પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બીજા તબક્કાની બેઠક યોજી અનલૉક 1.0 પછીની સ્થિતિની ચર્ચા કરી
સતત વિસ્તરણના પ્રયાસોની સાથે સાથે, હાલમાં ઉપલબ્ધ ક્ષમતામાં મહત્તમ ઉપયોગ થવો જ જોઇએ: પ્રધાનમંત્રી
આ વાયરસના ચેપમાંથી સાજા થઇ રહેલા લોકોની વધતી સંખ્યા પર પ્રકાશ પાડીને આપણે આ બીમારીના કારણે ઉભા થયેલા ડર અને ભેદભાવ સામે લડવાનું છે: પ્રધાનમંત્રી
લૉકડાઉન દરમિયાન લોકોએ જે શિસ્ત દર્શાવી તેના કારણે કોવિડ-19ના ફેલાવાને રોકી શકાયો છે: પ્રધાનમંત્રી
આપણે લૉકડાઉન અંગેની અફવાઓ સામે લડવાનું છે અને અનલૉક 2.0ની યોજના ઘડવાની છે: પ્રધાનંમત્રી
મુખ્યમંત્રીઓએ તેમના પ્રતિભાવો આપ્યા, આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટેના પગલાંઓ અને વાયરસ અંગે જાગૃતિ ફેલાવવા માટે લીધેલા પગલાંની માહિતી આપી
Posted On:
17 JUN 2020 5:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બીજા તબક્કાની બેઠક યોજીને અનલૉક 1.0 પછીની સ્થિતિ અંગે અને કોવિડ-19 મહામારીને નિયંત્રણમાં લેવા અંગે ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ નોંધ લીધી હતી કે, કેટલાક મોટા રાજ્યો અને શહેરોમાં વાયરસનો ફેલાવો ઘણો વધારે છે. વસ્તીની ખૂબ જ ગીચતા, શારીરિક અંતર જાળવવામાં પડતી મુશ્કેલીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં દરરોજ લોકોના આવનજાવનના કારણે સ્થિતિ વધુ પડકારજનક બની ગઇ છે. છતાં, લોકોના ધૈર્ય, વહીવટીતંત્રની તૈયારીઓ અને કોરોના યોદ્ધાઓના સમર્પણના કારણે વાયરસના ફેલાવાને નિયંત્રણમાં રાખી શકાયો છે. તેમણે ઉમેર્યું હતું કે, સમયસર ટ્રેસિંગ, સારવાર અને રિપોર્ટિંગના કારણે સાજા થઇ રહેલા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, લૉકડાઉનના સમયમાં લોકોને જે શિસ્ત બતાવી છે તેના કારણે વાયરસના અતિ વિપુલ પ્રમાણમાં ફેલાવાને રોકવામાં સફળતા મળી છે.
આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવો
પ્રધાનંમત્રીએ બહેતર આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપસ્થિતિ અને તાલીમબદ્ધ માણસો અંગે ચર્ચા કરી હતી જેથી તમામ પડકારોનો સામનો કરી શકાય. PPE, માસ્કના સ્થાનિક ઉત્પાદનની ક્ષમતામાં વધારો, પૂરતા જથ્થામાં નિદાનની કીટ્સની ઉપલબ્ધતા, PM CARES ભંડોળનો ઉપયોગ કરીને ભારતમાં જ બનાવવામાં આવેલા વેન્ટિલેટર્સનો પૂરવઠો, પરીક્ષણ લેબોરેટરીઓની ઉપબલ્ધતા, લાકો કોવિડ વિશેષ બેડની સગવડ, હજારો આઇસોલેશન અને ક્વૉરેન્ટાઇન કેન્દ્રો અને તાલીમ દ્વારા પૂરતા પ્રમાણમાં સંસાધનો આ તમામ બાબતો પર તેમણે પ્રકાશ પાડ્યો હતો. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માહિતીનું વ્યવસ્થાતંત્ર, ભાવનાત્મક સહકાર અને જાહેર સહભાગીતા પર સતત ભારમૂકવાની જરૂર છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત લોકોને ઝડપથી ટ્રેસ કરવા, ટ્રેક કરવા અને આઇસોલેટ કરવા માટે પરીક્ષણ ખૂબ મહત્વનું છે. વર્તમાન પરીક્ષણની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરવાની જરૂર છે તેમજ સાથે સાથે વિસ્તરણના પ્રયાસો પણ એકધારા ચાલુ રહેવા જોઇએ તેમ તેમણે ઉમેર્યું હતું, પ્રધાનમંત્રીએ ટેલિમેડિસિનના લાભોનો ઉલ્લેખ કર્યો હતો અને આ માધ્યમોથી બીમાર લોકોને માર્ગદર્શન અને માહિતી આપી શકે તેવા વરિષ્ઠ ડૉક્ટરોની મોટી ટીમ તૈયાર કરવાની જરૂર હોવાનું પણ કહ્યું હતું. તેમણે હેલ્પલાઇનની મદદથી સમયસર અને સાચી માહિતી ફેલાવવા અંગે પણ ચર્ચા કરી હતી અને હેલ્પલાઇનો અસરકારક રીતે ચાલી શકે તે માટે યુવા સ્વયંસેવકોની ટીમનું નિર્માણ કરવાની જરૂર હોવાનું પણ ઉમેર્યું હતું.
ડર અને ભેદભાવ સામે લડત
પ્રધાનમંત્રીએ ધ્યાનમાં લીધું હતું કે, જે રાજ્યોમાં મોટી સંખ્યામાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી છે ત્યાં પોઝિટીવ પરિણામો મળી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, આ એપ્લિકેશન મહત્તમ લોકો સુધી પહોંચે તે માટે પ્રયાસો કરવા જોઇએ. તેમણે ચોમાસુ આવી રહ્યું હોવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ બાબતે વધુ સતર્ક રહેવાની પણ ચર્ચા કરી હતી. તેમણે ખાસ જણાવ્યું હતું કે, આ બીમારીતી ચેપગ્રસ્ત થવાનો ભય અને આ બીમારી સાથે જોડાયેલા ભેદભાવની લાગણી સહિત વાયરસ સામેની ભાવનાત્મક લડાઇ, મોટી સંખ્યામાં આ બીમારીથી સાજા થયેલા લોકોને સામેલ કરીને જાગૃતિ ફેલાવવાથી જીતી શકાશે. તેમણે કહ્યું હતું કે, કોરોના યોદ્ધાઓ, ડૉક્ટરો, આરોગ્ય સંભાળ કર્મચારીઓને મદદ કરવી અને તેમને સહકાર આપવો તે આપણી સૌથી વધુ પ્રાથમિકતા હોવી જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, જન ભાગીદારી આ લડાઇ સામે લડવા માટે આવશ્યક છે અને લોકોએ માસ્ક, ફેસ કવર ઉપયોગ, શારીરિક અંતર જાળવવા માટે યોગ્ય માપદંડોનું પાલન કરવું જરૂરી છે.
મુખ્યમંત્રીઓએ પ્રતિક્રિયાઓ આપી
આજે બીજા તબક્કાનો વાર્તાલાપ યોજાયો હતો જેમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, બિહાર, આંધ્રપ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, તેલંગાણા અને ઓડિશા જેવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો.
મુખ્યંમત્રીઓએ આ લડાઇમાં નેતૃત્વ સંભાળવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના રાજ્યોમાં આ વાયરસની અસરોને અંકુશમાં લેવા માટે અત્યાર સુધી લીધેલાં પગલાં અંગે માહિતી આપી હતી. તેમણે પડકારોને પહોંચી વળવા માટે હાલમાં ઉપલબ્ધ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવેલા પગલાંઓ તેમજ અગ્ર હરોળના કર્મચારીઓને સહકાર, કન્ટેઇન્મેન્ટ ઝોનનું મોનિટરિંગ, માસ્ક અને અન્ય સુરક્ષાત્મક સાવચેતીઓ માટે લોકોને પ્રોત્સાહિત કરવાના અભિયાનો, પરીક્ષણની ક્ષમતામાં વધારો અને પરત આવેલા વિસ્થાપિત શ્રમિકોને ફાયદો થાય તેવી રોજગારની તકો વગેરે અંગે ચર્ચા કરી હતી
અનલૉક 2.0
પ્રધાનંમત્રીએ તમામ મુખ્યમંત્રીઓએ પોતાના મંતવ્યો આપ્યા તે બદલ તેમનો આભાર માન્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, વાયરસ સામે લડવા માટે સહિયારી કટિબદ્ધતાથી આપણે જીતી શકીશું, સાથે સાથે યોગ્ય સાવચેતી રાખીને આર્થિક પ્રવૃત્તિઓમાં પણ વધુ ઝડપ લાવવાની જરૂર હોવાનું તેમણે કહ્યું હતું. તેમણે લૉકડાઉન અંગેની અફવાઓ સામે લડવાની જરૂર હોવાનું પણ કહ્યું હતું અને ઉલ્લેખ કર્યો હતો કે, દેશ હવે અનલૉકના તબક્કામાં છે. આપણે હવે અનલૉકના બીજા તબક્કા અંગે વિચારવાની જરૂર છે અને આપણા લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય તે શક્યતાઓ પણ ચકાસવાની જરૂર છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે નોંધ્યું હતું કે નિયંત્રણો હળવા કરવાના કારણે આર્થિક કામગીરીના નિર્દેશકો પુનરુત્થાનના સંકેતો દર્શાવી રહ્યાં છે. ફુગાવાને પણ નિયંત્રણ હેઠળ રાખવામાં આવ્યો છે. તેમણે રાજ્યોને માળખાકીય અને બાંધકામ સંબંધિત કાર્યો ઝડપી બનાવવા પગલાં ભરવા અપીલ કરી હતી. તેમણે MSME, ખેતી અને કૃષિ માર્કેટિંગને ગતિ પૂરી પાડવા આત્મનિર્ભર ભારત અંતર્ગત લેવામાં આવેલા પગલાં સૂચિબદ્ધ કર્યા હતાં. તેમણે આગામી મહિનાઓમાં વિસ્થાપિત શ્રમિકોને પડનારી મુશ્કેલીઓનો અસરકારક રીતે સામનો કરવા સાવધાન રહેવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.
ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ વાઇરસ સામેની આપણી લડાઇ અત્યાર સુધી ખૂબ જ સફળ પુરવાર થઇ છે, પરંતુ આ લડાઇ હજુ સુધી પૂરી થઇ નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણે અનલૉક કરવાનું શરૂ કર્યુ હોવાથી આપણે જાગૃત રહેવાની ખૂબ જ જરૂર છે. તેમણે મુખ્યમંત્રીઓને વ્યક્તિના રક્ષણ માટે ઢાળ તરીકે કામ કરતી આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા લોકોને પ્રોત્સાહન પૂરું પાડવા વિનંતી કરી હતી.
આરોગ્ય મંત્રાલયના OSDએ લૉકડાઉનના તબક્કાઓ દરમિયાન અને ત્યારપછી અનલૉક 1.0માં પણ કેસના વૃદ્ધિ દરમાં થઇ રહેલા સતત ઘટાડાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મોટી સંખ્યામાં નિવારવામાં આવેલા કેસો અને લોકોના જીવનનું રક્ષણ, જાગૃતિનો ફેલાવો અને આરોગ્ય માળખામાં થયેલા સુધારા સહિત લૉકડાઉનના કારણે પ્રાપ્ત થયેલા સકારાત્મક પરિણામો અંગે જાણકારી આપી હતી. તેમણે વધુમાં માહિતી આપી હતી કે ભારતનો સમાવેશ તેવા દેશોમાં થાય છે જેની પ્રતિ લાખ દીઠ વસ્તીએ કેસોની સંખ્યા અને મૃત્યુ વિશ્વમાં સૌથી ઓછો છે.
GP/DS
(Release ID: 1632183)
Visitor Counter : 333
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam