પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અનલૉક 1.0 બાદ ઉભરી રહેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કર્યો


આપણે જીવન અને આજીવિકા બંને ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ; આરોગ્ય માળખું સુધારવું જોઇએ, પરીક્ષણ અને તપાસની સાથે સાથે આર્થિક પ્રવૃતિઓ વધારવી જોઇએઃ પ્રધાનમંત્રી

આપણે દરેક અને પ્રત્યેક જીવન બચાવવાનો પ્રયત્ન કર્યો છે; દેશમાં દર્દીઓ સાજા થવાનો દર હવે 50%થી વધારે છેઃ પ્રધાનમંત્રી

ભારતનો સમાવેશ તેવા દેશોમાં થાય છે, જ્યાં કોરોના વાયરસના કારણે સૌથી ઓછા મૃત્યુ નીપજ્યાં છેઃ પ્રધાનમંત્રી

પોતાની, પરિવારની અને સમુદાયની સલામતી માટે, એકપણ વ્યક્તિએ માસ્ક અથવા ચહેરો ઢાંક્યા વગર ઘરની બહાર નીકળવાનું વિચારવું પણ ન જોઇએઃ પ્રધાનમંત્રી

તાજેતરના પ્રયત્નોના કારણે, અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા લેવાયેલા પગલાંઓ હવે દૃશ્યમાન બન્યાં છે, જે આપણને મજબૂતપણે આગળ વધવા પ્રોત્સાહિત કરી રહ્યાં છેઃ પ્રધાનમંત્રી

મુખ્યમંત્રીઓએ રાજ્યમાં પ્રવર્તી રહેલી પાયાની પરિસ્થિતિ અંગે પ્રતિભાવો પૂરા પાડ્યાં, પ્રવર્તમાન આરોગ્ય માળખાં અને તેમાં વધારો કરવા લેવાયેલા પગલાં અંગે જાણકારી આપી

Posted On: 16 JUN 2020 5:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અનલૉક 1.0 બાદ ઉભરી રહેલી પરિસ્થિતિ અને કોવિડ-19 મહામારી ઉપર નિયંત્રણ મેળવવા આગામી આયોજન અંગે ચર્ચા કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મુખ્યમંત્રીઓ સાથે સંવાદ યોજ્યો હતો. પ્રધાનમંત્રીનો મુખ્યમંત્રીઓ સાથે છઠ્ઠો સંવાદ હતો, પહેલા 20મી માર્ચ, 2જી એપ્રિલ, 11મી એપ્રિલ, 27મી એપ્રિલ અને 11મી મેના રોજ સંવાદ યોજાયો હતો.

વાયરસ સામે લડવા માટે સમયસર નિર્ણયો

પ્રધાનમંત્રીએ અવલોકન કર્યુ હતું કે, મહામારીનો સામનો કરવા માટે લેવામાં આવેલા સમયસર નિર્ણયો દેશમાં તેનો ફેલાવો રોકવા માટે અસરકારક પૂરવાર થયા છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે આપણે પાછળ વળીને જોઇશું ત્યારે લોકો યાદ કરશે કે આપણે વિશ્વ સમક્ષ સહકારી સમવાયતંત્રનું ઉદાહરણ રજૂ કર્યુ હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણે દરેક અને પ્રત્યેક વ્યક્તિનું જીવન બચાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પરિવહનના તમામ વિકલ્પો અત્યારે ખુલ્લાં છે, લાખો સ્થળાંતરિત શ્રમિકો તેમના ગામડાઓમાં પરત ફર્યા છે, હજારો ભારતીયો વિદેશમાંથી પરત ફર્યા છે અને ભારત વિશાળ વસ્તી ધરાવતો દેશ હોવા છતા કોરોના વાયરસ જે રીતે વિશ્વના બાકીના દેશોમાં જીવલેણ પુરવાર થયો છે તે રીતે આપણાં દેશમાં જીવલેણ સ્વરૂપ ધારણ કર્યુ નથી. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વભરના આરોગ્ય નિષ્ણાતો ભારતીયોએ દર્શાવેલી શિસ્તતાના વખાણ કરી રહ્યાં છે, તેમણે ઉમેર્યુ હતું કે દેશમાં સાજા થવાનો દર અત્યારે 50% કરતાં પણ વધારે છે. તેમણે નોંધ્યું હતું કે ભારતનો સમાવેશ તેવા રાષ્ટ્રોમાં થાય છે જ્યાં કોરોના વાયરસના કારણે સૌથી ઓછા મૃત્યું નોંધાયાં છે. પ્રધાનમંત્રી ઉલ્લેખ કર્યો હતો કે સૌથી મોટો શીખવા મળેલો પદાર્થપાઠ છે કે જો આપણે શિસ્તબદ્ધ રહીએ અને તમામ નિયમોનું પાલન કરીએ તો કોરોના વાયરસના કારણે ઓછામાં ઓછુ નુકસાન સર્જાશે. તેમણે માસ્કના ઉપયોગ/ચહેરો ઢાંકવાના મહત્ત્વ ઉપર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે તેના વગર એકપણ વ્યક્તિએ ઘરની બહાર પગ મુકવો જોઇએ નહીં. માત્ર જે-તે સંબંધિત વ્યક્તિ માટે મહત્ત્વપૂર્ણ નથી પરંતુ તેમના પરિવાર અને સમુદાય માટે પણ મહત્ત્વપૂર્ણ છે. તેમણે 'દો ગજ દૂરી'નો મંત્ર  અનુસરવા, સાબુ દ્વારા હાથ ધોવા અને સેનેટાઇઝરના ઉપયોગ અંગે પણ વાત કરી હતી. તેમણે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે શિસ્તતામાં કોઇપણ પ્રકારની બાંધછોડ આપણી વાયરસ સામેની લડાઇને નબળી બનાવશે.

અર્થતંત્રમાં નવા પ્રાણનો સંચાર

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન લેવાયેલા પ્રયત્નોના કારણે આર્થિક ગતિવિધીઓમાં થઇ રહેલો વધારો હવે જોવા મળી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વધેલી આર્થિક પ્રવૃતિઓમાં ઉર્જાના વપરાશમાં થયેલો વધારો જે અગાઉ ઘટી રહ્યો હતો, વર્ષે મે મહિનામાં ખાતરના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, ગત વર્ષની સરખામણીમાં ખરીફ વાવણીમાં મજબૂત વધારો જોવા મળી રહ્યો છે, દ્રીચક્રી વાહનોનું ઉત્પાદન વધી રહ્યું છે, છૂટક ક્ષેત્રમાં ડિજિટલ ચૂકવણી લૉકડાઉન પહેલાની સ્થિતિએ પહોંચી રહી છે, મે મહિનામાં ટોલ ફીની વસૂલાતમાં વધારો થયો છે અને નિકાસમાં ફરી વધારો નોંધાવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. સંકેતો આપણને મજબૂત રીતે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે.

આત્મનિર્ભર ભારત અભિયાનના લાભો

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભાગ લઇ રહેલા રાજ્યોમાં કૃષિ, બાગાયત, મસ્ત્ય અને MSMEsનું નોંધપાત્ર મહત્ત્વ રહેલું છે, જેના માટે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જોગવાઇઓ કરવામાં આવી છે. MSMEsને સમયસર પૂરી પાડવામાં આવેલી જોગવાઇઓ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જો બેન્કર્સ સમિતિઓ દ્વારા ઉદ્યોગોને ઋણનું ઝડપી વિતરણ સુનિશ્ચિત કરવામાં આવે તો ઉદ્યોગો ઝડપથી કામગીરી શરૂ કરવા માટે સક્ષમ બનશે, જે રોજગારીની તકોનું સર્જન પણ સુનિશ્ચિત કરશે. તેમણે જણાવ્યું હતું કે નાના કારખાનાઓને માર્ગદર્શન આપવાની અને તેમનો હાથ પકડવાની જરૂર છે. તેમણે વેપાર અને ઉદ્યોગ ગતિ પૂરી પાડવા મૂલ્ય શ્રૃંખલા ઉપર ભેગા મળીને કામ કરવાના મહત્ત્વનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં વિશિષ્ટ આર્થિક પ્રવૃતિ કેન્દ્રો 24 કલાક કામ કરવા જોઇએ અને આર્થિક પ્રવૃતિઓને વધુ ગતિ પૂરી પાડવા માટે માલ ચઢાવવા અને ઉતારવાની કામગીરી ઝડપી બનાવવી જોઇએ.

પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રમાં થયેલા સુધારાના કારણે ખેડૂતોને પહોંચેલા લાભોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમાં કૃષિ ઉત્પાદના વેચાણ માટે પેદા થયેલા નવા અવસરો અને ખેડૂતોની આવકમાં થયેલો વધારોનો સમાવેશ થાય છે જેના કારણે અર્થતંત્રમાં માંગમાં વધારો થશે. તેમણે જણાવ્યું હતું કે જૈવિક ઉત્પાદનો, વાંસની બનાવટો અને અન્ય આદિવાસી પેદાશો માટે નવા બજારો ખુલવાની સાથે કૃષિ અને બાગાયતના ક્ષેત્રોમાં ઉતર-પૂર્વ અને આદિવાસી પ્રદેશોમાં નવી તકોનું સર્જન કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક પેદાશો માટે સમૂહ આધારિત અભિગમના કારણે રાજ્યોને પણ ફાયદો થશે. તેમણે ઉમેર્યુ હતુ કે વધુ સારી પ્રક્રિયા અને વધારે અસરકારક માર્કેટિંગ માટે દરેક એકમ અને જિલ્લા સ્તરે આવી પેદાશોની ઓળખ કરવી જોઇએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કરવામાં આવેલી જાહેરાતો વહેલામાં વહેલી તકે લાભાન્વિત પુરવાર થાય તે માટે એકબીજાની સાથે મળીને કામગીરી કરવાની જરૂર છે.

મુખ્યમંત્રીઓએ જણાવેલી વાતો

આજનો વાર્તાલાપ દ્રી-માર્ગીય સંવાદનો પ્રથમ ભાગ હતો અને તેમાં પંજાબ, આસામ, કેરળ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, હોવા, મણીપૂર, નાગાલેન્ડ, લદાખ, પુડુચેરી, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, આંદામન અને નિકોબાર ટાપુ, દાદરા નગર હવેલી અને દમણ દીવ, સિક્કિમ અને લક્ષદ્વીપ સહિતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો.

મુખ્યમંત્રીઓએ પડકારજનક સમયમાં નેતૃત્વ પૂરું પાડવા બદલ અને વાયરસ સામે સામૂહિક લડાઇ માટે દેશને એકજૂથ કરવા માટે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના રાજ્યોમાં પ્રવર્તમાન આરોગ્ય માળખા અંગે અને વાયરસના પ્રભાવનો સામનો કરવા માટે તેમાં કરવામાં આવી રહેલી વૃદ્ધિના પ્રયત્નો માટે પ્રતિભાવો પૂરા પાડ્યાં હતા. તેમણે પોતાના રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા જાગૃતિ અભિયાનો, પોતાના વતનમાં પરત ફરેલા કામદારોને પૂરી પાડવામાં આવી રહેલી મદદ, આરોગ્ય સેતુ એપના ઉપયોગ અને રાજ્યમાં આર્થિક પ્રવૃતિઓ શરૂ કરવા અંગે ઉલ્લેખ કર્યો હતો.

જીવન અને આજીવિકા બંને ઉપર ધ્યાન આપવું

પ્રધાનમંત્રીએ પોતાના મંતવ્ય વ્યક્ત કરવા બદલ મુખ્યમંત્રીઓનો આભાર માન્યો હતો. તેમણે જીવન અને આજીવિકા બંને ઉપર આપવામાં આવી રહેલા ધ્યાન ઉપર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એકતરફ પરીક્ષણ અને તપાસ સાથે આરોગ્ય માળખામાં વૃદ્ધિ કરવાની જરૂર પડશે, ત્યારે બીજી તરફ આર્થિક ગતિવિધીઓ પણ વધારવાની જરૂરિયાત ઊભી થશે. અંગે વર્તમાન જરૂરિયાતો અને ભવિષ્યની જરૂરિયાતો બંનેને નજર સમક્ષ રાખીને નિર્ણયો લેવાની જરૂર પડશે.

તેમણે તમામ મુખ્યમંત્રીઓને વાયરસનુ જોખમ હજુ પણ સમાપ્ત થયુ નથી અને આર્થિક ગતિવિધીઓ ખોલવા અંગે સાવધાની રાખવાની જરૂરિયાત સતત ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાનો આગ્રહ કર્યો હતો.

ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે એક તરફ જ્યારે મહામારી સામેની લડાઇ અત્યાર સુધી સફળતાપૂર્વક લડવામાં આવી છે ત્યારે હજુ પણ ઘણી લાંબી સફર કાપવાની બાકી છે. તેમણે માસ્ક/ચહેરો ઢાંકવાના ઉપયોગ અંગે અને 'દો ગજ દૂરી' જાળવવા વગેરે અંગે પ્રધાનમંત્રીએ આપેલા સૂચનો અનુસરવાનો આગ્રહ કર્યો હતો.

તૈયારીઓની વહેલી સમીક્ષા

પ્રધાનમંત્રીએ ભારતમાં કોવિડ-19 મહામારી સામે પ્રતિક્રિયા બાબતે સમીક્ષા કરવા માટે 13 જૂનના રોજ વરિષ્ઠ મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં રાષ્ટ્રીય સ્તરની સ્થિતિ અને મહામારીના સંદર્ભ દેશભરમાં પૂર્વતૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં એવું ધ્યાનમાં આવ્યું હતું કે, દેશમાં નોંધાયેલા કુલ કેસોમાંથી બે તૃત્યાંશ કેસો તો માત્ર 5 રાજ્યોમાં છે જે મોટા શહેરોમાં કેસોની સંખ્યાનો બહુ મોટો વધારો દર્શાવે છે. ખાસ કરીને મોટા શહેરોમાં જે પડકારો ઉભા થઇ રહ્યા છે તેને ધ્યાનમાં રાખતા, પરીક્ષણની સંખ્યા વધારવાનો તેમજ બેડની સંખ્યા વધારવાનો અને સેવાઓમાં અસરકારક રીતે વૃદ્ધિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી દૈનિક ધોરણે કેસની સંખ્યામાં થઇ રહેલી વૃદ્ધિને અંકુશમાં લઇ શકાય.

પ્રધાનમંત્રીએ શહેરો માટે ગઠન કરવામાં આવેલા અધિકાર પ્રાપ્ત સમૂહની ભલામણોને ધ્યાનમાં લીધી હતી અને જિલ્લા સ્તરે હોસ્પિટલોમાં ભવિષ્યમાં જરૂર પડવાની હોય તેવી બેડ/ આઇસોલેશન બેડની જરૂરિયાતને ધ્યાનમાં લીધી હતી તેમજ આરોગ્ય અધિકારીઓને સૂચનાઓ આપી હતી કે, તેઓ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે વિચારવિમર્શ કરીને તાત્કાલિક ધોરણે આનું આયોજન કરે. તેમણે એવી પણ સલાહ આપી હતી કે, ચોમાસાની મોસમ શરૂ થઇ રહી હોવાથી તેને ધ્યાનમાં રાખીને મંત્રાલય દ્વારા બધી તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવે.

 

 

 

GP/DS



(Release ID: 1631975) Visitor Counter : 314