પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતમાં લેહ ખાતે ભારતીય સશસ્ત્ર દળને કરેલા સંબોધનનો મૂળ પાઠ
Posted On:
03 JUL 2020 5:50PM by PIB Ahmedabad
ભારત માતા કી - જય
ભારત માતા કી - જય
સાથીઓ,
તમારી આ હિંમત, તમારું શૌર્ય, અને મા ભારતીનાં માન-સન્માનના રક્ષણ માટે તમારું સમર્પણ અદ્વિતીય છે. તમારી જીવંતતા પણ દુનિયામાં કોઈનાથીયે ઓછી નથી. જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં જે ઊંચાઈ ઉપર તમે મા ભારતીની ઢાલ બનીને તેની રક્ષા કરો છો, તેની સેવા કરો છો, તેનો મુકાબલો સમગ્ર વિશ્વમાં કોઈ કરી શકે તેમ નથી.
તમારું સાહસ આ ઊંચાઈથી પણ ઊંચું છે, જ્યાં તમે ફરજ બજાવી રહ્યા છો. તમારું હૃદય, આ ખીણ વિસ્તારથી પણ વધુ મજબૂત છે, જેને તમે રોજ તમારાં કદમોથી ખૂંદી વળો છો. તમારા બાહુ આ ખડકો કરતાં પણ વધુ મજબૂત છે, જે તમારી આસપાસ ઊભાં છે. તમારી ઈચ્છાશક્તિ આસપાસના પર્વતો જેટલી દ્રઢ છે. આજે તમારી વચ્ચે આવીને હું એ અનુભવી રહ્યો છું. હું પ્રત્યક્ષ તેને મારી પોતાની આંખોથી જોઈ રહ્યો છું.
સાથીઓ,
જ્યારે દેશની સુરક્ષા તમારા હાથોમાં છે, તમારા મજબૂત ઈરાદાઓમાં છે, તો એક અતૂટ વિશ્વાસ છે. ફક્ત મને જ નહીં, સમગ્ર દેશને અતૂટ વિશ્વાસ છે અને દેશ નિશ્ચિંત પણ છે. તમે જ્યારે સીમા ઉપર ફરજ બજાવી રહ્યા છો, તો આ વાત પ્રત્યેક દેશવાસીને દેશ માટે દિવસ-રાત કામ કરવા માટે પ્રેરે છે. આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લેનાર, તમારા લોકોના કારણે, તમારા ત્યાગ, બલિદાન, પુરુષાર્થને કારણે વધુ મજબૂત બને છે. અને હમણાં તમે અને તમારા સાથીઓએ જે વીરતા દર્શાવી છે, તેનાથી સમગ્ર વિશ્વને એ સંદેશ મળ્યો છે કે ભારતની તાકાત શું છે.
હમણાં મારી સામે મહિલા સૈનિકોને પણ જોઈ રહ્યો છું. યુદ્ધના મેદાનમાં, સીમા ઉપર આ દ્રશ્ય પોતાને પ્રેરણા આપે છે.
સાથીઓ,
રાષ્ટ્ર કવિ રામધારી સિંહ દિનકરજીએ લખ્યું હતું -
જિનકે સિંહનાદ સે સહમી. ધરતી રહી અભી તક ડોલ.
કલમ, આજ ઉનકી જય બોલ. કલમ આજ ઉનકી જય બોલ.
(જેની સિંહગર્જનાથી ધ્રૂજી ઉઠેલી ધરા હજુ સુધી ડોલી રહી છે, હે કલમ, આજે તું તેની જય બોલ, આજે તું એની જય બોલ.)
તો હું, આજે મારી વાણી દ્વારા તમારી જય બોલું છું, તમને નમસ્કાર કરું છું. હું ગલવાન ખીણ પ્રદેશમાં શહીદ થયેલા આપણા વીર જવાનોને પણ ફરી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમાં પૂર્વથી, પશ્ચિમથી, ઉત્તરથી, દક્ષિણથી, દેશના દરેક ખૂણેથી વીરોએ પોતાનું શૌર્ય બતાવ્યું હતું. તેમના પરાક્રમ, તેમની સિંહગર્જનાથી ધરતી હજુ પણ તેમનો જયકાર કરી રહી છે. આજે દરેક દેશવાસીનું મસ્તક તમારી સમક્ષ, પોતાના દેશના વીર સૈનિકોની સમક્ષ આદરપૂર્વક નતમસ્તક થઈને નમન કરે છે. આજે પ્રત્યેક ભારતીયની છાતી તમારી બહાદુરી અને પરાક્રમથી ફૂલેલી છે.
સાથીઓ,
સિંધુના આશીર્વાદથી આ ધરતી ગુણવાન બની છે. વીર સપૂતોના સાહસ અને પરાક્રમની ગાથાઓ આ ધરતીએ પોતાનામાં સમેટેલી છે. લેહ-લદ્દાખથી લઈને કારગિલ અને સિયાચીન સુધી, રિજાંગલાનાં બરફીલાં શિખરોથી માંડીને ગલવાન ઘાટીના ઠંડા પાણીના પ્રવાહ સુધી, પ્રત્યેક શિખર, પ્રત્યેક પર્વત, દરેક ખૂણો-ખાંચરો, દરેક કાંકરો-પત્થર ભારતીય સૈનિકોના પરાક્રમની સાક્ષી પૂરે છે. 14 કોર્પ્સની શૂરવીરતાના કિસ્સા તો ચારેતરફ છે. દુનિયાએ તમારું અદમ્ય સાહસ જોયું છે, જાણ્યું છે. તમારી શૌર્ય ગાથાઓ ઘરે ઘરે ગુંજી રહી છે અને ભારત માતાના દુશ્મનોને તમારી ફાયર (આગ) પણ જોઈ છે અને તમારી ફ્યુરી (પ્રકોપ) પણ.
સાથીઓ,
લદ્દાખનો તો આ સમગ્ર હિસ્સો, ભારતનું મસ્તક, 130 કરોડ ભારતીયોના માન-સન્માનનું પ્રતીક છે. આ ભૂમિ ભારત માટે સર્વસ્વ ત્યાગ કરવા માટે હંમેશા તૈયાર રહેનારા રાષ્ટ્ર ભક્તોની ધરતી છે. આ ધરતીએ કુશાંકબકુલા રિનપોંછે જેવા મહાન રાષ્ટ્રભક્ત દેશને આપ્યા છે. એ રિનપોંછે જી, જેમના કારણે દુશ્મનના નાપાક ઈરાદાઓથી સ્થાનિક લોકો સજાગ બન્યા. રિનપોંછેજીની આગેવાની હેઠળ અહીં ફૂટ પાડવાના પ્રત્યેક ષડયંત્રને લદ્દાખની રાષ્ટ્રભક્ત જનતાએ નિષ્ફળ બનાવ્યું છે. આ તેમના જ પ્રેરણાદાયી પ્રયાસોનું પરિણામ હતું કે દેશને ભારતીય સેનાને લદ્દાખ સ્કાઉટ નામે ઈન્ફન્ટ્રી રેજિમેન્ટ બનાવવાની પ્રેરણા મળી. આજે લદ્દાખના લોકો પ્રત્યેક સ્તરે - પછી તે લશ્કર હોય કે સામાન્ય નાગરિકના કર્તવ્ય હોય, રાષ્ટ્રને સશક્ત બનાવવા માટે અદભુત યોગદાન આપી રહ્યા છે.
સાથીઓ,
આપણે ત્યાં કહેવાય છે કે -
खड्गेन आक्रम्य वंदिता आक्रमण: पुणिया, वीर भोग्य वसुंधरा
એટલે કે વીર પોતાનાં શસ્ત્રની તાકાતથી જ ધરતીની, માતૃભૂમિની રક્ષા કરે છે. આ ધરતી વીર-ભોગ્યી - પરાક્રમી છે, વીરો માટે છે. તેનાં સંરક્ષણ - સુરક્ષા માટે આપણાં સમર્થન અને સામર્થ્ય, આપણો સંકલ્પ હિમાલય જેટલો જ ઊંચો છે. આ સામર્થ્ય અને આ સંકલ્પ, આ સમયે હું તમારી આંખોમાં નિહાળી શકું છું. તમારા ચહેરા ઉપર તે સ્પષ્ટ રીતે નજરે ચઢે છે. તમે એ જ ધરતીના વીર છો, જેણે હજારો વર્ષોથી અનેક અત્યાચારીઓના હુમલાઓ, અત્યાચારોનો જડબાતોડ જવાબ આપ્યો છે. આપણે, અને આ આપણી ઓળખ છે, આપણે એ લોકો છીએ, જેઓ મોરલીધારી કૃષ્ણની પૂજા કરે છે. આપણે એ જ લોકો છીએ, જે સુદર્શન ચક્રધારી કૃષ્ણને પણ આદર્શ માનીને ચાલીએ છીએ. આ જ પ્રેરણાથી પ્રત્યેક આક્રમણ બાદ ભારત વધુ મજબૂત બન્યું છે.
સાથીઓ,
રાષ્ટ્રોની, દુનિયાની, માનવતાની પ્રગતિ માટે શાંતિ અને મિત્રતાનો દરેક સ્વીકાર કરે છે, દરેક માને છે, અને તે બહુ જરૂરી છે. પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે દુર્બળ લોકો ક્યારેય શાંતિ લાવી ન શકે. કમજોર શાંતિની પહેલ ન કરી શકે. વીરતા જ શાંતિની પૂર્વશરત હોય છે. ભારત આજે જળ, ધરા, ગગન અને અંતરિક્ષ સુધી પોતાની તાકાત વધારી રહ્યો છે, તો તેની પાછળનો હેતુ માનવકલ્યાણ જ છે. ભારત આજે આધુનિક શસ્ત્ર-સરંજામનું ઉત્પાદન કરી રહ્યો છે. વિશ્વની સૌથી આદ્યતન ટેકનોલોજી ભારતીય સેના માટે લાવવામાં આવી રહી છે, તો તેની પાછળની ભાવના પણ આ જ છે. ભારત જો આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઝડપી નિર્માણ કરી રહ્યો છે, તો તેની પાછળનો સંદેશ પણ આ જ છે.
આપણે જો વિશ્વયુદ્ધને યાદ કરીએ, તો વિશ્વ યુદ્ધ હોય કે પછી શાંતિની વાત - જ્યારે પણ જરૂર પડી છે, વિશ્વએ આપણા વીરોના પરાક્રમ પણ જોયાં છે અને વિશ્વ શાંતિના તેમના પ્રયાસોનો અનુભવ પણ કર્યો છે. આપણે હંમેશા માનવતાની, માણસાઈની, માનવજાતિની રક્ષા અને સુરક્ષા માટે કામ કર્યું છે, જીવન ન્યોચ્છાવર કર્યાં છે.
તમે સહુ ભારતના આ જ લક્ષને ભારતની આ જ પરંપરાને ભારતની આ જ મહાન સંસ્કૃતિને સ્થાપિત કરનારા મોખરાના લીડર છો.
સાથીઓ,
મહાન સંત તિરુવલ્લુવરજીએ અનેક વર્ષ પૂર્વે કહ્યું હતું -
म्हायरा माणमांड
बड़ी चेला कुटुम ये ना नानगे
ये मम पढ़ाई कहा
એટલે કે, શૌર્ય, આદર, મર્યાદાપૂર્ણ વ્યવહારની પરંપરા અને વિશ્વસનીયતા, આ ચાર ગુણ કોઈ પણ દેશની સેનાનાં પ્રતિબિંબ હોય છે. ભારતીય સેના હંમેશા આ માર્ગ ઉપર ચાલી છે.
સાથીઓ,
વિસ્તારવાદનો યુગ પૂરો થઈ ચૂક્યો છે, આ યુગ વિકાસવાદનો છે. ઝડપથી બદલાતા જતા સમયમાં વિકાસવાદ જ પ્રાસંગિક છે. વિકાસવાદ માટે જ તક છે અને વિકાસવાદ જ ભવિષ્યનો આધાર પણ છે. પાછલા સૈકાઓમાં વિસ્તારવાદે જ માનવતાનું સૌથી વધુ અહિત કર્યું, માનવતાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો. વિસ્તારવાદની જીદ્દ, જ્યારે કોઈના ઉપર સવાર થઈ છે, ત્યારે તેણે હંમેશા વિશ્વ શાંતિ સામે જોખમ ઊભું કર્યું છે.
અને સાથીઓ, એ ન ભૂલીએ કે, ઈતિહાસ સાક્ષી છે કે આવી તાકાતો નષ્ટ થઈ છે અથવા પાછા વળવા મજબૂર થઈ ગઈ છે. વિશ્વનો હંમેશા આ જ અનુભવ રહ્યો છે અને આ જ અનુભવને આધારે હવે આ વખતે ફરીથી સમગ્ર વિશ્વએ વિસ્તારવાદનો સામનો કરવાનું નક્કી કરી લીધું છે. આજે વિશ્વ વિકાસવાદને સમર્પિત છે અને વિકાસની ખુલ્લી સ્પર્ધાનું સ્વાગત કરી રહ્યું છે.
સાથીઓ,
જ્યારે જ્યારે હું રાષ્ટ્રની સુરક્ષા સાથે જોડાયેલા કોઈ નિર્ણય બાબતે વિચારું છું તો હું સૌથી પહેલા બે માતાઓનું સ્મરણ કરું છું - પ્રથમ, આપણા સહુની ભારતમાતા, અને બીજી એ વીર માતાઓ, જેમણે તમારા જેવા પરાક્રમી યોદ્ધાઓને જન્મ આપ્યો છે, હું આ બંને માતાઓનું સ્મરણ કરું છું. મારા નિર્ણયની કસોટી આ જ છે. આ કસોટી ઉપર ચાલીને નિર્ણયો આપના સન્માન, આપના પરિવારના સન્માન અને ભારત માતાની સુરક્ષાને દેશમાં સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.
લશ્કર માટે આધુનિક શસ્ત્ર હોય કે તમારા માટે આવશ્યક સામાન, આ બધા ઉપર અમે ઘણું ધ્યાન આપતા રહ્યા છીએ. હવે દેશમાં બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખર્ચ લગભગ ત્રણ ગણો કર્યો છે. તેનાથી બોર્ડર એરિયા ડેવલપમેન્ટ અને સરહદ ઉપરના માર્ગો, પુલ બનાવવાના કામમાં પણ ઘણી તેજી આવી છે. તેનાથી એક સૌથી મોટો લાભ એ થયો છે કે હવે તમારા સુધી સામાન પણ ઓછા સમયમાં પહોંચે છે.
સાથીઓ,
સેનાઓમાં વધુ સારા સમન્વય માટે લાંબા સમયથી જેની આશા હતી - તે ચીફ ઓફ ડિફેન્સ હોદ્દાની રચનાની વાત હોય કે પછી નેશનલ વોર મેમોરિયલનું નિર્માણ, વન રેન્ક વન પેન્શનનો નિર્ણય હોય કે પછી તમારા પરિવારની દેખરેખથી માંડીને શિક્ષણ સુધીની યોગ્ય વ્યવસ્થા માટે સતત કાર્ય, દેશ આજે દરેક સ્તરે પોતાની સેના અને સૈનિકોને મજબૂત કરી રહ્યો છે.
સાથીઓ,
ભગવાન ગૌતમ બુદ્ધે કહ્યું છે -
સાહસનો સંબંધ પ્રતિબદ્ધતા સાથે છે, દ્રઢ પ્રતીતિ સાથે છે, સાહસ કરુણા છે, સાહસ અનુકંપા છે. સાહસ એ છે, જે આપણને નિર્ભય અને અડગ બનીને સત્યના પક્ષમાં ઊભા રહેતા શીખવે છે. સાહસ એ છે, જે આપણને સાચાને સાચું કહેવા અને કરવાની તાકાત આપે છે.
સાથીઓ,
દેશના વીર સપૂતોએ ગલવાન ખીણ પ્રદેશમાં જે અદમ્ય સાહસ બતાવ્યું, તે પરાક્રમની પરાકાષ્ઠા છે. દેશને તમારા ઉપર ગર્વ છે, તમારા ઉપર નાઝ છે. તમારી સાથે જ આપણા આઈટીબીપીના જવાન છે, બીએસએફના સાથીઓ છે, આપણા બીઆરઓ અને બીજાં સંગઠનોના જવાન છે, મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરી રહેલા એન્જિનિયરો છે, મજદૂરો છે, તમે સહુ અદભુત કામ કરી રહ્યા છો. દરેક વ્યક્તિ ખભેખભા મિલાવીને મા ભારતીની રક્ષા માટે, મા ભારતીની સેવામાં સમર્પિત છે.
આજે તમારા સહુની મહેનતથી દેશ અનેક વિપત્તિઓ સામે એકસાથી અને સંપૂર્ણ દ્રઢતાથી લડી રહ્યો છે. આપ સહુમાંથી પ્રેરણા લઈને આપણે સાથે મળીને તમામ પડકારો, મુશ્કેલથી મુશ્કેલ પડકાર ઉપર વિજય મેળવતા રહ્યા છીએ, વિજય પ્રાપ્ત કરતા રહીશું. જે ભારત સામે, અને આપણે સહુએ જે ભારતનું સપનું લઈને, અને ખાસ કરીને તમે સહુ સરહદ ઉપર દેશની સુરક્ષા કરી રહ્યા છો, આપણે તે સપનાનું ભારત બનાવીશું. તમારાં સપનાંનું ભારત બનાવીશું. 130 કરોડ દેશવાસીઓ પણ પાછળ નહીં પડે, એ હું આજે તમને વિશ્વાસ અપાવવા આવ્યો છું. આપણે એક સશક્ત અને આત્મનિર્ભર ભારત બનાવીશું, બનાવીને જ જંપીશું. અને તમારામાંથી જ્યારે પ્રેરણા મળે છે, ત્યારે તો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ વધુ મજબૂત બની જાય છે.
હું ફરી એકવાર તમને સહુને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું, ખૂબ ખૂબ આભાર માનું છું. મારી સાથે પૂરી તાકાતથી બોલજો -
ભારત માતા કી - જય
ભારત માતા કી - જય
વંદે માતરમ - વંદે માતરમ - વંદે માતરમ
આભાર
GP/DS
(Release ID: 1636438)
Visitor Counter : 359
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam