PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
09 JUL 2020 6:30PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Date: 09.07.2020

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India


કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: સાજા થનારાની સંખ્યા સક્રિય કેસોની સંખ્યાની સરખામણીએ 1.75 ગણી વધારે; સાજા થયેલા અને સક્રિય કેસો વચ્ચેનો તફાવત 2 લાખ કરતા વધારે; સાજા થવાનો રાષ્ટ્રીય દર વધીને 62.09% થયો
એક નોંધપાત્ર સિદ્ધિ સમાન, અત્યારે દેશમાં કોવિડ-19ના સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 2,06,588 થઇ ગઇ છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા હાલમાં સક્રિય દર્દીઓની સંખ્યા કરતા 1.75 ગણી વધારે છે. છેલ્લા 24 કલાકમાં કુલ 19,547 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે. આથી દેશમાં આજદિન સુધીમાં કુલ 4,76,377 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા હોવાનું નોંધાયું છે. ઘરે ઘરે સંપર્ક ટ્રેસિંગ, વહેલા નિદાન અને આઇસોલેશન તેમજ સમયસર અને અસરકારક રીતે કોવિડ-19ના દર્દીઓના તબીબી વ્યવસ્થાપન દ્વારા અસરકારક સર્વેલન્સ અને કેન્દ્રિત પ્રયાસોના પરિણામે સ્થિતિ પર ઘણું નિયંત્રણ મેળવી શકાયું છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,69,789 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ભારતમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર સતત અને એકધારો વધી રહ્યો છે. કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર આજે વધીને 62.09% નોંધાયો છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637583
ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કોવિડ-19 માટે મંત્રીઓના સમૂહ (GoM)ની 18મી બેઠક યોજાઇ
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કોવિડ-19 માટે ઉચ્ચ સ્તરીય મંત્રીઓના સમૂહ (GoM)ની 18મી બેઠક આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ હતી. GoMને માહિતી આપવામાં આવી હતી કે, આજની સ્થિતિ અનુસાર, દેશમાં 3,77,737 આઇસોલેશન બેડ (ICU સપોર્ટ વગર), 39,820 ICU બેડ અને 20,047 વેન્ટિલેટર સાથે 1,42,415 ઓક્સિજન સપોર્ટેડ બેડ સાથે 3914 સુવિધાઓ ઉપલબ્ધ છે. આરોગ્ય લોજિસ્ટિક્સની વાત કરીએ તો, કુલ 213.55 લાખ N95 માસ્ક, 120.94 લાખ PPE અને 612.57 લાખ HCQનો જથ્થો અત્યાર સુધીમાં વિતરણ કરવામાં આવ્યો છે. સૌથી વધુ અસરગ્રસ્ત એવા પાંચ દેશો સાથે વૈશ્વિક સરખામણીમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે ભારત પ્રત્યેક દસ લાખની વસ્તીમાં સૌથી ઓછા કેસ (538) અને પ્રત્યેક દસ લાખની વસ્તીમાં સૌથી ઓછા મૃત્યુ (15) ધરાવતા દેશોમાંથી એક છે જ્યારે આની વૈશ્વિક સરેરાશ અનુક્રમે 1453 અને 68.7 છે. દેશમાં આજની સ્થિતિ અનુસાર જોવામાં આવે તો, આઠ રાજ્યો (મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ગુજરાત)માં હાલમાં દેશના કુલ સક્રિય કેસોમાંથી 90% કેસો છે અને કુલ સક્રિય કેસોમાંથી લગભગ 80% કેસો 49 જિલ્લામાં છે. વધુમાં, દેશમાં નોંધાયેલા કુલ મૃત્યુમાંથી 86% મૃત્યુ છ રાજ્યો (મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ)માં નોંધાયા છે અને કુલ મૃત્યુમાંથી 80% મૃત્યુ 32 જિલ્લામાં થયા છે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637517
પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ગ્લોબલ વીકના પ્રારંભિક સત્રને સંબોધન કર્યું; ભારત આંતરરાષ્ટ્રીય સુધારામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છેઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે ઇન્ડિયા ગ્લોબલ વીકનાં ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. હાલની કટોકટીનો સંદર્ભ ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત વૈશ્વિક અર્થતંત્રમાં સુધારો કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક અર્થતંત્રમાં સુધારો બે પરિબળો સાથે જોડાણ ધરાવે છે. પ્રથમ – ભારતીય પ્રતિભા અને બીજું – ભારતની આર્થિક સુધારાની અને કાયાકલ્પ કરવાની ક્ષમતા. તેમણે જણાવ્યું હતું કે, આખી દુનિયામાં ભારતીય પ્રતિભાઓ પોંખાય છે, ખાસ કરીને ભારતીય ટેક ઉદ્યોગ અને ટેકનોલોજી વ્યાવસાયિકોના પ્રદાનની પ્રશંસા થાય છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રતિભાઓના પાવર-હાઉસ તરીકે ભારત પ્રદાન કરવા આતુર છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીયો સ્વાભાવિક રીતે સુધારકો છે અને ઇતિહાસ દર્શાવે છે કે, ભારતે દરેક પડકાર, પછી એ આર્થિક હોય કે સામાજિક હોય, એનો સામનો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે ભારત સુધારાની વાત કરે છે, ત્યારે કાળજી સાથે સુધારો, સંવેદના સાથે સુધારો અને સતત સુધારાની વાત કરે છે – આ બાબતો પર્યાવરણ અને અર્થતંત્ર એમ બંનેને એકસમાન રીતે લાગુ પડે છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637566
ઇન્ડિયા ગ્લોબલ વીક 2020માં પ્રધાનમંત્રીનાં ઉદ્ઘાટન સંબોધનનો મૂળ પાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637568
પ્રધાનમંત્રીએ વારાણસીના વિવિધ NGO સાથે વાર્તાલાપ કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીના એવા વિવિધ NGO સાથે વાર્તાલાપ કર્યો હતો જેમણે પ્રવર્તમાન કોવિડ-19 મહામારીના સમયમાં અહીં રાહત કાર્યોમાં યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ પવિત્ર અને ઇશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરનારી નગરી વારાણસીમાં કોરોના મહામારી દરમિયાન આશા અને ઉત્સાહનું કિરણ જગાવવા બદલ લોકોની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, અહીંના લોકો કેવી રીતે સેવાભાવ સાથે અને હિંમતપૂર્વક જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યા છે અને સહકાર આપી રહ્યા છે તે અંગે તેઓ સતત માહિતી મેળવતા હતા. તેમણે જણાવ્યું હતું કે, ચેપ નિવારણ માટે લેવામાં આવેલા વિવિધ પગલાં, વિવિધ હોસ્પિટલોની સ્થિતિ, ક્વૉરેન્ટાઇન માટેની વ્યવસ્થા અને વિસ્થાપિત શ્રમિકોના કલ્યાણ માટે કરવામાં આવેલી જોગવાઇઓ સહિત તમામ બાબતે તેઓ માહિતી મેળવી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ પવિત્ર નગરીમાં વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ સ્થગિત થઇ ગઇ હોવા છતાં, વારાણસીના લોકોએ સતત ભોજન અને તબીબી પૂરવઠો પૂરો પાડીને પૂરવાર કરી બતાવ્યું છે કે, તેઓ કોરોના સામેની લડાઇમાં અને ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં કોઇનાથી પાછળ નથી. વિવિધ સરકારી અને સ્થાનિક વહીવટીતંત્રના એકમો સાથે સમન્વયમાં રહીને લોકોની સેવામાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) એ કરેલી કામગીરીની પ્રધાનમંત્રીએ ઘણી પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખૂબ જ ટુંકા સમયગાળામાં ખાદ્ય હેલ્પલાઇન અને સામુદાયિક રસોડાનું વ્યાપક નેટવર્ક તૈયાર કરવું, હેલ્પલાઇનો શરૂ કરવી, ડેટા વિજ્ઞાનની મદદ લેવી, વારાણસી સ્માર્ટ સિટીના કંટ્રોલ અને કમાન્ડ સેન્ટરનો પૂરેપૂરો ઉપયોગ કરવો આ બધુ જ બતાવે છે કે દરેક સ્તરે ગરીબોને મદદરૂપ થવા માટે આ શહેરના દરેક વ્યક્તિમાં સંપૂર્ણ સામર્થ્ય છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637564
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો વારાણસીની સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637582
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે મંત્રીમંડળ દ્વારા લેવાયેલા નિર્ણયોને બિરદાવ્યા અને આ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કોરોના આપત્તિની સ્થિતિમાં દેશમાં એક પણ વ્યક્તિને ભુખ્યા ના રહેવું પડે તે સુનિશ્ચિત માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દૃઢ સંકલ્પબદ્ધ છે જે ઘણી પ્રશંસનીય બાબત છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ને નવેમ્બરના અંત સુધી લંબાવવા માટે મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય બદલ શ્રી અમિત શાહે ટ્વીટના માધ્યમથી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, આ નિર્ણયથી દેશમાં કરોડો ગરીબોને રેશન ઉપબલ્ધ થઇ શકશે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગરીબ મહિલાઓને ઉજ્જવલા યોજના અંતર્ગત સપ્ટેમ્બર મહિના સુધી વિનામૂલ્યે સિલિન્ડર લેવાની યોજનાને લંબાવવામાં આવી છે જેનાતી 7 કરોડ 40 લાખ મહિલાઓને લાભ થશે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637365
ત્રણ દેશોના રાજદ્વારીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ પરિચય પત્રો રજૂ કર્યાં
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ન્યૂઝીલેન્ડ, યુનાઇટેક કિંગડમ અને ઉઝબેકિસ્તાન એમ ત્રણ દેશોના મિશનના વડાએ પરિચય પત્રો આજે સ્વીકાર્યા હતા. કોવિડ-19 મહામારીના કારણે આજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજી વખત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પરિચય પત્રો સ્વીકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ કોવિંદે આ રાજદ્વારીઓની નિયુક્તિ બદલ તેમને ઉષ્માભેર શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે નોંધ્યું હતું કે ભારત આ ત્રણેય દેશો સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે અને મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર તેમના સમાન દૃષ્ટિકોણ હોવાની બાબતને ખૂબ સારી ગણાવી હતી. રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે, કોવિડ-19 મહામારીને અસરકારક રીતે અંકુશમાં લેવા માટે વધુ વૈશ્વિક સહકાર વર્તમાન સમયની જરૂરિયાત છે. આ સંદર્ભમાં, તેમણે ટાંક્યું હતું કે, ભારત આ મહામારીનો ખાતમો કરવા માટે પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં અગ્ર મોરચે છે.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637225
નૌસેનાએ "ઓપરેશન સમુદ્ર સેતુ" પૂરું કર્યું
કોવિડ-19 મહામારીના સમયગાળામાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય પ્રયાસોના ભાગરૂપે 05 મે 2020ના રોજ ભારતીય નૌસેના દ્વારા ઓપરેશન સમુદ્ર સેતુનો આરંભ કરવામાં આવ્યો હતો. આ આપરેશન અંતર્ગત 3,992 ભારતીય નાગરિકોને સમુદ્રી માર્ગે વિદેશમાંથી સફળતાપૂર્વક પરત લાવ્યા બાદ હવે તેને પૂર્ણ કરવામાં આવ્યું છે. ભારતીય નૌસેનાના જહાજ જલશ્વ (લેન્ડિંગ પ્લેટફોર્મ ડૉક) અને અરિહંત, શાર્દૂલ અને મગર (લેન્ડિંગ શીપ ટેન્ક્સ)ને આ ઓપરેશન માટે છેલ્લા 55 દિવસથી તૈનાત કરવામાં આવ્યા હતા અને આ તમામ જહાજે અત્યાર સુધીમાં કુલ 23,000 કિલોમીટરથી વધુ દરિયાઇ મુસાફરી ખેડીને ભારતીય નાગરિકોને વતન પરત લાવવાની કામગીરી સંપન્ન કરી છે. ભારતીય નૌસેનાના IL-38 અને ડોર્નિઅર એરક્રાફ્ટનો ઉપયોગ ડૉક્ટરો અને કોવિડ-19 સંબંધિત સામગ્રીઓની સમગ્ર દેશમાં હેરફેર માટે કરવામાં આવ્યો હતો.
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637314
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- કેરળ: તિરુવનંતપુરમમાં લાગુ કરવામાં આવેલા ત્રિપલ લૉકડાઉનનો આજે ચોથો દિવસ હતો. સત્તાધીશો પુંથુરા માછીમારી ગામમાં બીમારીનો ફેલાવો અંકુશમાં લાવવા માટે વિશેષ તૈયાર કરવામાં આવેલી યોજનાનો અમલ કરીને તમામ જરૂરી પગલાં લઇ રહ્યા છે. ત્રણ વૉર્ડને કન્ટેઇન્મેન્ટ ઝોન અને અન્ય ચારને બફર ઝોન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે; માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને પરીક્ષણની સંખ્યા વધારવામાં આવી છે. પથાનમથીટ્ટામાં પણ સ્થિતિ વધુને વધુ ગંભીર સ્વરૂપ લઇ રહી છે કારણ કે અહીં વધુ ચાર વ્યક્તિને અજ્ઞાત સ્રોતોમાંથી કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું છે. સંપર્કના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાથી, સરકારે સારવારની સુવિધાઓ અને આરક્ષિત ક્વૉરેન્ટાઇન સુવિધા વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાજ્યમાં ગઇકાલે કોવિડ-19ના નવા 301 કેસ નોંધાયા છે જે અત્યાર સુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આમાંથી 90 કેસો સ્થાનિક સંક્રમણના છે.
- તામિલનાડુ: મુખ્યમંત્રી પલાનીસ્વામીએ કેરળના મુખ્યમંત્રીને કહ્યું હતું કે, 1 ઑગસ્ટથી કેરળમાં તામિલનાડુના માછીમારોને માછલી પકડવાની કામગીરી ફરી શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવે; તામિલનાડુની અંદાજે 350 યાંત્રિક માછીમારીની બોટ અને 750 પરંપરાગત બોટ હાલમાં કેરળના વિવિધ બંદર/ફિશ લેન્ડિંગ કેન્દ્રોમાં માછલી પકડવા માટે લંગારવામાં આવી છે. મદ્રાસ ઉચ્ચ અદાલતે તામિલનાડુમાં લૉકડાઉન દરમિયાન વીજળના ઊંચા બીલને પડકારતી અરજીમાં ચુકાદો અનામત રાખ્યો છે. રાજ્યમાં બુધવારે નવા 3,756 કેસો પોઝિટીવ નોંધાયા હતા જેમાંથી 1,261 દર્દીઓ માત્ર ચેન્નઇમાં જ નોંધાયા છે – અગાઉ આ મહિને એક જ દિવસમાં 2000ના આંકડા સુધી પહોંચ્યા પછી નવા નોંધાયેલા કેસમાં આ નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે. ગઇકાલે 3051 દર્દીઓ સાજા થઇ ગયા હતા જ્યારે વધુ 64 દર્દીઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 1,22,350 સક્રિય કેસ: 46,480 મૃત્યુ પામ્યા: 1700 ચેન્નઇમાં સક્રિય કેસ: 21,766.
- કર્ણાટક: રાજ્યમાં કોવિડ-19ના કેસોની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો હોવાથી રાજ્યના મંત્રીમંડળે તમામ જિલ્લા અને તાલુકા હોસ્પિટલોમાં હાઇ-ફ્લો ઓક્સિજન સિસ્ટમ લગાવવા માટે અને બેડની સંખ્યામાં વૃદ્ધિ કરવા માટે રૂપિયા 207 કરોડની રકમ મંજૂર કરી છે. રાજ્યમાં PHC માટે રૂપિયા 81 કરોડ પણ મંજૂરી કરવામાં આવ્યા છે જેમાંથી તબીબી ઉપકરણો અને ફર્નિચરની ખરીદી કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલો લક્ષણો વગરના દર્દીઓ અને અત્યંત ઓછા લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે હોટેલો સાથે મળીને કોવિડ સંભાળ કેન્દ્રો ચલાવશે. હોસ્પિટલના બેડ અને કોવિડ સંભાળ કેન્દ્રો સાથે સાથે ખાનગી હોસ્પિટલો દ્વારા આગામી દિવસોમાં 6000 થી 7000 બેડ ઉમેરવામાં આવશે. ગઇકાલે રાજ્યમાં 2062 નવા કેસ નોંધાયા હતા જ્યારે 778 દર્દીઓ સાજા થયા હતા અને 54 દર્દી મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસ: 28,877 સક્રિય કેસ: 16,527 મૃત્યુ પામ્યા: 470.
- આંધ્રપ્રદેશ: હોસ્પિટલોમાં કોવિડ-19ની સારવાર માટે વિવિધ પેકેજના મહત્તમ દર નિર્ધારિત કરવામાં આવ્યા છે. આરોગ્યશ્રી યોજનામાં 15 કોવિડ-19 સંબંધિત પ્રક્રિયાઓ સામેલ કરવા અંગે આદેશો બહાર પાડવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલોને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવી છે. શ્રેણી A – કોવિડ-19ની વિશેષ સારવાર માટે; શ્રેણી B – કોવિડ-19 અને અન્ય કેસો બંને માટે અને શ્રેણી C – બિન કોવિડ-19 કેસો માટે રહેશે. કુર્નૂલ જિલ્લામાં પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાથી અધિકારીઓએ કુર્નૂલ સરકારી મેડિકલ કેન્દ્રને કોવિડ-19માં રૂપાંતરિત કર્યું છે. રાજ્યમાં ધોરણ 1થી 10 માટે 13થી 31 જુલાઇ સુધી દૂરદર્શન પર લાઇવ અભ્યાસ સત્રોનું આયોજન કરવા માટે નવું અભ્યાસક્રમ સમયપત્રક બહાર પાડ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના નવા 1555 કેસ નોંધાયા છે, 904 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે અને 13 દર્દી મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 23,814 સક્રિય કેસ: 11,383 રજા આપવામાં આવી: 12,154 મૃત્યુ પામ્યા: 277.
- તેલંગાણા: મ્યુનિસિપલ પ્રશાસનમંત્રી કે.ટી. રામા રાવે જણાવ્યું હતું કે, દેશમાં લાંબા સમય સુધી લૉકડાઉન લોકો માટે યોગ્ય નથી. હૈદરાબાદ, મેડચાલ અને રંગારેડ્ડી જિલ્લામાં ગુરુવારથી એન્ટિજેન કિટ્સ દ્વારા કોવિડ-19નું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું હોવા છતાં, સરકાર દ્વારા હજુ પણ RT-PCR દ્વારા વધુ સંખ્યામાં પરીક્ષણો થાય તેવો આગ્રહ કરવામાં આવે છે. ગઇકાલ સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 29,536 સક્રિય કેસ: 11,933 મૃત્યુ પામ્યા: 324 સાજા થયા :17,279.
- ચંદીગઢ: કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકે આરોગ્ય અગ્ર સચિવને નિર્દેશો આપ્યા હતા કે, તમામ બાયો મેડિકલ કચરો જેમાં ખાસ કરીને PPEનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે તે સુનિશ્ચિત કરે. તેમણે આરોગ્ય અધિકારીઓને વધુમાં એવા નિર્દેશો આપ્યા હતા કે, સ્ક્રિનિંગ માટે જતી ટીમો પોતાની સાથે ઓક્સીમીટર પણ રાખે જેથી ઓક્સીજનનું સ્તર પણ તાત્કાલિક માપી શકાય. આનાથી જો કોઇ ચેપ હશે તો તેની ગંભીરતાનું નિદાન કરવામાં મદદ મળી શકશે.
- પંજાબ: કોવિડ-19ના કારણે હાલમાં ચાલી રહેલા જોખમને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે ઇ-સંજીવની OPDનો સમય વધારીને સવારે 8 થી બપોરે બે વાગ્યા સુધી (સોમવારથી શનિવાર) કર્યો છે જે ગાયનેકોલોજી OPD અને જનરલ OPD સેવા માટે લાગુ રહેશે. આ પગલું દર્દીઓને વાસ્તવિક સમયમાં વર્ચ્યુઅલ માધ્યમથી નિષ્ણાત ડૉક્ટરો ઉપબલ્ધ થાય તે માટે ઑનલાઇન ટેલી-કન્સલ્ટેશન પૂરું પાડવા માટે અને સમગ્ર રાજ્યમાં દર્દીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે.
- હરિયાણા: હરિયાણાના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, રાજ્યમાં નોવલ કોરોના વાયરસના ફેલાવાને નિયંત્રણમાં લાવવા માટે પૂર્વ-સક્રિય વ્યૂહનીતિનો અસરકારક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. તેમણે નાયબ કમિશનરોને કોવિડ-19 વ્યવસ્થાપનની તૈયારીઓ વધારવા માટે તેમજ આક્રમક રીતે સર્વેલન્સ, ચુસ્ત કન્ટેઇન્મેન્ટ, ઝડપથી સંપર્ક ટ્રેસિંગ, તબીબી વ્યવસ્થાપન માટે કેન્દ્રિત પ્રયાસો અને પૂર્વ-સક્રિય ઇન્ફોર્મેશન એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે નિર્દેશો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પોલીસને તમામ કન્ટેઇન્મેન્ટ ઝોનના પ્રવેશ અને નીકળવાના સ્થળો પર દેખરેખ રાખવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે.
- હિમાચલ પ્રદેશ: રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારીના કારણે આપણે અલગ રીતે વિચારવાની અને તદઅનુસાર કામ કરવાની ફરજ પડી છે. તેમણે કહ્યું કે, આંગણવાડી કામદારો પાયાના સ્તરના કર્મચારીઓ છે જેમણે આ કસોટીના સમયમાં ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી છે. તેમણે વધુમાં કહ્યું કે, આંગણવાડી કામદારોએ સુનિશ્ચિત કર્યું છે કે કોરોના વાયરસનું સંક્રમણ સામુદાયિક સ્તર સુધી ના પહોંચે. તેમણે ઉમેર્યું કે, તેમણે લોકોને માત્ર સામાજિક અંતર અને માસ્કના ઉપયોગ અંગે માહિતી આપી તેવું નથી પરંતુ હોમ ક્વૉરેન્ટાઇનના માપદંડોના અસરકારક અમલમાં પણ ઘણી મદદ કરી છે.
- મહારાષ્ટ્ર: રાજ્યમાં કોવિડ-19ના કારણે વધુ 6,603 લોકોને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઇ હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 2,23,724 થઇ ગઇ છે. રાજ્યમાં કુલ સાજા થયેલા દર્દીની સંખ્યા 1,23,192 સુધી પહોંચી છે. હાલમાં કુલ સક્રિય કેસનો આંકડો 91,065 છે. મુંબઇમાં મંગળવારે કોવિડ-19ના નવા 1381 કેસ પોઝિટીવ નોંધાયા છે.
- ગુજરાત: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત નવા 783 કેસ પોઝિટીવ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ-19ના કુલ નોંધાયેલા કેસનો આંકડો વધીને 38,419 થઇ ગયો છે. આ ઉપરાંત વધુ 16 દર્દીએ કોરોનાથી જીવ ગુમાવ્યો હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કારણે કુલ 1,995 લોકોનાં મૃત્યુ થયા છે. નવા નોંધાયેલા કેસોમાં સૌથી વધુ 215 કેસ સુરતમાં નોંધાયા છે જ્યારે અમદાવાદમાં 149 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજદિન સુધીમાં 4 લાખ 33 હજારથી વધુ સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.
- રાજસ્થાન: રાજસ્થાનમાં આજે સવારે કોવિડ-19ના નવા 149 કેસ અને બુધવારે નવા 659 પોઝિટીવ હોવાના રિપોર્ટ આવ્યા પછી રાજ્યમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા 22,000નો આંકડો વટાવીને 22,212 સુધી પહોંચી ગઇ છે. નવા નોંધાયેલા મોટાભાગના કેસ નાગૌરમાંથી છે જ્યાં 29 કેસ નોંધાયા છે અને ત્યારબાદ જયપુરમાં 25 તેમજ અવલરમાં 21 કેસ નોંધાયા છે.
- મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં બુધવારે કોવિડના નવા 409 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 16,036 થઇ ગઇ છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 3420 છે જ્યારે 11987 દર્દીઓ અત્યાર સુધીમાં કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે અને 629 દર્દીઓએ કોવિડ-19ના કારણે જીવ ગુમાવ્યો છે. મોરેના જિલ્લામાં સૌથી વધુ 115 નવા કેસ નોંધાયા હતા જ્યારે ત્યારબાદ ભોપાલમાં 70, ગ્વાલિયરમાં 68 અને ઇન્દોરમાં 44 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે.
- છત્તીસગઢ: રાજ્યમાં કોવિડ-19ના નવા 100 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો વધીને 3,526 થયો છે. હાલમાં રાજ્યમાં 677 સક્રિય કેસ છે.
- ગોવા: ગોવામાં બુધવારે નવા 136 સેમ્પલમાં કોવિડનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રાજ્યમાં નોંધાયેલા કોવિડ-19ના કુલ કેસની સંખ્યા વધીને 2,039 થઇ છે જેમાંથી હાલમાં 824 સક્રિય કેસ સારવાર હેઠળ છે.



(Release ID: 1637622)
Visitor Counter : 317
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam