PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
प्रविष्टि तिथि:
10 JUL 2020 6:49PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Date: 10.07.2020

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India


કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: સાજા થવાનો દર વધીને 62.42% થયો; 18 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે; મૃત્યુદર ઘટીને 2.72% થયો
કોવિડ-19ના દર્દીઓ સાજા થવાની સંખ્યામાં વૃદ્ધિનો ટ્રેન્ડ એકધારો આગળ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19માંથી કુલ 19,138 દર્દીઓ સાજા થઇ ગયા છે. આમ, દેશમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે વધીને 4,95,515 પર પહોંચી ગઇ છે. તેના પરિણામે, કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર આજે સુધરીને 62.42% થઇ ગયો છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,76,882 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આજની સ્થિતિ અનુસાર, દેશમાં 1218 કોવિડ સમર્પિત હોસ્પિટલો, 2705 કોવિડ સમર્પિત આરોગ્ય સંભાળ કેન્દ્રો અને 10,301 કોવિડ સમર્પિત સંભાળ કેન્દ્રો ઉપબલ્ધ છે. હાલમાં 18 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. રાષ્ટ્રીય સ્તરે કોવિડના કેસોનો મૃત્યુદર ઘટીને 2.72% નોંધાયો છે. દુનિયામાં બીજા સંખ્યાબંધ દેશોની સરખામણીએ તે ઓછો છે. 30 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રના સરેરાશ મૃત્યુદરની સરખામણીએ ઓછો મૃત્યુદર નોંધાયો છે. ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ વ્યૂહરચનાનું સમગ્ર દેશમાં સઘન અમલીકરણ સુનિશ્ચિત કરવાથી દેશમાં અત્યાર સુધીમાં 1,10,24,491 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ થઇ શક્યું છે. દૈનિક પરીક્ષણોની સંખ્યામાં પણ સતત વૃદ્ધિનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2,83,659 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભારતમાં હવે કોવિડ-19ના પરીક્ષણ માટે સમર્પિત લેબોરેટરીની સંખ્યા વધીને 1169 થઇ ગઇ છે. આમાં 835 લેબોરેટરી સરકારી ક્ષેત્રની છે જ્યારે 334 લેબોરેટરીઓ ખાનગી ક્ષેત્રની છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637718
41 હજારથી વધુ આયુષમાન ભારત- આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો (AB-HWC)માં ખાસ કરીને કોવિડ-19 દરમિયાન સાર્વત્રિક અને વ્યાપક પ્રાથમિક આરોગ્ય સંભાળ આપવામાં આવી
આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો (HWC)એ આયુષમાન ભારતના પ્રાથમિક આધારસ્તંભની રચના કરી છે જેમાં 2022 સુધીમાં 1,50,000 પેટા આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને HWCમાં રૂપાંતરિક કરીને સાર્વત્રિક અને વ્યાપક પ્રાથમિક આરોગ્ય સંભાળ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કોવિડ-19 સામેની લડતમાં AB-HWC દ્વારા યોગદાન આપવામાં આવ્યું હોય તેવા સંખ્યાબંધ અસાધારણ ઉદાહરણો છે. તેમણે સમુદાયોમાં કરેલી પાયાની કામગીરીના પૂરાવારૂપે, 8.8 કરોડ લોકો આ વર્ષે 1 ફેબ્રુઆરીથી પાંચ મહિનામાં HWCમાં આવ્યા છે. આ ઉપરાંત, છેલ્લા પાંચ મહિનામાં 1.41 કરોડ લોકોની HWC ખાતે હાઇપર ટેન્શન માટે વ્યક્તિગત તપાસ કરવામાં આવી છે જ્યારે, 1.3 કરોડ લોકોની ડાયાબિટિસ અને 1.34 કરોડ લોકોની મોં, સ્તન અને સર્વાઇકલ કેન્સર માટે તપાસ કરવામાં આવી છે. કોવિડ-19ના કારણે ઉભી થયેલી પડકારજનક સ્થિતિ હોવા છતાં, માત્ર જૂન મહિનામાં જ HWC ખાતે હાઇપર ટેન્શન માટે અંદાજે 5.62 લાખ દર્દીઓને દવા આપવામાં આવી છે જ્યારે 3.77 લાખ દર્દીઓને ડાયાબિટિસની દવાઓ આપવામાં આવી છે. કોવિડ-19 મહામારીનો ઉપદ્રવ થયો ત્યારથી અત્યાર સુધીના સમયગાળામાં HWC ખાતે 6.53 લાખ યોગ અને સુખાકારી સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જાન્યુઆરીથી જૂન 2020 સુધીના સમયમાં વધુ 12425 HWC કાર્યાન્વિત કરવામાં આવ્યા હોવાથી અગાઉ તેની સંખ્યા 29365 હતી તે વધીને 41790 થઇ ગઇ છે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637694
પ્રધાનમંત્રીએ રીવા અલ્ટ્રા મેગા સૌર ઉર્જા પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રીવા અલ્ટ્રા મેગા સૌર ઉર્જા પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ એશિયાની સૌથી મોટી ઉર્જા પરિયોજના છે. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રીવા પરિયોજનાથી સમગ્ર પ્રદેશ આ દાયકામાં શુદ્ધ અને સ્વચ્છ ઉર્જાનું એક મોટું હબ બની જશે. તેમણે કહ્યું હતું કે, પર્યાવરણના તમામ કાર્યક્રમોમાં, પર્યાવરણની સુરક્ષાને તેમજ ઇઝ ઓફ લિવિંગને પ્રાથમિકતા આપવામાં આવે છે. તેમણે સ્વચ્છ ભારત, ગરીબ પરિવારો માટે LPG સિલિન્ડરોનો પૂરવઠો, CNG નેટવર્કનો વિકાસ વગેરેને ઇઝ ઓફ લિવિંગ માટે તેમજ ગરીબો અને મધ્યમ વર્ગના લોકોના જીવનમાં સુધારો લાવનારા કેટલાક કેન્દ્રિત પ્રયાસો ગણાવ્યા હતા. પ્રવર્તમાન કોવિડ-19 મહામારીની કટોકટીનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર હોય કે સમાજ, કરુણા અને સતર્કતા આ મુશ્કેલ પડકારને નિયંત્રણમાં લાવવા માટે સૌથી ઉત્તમ પ્રેરણાદાયકો છે. તેમણે એમ પણ કહ્યું કે, લૉકડાઉનના અમલની શરૂઆતના તબક્કેથી જ સરકારે સુનિશ્ચિત કર્યું છે કે, દેશમાં ગરીબો અને જરૂરિયાતમંદ લોકો સુધી અન્ન અને ઇંધણનો પૂરતો પૂવરઠો સુનિશ્ચિતપણે પહોંચી શકે. તેમણે કહ્યું કે, આવી જ લાગણી સાથે, સરકારે હાલમાં અનલૉકનો તબક્કો ચાલી રહ્યો હોવા છતાં પણ આ વર્ષના નવેમ્બર મહિના સુધી લોકોને અન્ન અને LPGનો વિનામૂલ્યે પૂરવઠો પહોંચાડવાનો નિર્ણય લીધો છે. આટલું જ નહીં, સરકાર ખાનગી ક્ષેત્રમાં કામ કરી રહેલા લાખો EPF ખાતાંમાં પણ સંપૂર્ણ યોગદાન આપી રહી છે. તેવી જ રીતે, PM-સ્વનિધિ યોજના દ્વારા, તેમની પાસે સિસ્ટમની ઓછી પહોંચ છે તેમને પણ લાભ આપવામાં આવી રહ્યો છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637723
750 મેગા વૉટના રીવા સોલાર પાર્કના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637785
કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય દ્વારા તમામ ક્ષેત્રોમાં કૌશલ્યપૂર્ણ લોકોની માંગ અને પૂરવઠાના અંતરાલને દૂર કરવા માટે AI આધારિત ASEEM ડિજિટલ પ્લેટફોર્મનો પ્રારંભ કરવામાં આવ્યો
માહિતીનો પ્રવાહ સુધારવા માટે અને બજારમાં કૌશલ્યપૂર્ણ લોકોની માંગત અને પૂરવઠા વચ્ચેના અંતરાલને દૂર કરવાના પ્રયાસોના ભાગરૂપે કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય દ્વારા આજે ‘આત્મનિર્ભર કૌશલ્યપૂર્ણ કર્મચારી નિયોક્તા મેપિંગ (ASEEM)’ પોર્ટલનો આરંભ કરવામાં આવ્યો છે. આ પોર્ટલ કૌશલ્યપૂર્ણ લોકોને આજીવિકાની ટકાઉક્ષમ તકો શોધવામાં મદદરૂપ થવાના ઉદ્દેશ શરૂ કરવામાં આવ્યું છે. કૌશલ્યપૂર્ણ લોકોની ભરતી કરવા ઉપરાંત, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આ પ્લેટફોર્મમાં કૌશલ્યપૂર્ણ લોકોને ઉદ્યોગ સંબંધિત કૌશલ્યો હાંસલ કરવા માટે અને ખાસ કરીને કોવિડ પછીના સમયગાળામાં ઉભરતી નોકરીની તકો શોધવા માટે તેમને સંપૂર્ણ માહિતીઓ પ્રાપ્ત થાય અને તેમની કારકિર્દીનો માર્ગ વધુ મજબૂત થાય તેવી પણ દૂરંદેશી રાખવામાં આવી છે. ASEEMના પ્રારંભની જાહેરાત કરતા કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડેએ જણાવ્યું હતું કે, આ પહેલનો ઉદ્દેશ કૌશલ્યપૂર્ણ લોકોનું મેપિંગ કરીને અને તેમને ખાસ કરીને કોવિડ પછીના સમયમાં પોતાના સ્થાનિક વિસ્તારોમાંજ સંબંધિત આજીવિકાની તકો સાથે સાંકળવાનો છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637755
સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે કોરિયાના સંરક્ષણમંત્રી સાથે ટેલીફોન પર વાત કરી
સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે આજે કોરિયા પ્રજાસત્તાક (RoK)ના રાષ્ટ્રીય સંરક્ષણમંત્રી શ્રી જેઓંગ ક્યોંગ ડૂ સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી. બંને દેશના સંરક્ષણમંત્રીએ પ્રવર્તમાન કોવિડ-19 મહામારીની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. શ્રી રાજનાથસિંહે શ્રી જેઓંગ ક્યોંગ ડૂને કોવિડ-19 સામેની આંતરરાષ્ટ્રીય લડાઇમાં ભારતના યોગદાનથી માહિતગાર કર્યા હતા અને વૈશ્વિક મહામારી સામે લડવામાં પારસ્પરિક સહકારના ક્ષેત્રો અંગે પણ ચર્ચા કરી હતી. બંને મંત્રીઓ મહામારીના કારણે ઉભા થયેલા જટીલ પડકારોનો સાથે મળીને સામનો કરવા માટે સંમતિ દર્શાવી હતી. આ ટેલીફોનિક ચર્ચા દરમિયાન, બંને મહાનુભવોએ વિવિધ દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર માટે હાથ ધરવામાં આવેલી પહેલ થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી અને બંને દેશોના સશસ્ત્ર દળો વચ્ચે વધુ સંરક્ષણ સહકારનું જોડાણ વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1637705
મે 2020ના મહિના માટે ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક અને ઉપયોગ આધારિત સૂચકાંક માટે ત્વરિત અનુમાનો (2011-12=100 આધાર)
દર મહિને 12 તારીખે (જો 12મીએ રજા હોય તો તેની આગળના કામકાજના દિવસે) ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP)ના ત્વરિત અનુમાનો બહાર પાડવામાં આવે છે જેમાં છ અઠવાડિયાના લેગ અને ઉત્પાદન ફેક્ટરીઓ/ સંસ્થાઓ પાસેથી ડેટા પ્રાપ્ત કરતી સ્રોત એજન્સીઓ પાસેથી મળેલા ડેટાનું સંકલન કરેલું હોય છે. કોવિડ-19 મહામારીના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે સરકાર દ્વારા સુરક્ષાત્મક પગલાં તરીકે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનના અમલના કારણે મોટાભાગની ઔદ્યોગિક સંસ્થાઓ અને એકમો માર્ચ, 2020ના અંત અને તે પછીના સમયમાં કાર્યાન્વિત સ્થિતિમાં નહોતા. આના કારણે લૉકડાઉનના સમયગાળા દરમિયાન અને તે પછીના તબક્કામાં લાગુ કરવામાં આવેલા કેટલાક પ્રતિબંધોના પરિણામે વિવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો પર ઘણી ઘેરી અસર પડી હતી. મે 2020ના મહિના માટે આ સૂચકાંક 88.4 પર છે જ્યારે તેની સરખામણીએ એપ્રિલ 2020માં તે 53.6 પર હતો અર્થતંત્રમાં તબક્કાવાર ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ થઇ રહી હોવાના સંકેતો આપે છે. પ્રતિક્રિયા આપતા એકમોની સંખ્યા લૉકડાઉનના અગાઉના મહિનાઓની સરખામણીએ મે 2020માં વધી છે. એપ્રિલ 2020ના QEના સમયમાં પ્રતિક્રિયાના દરનું વેઇટેજ 87 ટકા હતું જે પ્રથમ સુધારમાં હવે સુધરીને 91 ટકા થઇ ગયું છે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637781
રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત ફાળવવામાં આવેલા તેમના વિનામૂલ્યે ખાદ્યાન્ન અને આખા ચણાનું વિતરણ 31 ઑગસ્ટ 2020 સુધીમાં પૂરું કરી શકે છે
કેન્દ્રીય ગ્રાહક બાબતો, અન્ન અને પૂરવઠા મંત્રી શ્રી રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગરીબો અને જરૂરિયાતમંદ લોકો માટે બે સૌથી મોટી ખાદ્યાન્ન વિતરણ યોજના PMGKAY અને ANBAનો પ્રારંભ કર્યો છે જેથી કોવિડ-19 મહામારીના કપરા સમયમાં એકપણ ગરીબ વ્યક્તિને ભુખ્યા સુવાની નોબત ના આવે. શ્રી પાસવાને મીડિયા સમક્ષ માહિતી આપતા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત લાભાર્થીઓ માટે વિનામૂલ્યે ખાદ્યાન્ન અને દાળના વિતરણ માટે ફાળવવામાં આવેલા જથ્થામાંથી બાકી રહેલા જથ્થાનું વિતરણ કરવા માટે 31 ઑગસ્ટ 2020 સુધી વધારાનો સમય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી પણ આપી હતી. શ્રી પાસવાને જણાવ્યું હતું કે, આ બંને યોજનાઓનો અમલ કરવાથી દેશમાં કોવિડ-19 મહામારીના કારણે સર્જાયેલી આર્થિક વિક્ષેપની પરિસ્થિતિમાં ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં રાહત થશે. મંત્રીશ્રીએ વધુમાં એવી પણ માહિતી આપી હતી કે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ 2,32,433 મેટ્રિક ટન ખાદ્યાન્નના જથ્થાનું મે મહિનામાં 2.24 કરોડ લાભાર્થીઓ અને જૂન મહિનામાં 2.25 કરોડ લાભર્થીઓમાં વિતરણ કર્યું હતું. તેમણે માહિતી આપી હતી કે, અંદાજે 33,620 મેટ્રિક ટન આખા ચણાનું વિતરણ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કરવામાં આવ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જુલાઇથી નવેમ્બર 2020 એમ પાંચ મહિનાના સમયગાળા માટે PMGKAY-2 માટે 201.1 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નના જથ્થાની ફાળવણી કરવામાં આવી છે. આમાં 91.14 લાખ મેટ્રિક ટન ઘઉં અને 109.91 લાખ મેટ્રિક ટન ચોખાનો જથ્થો સામેલ છે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637591
EESL એ EV ચાર્જિંગ એકમો સ્થાપિત કરવા અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે NOIDA સત્તામંડળ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા
ભારત સરકારના ઉર્જા મંત્રાલય અંતર્ગત PSUના સંયુક્ત સાહસ, ઉર્જા કાર્યદક્ષતા સેવા લિમિટેડ (EESL) દ્વારા સાર્વજનિક EV ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવા અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે ન્યૂ ઓખલા ઔદ્યોગિક વિકાસ સત્તામંડળ (NOIDA) સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ કરાર કરવામાં આવ્યો છે. કોવિડ-19 મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનમાંથી હવે દેશ ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં પાછો ઉભરી રહ્યો હોવાથી ઇ-પરિવહનમાં વૃદ્ધિ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ઇકોસિસ્ટમનું સર્જન કરવામાં પણ આ ભાગીદારીથી સુવિધા મળી રહેશે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637584
ભારતના કોવિડ પછીના અર્થતંત્રમાં વાંસ ક્ષેત્ર મહત્વના ઘટકોમાંથી એક હશે: ડૉ. જીતેન્દ્રસિંહ
કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે આજે જણાવ્યું હતું કે, કોવિડ પછીના ભારતના અર્થતંત્રમાં વાંસ ક્ષેત્ર મહત્વના ઘટકોમાંથી એક હશે. નેતર અને વાંસ ટેકનોલોજી કેન્દ્ર (CBTC)ના વિવિધ ક્લસ્ટર અને વાંસના વેપાર સાથે સંકળાયેલા વિવિધ લોકો સાથે વેબિનાર પર ચર્ચા કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે, વાંસ પૂર્વોત્તરના પ્રદેશોમાં આત્મનિર્ભરત ભારત અભિયાનને વધુ વેગ આપશે અને ભારત તેમજ ઉપખંડ પ્રદેશમાં વાંસનું ક્ષેત્ર વેપારનું એક મહત્વપૂર્ણ વાહન બનવા જઇ રહ્યું છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોવિડ પછીના ભારતના અર્થતંત્રમાં માત્ર પૂર્વોત્તરના પ્રદેશો માટે જ વાંસ મહત્વપૂર્ણ નથી બલ્કે “વોકલ ફોર લોકલ”ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલા આહ્વાન માટે નવી ગતિ લાવવામાં પણ તે મોખરાના સ્થાને રહેશે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637786
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- ચંદીગઢઃ કોવિડ-19ના પડકારજનક વાતાવરણની વચ્ચે 15 જુલાઇ, 2020ના રોજ વિશ્વ યુવા કૌશલ્ય દિનની ઉજવણી કરવામાં આવશે. મહામારી અને લૉકડાઉનના પગલાંઓએ સમગ્ર વિશ્વભરમાં ટેકનિકલ સંસ્થાઓ સહિત તમામ પ્રવૃત્તિઓ અટકાવી દીધી છે. જોકે, આર્થિક પ્રવૃતિઓમાં થયેલા ઘટાડાના કારણે અને રોજગારીમાં સ્પર્ધાના કારણે કૌશલ્ય વિકાસની જરૂરિયાતમાં વધારો થયો છે. આ સંદર્ભમાં, ચંદીગઢ કૌશલ્ય વિકાસ અભિયાને ઇન્ડિયા સ્કિલ્સ સાથે સહકાર સાધીને ડિજિટલ/ ઑનલાઇન પદ્ધતિ થકી આ યુવા દિન ઉજવવાનો નિર્ણય લીધો છે. આ પ્રયાસના ભાગરૂપે, ચંદીગઢ કૌશલ્ય વિકાસ અભિયાન (CSDM) દ્વારા શ્રેણીબદ્ધ વેબિનાર્સ શરૂ કરવામાં આવ્યાં છે, જે 7 જુલાઇ, 2020ના રોજ શરૂ થયા હતા અને 15 જુલાઇ, 2020 સુધી એટલે કે વિશ્વ યુવા કૌશલ્ય દિન સુધી ચાલુ રહેશે.
- પંજાબઃ રાજ્ય સરકારે સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયેલા પાંચ જિલ્લાઓમાં રેપિડ એન્ટિજેન ટેસ્ટિંગ કાર્યક્રમ શરૂ કરવાની તૈયાર કરી હોવા છતાં, પંજાબના મુખ્યમંત્રીએ કોવિડ પ્લાઝમા થેરાપી સારવારની સુવિધા માટે પ્લાઝમા બેન્કની સ્થાપના માટે લીલી ઝંડી આપી દીધી છે, જેની કામગીરી પહેલેથી રાજ્યની સરકારી હોસ્પિટલોમાં અભ્યાસ કાર્યક્રમ અંતર્ગત ICMR દ્વારા ચાલુ કરવામાં આવી છે. પ્લાઝમા બેન્ક ગંભીર રીતે બીમાર દર્દીઓને અથવા ગંભીર બીમારીના જોખમનો સામનો કરી રહેલા દર્દીઓને તૈયાર ઇન્વેન્ટરી સ્રોત તરીકે સેવા પૂરી પાડશે અને આ રીતે કોન્વેલેસન્ટ પ્લાઝમા દ્વારા સારવાર કરવા માટે વ્યાપક શ્રેણીના વિકલ્પો પૂરા પાડશે.
- હરિયાણાઃ હરિયાણાના મહિલા અને બાળ વિકાસ મંત્રીએ માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરવા માટે હરિયાણા રાજ્ય મહિલા આયોગ દ્વારા અભિયાન શરૂ કર્યું છે, જેથી લોકોને નોવલ કોરોના વાયરસથી સંક્રમિત થતા અટકાવી શકાય. તેમણે જણાવ્યું હતું કે, કોવિડ-19 ચેપ ઉપર નિયંત્રણ મેળવવા માટે આપણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમય સમય પર બહાર પાડવામાં આવતી માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઇએ. આ ઉપરાંત, લોકોને આ મહામારી અંગે સતર્ક બનાવવા જોઇએ, જેથી જેમ બને તેમ જલ્દી મહામારીને નાબૂદ કરી શકાય.
- મહારાષ્ટ્રઃ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોવિડ પોઝિટીવ તરીકે નવા 6,875 દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી, જેના કારણે રાજ્યમાં નોંધાયેલા કેસોનો કુલ આંકડો 2.30 લાખ કેસ કરતાં પણ વધી ગયો હતો. 1.27 લાખ દર્દીઓ અત્યાર સુધી સાજા થઇ ચુક્યાં હોવાથી રાજ્યમાં 93,652 સક્રિય કેસો છે. મુંબઇમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 88,795 થઇ ગઇ છે. આ દરમિયાન, રાજ્ય સરકાર મહારાષ્ટ્રમાં રેપિડ એન્ટિબોડી ટેસ્ટની મહત્તમ કિંમત નિર્ધારિત કરવાનું વિચારી રહી છે.
- ગુજરાતઃ ગુજરાતમાં ગુરુવારે કોવિડ-19 કેસોમાં એક જ દિવસમાં સૌથી વધારે 861 કેસો નોંધવામાં આવ્યાં હતાં. આ સાથે જ રાજ્યનો કુલ આંકડો 39,280 પર પહોંચી ગયો છે. સૌથી વધારે 307 નવા કેસો સુરત શહેર અને સુરત જિલ્લામાંથી નોંધવામાં આવ્યાં હતા. જ્યારે અમદાવાદ શહેરમાં 153 નવા કેસો, જ્યારે વડોદરામાંથી 43 નવા કેસો નોંધાયા હતા. રાજ્યમાં અત્યારે 9,528 સક્રિય કેસો છે. ગુજરાતના અન્ન અને ઔષધ નિયંત્રણ સત્તાધિકારીઓએ કોવિડ-19 દર્દીઓના સારવાર માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવતી તોસિલિઝુમાબ- દવાના કાળા બજારના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કોરાના સંક્રમણની સારવારમાં તોસિલિઝુમાબ દવા ખૂબ જ અસરકારક ગણાય છે અને અત્યારે તેની એક જ ભારતીય કંપની દ્વારા સ્વિત્ઝરલેન્ડમાંથી આયાત કરવામાં આવે છે. જોકે, મર્યાદિત પૂરવઠાની સામે તેની માંગ અનેકગણી વધુ છે. આ કારણ છે કે આ દવાને કાળા બજારમાં વેચવામાં આવે છે.
- રાજસ્થાનઃ આજે સવારે નોંધાયેલા વધુ 115 નવા કેસોની સાથે રાજસ્થાનમાં કોવિડ-19 કુલ કેસોની સંખ્યા વધીને 22,678 થઇ ગઇ છે. સૌથી વધારે 35 કેસો પાલી જિલ્લામાંથી અને ત્યારબાદ જયપુરમાંથી 22 અને અજમેરમાંથી 10 કેસો નોંધાયા હતા.
- મધ્યપ્રદેશઃ ગુરુવારે રાજ્યમાં કોવિડ-19ના નવા 305 કેસો ઓળખી કાઢવામાં આવ્યાં હતા. તેના પરિણામે રાજ્યમાં કોવિડ-19 દર્દીઓની કુલ સંખ્યા વધીને 16,341 થઇ ગઇ છે. એકતરફ જ્યારે અત્યારે રાજ્યમાં 3,475 કેસો સક્રિય છે ત્યારે સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 12,232 પહોંચી ગઇ છે.
- છત્તીસગઢઃ કોરોનાથી ચેપગ્રસ્ત 133 નવા કેસોની ઓળખ કરવામાં આવી છે, જેની સાથે છત્તીસગઢમાં કોરોના સંક્રમણની સંખ્યા વધીને 3,666 થઇ ગઇ છે. જોકે, રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા 748 છે.
- ગોવાઃ ગોવામાં કોવિડ-19ના નવા 112 કેસો સામે આવતાં રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા વધીને 2,151 થઇ ગઇ છે. તેમાંથી અત્યારે 869 કેસો સક્રિય છે.
- આસામઃ આસામમાં GMCH ICUમાં દાખલ કરાયેલા કોવિડ-19ના વધુ 4 દર્દીઓ સંક્રમણના કારણે મૃત્યુ પામ્યાં છે. આરોગ્યમંત્રીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.
- મણિપુરઃ મણિપુરના ચાંદેલની સ્વાયત જિલ્લા પરિષદે જિલ્લા વહીવટીતંત્રને પગથી સંચાલિત ત્રણ હેન્ડ સેનિટાઇઝર મશીન, તેમજ હેન્ડ સેનિટાઇઝર, માસ્ક અને કોવિડ-19 જાગૃતિ પોસ્ટરોનું દાન કર્યું છે. JNIMSની એક મહિલા ડૉક્ટરનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. મણિપુરના જિરિબામ જિલ્લામાં કુલ ચેપગ્રસ્ત વ્યક્તિઓની સંખ્યા 51 પર પહોંચી ગઇ છે.
- મેઘાલયઃ મેઘાલયના ઉમપ્લિંગમાં BSFના વધુ 26 જવાનોનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. રાજ્યમાં અત્યારે કુલ સક્રિય કેસો 121 છે, જ્યારે કુલ 45 લોકો સાજા થયા છે.
- મિઝોરમઃ આજે મિઝોરમમાં કોવિડ-19 નવા 23 કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા 226 પર પહોંચી ગઇ છે, જેમાંથી 83 કેસો સક્રિય છે.
- નાગાલેન્ડઃ નાગાલેન્ડમાં નોંધાયેલા કોવિડ-19ના નવા 26 કેસોની સાથે રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 732 પર પહોંચી ગઇ છે, જેમાંથી અત્યારે 428 કેસો સક્રિય છે.
- કેરળઃ રાજ્યના આરોગ્ય મંત્રી કે.કે. શૈલેજાએ જણાવ્યું હતું કે, રાજ્યની રાજધાની, પૂંથુરામાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને તેમણે અન્ય રાજ્યના લોકો સાથે વ્યવહાર કરતી વખતે લોકોને સાવધાની રાખવા ચેતવણી આપી છે. કોવિડ-19 સમગ્ર તામિલનાડુમાં ફેલાઇ ગયો છે અને અનેક લોકો ત્યાંથી વેપાર કરવા માટે કેરળમાં આવે છે. મંત્રીએ વધુમાં લોકોને એન્ટિજેન ટેસ્ટ સામે ચાલી રહેલી ખોટી ઝૂંબેશમાં વિશ્વાસ ન કરવા અપીલ કરી છે. આ દરમિયાન, પૂંથુરામાં હજારો રહેવાસીઓએ લાગુ કરવામાં આવેલા ત્રીજા લૉકડાઉનનું ખૂલ્લેઆમ ઉલ્લંઘન કરીને વિરોધ નોંધાવ્યો હતો. કોલ્લમ અને એલ્લેપેમાં માછીમારી અને મસ્ત્ય વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગઇકાલે રાજ્યમાં કોવિડ-19ના 339 નવા સક્રિય કેસો નોંધાયા હતા, જેમાંથી 133 સ્થાનિક પ્રસરણના કારણે અને સાત અજ્ઞાત સ્રોતોના કારણે નોંધાયેલા કેસો હતા. હજુ પણ 2,795 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે અને જુદા-જુદા જિલ્લાઓમાં 1,85,960 લોકો ક્વૉરેન્ટાઇન હેઠળ છે.
- તામિલનાડુઃ પુડુચેરીમાંમાં કરાઇકલમાં હસ્તરેખા જોતાં જ્યોતિષીએ 13 વ્યક્તિઓને સંક્રમિત કર્યા હતા. AIADMKના ધારાસભ્યએ પુડુચેરી વિધાનસભાના પરિષદમાં ધરણાં પ્રદર્શન કરીને રેશનકાર્ડ ધારક દરેક પરિવાર માટે કોવિડ-19 રાહતની માગણી કરી હતી. તામિલનાડુના રાજ્યકક્ષાના સહકાર મંત્રી સેલ્લુર કે. રાજુનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો, અગાઉ રાજ્યના 11 ધારાસભ્યોની સાથે બે મંત્રીઓનો ટેસ્ટ પોઝિટીવ આવી ચૂક્યો છે. તામિલનાડુના જિલ્લાઓમાં કેસોમાં થયેલા વધારાના કારણે કેન્દ્રની ટીમે રાજ્યની મુલાકાત લીધી હતી. છેલ્લા બે દિવસ દરમિયાન સામાન્ય ઘટાડા બાદ, રાજ્યમાં ગુરુવારે નવા 4,231 કેસો નોંધાયા હતા, જેમાંથી 1,216 ચેન્નઇમાંથી નોંધાયા હતા. ગઇકાલ સુધી કુલ કેસોની સંખ્યા 1,26,581 હતી, તેમાંથી 46,652 કેસો સક્રિય હતા અને 1,765 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. ચેન્નઇમાં 20,271 સક્રિય કેસો છે.
- કર્ણાટકઃ ત્રણ કર્મચારીઓનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યાં બાદ રાજ્યના મુખ્યમંત્રી હોમ ક્વૉરેન્ટાઇન થયા હતા. આશા કામદારો શુક્રવારે તેમના પગાર અને કામની શરતો સંબંધિત મુદ્દાઓ માટે રાજ્યવ્યાપી હડતાલ પર ઉતર્યા હતા. કર્ણાટક ઉચ્ચ અદાલતે રાજ્ય સરકારને વિસ્થાપિત કામદારોની સ્થિતિ અંગેનો અહેવાલ સુપરત કરવા આદેશ આપ્યો છે, જેમણે બેંગલુરુમાં રહેવાનું પસંદ કર્યું હતું. રાજ્ય સરકારે શૈક્ષણિક વર્ષ 2019-20 માટે એન્જિનિયરિંગ અને ડિપ્લોમા અભ્યાસક્રમો સહિત સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા તમામ મધ્યવર્તી સત્રના વિદ્યાર્થીઓને પરીક્ષા યોજ્યા વગર પાસ કરવાનો નિર્ણય લીધો છે. ગઇકાલે 2,228 નવા કેસો નોંધાયા હતા, 957 દર્દીઓને રજા આપવામાં આવી હતી અને 17 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 31,105 છે, જેમાંથી 17,782 કેસો સક્રિય છે અને 486 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
- આંધ્રપ્રદેશઃ મુસાફરોને કૅશલૅસ વ્યવહાર હાથ ધરવા પ્રોત્સાહન પૂરું પાડવા માટે APSRTC દ્વારા 20 જુલાઇએ 'પ્રથમ' મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવશે. શાળા શિક્ષણ કમિશનરે 31 જુલાઇ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા અંગેનો આદેશ બહાર પાડ્યો છે. આંધ્રપ્રદેશ માધ્યમિક બોર્ડે બીજા વર્ષમાં નાપાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને સમૂહમાં પાસ કરવાનો નિર્ણય લીધો છે. વિવાદ ઉભો થયા બાદ રાજ્ય સરકારે તિરુમાલાને ચેપગ્રસ્ત વિસ્તારમાંથી બાકાત રાખ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન 21,020 નમૂનાઓનું પરીક્ષણ કર્યા બાદ 1,608 નવા કેસો નોંધાયા હતા, 981 લોકોને રજા આપવામાં આવી હતી અને 15 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. કુલ કેસોની સંખ્યા 25,422 છે, જેમાંથી 11,936 કેસો સક્રિય છે, 292 લોકોના મૃત્યુ થયા છે અને 13,194 લોકોને રજા આપવામાં આવી છે.
- તેલંગણાઃ આરોગ્યમંત્રી ઇટાલા રાજેન્દરે કોવિડ-19ના સાજા થયેલા દર્દીઓને આગળ આવવા અને સારવાર લઇ રહેલા દર્દીઓ માટે પ્લાઝમાનું દાન કરવા અપીલ કરી છે. રાજ્ય હવે સમગ્ર દેશમાં કોવિડ-19 કેસોનો સૌથી ઊંચો પોઝિટીવિટી દર ધરાવે છે. માત્ર થોડા અઠવાડિયા પહેલાં તે મહારાષ્ટ્ર અને દિલ્હી કરતાં પાછળ હતું. હવે તે 21.91% (8 જુલાઇના રોજ) સાથે સમગ્ર દેશમાં સૌથી ટોચ ઉપર છે. આ આંકડો રાષ્ટ્રીય પોઝિટીવિટી દર કરતાં ત્રણ ગણો વધારે છે. ગઇકાલ સુધી નોંધાયેલા કુલ કેસોની સંખ્યા 30,946 છે, જેમાંથી 12,423 કેસો સક્રિય છે, 331 લોકોના મૃત્યુ થયા છે અને 18,192 લોકોને રજા આપવામાં આવી છે.
FACTCHECK


(रिलीज़ आईडी: 1637854)
आगंतुक पटल : 339
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam