નિદાન થયું છે જેથી રાજ્યમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 2,583 થઇ ગઇ છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 1026 છે.
  • કેરળ: રાજ્યમાં અલપ્પુઝા મેડિકલ કોલેજમાં કોવિડ-19ના કારણે વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે; મૃત્યુ પામનારી વ્યક્તિ અખાતી દેશમાંથી પરત આવી હતી. આ સાથે રાજ્યમાં કોવિડના કારણે કુલ મૃત્યુઆંક 34 સુધી પહોંચી ગયો છે. અલપ્પુઝા, થ્રીસુર, પલક્કડ અને કન્નૂર જિલ્લાને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે સ્થાનિક સંક્રમણના કેસોની સંખ્યા અહીં વધી રહી છે; આ સ્થળોમાં વધુ ક્લસ્ટર રચવામાં આવે તેવી પણ સંભાવના છે. અર્નાકુલમમાં ચેલ્લનમ પંચાયત ખાતે વધુ 35 પોઝિટીવ કેસો નોંધાયા હોવાથી અહીં રેપિડ રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે. કોચી અને ત્રિવેન્દ્રમ બંને જગ્યાએ બે-બે ડૉક્ટરને કોરોનાનો પોઝિટીવ ટેસ્ટ આવ્યો છે. દરમિયાન, કેરળ ઉચ્ચ અદાલતમાં એક પીટિશન દાખલ કરવામાં આવી છે જેમાં કોવિડ-19 મહામારી દરમિયાન વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરવામાં આવી છે. રાજ્યમાં ગઇકાલે 449 નવા કેસ નોંધાયા હતા જેમાંથી 144 સંપર્કના કારણે અને 18 કેસ અજ્ઞાત સ્રોતોમાંથી ચેપગ્રસ્ત થયા હતા. રાજ્યમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 4,028 છે. 713 દર્દીઓને ગઇકાલે વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા જે આજદિન સુધીમાં સર્વાધિક આંકડો છે.
  • તામિલનાડુઃ આજે કોવિડ-19ના 63 નવા કેસો નોંધાયા હોવાથી પુડુચેરીએ પ્રત્યે એક લાખ લોકોની વસ્તીએ પરીક્ષણ માટે નમૂનાઓની સંખ્યા 3,000 સુધી વધારવાનું આયોજન કર્યું છે. અહી કેસોની સંખ્યા 1,531 પર પહોંચી ગઇ છે. તામિલનાડુના મુખ્યમંત્રી, CMOના કર્મચારીઓનો કોવિડ-19 ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. તાજેતરમાં 11 ધારાસભ્યો સહિત 3 મંત્રીઓની સાથે સાથે CMOમાં કામ કરી રહેલા કેટલાક કર્મચારીઓનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. 9 જુલાઇના રોજ 1,000ના આંકડો પાર કર્યો હોવા છતાં કોઇમ્બતુરમાં આગામી ઑગસ્ટ મહિના સુધી કેસોનો આંકડો 4,000ને પાર કરી જવાનો અંદાજ છે. ગીચ વસ્તી, પ્રવાસીઓ કોઇમ્બતુરમાં ઝડપથી વધી રહેલા કેસો પાછળનું મુખ્ય કારણ છે. ગઇકાલે 4,328 નવા કેસો નોંધાયા હતા અને 66 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. કુલ કેસોની સંખ્યા 1,42,798 છે, જેમાંથી 48,196 કેસો સક્રિય છે, 2032 લોકોના મરણ નીપજ્યાં છે. ચેન્નઇમાં સક્રિય કેસોની સંખ્યા 16,601 છે.
  • કર્ણાટકઃ બેંગલુરુના શહેરી અને બેંગલુરુના ગ્રામીણ જિલ્લાઓમાં આજે રાત્રે 8 વાગ્યાંથી લૉકડાઉનનો અમલ કરવામાં આવશે. દક્ષિણ કન્નડ, ધારવાડ અને કલબુર્ગી જિલ્લાઓમાં આવતીકાલથી લૉકડાઉનનો અમલ થશે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા તમામ ઉત્સવોની જાહેર ઉજવણી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ દરમિયાન રાજ્ય સરકારે કોવિડ દર્દીઓની સારવાર માટે ઇનકાર કરનારી ખાનગી હોસ્પિટલો અને તબીબી કોલેજો સામે ફોજદારી કેસ દાખલ કરવાની ચેતવણી આપી છે. BBMPએ કોવિડ દર્દીઓની મદદ માટે વાસ્તવિક-સમયે પથારીની ઉપલબ્ધતા અંગે માહિતી પૂરી પાડતી વ્યવસ્થા શરૂ કરી છે. બેંગલોર શહેરમાંથી 1,315 કેસો સાથે ગઇકાલે કુલ 2,738 નવા કેસો નોંધાયા હતા અને 73 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા.
  • આંધ્રપ્રદેશઃ રાજ્ય સરકારે શહેરના વિવિધ ભાગોમાંથી અને વિદેશમાંથી રાજ્યમાં પ્રવેશતા લોકોના ક્વૉરેન્ટાઇન માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં તેમને 14 દિવસ માટે ફરજિયાત પોતાના ઘરે ક્વૉરેન્ટાઇન રહેવાની સૂચના અપાઇ છે. કર્ણાટક અને તેલંગણાને ઊચ્ચ જોખમની શ્રેણીમાં મુકવામાં આવ્યાં છે. રાજ્ય દ્વારા લોકોની અવર-જવર માટે હજુ સુધી આંતર-રાજ્ય સરહદો ખોલવામાં આવી નથી અને ઇ-પાસ મેળવવો હજુ પણ ફરજિયાત છે. આંધ્રપ્રદેશના DGP'ઓપરેશન મુસ્કાન કોવિડ-19' શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ શેરીના બાળકોને વાયરસના ચેપથી બચાવવાનો અને કોવિડના નિયંત્રણ ઉપર ખાસ ભાર મુકીને બાળમજૂરી નાબૂદ કરવાનો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 1,916 નવા કેસો નોંધાયા છે, 952 લોકોને રજા આપવામાં આવી છે અને 43 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. કુલ કેસોની સંખ્યા 33,019 છે, જ્યારે હાલમાં સક્રિય કેસોની સંખ્યા 15,144 છે, 17,467 લોકોને રજા આપવામાં આવી છે અને કુલ 408 લોકોના મરણ નીપજ્યાં છે.
  • તેલંગણાઃ તેલંગણાની ઉચ્ચ અદાલતે કોવિડ-19 માટે સામૂહિક પરીક્ષણો ન કરવા માટે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો અને તે વિશે માહિતી રજૂ કરવા જાહેર આરોગ્ય નિદેશક ડૉ. જી. શ્રીનિવાસરાવને હાજર થવા આદેશ આપ્યો છે. એકતરફ તેલંગણાએ ભારે વિલંબ બાદ રેપિડ એન્ટિજેન ટેસ્ટિંગ શરૂ કર્યો છે ત્યારે તે ICMRના નિયમોનું ચુસ્તપણે પાલન કરી રહ્યું નથી. ICMR દ્વારા એન્ટિજેન ટેસ્ટમાં નેગેટીવ રિપોર્ટ બાદ તેવી વ્યક્તિઓનું RT-PCR પરીક્ષણ હાથ ધરવા સૂચના અપાઇ હોવા છતાં સરકારે તેમનું ફરીથી પરીક્ષણ કરવાના બદલે લક્ષણ ધરાવતા લોકોને આઇસોલેશનમાં મોકલવાનો નિર્ણય લીધો છે. ગઇકાલ સુધી કુલ કેસોની સંખ્યા 36,221 હતી, જ્યારે સક્રિય કેસો 12,178 છે, 365 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને કુલ 23,679 લોકોને રજા આપવામાં આવી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



(Release ID: 1638625) Visitor Counter : 241