પ્રધાનમંત્રીનું કાર્યાલય
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીનું સંબોધન
Posted On:
21 JUN 2020 7:48AM by PIB Ahmedabad
નમસ્કાર !!
છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવુ છું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, એ યોગ સાથે જોડાવાનો દિવસ છે. એ વિશ્વ બંધુત્વનો દિવસ છે. તે માનવીય એકત્વનો દિવસ છે, જે આપણને જોડે છે અને સાથે લાવે છે તે યોગ છે. જે અંતરને ખતમ કરે છે તે જ તો યોગ છે.
કોરોનાના આ સંકટ દરમ્યાન સમગ્ર દુનિયાના લોકોનો માય લાઈફ- માય યોગા વીડિયો બ્લોગીંગ સ્પર્ધામાં સામેલ થતાં જોઈ શકાય છે અને જણાય છે કે યોગ તરફનો ઉત્સાહન કેટલો વધી રહ્યો છે, કેટલો વ્યાપક છે.
સાથીઓ,
આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો વિષય યોગા એટ હોમ, એન્ડ યોગા વીથ ફેમિલી રાખવામાં આવ્યો છે. આજે આપણે સામુહિક કાર્યક્રમોથી દૂર રહીને ઘરમાં જ પોતાના પરિવાર સાથે મળીને યોગ કરી રહ્યા છીએ. બાળકો હોય, વડીલો હોય, યુવાનો હોય કે પરિવારના વૃધ્ધ લોકો હોય, આ બધાં યોગના માધ્યમથી એક સાથે જોડાય છે તો સમગ્ર ઘરમાં એક ઉર્જાનો સંચાર થાય છે. એટલા માટે આ વર્ષે હું બીજા શબ્દોમાં કહું તો યોગ દિવસ એ ભાવનાત્મક યોગનો પણ દિવસ છે, આપણા પરિવાર સાથેના જોડાણને વધારનારો દિવસ છે.
સાથીઓ,
કોરોના મહામારીને કારણે આજે દુનિયા યોગની જરૂરિયાત અગાઉ કરતાં પણ વિશેષ પ્રમાણમાં ગંભીરતા સાથે અનુભવી રહી છે. જો આપણી પ્રતિકાર શક્તિ મજબૂત હોય તો આપણને બિમારીને પરાજીત કરવામાં ખૂબ જ મદદ મળતી હોય છે.
પ્રતિકારક શક્તિને વધારવા માટે યોગની અનેક વિધિઓ છે, અનેક પ્રકારના આસન છે, તે આસન એવા છે કે જે આપણાં શરીરની તાકાતને વધારે છે. આપણી શરીરની રચનાને શક્તિશાળી બનાવે છે.
પરંતુ, કોરોના વાયરસ મહામારી ખાસ કરીને આપણાં શ્વસનતંત્ર પર હુમલો કરે છે. આવા સંજોગોમાં શ્વાસોશ્વાસની પધ્ધતિને મજબૂત કરવા માટે જેનાથી સૌથી વધુ તાકાત મળી રહેતી હોય છે, તે છે પ્રાણાયમ. એટલે કે શ્વાસોશ્વાસની કવાયત. સામાન્ય રીતે અનુલોમ વિલોમ પ્રાણાયમ ખૂબ જ લોકપ્રિય છે. તે ખૂબ જ અસરકારક પણ છે, પરંતુ પ્રાણાયમના અનેક પ્રકાર છે અને આ બધા પ્રાણાયમમાં શીતલી, કપાલભાતી, ભ્રામરી, ભસ્ત્રીકા વગેરે છે. આ બધા પ્રાણાયમ ઉપરાંત પણ અગણિત પ્રાણાયમ છે.
યોગની આ બધી વિદ્યાઓ, આ ટેકનિક આપણી શ્વાસોશ્વાસ પધ્ધતિ અને પ્રતિકાર પધ્ધતિ બંનેને મજબૂત કરવામાં ખૂબ જ સહાય કરે છે અને એટલા માટે જ આપ સૌને મારો એ વિશેષ આગ્રહ છે કે તમે તમારા રોજબરોજના અભ્યાસમાં પ્રાણાયમને અવશ્ય સામેલ કરો અને અનુલોમ- વિલોમની સાથે જ પ્રાણાયમની જે અનેક ટેકનિક છે તે પણ શિખો અને તેને સિધ્ધ કરો. યોગની આ પધ્ધતિઓનો લાભ મોટી સંખ્યામાં આજે સમગ્ર દુનિયામાં કોરોના-19ના દર્દીઓ પણ લઈ રહ્યા છે. યોગની એ તાકાત છે કે તેનાથી આપણને બિમારીને હરાવવામાં મદદ મળી રહે છે.
સાથીઓ,
યોગ દ્વારા આપણને એવો આત્મવિશ્વાસ અને મનોબળ પણ મળતું હોય છે કે જેનાથી આપણે સંકટો સામે ટકી રહી શકીએ છીએ, જીતી શકીએ છીએ, યોગથી આપણને માનસિક શાંતિ મળે છે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે “એક આદર્શ વ્યક્તિ એ છે કે જ હંમેશા નિર્જન સ્થિતિમાં પણ ક્રિયાશીલ રહે છે અને વધુમાં વધુ ગતિશીલતામાં પણ શાંતિનો અનુભવ કરે છે.”
કોઈપણ વ્યક્તિ પાસે એક ખૂબ મોટી ક્ષમતા હોય છે અને તે છે અત્યંત વિપરીત પરિસ્થિતિમાં પણ સક્રિય રહેવું, થાકીને હારી નહીં જવું. સમતોલ રહેવું. આ બધુ યોગના માધ્યમથી આપણાં જીવનમાં સ્થાન પ્રાપ્ત કરે છે. આપણાં જીવનને તાકાત આપે છે અને એટલા માટે જ તમે પણ જોયું હશે કે, અનુભવ્યું હશે કે યોગનો સાધક ક્યારેય પણ સંકટના સમયમાં ધીરજ ગૂમાવતો નથી.
યોગનો અર્થ જ એ છે કે ‘સત્વમ્ યોગ ઉચ્ચતે’ આનો અર્થ એ થાય કે અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા, સફળતા હોય કે નિષ્ફળતા, સુખ હોય કે સંકટ, દરેક પરિસ્થિતિમાં સમાન રહીને અડગ રહેવું તેનું નામ જ યોગ છે.
મિત્રો,
યોગ આપણી પૃથ્વીને વધુ શક્તિશાળી બનાવવાના ધ્યેયમાં વૃધ્ધિ કરે છે. તે એકતાના પરિબળ તરીકે ઉભરે છે અને માનવતાના જોડાણને ઊંડાણ આપે છે. તે ભેદભાવ કરતો નથી. તે જાતિ, રંગ, સ્ત્રી-પુરૂષ, ધર્મ અને રાષ્ટ્રના ભેદભાવથી વગર આગળ ધપતો રહે છે.
કોઈપણ વ્યક્તિ યોગ અપનાવી શકે છે. તમારે માત્ર તમારે થોડો સમય અને ખૂલ્લી જગા જ ફાળવવાની રહે છે. યોગ આપણને શારીરિક તાકાત તો આપે જ છે, પણ સાથે સાથે માનસિક સમતુલા અને ભાવનામાં સ્થિરતાની સાથે આત્મવિશ્વાસ સાથે આપણી સામે પડેલા પડકારો અંગે વાટાઘાટો કરવાની સ્થિરતા બક્ષે છે.
મિત્રો,
જો આપણે આપણાં આરોગ્ય અને આશાના તાર મેળવીશું તો એ દિવસ દૂર નથી કે જ્યારે વિશ્વ તંદુરસ્ત અને આનંદિત માનવ જાત બનવામાં સફળતા પ્રાપ્ત કરી શકશે. યોગ આપણને આ સ્થિતિ શક્ય બનાવવામાં સહાય કરશે.
મિત્રો,
જ્યારે આપણે યોગના માધ્યમથી સમસ્યાઓનો ઉકેલ લાવવાની વાત કરતા રહીએ છીએ ત્યારે દુનિયાના કલ્યાણની વાત પણ કરતા રહીએ છીએ ત્યારે હું યોગેશ્વર કૃષ્ણના કર્મયોગનું પણ તમને પુનઃ સ્મરણ કરાવવાની ઈચ્છા રાખું છે. ગીતમાં ભગવાન શ્રી કૃષ્ણએ યોગના વ્યાખ્યા કરતાં કહ્યું છે કે ‘યોગઃ કર્મસુ કૌશલમ્’ નો અર્થ એ થાય છે કે કર્મની કુશળતા એ જ યોગ છે.
કર્મની કુશળતા એ જ યોગ છે એ મંત્ર આપણને હંમેશા શિખવે છે કે યોગ દ્વારા આપણને જીવનમાં વધુ યોગ્ય બનવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. જો આપણે શિસ્ત સાથે કામ કરતા રહીએ અને પોતાની જવાબદારીઓ નિભાવતા રહીઓ તો પણ તે યોગ જ છે.
સાથીઓ,
કર્મ યોગને એક વધુ રીતે વિસ્તારપૂર્વક સમજાવાયો છે. આપણે ત્યાં કહેવામાં આવે છે કે
યુક્ત આહાર વિહારસ્ય, યુક્ત ચેષ્ટસ્ય કર્મશુ
યુક્ત સ્વપના- વ બોધસ્ય, યોગો ભવતિ દુઃખહા
આનો અર્થ એ થાય છે કે યોગ્ય આહાર વિહાર, યોગ્ય પ્રકારે ખેલકૂદ, સૂવાની અને જાગવાની યોગ્ય ટેવ અને પોતાના કામ, પોતાની ફરજોને સાચી રીતે બજાવવી તે પણ એક યોગ જ છે. આ જ કર્મયોગના માધ્યમથી આપણને તમામ તકલીફો અને સમસ્યાઓનો ઉકેલ મળી રહે છે. એટલું જ નહીં, આપણે ત્યાં નિષ્કામ કર્મને, કોઈપણ સ્વાર્થ વગર સૌનો ઉપકાર કરવાની ભાવનાને પણ કર્મયોગ કહેવામાં આવે છે. કર્મયોગની આ ભાવના ભારતની રગ રગમાં રચાયેલી- વણાયેલી છે. જ્યારે પણ જરૂર પડે છે ત્યારે ભારતના નિઃસ્વાર્થ ભાવનો સમગ્ર દુનિયાને અનુભવ થતો રહે છે.
સાથીઓ,
જ્યારે આપણે યોગ સાથે આગળ વધીએ છીએ, કર્મયોગની ભાવના લઈને ચાલીએ છીએ તો એક વ્યક્તિ તરીકે, સમાજ તરીકે અને દેશ માટે પણ આપણી શક્તિ પણ અનેક ગણી વધી જતી હોય છે. આજે આપણે આ ભાવનાનો જ સંકલ્પ લેવાનો છે. આપણે પોતાના આરોગ્ય માટે, આપણા સ્વજનોના સ્વાસ્થ્ય માટે શક્ય તમામ પ્રયાસો કરીશું. એક સજાગ નાગરિક તરીકે આપણે પરિવાર અને સમાજ તરીકે સંગઠીત બનીને આગળ ધપીશું.
આપણે પ્રયાસ કરીશું કે યોગ એટ હોમ એન્ડ યોગા વીથ ફેમિલીને આપણાં જીવનનો હિસ્સો બનાવીશું. જો આપણે આ કરી શકીશું તો આપણે ચોક્કસ સફળ થઈશું. આ વિશ્વાસની સાથે આપ સૌને ફરીથી યોગ દિવસની શુભકામનોઓ પાઠવું છું.
લોકાઃ સમસ્તાઃ સુખિનો ભવન્તુ
ઓમ !!
GP/DS
(Release ID: 1633166)
Visitor Counter : 409
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam