પ્રધાનમંત્રીનું કાર્યાલય
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાનના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
26 JUN 2020 4:12PM by PIB Ahmedabad
સાથીઓ,
નમસ્કાર, આપ સૌ સાથે વાત કરવાની તક મળી છે. આપણે સૌએ આપણાં વ્યક્તિગત જીવનમાં અનેક ચઢાવ- ઉતાર જોયા છે. આપણાં સામાજીક જીવનમાં પણ, ગામડાઓમાં, શહેરમાં, અલગ અલગ પ્રકારની મુસીબતો આવતી જ રહેતી હોય છે. તમે જુઓ, ગઈ કાલે વીજળી પડી. બિહાર અને ઉત્તર પ્રદેશમાં કેટલા લોકોના જીવ ગયા, પરંતુ કોઈએ એવું વિચાર્યું પણ નહીં હોય કે સમગ્ર દુનિયા ઉપર, સમગ્ર માનવજાત ઉપર એક સાથે એક જ પ્રકારનું સંકટ આવી પડશે, જેમાં ઈચ્છા હશે તો પણ લોકો અન્યની સારી રીતે મદદ નહીં કરી શકતા હોય. આ એવો સમય છે કે જેમાં ભાગ્યે જ કોઈને પરેશાની નહીં થઈ હોય.
બાળકો હોય કે વૃધ્ધો હોય, મહિલા હોય કે પુરૂષ હોય, દેશ હોય કે દુનિયા હોય, તમામને મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. ખબર નહીં કે આગળ જતાં આ બિમારીમાંથી ક્યારે મુક્તિ મળશે. હા, એક દવાની આપણને ખબર છે અને તે દવા છે- બે ગજનું અંતર. એ દવા છે કે જે મોંઢાને ઢાંકી રાખવું, ચહેરા ઉપર આવરણ કે ખેસનો ઉપયોગ કરવો. જ્યાં સુધી કોરોનાની રસી બની નથી, વેક્સીન બની નથી ત્યાં સુધી આપણે આ દવાથી જ તેને રોકી શકીશું.
સાથીઓ,
આજે જ્યારે હું તમારા સૌની સાથે વાત કરી રહ્યો છું ત્યારે તમારા ચહેરા ઉપર ખુશી છે, તમારી આંખોના ભાવ, તમારૂં પોતાપણું આપણે સૌ જોઈ રહ્યા હતા. અહિંયા આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના યશસ્વી અને ઉર્જાવાન મુખ્ય મંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી હાજર છે. સરકારનું મંત્રીમંડળ પણ હાજર છે. વહિવટ સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારી પણ હાજર છે અને ઉત્તરપ્રદેશના અલગ અલગ જીલ્લાઓ સાથે જોડાયેલા આપણાં તમામ સાથી પણ છે.
શ્રમની જે તાકાત હોય છે તેનો અનુભવ આપણે સૌએ કર્યો છે. શ્રમની આ શક્તિને આધાર બનાવીને ભારત સરકાર તરફથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે તે તાકાત સાથે ‘આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાન’ ની પ્રેરણા પ્રાપ્ત થઈ છે. એનો અર્થ કે કેન્દ્ર સરકારની આ યોજનાને યોગીજીની સરકારે ગુણવત્તાયુક્ત અને જથ્થાત્મક રીતે વિસ્તરણ કર્યું છે.
ઉત્તરપ્રદેશ સરકારે આપણને માત્ર અનેક યોજનાઓ સાથે જોડયા છે, એટલું જ નહીં લાભાર્થીઓની સંખ્યામાં પણ વધારો કર્યો છે. સાથે સાથે તેને આત્મનિર્ભર ભારતના લક્ષ સાથે સમગ્રપણે જોડી દીધા છે. તમે સાંભળ્યું હશે કે હું જે ડબલ એન્જીનની હંમેશા વાત કરૂં છું તે પ્રયાસ એટલે ‘આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાન’ તેનું ઉત્તમ ઉદાહરણ છે. અને મને પૂરો વિશ્વાસ છે કે યોગીજીના નેતૃત્વમાં જે રીતે આફતને અવસરમાં પલટવામાં આવી છે, જે રીતે યોગીજી અને તેમની ટીમ મન અને તાકાત લગાવીને જોડાઈ ગઈ છે તેની ઉપરથી દેશના અન્ય રાજ્યોને પણ આ યોજના બાબતે ઘણું બધુ શિખવા મળશે. દરેકને તેમાંથી પ્રેરણા પ્રાપ્ત થશે.
મને આશા છે કે અન્ય રાજ્યો પણ પોતાને ત્યાં આવી યોજનાઓ લઈને આવશે અને હું તો ઉત્તર પ્રદેશનો સાંસદ છું, જ્યારે ઉત્તર પ્રદેશમાં આ પ્રકારના સારા કામ થતાં હોય તો મને ચોક્કસ આનંદ થાય છે, કારણ કે ત્યાંના લોકો માટે મારી પણ જવાબદારી છે.
સાથીઓ,
સંકટના સમયમાં જે સાહસિકતા બતાવે છે, સૂઝબૂઝ બતાવે છે તેને જ સફળતા પ્રાપ્ત થતી હોય છે. આજે જ્યારે સમગ્ર દુનિયામાં કોરોનાનું આટલુ મોટું સંકટ આવી પડ્યુ છે ત્યારે ઉત્તર પ્રદેશે જે સાહસ બતાવ્યું છે, જે સૂઝબૂઝ દેખાડી છે, જે રીતે સફળતા પ્રાપ્ત કરી છે, જે રીતે કોરોના સામે મોરચો માંડ્યો છે, જે રીતે પરિસ્થિતિને સંભાળી લીધી છે. હું સાચુ કહું તો આ એક અભૂતપૂર્વ અને પ્રશંસાપાત્ર બાબત છે. અને એટલા માટે જ હું ઉત્તર પ્રદેશના 24 કરોડ નાગરિકોની પ્રશંસા કરૂં છું. તેમને નમન કરૂં છું. તમે જે કામ કર્યું છે તેના કારણે સમગ્ર દુનિયાને એક ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. ઉત્તરપ્રદેશના આંકડા દુનિયાના મોટા મોટા નિષ્ણાંતોને પણ અચરજમાં મૂકી દે તેવી અદ્દભૂત ક્ષમતા ધરાવે છે. યુપીના ડોક્ટરો હોય કે પછી પેરામેડિકલ સ્ટાફ હોય, સફાઈ કર્મચારી હોય કે પોલિસ કર્મચારી હોય. આશા અને આંગણવાડીના કાર્યકર્તા હોય કે પછી બેક કે પોસ્ટ ઓફિસના સાથીદારો હોય. પરિવહન વિભાગના સાથીદારો હોય કે પછી શ્રમિક સાથીદારો હોય. દરેકે પૂરી નિષ્ઠા સાથે પોતાનું યોગદાન આપ્યું છે.
યોગીજી અને તેમની પૂરી ટીમ જેમાં જન પ્રતિનિધિઓ હોય કે કર્મચારીઓ હોય, આપ સૌએ ઘણી ઉત્તમ કામગીરી બજાવી છે. પ્રશંસાપાત્ર કામ કર્યું છે. તમે સૌએ સાથે મળીને જે મુશ્કેલ હાલતમાં ઉત્તરપ્રદેશને સંભાળી લીધું છે તે બાબત આવનારા અનેક વર્ષો સુધી ઉત્તરપ્રદેશનું દરેક બાળક, દરેક પરિવાર તેને ખૂબ ગૌરવ સાથે યાદ કરતું રહેશે. તેને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.
સાથીઓ,
ઉત્તરપ્રદેશના આ પ્રયાસ અને સિધ્ધિઓ એટલા માટે વિરાટ છે, કારણ કે આ માત્ર એક રાજ્ય નથી, પણ દુનિયાના ઘણાં દેશો કરતાં મોટું રાજ્ય છે. તેની સિધ્ધિઓ ઉત્તરપ્રદેશના લોકો જાતે જ અનુભવી શકે છે, પરંતુ તમે જો આંકડા સાથે જાણશો તો તમને વધુ અચરજ થશે !
સાથીઓ,
આપણે યુરોપના ચાર મોટા દેશ જોઈએ તો તે છે- ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેન ! આ બધા દેશને 200 થી 250 વર્ષ સુધી દુનિયાના સુપર પાવર તરીકે ઓળખવામાં આવતા હતા. આજે પણ દુનિયામાં તેમનો દબદબો છે. આજે આ ચાર દેશોની વસતિને જોડવામાં આવે તો તેની કુલ વસતિ 24 કરોડ થાય છે ! આનો અર્થ એ થાય કે જેટલા લોકો ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેન જેવા ચાર દેશોમાં વસવાટ કરે છે તેટલા લોકો ઉત્તર પ્રદેશમાં રહે છે, પરંતુ કોરોનાના કાળમાં આ ચાર દેશોમાં કુલ મળીને 1,30,000 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં માત્ર 600 લોકોએ જ જીવ ગૂમાવ્યા છે. ક્યાં 1,30,000 લોકોનાં મોત અને ક્યાં 600 લોકોના મોત ! હું માનું છું કે એક પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો તે દુઃખદ છે.
પરંતુ આપણે એ વાત પણ માનવી પડશે કે આ ચાર દેશોએ મળીને પોતાને ત્યાં અનેક પ્રયાસ કરવા છતાં તેમના ત્યાં ઉત્તરપ્રદેશની તુલનામાં અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે. આ દેશ ઘણાં વિકસીત છે, તેમની પાસે ઘણાં સાધનો છે, ત્યાંની સરકારોએ પણ પૂરી તાકાત લગાવીને કામ કર્યું હોવા છતાં, જેવી રીતે ઉત્તરપ્રદેશને સફળતા પ્રાપ્ત થઈ છે તે રીતે તેમને પોતાના નાગરિકોને બચાવવામાં સફળતા પ્રાપ્ત થઈ નથી.
સાથીઓ,
વર્તમાન સમય દરમ્યાન તમારામાંથી ઘણાં બધા લોકોએ અમેરિકાની હાલત બાબતે પણ સાંભળ્યું હશે. અમેરિકા પાસે સાધન સામગ્રી અને આધુનિક ટેકનોલોજીની કોઈ અછત નથી, પરંતુ આ સ્થિતિ વચ્ચે પણ અમેરિકા કોરોનાની ખૂબ ખરાબ અસરનો ભોગ બન્યું છે. તમે એ બાબત પણ યાદ રાખો કે અમેરિકાની વસતિ આશરે 33 કરોડ છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 24 કરોડ લોકો વસવાટ કરે છે, પરંતુ અમેરિકામાં અત્યાર સુધીમાં 1,25,000 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં આશરે 600 લોકોનાં મોત થયા છે.
જો યોગીજીની ઉત્તર પ્રદેશ સરકારે યોગ્ય રીતે તૈયારી કરી ના હોત તો ઉત્તર પ્રદેશમાં પણ અમેરિકાની જેમ તબાહી મચી ગઈ હોત તો આજે ત્યાં 600ની જગાએ 85,000 લોકોએ જીવ ગૂમાવ્યા હોત, પરંતુ જે મહેનત ઉત્તર પ્રદેશની સરકારે કરી છે તેના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 85,000 લોકોના જીવન બચાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આજે આપણે જે રીતે પોતાના નાગરિકોના જીવ બચાવી શક્યા છીએ તે સ્વયં પણ એક ખૂબ જ સંતોષની બાબત છે અને દેશનો આત્મવિશ્વાસ પણ છે ! નહીં તો એક એવો દિવસ પણ હતો કે જ્યારે પ્રયાગરાજ, તે સમયના અલ્હાબાદના સાંસદ, દેશના પ્રધાનમંત્રી હતા. કુંભ મેળામાં દોડાદોડ મચી હતી, સેંકડો હજારો લોકો માર્યા ગયા હતા અને તે સમયે જે લોકો સરકારમાં હતા તેમણે તેમની સમગ્ર તાકાત મરનાર લોકોના આંકડા છૂપાવવામાં લગાવી દીધી હતી. હવે આજે જ્યારે ઉત્તરપ્રદેશના લોકોના જીવ બચી રહ્યા છે ત્યારે, સુરક્ષિત છે ત્યારે, ખૂબ સંતોષ પ્રાપ્ત થાય છે.
સાથીઓ,
આમાં આપણે પણ એક વાત યાદ રાખવાની રહે છે. આ બધુ એ સ્થિતિમાં બન્યું છે કે જ્યારે સમગ્ર દેશમાંથી લગભગ 30 થી 35 લાખ કરતાં પણ વધારે શ્રમિક સાથીદારો, કામદાર સાથીદારો ઉત્તર પ્રદેશમાં છેલ્લા થોડાક સપ્તાહમાં પોતાના ગામ પાછા ફર્યા છે. સેંકડો શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો દોડાવીને ઉત્તર પ્રદેશ સરકારે મુશ્કેલીમાં ફસાયેલા પોતાના લોકોને પાછા બોલાવી લીધા હતા. અન્ય રાજ્યોમાંથી આવેલા આ સાથીદારોને કારણે ચેપ લાગવાનો ભય પણ ઘણો વધારે હતો અને આમ છતાં ઉત્તર પ્રદેશે તે રીતે સ્થિતિને સંવેદનશીલતા સાથે સંભાળી લીધી હતી તેના કારણે રાજ્ય એક મોટા સંકટમાંથી બહાર નિકળી શક્યું છે.
સાથીઓ,
ઉત્તરપ્રદેશમાં વર્ષ 2017 પહેલાં જે રીતે વહિવટ ચાલતો હતો, જે રીતે સરકાર ચાલી રહી હતી, તેવી સ્થિતિમાં આપણે આવા પરિણામોની કલ્પના પણ કરી શકીએ તેમ નથી. અગાઉની સરકાર હોત તો હોસ્પિટલોની સંખ્યાનું બહાનું બતાવીને, પથારીઓની સંખ્યાનું બહાનુ બતાવીને આ પડકાર ઉપાડવાનું ટાળી દીધુ હોત, પરંતુ યોગીજીએ એવુ કર્યું નથી. યોગીજીએ અને તેમની સરકારે પરિસ્થિતિની ગંભીરતા સમજી છે, તેમણે એવું વિચાર્યું હશે કે આટલા મોટા મોટા દેશોની જે હાલત થઈ રહી છે તે જોઈને તેમણે અને તેમની સરકાર યુધ્ધના ધોરણે કામ કર્યું છે.
ક્વોરેન્ટાઈન સેન્ટર હોય કે પછી આઈસોલેશનની સુવિધા હોય. તેના નિર્માણ માટે પૂરી તાકાત લગાવી દીધી છે. તેમના પિતાજીનો સ્વર્ગવાસ થયો હોય અને પિતાજીની અંતિમ વિધિમાં જવાને બદલે ઉત્તર પ્રદેશના લોકો માટે પોતાની જીંદગી ખપાવી દેનાર યોગીજી આ કોરોનાથી બચાવવામાં તમારી સાથે જોડાઈ ગયા હતા. જે શ્રમિકો બહારથી આવી રહ્યા હતા તેમના માટે પણ ખૂબ ઓછા સમયમાં આશરે 60 હજાર ગ્રામ ચકાસણી સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ બધી સમિતિઓએ ગામોમાં ક્વોરેન્ટાઈનની વ્યવસ્થા વિકસાવવામાં ખૂબ જ મદદ કરી હતી. માત્ર દોઢ થી બે માસના ગાળામાં ઉત્તર પ્રદેશમો કોરોનાના દર્દીઓની સારવાર માટે 1 લાખ પથારીઓની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.
સાથીઓ,
લૉકડાઉનના સમય દરમ્યાન ગરીબોને ભોજનની તકલીફ પડે નહીં તેના માટે યોગી સરકારે જે રીતે કામ કર્યું છે તે પણ એક અભૂતપૂર્વ બાબત છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના હેઠળ ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ઝડપભેર ગરીબો અને ગામમાં પાછા ફરેલા શ્રમિક સાથીદારો સુધી મફત રેશન પહોંચાડ્યું છે. આનો અર્થ એ થયો કે તેમણે એવી વ્યવસ્થા કરી હતી કે જેના કારણે 15 કરોડ ગરીબોને ભોજન માટેની કોઈ તકલીફ પડે નહીં, કોઈ ભૂખ્યું સૂવે નહીં.
આ સમય દરમ્યાન ઉત્તરપ્રદેશમાં ગરીબોને 42 લાખ મેટ્રિક ટન અનાજની વહેંચણી કરવામાં આવી છે. જેમની પાસે રેશનકાર્ડ નહોતું તેમના માટે પણ ઉત્તર પ્રદેશ સરકારે સરકારી રેશનના દરવાજા ખૂલ્લા મૂક્યા હતા. અને આટલું જ નહીં, ઉત્તરપ્રદેશની સવા ત્રણ કરોડ ગરીબ મહિલાઓના જનધન ખાતામાં લગભગ રૂ.5000 કરોડ પણ સીધા તબદીલ કરી દીધા હતા. આઝાદી પછીના ઈતિહાસમાં કદાચ કોઈ સરકારે આટલા મોટા પાયે ગરીબોને મદદ નહીં કરી હોય.
સાથીઓ,
ભારતને આત્મનિર્ભરતાના રસ્તે ખૂબ ઝડપી ગતિથી લઈ જવાનું અભિયાન હોય કે પછી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હોય. ઉત્તર પ્રદેશ આ યોજનાઓમાં પણ ખૂબ આગળ વધી રહ્યું છે. ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ શ્રમિકોને આવકના સાધનો વધારવા માટે ગામડાંઓમાં અનેક કામ શરૂ કરી દેવામાં આવ્યા છે. ગરીબો માટે પાકુ ઘર બાંધવાનું હોય, સામુહિક શૌચાલયો બાંધવાનું કામ હોય, પંચાયત ભવન બાંધવાનું કામ હોય કે પછી કૂવા કે તળાવ બનાવવાના હોય, સડકો બનાવવાની હોય, ઈન્ટરનેટની લાઈનો નાંખવાની હોય. આવા 25 કામોની યાદી કેન્દ્ર સરકારે બનાવી છે.
આજે આ કામગીરીનો વિસ્તાર કરતાં, તેમાં આત્મનિર્ભર ભારત અભિયાનને પણ જોડીને ઉત્તર પ્રદેશે આશરે સવા કરોડ શ્રમિકો અને કામદાર સાથીદારોને સીધી રોજગારી આપવાનો પ્રયાસ કર્યો છે. આમાં લગભગ 60 લાખ જેટલી રોજગારી ગામના વિકાસ કામો સાથે જોડાયેલી યોજનાઓમાંથી અને આશરે 40 લાખ નાના ઉદ્યોગો એટલે કે એમએસએમઈ ક્ષેત્રમાં રોજગાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પણ સ્વરોજગાર માટે હજારો ઉદ્યમીઓને મુદ્રા યોજના હેઠળ આશરે રૂ.10 હજાર કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે. ધિરાણ આપવાની સાથે સાથે આજે હજારો કારીગરોને આધુનિક મશીનો અને ટુલ કીટસ પણ પૂરાં પાડવામાં આવ્યા છે. આનાથી કારીગરોનું કામ તો વધશે જ, પણ સાથે સાથે તેમને સુવિધા પણ પ્રાપ્ત થશે. હું તમામ લાભાર્થીઓને, રોજગાર મેળવનાર તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છે.
સાથીઓ,
હું ઉત્તરપ્રદેશનો સાંસદ હોવાના કારણે પણ યોગીજી સાથે સતત સંપર્કમાં રહેતો હોઉં છું. સવા કરોડ કામદારોની, કર્મચારીઓની ઓળખ કરવી, 30 લાખ કરતાં વધુ શ્રમિકોના કૌશલ્યનો, અનુભવનો ડેટા તૈયાર કરવો અને તેમના માટે રોજગારની યોગ્ય વ્યવસ્થા કરવી તે બાબત દર્શાવે છે કે ઉત્તરપ્રદેશ સરકારની તૈયારીઓ કેટલી ઘનિષ્ઠ હશે અને કેટલી વ્યાપક હશે. ઉત્તરપ્રદેશના દરેક ગામ, દરેક ઉત્પાદન યોજના અગાઉથી જ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન પૂરૂ પાડી રહ્યું હતું. તેમને એક મોટુ બજાર પૂરૂ પાડી રહ્યું હતું.
હવે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ જ્યારે સમગ્ર દેશમાં આવા સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગોના ક્લસ્ટર બનાવવામાં આવી રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશને તેનો ઘણો લાભ થવાનો છે. તેનાથી કાપડના, રેશમના, ચર્મના, પિત્તળના જે અનેક ક્લસ્ટર સ્થપાશે તેને બળ મળશે અને નવું બજાર મળી રહેશે.
સાથીઓ,
આત્મનિર્ભર ભારત અભિયાનનો ખૂબ મોટો લાભ ઉત્તરપ્રદેશના ખેડૂતોને થવાનો છે. ખેડૂતોના હિતમાં, નાના વેપારીઓના હિતમાં દાયકાઓથી ત્રણ મોટા સુધારાની માંગ સતત કરવામાં આવી રહી હતી. હવે જે ત્રણ કાયદા કેન્દ્ર સરકાર લઈને આવી છે તેમાં ખેડૂતોને બજારની બહાર પણ પોતાની ઉપજ વેચવાનો અધિકાર મળી ગયો છે. આનો અર્થ એ કે તેમને જ્યાં વધુ નાણાં મળશે ત્યાં ખેડૂત પોતાની ઉપજ વેચી શકશે. હવે ખેડૂત જો ઈચ્છે તો વાવણી વખતે પણ પોતાની ઉપજનો ભાવ નક્કી કરી શકે તેમ છે.
હવે બટાકાની ખેતી કરનારો ખેડૂત ચિપ્સ બનાવવાનો ઉદ્યોગ સ્થાપનાર સાથે, આંબા વાવનાર ખેડૂત કેરીનો જ્યુસ બનાવનાર સાથે, ટામેટાની ખેતી કરનાર ખેડૂત સોસ બનાવનાર સાથે, વાવણી વખતે જ સમજૂતિ કરી શકે છે. જેના કારણે તેમને ભાવ ઘટવાની ચિંતામાંથી મુક્તિ મળી જશે.
સાથીઓ,
આ ઉપરાંત પણ આપણાં પશુપાલકો માટે અનેક નવા પગલાં લેવામાં આવ્યા છે. બે દિવસ પહેલાં જ પશુપાલકો અને ડેરી ક્ષેત્ર માટે રૂ.15 હજાર કરોડનું એક ખાસ માળખાગત સુવિધા ફંડ સ્થાપવામાં આવ્યું છે. તેનાથી આશરે 1 કરોડ વધુ નવા ખેડૂતોને, પશુપાલકોને ડેરી ક્ષેત્ર સાથે જોડવામાં આવશે. ડેરી સાથે જોડાયેલી નવી યોજનાઓ પણ તૈયાર કરવામાં આવશે. એક એવો અંદાજ છે કે આગામી સમયમાં તેના કારણે ગામડાંઓમાં આશરે 35 લાખ નવી રોજગારી પેદા થશે. હજુ પરમ દિવસે જ કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશમાં પ્રવાસન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે એક ખૂબ મહત્વનો નિર્ણય કર્યો છે.
બૌધ્ધ સર્કિટ તૈયાર કરવા માટે મહત્વના ગણાતા કુશીનગર વિમાન મથકને આંતરરાષ્ટ્રિય વિમાન મથકનો દરજ્જો આપવામાં આવ્યો છે તેનાથી પૂર્વાંચલ પ્રદેશમાં હવાઈ કનેક્ટીવિટી વધુ મજબૂત બનશે અને ભારતમાંથી તથા વિદેશમાંથી મહાત્મા બુધ્ધ પ્રત્યે આસ્થા ધરાવનાર કરોડો શ્રધ્ધાળુ આસાનીથી ઉત્તર પ્રદેશમાં આવી શકશે અને તેના કારણે સ્થાનિક યુવકોને રોજગાર માટે અને સ્વરોજગાર માટે અનેક તકો ઉભી થશે. પર્યટન ક્ષેત્રની એક વિશેષતા તમે પણ જાણતા હશો કે આ ક્ષેત્ર ઓછામાં ઓછા મૂડી રોકાણમાં વધુને વધુ લોકોને રોજગારી આપી શકે તેમ છે.
સાથીઓ,
ઉત્તરપ્રદેશ હંમેશા ભારતના પ્રગતિ પથ માટે સૌથી મહત્વપૂર્ણ હિસ્સો બની રહ્યુ છે. ગામ, ગરીબ અને દેશને સશક્ત બનાવવાના જે ધ્યેય સાથે આપણે આગળ વધી રહ્યા છીએ તેમાં ઉત્તરપ્રદેશનું યોગદાન અહિંયા ભાજપની સરકાર આવ્યા પછી હવે સતત વધી રહ્યું છે. વિતેલા ત્રણથી સાડા ત્રણ વર્ષમાં દરેક મોટી યોજનામાં ઉત્તર પ્રદેશે ખૂબ ઝડપથી કામ કર્યું છે. માત્ર 3 વર્ષના ગાળામાં જ ઉત્તર પ્રદેશમાં ગરીબો માટે 30 લાખ કરતાં વધુ પાકા ઘર બાંધવામાં આવ્યા છે. માત્ર 3 વર્ષની મહેનતમાં જ ઉત્તરપ્રદેશે પોતાને ખૂલ્લામાં હાજતથી મુક્ત જાહેર કર્યું છે. માત્ર 3 વર્ષમાં પારદર્શક પધ્ધતિથી ઉત્તરપ્રદેશે 3 લાખ યુવાનોને સરકારી નોકરીઓ આપી છે. માત્ર 3 વર્ષના પ્રયાસોમાં ઉત્તરપ્રદેશમાં માતાના મૃત્યુ દરમાં 30 ટકાનો ઘટાડો થયો છે.
સાથીઓ,
વર્ષોથી પૂર્વાંચલમાં ઈન્સેફિલાઈટીસનો રોગચાળો કાળો કેર વર્તાવતો હતો. આ બિમારીથી અનેક નવજાત બાળકોના દુઃખદ મૃત્યુ થતા હતા, પરંતુ હવે ઉત્તર પ્રદેશની સરકારન પ્રયાસથી આ રોગના દર્દીઓની સંખ્યા તો ઓછી થઈ છે જ, પરંતુ સાથે સાથે મૃત્યુ દરમાં આશરે 90 ટકા જેટલો ઘટાડો થયો છે. આ ઉપરાંત મેડિકલ કોલેજ હોય કે આયુષમાન ભારત અભિયાન યોજના હેઠળ અન્ય સુવિધાઓ આપવાની હોય, આ બધામાં ઉત્તર પ્રદેશ સરકારે પ્રશંસાપાત્ર કામ કર્યું છે. વીજળી, પાણી, સડક જેવી પાયાની સુવિધાઓ ઉભી કરવામાં અભૂતપૂર્વ સુધારો થયો છે. નવી સડકો અને એક્સપ્રેસ માર્ગોના નિર્માણમાં પણ ઉત્તર પ્રદેશ આગળ વધતું જાય છે. અને સૌથી મોટી બાબત તો એ છે કે આજે ઉત્તર પ્રદેશમાં શાતિ છે, કાયદાનું રાજ્ય ચાલી રહ્યું છે. અને આ જ કારણથી ઉત્તર પ્રદેશ તરફ દેશના અને વિદેશના રોકાણકારોની નજર છે. સરકાર સ્થાનિક અને વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવા માટે જે પણ પગલાં લઈ રહી છે તેનો ઘણો મોટો લાભ ઉત્તર પ્રદેશ ઉઠાવી રહ્યું છે. અને જુઓ તો આજે પણ જ્યારે અન્ય રાજ્યો કોરોના સામે લડાઈમાં ઝઝૂમી રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશે પોતાના વિકાસ માટે આટલી મોટી યોજનાઓ શરૂ કરી દીધી છે. એક રીતે કહીએ તો આફતમાંથી પેદા થયેલા દરેક અવસરને ઉત્તર પ્રદેશ સાકાર કરી રહ્યું છે. વધુ એક વખત આપ સૌને રોજગારીની આ તમામ તકો માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું !!
યાદ રાખો કે કોરોના સામેની આપણી લડાઈ હજુ ચાલુ જ છે. કામ પર જાઓ તો પણ બે ગજનું અંતર, ચહેરા ઉપર માસ્ક અને સતત સાફસફાઈ ખૂબ જ જરૂરી બની રહે છે. જીવન અને આજીવિકા બંનેની સુરક્ષા કરીને આ લડાઈ ઉત્તર પ્રદેશ જીતી જવાનું છે અને ભારત પણ જીતવાનું છે.
ખૂબ ખૂબ આભાર !!
GP/DS
(Release ID: 1634639)
Visitor Counter : 266
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam