ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-19ની સ્થિતિ અંગે સર્વપક્ષીય સમીક્ષા બેઠક યોજાઇ


શ્રી અમિત શાહે તમામ પક્ષોને વિનંતી કરી કે, તેઓ પક્ષોના મતભેદો ભુલીને લોકોના હિતમાં આગળ આવે

આપણે સૌએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ મહામારી સામે લડવાનું છે - કેન્દ્રીય ગૃહમંત્રી

રાજકીય એકતા લોકોમાં આત્મવિશ્વાસ જગાવશે અને તેનાથી દેશની રાજધાનીમાં આ મહામારી સામેની પરિસ્થિતિમાં સુધારો આવશે

હું તમામ પક્ષોના કાર્યકરોને અપીલ કરું છું કે, દિલ્હીના રહેવાસીઓના હિતમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો પાયાના સ્તરે શબ્દશઃ અમલ થાય તે સુનિશ્ચિત કરવામાં મદદ કરે: કેન્દ્રીય ગૃહમંત્રી

આપણે નવી ટેકનિકોની મદદથી કોવિડ-19ના પરીક્ષણની ક્ષમતામાં વધારો કરવાનો છે - શ્રી અમિત શાહ

Posted On: 15 JUN 2020 4:08PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે ભારત  સરકાર જરૂર હોય તેવા તમામ પગલાં લેશે. રાષ્ટ્રીય રાજધાનીમાં ચિંતાજનક રીતે ફેલાઇ રહેલા કોવિડ-19ના કારણે દિલ્હીમાં શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે, આપણે સૌએ કોરોના મહામારી સામે લડવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એકજૂથ થઇને ઉભા રહેવું પડશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ સર્વપક્ષીય બેઠકમાં ગઇકાલે તેમના દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં લેવાયેલા તમામ મુખ્ય નિર્ણયો અંગે માહિતી આપી હતી અને તમામ પક્ષોને વિનંતી કરી હતી કે, દિલ્હીના લોકોના હિતમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો પાયાના સ્તરે અમલ થાય તે સુનિશ્ચિત કરવા માટે બધા સહકાર આપે. શ્રી શાહે, પક્ષોને આહ્વાન કર્યું હતું કે, તેઓ તેમના પક્ષોના કાર્યકરોને કામે લગાડીને દિલ્હીના લોકો માટે કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો અમલ કરવામાં મદદરૂપ થાય. શ્રી અમિત શાહે તમામ પક્ષોને અપીલ કરી હતી કે, તેઓ અત્યારે પક્ષોના મતભેદો ભુલીને લોકોના હિતમાં આગળ આવે. તેમણે કહ્યું હતું કે, રાજકીય એકતાથી લોકોમાં આત્મવિશ્વાસ જાગશે અને તેના કારણે દેશની રાજધાનીમાં કોવિડ-19 મહામારીની સ્થિતિમાં સુધારો લાવી શકાશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આપણે નવી ટેકનિકોની મદદથી કોવિડ-19ના પરીક્ષણોની ક્ષમતામાં વધારો કરવાનો છે. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે એકજૂથ થઇને મહામારીમાંથી બહાર આવીશું અને તેની સામેની લડાઇ જીતી શકીશું.

બેઠકમાં આમ આદમી પાર્ટીના શ્રી સંજયસિંહ, દિલ્હીના ભાજપના રાજ્યના અધ્યક્ષ શ્રી આદેશ ગુપ્તા, કોંગ્રેસ પક્ષના રાજ્યના અધ્યક્ષ શ્રી અનિલ ચૌધરી અને બસપાના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત નેતાઓએ કોવિડ-19 સામે લડવા સંબંધિત પોતાના પ્રસ્તાવો બેઠકમાં રજૂ કર્યા હતા અને કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર તેમજ દિલ્હીની ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનને મહામારી સામે લડવામાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ગઇકાલે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિલ્હીમાં ચેપનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. નિર્ણયોમાં- કોવિડ-19ના દર્દીઓને રાખવા માટે 8000 બેડની ક્ષમતા વધારવા માટે દિલ્હી સરકારને 500 રૂપાંતરિત રેલવે કોચની ફાળવણી કરવી, કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સંપર્કોનું મેપિંગ કરવા માટે ઘરે ઘરે જઇને સર્વેક્ષણ હાથ ધરવું અને આગામી બે દિવસમાં કોવિડ-19ના પરીક્ષણોની સંખ્યા બમણી કરવી તેમજ આગામી દિવસમાં વધારીને ત્રણ ગણી કરવી વગેરે નિર્ણયો પણ સામેલ છે. બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ખાનગી હોસ્પિટલોમાં કોરોના બેડમાંથી 60 ટકા બેડ ઓછા દરે ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરાવવા અને કોરોનાના પરીક્ષણ તેમજ સારવાર માટે ભાવ નિર્ધારિત કરવા માટે, નીતિ આયોગના ડૉ. વી.કે. પૌલની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે જે ખાનગી હોસ્પિટલોમાં માર્ગદર્શિકાઓના પાલન પર ધ્યાન આપશે અને ટેલીફોનિક માર્ગદર્શન માટે દિલ્હીની એઇમ્સ અંતર્ગત કોવિડ-19 હેલ્પલાઇન શરૂ કરવા પર પણ ધ્યાન આપશે.

 

GP/DS



(Release ID: 1631687) Visitor Counter : 280