પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીનું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન
પ્રધાનમંત્રીએ કહ્યું કે, યોગ દિવસ એ એકતા અને સાર્વત્રિક ભાઇચારાનો દિવસ છે
યોગ પારિવારિક જોડાણોને પ્રોત્સાહન આપે છે: પ્રધાનમંત્રી
યોગ કોવિડ-19 વાયરસ સામે લડવા માટે પ્રતિકારક શક્તિ વધારે છે: પ્રધાનમંત્રી
Posted On:
21 JUN 2020 9:43AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ એકતાનો દિવસ છે. આ દિવસ સાર્વત્રિક ભાઇચારાનો દિવસ છે. કોવિડ-19ના કારણે ઉભી થયેલી વૈશ્વિક આરોગ્ય કટોકટીના કારણે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન ઇલેક્ટ્રોનિક માધ્યમ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા થઇ રહ્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લોકો તેમના આખા પરિવાર સાથે મળીને પોતાના ઘરે જ યોગ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે, યોગ આપણને સૌને ભેગા કરે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ‘માય લાઇફ- માય યોગ’ વીડિયો બ્લૉગિંગ સ્પર્ધામાં સમગ્ર દુનિયામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો જે યોગની વધતી લોકપ્રિયતા પૂરવાર કરે છે.
આજે, આપણે સૌએ મોટી સંખ્યામાં લોકોના જમાવડાથી દૂર રહેવું જોઇએ અને ઘરે જ આપણા પરિવાર સાથે યોગ કરવા જોઇએ. આ વર્ષની થીમ ‘યોગ એટ હોમ, યોગ વિથ ફેમિલિ’ (ઘરે યોગ, પરિવાર સાથે યોગ) છે. યોગ પરિવાર સાથે જોડાણને પ્રોત્સાહન આપે છે કારણ કે, બાળકો, યુવાનો, વડીલો સૌ કોઇ યોગ કરવા માટે ઘરમાં ભેગા થાય છે, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, યોગ ભાવનાત્મક સ્થિરતામાં પણ વધારો કરે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “યોગ આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તમારે પોતાના દૈનિક જીવનમાં અચૂકપણે પ્રાણાયામ કરવા જોઇએ. પ્રાણાયામ યોગ અથવા શ્વાસોચ્છવાસની ક્રિયા આપણા શ્વસનતંત્રને મજબૂત બનાવે છે. વર્તમાન સમયમાં તે વધુ સંબંધિત છે કારણ કે, કોવિડ-19 વાયરસ સૌથી વધુ પ્રમાણમાં આપણા શરીરમાં શ્વસનતંત્ર પર વિપરિત અસર કરે છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, યોગ અત્યારે એકતાના બળ તરીકે ઉભરી આવ્યા છે. તેના કારણે માનવજાત વચ્ચેનું બંધન વધુ ઘનિષ્ઠ થયું છે કારણ કે, તેમાં કોઇપણ પ્રકારની ભેદભાવની ભાવના નથી. તે વંશ, રંગ, જાતિ, આસ્થા અને રાષ્ટ્રથી ઉપર છે. કોઇપણ વ્યક્તિ યોગ કરી શકે છે. જો આપણે આપણા આરોગ્ય અને આશાના તારને સૂમેળમાં લાવી શકીએ તો એ દિવસ દૂર નથી જ્યારે આખી દુનિયા તંદુરસ્ત અને ખુશ માનવજાતની સાક્ષી બનવામાં સફળ થશે. યોગ ચોક્કસપણે આ બાબતને સાર્થક કરી શકે છે.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “સજાગ નાગરિક તરીકે, આપણે એકજૂથ થઇને એક પરિવાર અને એક સમાજ તરીકે આગળ વધીશું. આપણે ‘યોગ એટ હોમ, યોગ વિથ ફેમિલિ’ને આપના જીવનનો હિસ્સો બનાવવાનો પ્રયાસ કરીશું. આપણે ચોક્કસપણે સફળ થઇશું. આપણે ચોક્કસપણે જીતીશું.”
GP/DS
(Release ID: 1633168)
Visitor Counter : 281
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam