PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
08 JUN 2020 6:18PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Date: 08.06.2020

Released at 1900 Hrs
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ; આરોગ્ય સચિવે મોટી સંખ્યામાં કોવિડ-19ના કેસ વધી રહ્યા હોય તેવા પસંદગીના જિલ્લાના DM, મ્યુનિસિપલ કમિશનર, મુખ્ય તબીબી અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો

કેન્દ્રીય આરોગ્ય સચિવ સુશ્રી પ્રિતિ સુદાને દેશમાં જ્યાં કોવિડ-19ના કેસોની સંખ્યામાં ખૂબ વધારો થઇ રહ્યા છે તેવા 10 રાજ્યોના 38 જિલ્લામાં આવેલી 45 મ્યુનિસિપાલિટી/ મ્યુનિસિપલ કોર્પોરેશનના જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો, મુખ્ય તબીબી અધિકારીઓ, જિલ્લા હોસ્પિટલોના સુપરિન્ટેન્ડેન્ટ્સ અને મેડિકલ કોલેજોના પ્રિન્સિપાલ સાથે આજે સમીક્ષા બેઠક યોજી હતી. જે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ જિલ્લાઓ આવેલા છે તેની વિગતો આ પ્રમાણે છે: મહારાષ્ટ્ર, તેલંગાણા, તામિલનાડુ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ. આ બેઠકમાં ચર્ચા થયેલા મુખ્ય મુદ્દામાં- સાર્વજનિક સુવિધાઓ ધરાવતા શહેરી ગીચ વિસ્તારોમાં વાયરસનો મોટાપાયે ફેલાવો; ઘરે ઘરે જઇને સર્વે હાથ ધરવાનું મહત્વ; કેસોનું તાત્કાલિક પરીક્ષણ અને તે પછી તાત્કાલિક આઇસોલેશન અને તબીબી વ્યવસ્થાપન અને કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિનું અમલીકરણ વગેરે હતા.
જે બાબતો પર સૌથી વધુ અને એકધારું ધ્યાન આપવાની જરૂર છે જેમાં કેસો સમયસર શોધી કાઢવા માટે ઘરે ઘરે જઇને સર્વે કરવો; સર્વેની ટીમોમાં વૃદ્ધિ કરવી; પૂરતા પ્રમાણમાં એમ્બ્યુલન્સ વ્યવસ્થાપન; હોસ્પિટલમાં દર્દીઓને અસરકારક રીતે પ્રાથમિકતા અને બેડ વ્યવસ્થાપન; હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કેસનું વ્યવહારુ 24*7 ધોરણે ઉપલબ્ધ ટીમોની મદદથી તબીબી વ્યવસ્થાપન જેથી મૃત્યુદરમાં ઘટાડો કરી શકાય વગેરે છે. તમામ લોકોને એવી પણ સલાહ આપવામાં આવી હતી કે, લેબોરેટરીમાંથી સમયસર પરીક્ષણના પરિણામો પાછા આવે તે સુનિશ્ચિત કરવામાં આવે જેથી પોઝિટીવ દર્દીની વહેલી ઓળખ થાય અને સમયસર સારવાર મળી રહે. દેશમાં અત્યાર સુધીમાં 1,24,430 દર્દીઓ કોવિડ-19થી સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 5,137 દર્દીઓ આ બીમારીથી સાજા થયા છે. આ સાથે દેશમાં દર્દીઓ સાજા થવાનો દર 48.49% નોંધાયો છે. હાલમાં દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા 1,24,981 છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1630201
લૉકડાઉન દરમિયાન 3965 રેલવે રેકની મદદથી અંદાજે 111.02 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્ન ઉપાડવામાં આવ્યું
24 માર્ચ 2020ના રોજ દેશવ્યાપી લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં દેશમાં 3965 રેલવે રેકની મદદથી અંદાજે 111.02 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનો જથ્થો ઉપાડવામાં આવ્યો છે. રેલવે રૂટ ઉપરાંત, જમીનમાર્ગ અને જળમાર્ગ દ્વારા પણ ખાદ્યાન્નનું પરિવહન કરવામાં આવ્યું છે. કુલ 234.51 લાખ મેટ્રિક ટન જથ્થાનું પરિવહન કરવામાં આવ્યું છે. 13 જહાજ દ્વારા 15,500 મેટ્રિક ટન અનાજનું પરિવહન કરવામાં આવ્યું છે. કુલ 11.30 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનો જથ્થો પૂર્વોત્તરના રાજ્યોમાં પહોંચાડવામાં આવ્યો છે. આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત ભારત સરકારે NFSA અથવા રાજ્ય સરકારની યોજના PDS કાર્ડ હેઠળ ના આવતા હોય તેવા 8 કરોડ વિસ્થાપિત શ્રમિકો, ફસાયેલા લોકો અને જરૂરિયાતમંદ પરિવારોને 8 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનો જથ્થો પૂરો પાડવાનો નિર્ણય લીધો છે. તમામ વિસ્થાપિત શ્રમિકોને મે અને જૂન મહિના માટે વ્યક્તિ દીઠ દર મહિને 5 કિલો ખાદ્યાન્નનું વિનામૂલ્યો વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ 4.42 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનો જથ્થો અત્યાર સુધીમાં ઉપાડ્યો છે અને 20.26 લાખ લાભાર્થીઓને 10,131 મેટ્રિક ટન ખાદ્યાન્નનું વિતરણ પણ કરી દીધું છે. ભારત સરકારે 1.96 કરોડ વિસ્થાપિત શ્રમિક પરિવારો માટે 39,000 મેટ્રિક ટન દાળ આપવાની પણ મંજૂરી આપી દીધી છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630075
ભારતીય નૌસેનાએ “સમુદ્ર સેતુ” ઓપરેશન અંતર્ગત ઇરાનમાંથી ભારતીયોને પરત લાવવાની કામગીરી શરૂ કરી
ભારતીય નૌસેના દ્વારા વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે 08 મે 2020ના રોજ ઓપરેશન સમુદ્ર સેતુ શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય નૌસેનાના જહાજ જલશ્વ અને મગર દ્વારા અત્યાર સુધીમાં માલદીવ્સ અને શ્રીલંકામાંથી 2874 લોકોને ભારતમાં કોચી અને ટુટીકોરીન બંદર પર લાવવામાં આવ્યા છે. સમુદ્ર સેતુ ઓપરેશનના તે પછીના તબક્કામાં, ભારતીય નૌસેનું જહાજ શાર્દુલ 08 જૂન 2020થી ઇરાનના બંદર અબ્બાસ પરથી ભારતીયોને લઇને ગુજરાતના પોરબંદર ખાતે લાવવાની કામગીરી શરૂ કરશે. ઇસ્લામિક પ્રજાસત્તાક રાષ્ટ્ર ઇરાનમાં સ્થિત ભારતીય મિશન દ્વારા સ્વદેશ લાવવાના હોય તેવા ભારતીયોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને તેમની તબીબી તપાસ કર્યા પછી જહાજમાં બેસવાની સુવિધા પૂરી પાડવામાં આવશે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630180
મિશન સાગર – INS કેસરી સેશેલ્સના વિક્ટોરિયા બંદરે પહોંચ્યું
મિશન સાગરના ભાગરૂપે, ભારતીય નૌસેનાનું જહાજ કેસરી 07 જૂન 2020ના રોજ સેશેલ્સના વિક્ટોરિયા બંદરે પહોંચ્યું હતું. ભારત સરકાર મુશ્કેલીના આ સમયમાં મિત્ર રાષ્ટ્રોને કોવિડ-19 મહામારી સામે લડવા માટે શક્ય હોય તેવી મદદ કરી રહી છે અને તેના અનુસંધાનમાં INS કેસરીમાં સેશેલ્સના લોકો માટે કોવિડ-19 સંબંધિત આવશ્યક દવાઓનો જથ્થો ત્યાં મોકલવામાં આવ્યો છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630101
ઓપરેશન સમુદ્ર સેતુ – માલદીવ્સથી 700 ભારતીય નાગરિકોને લઇને રવાના થયેલું INS જલશ્વ ટુટીકોરિન બંદરે આવી પહોંચ્યું
“ઓપરેશન સમુદ્ર સેતુ” અંતર્ગત ભારતીય નૌસેના દ્વારા તૈનાત કરવામાં આવેલું જહાજ માલદીવ્સના માલે ખાતેથી 700 ભારતીય નાગરિકોને લઇને રવાના થયું હતું તે 07 જૂન 2020ના રોજ ભારતના ટુટીકોરિન બંદર પર આવી પહોંચ્યું હતું. આમ, INS જલશ્વ દ્વારા વંદે ભારત મિશનના ભાગરૂપે અત્યાર સુધીમાં માલદીવ્સ અને શ્રીલંકામાંથી કુલ 2672 ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવામાં આવ્યા છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630084
કોવિડ-19ને કેન્દ્રમાં રાખીને DST દ્વારા આરોગ્ય અને જોખમ કમ્યુનિકેશન કાર્યક્રમ પર માહિતી પત્રિકા બહાર પાડવામાં આવી
વિજ્ઞાન અને ટેકનોલોજી (DST)ના રાષ્ટ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી કમ્યુનિકેશન પરિષદ (NCSTC) દ્વારા કોવિડ-19ને કેન્દ્રમાં રાખીને આરોગ્ય અને જોખમ કમ્યુનિકેશન વિજ્ઞાન અને આરોગ્ય પર જાગૃતિનું વર્ષ (YASH) માહિતી પત્રિકા બહાર પાડવામાં આવી છે. આ માહિતી પત્રિકામાં રોગની ઉત્પત્તિ અને ખાસ કરીને કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા જોખમ, કટોકટી, આપત્તિ તેમજ અનિશ્ચિતતા જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે દેશમાં આવા મોટા કાર્યક્રમની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં મુખ્યત્વે વર્તમાન અને ભાવિ પડકારોમાંથી બહાર આવવા માટે વિજ્ઞાન અને આરોગ્ય માટે બહેતર પૂર્વતૈયારીઓ કરવામાં જાહેર સમજણ અને લોકોની જાગૃતિ વધારવા પર ધ્યાન આપવામાં આવ્યું છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630192
ભારતીય વાયુસેનાએ એરબોર્ન રેસ્ક્યૂ પોડ ફોર આઇસોલેટેડ ટ્રાન્સપોર્ટેશન (ARPIT)ની ડિઝાઇન તૈયાર કરી તેને વિકસાવ્યું
ભારતીય વાયુસેનાએ એરબોર્ન રેસ્ક્યૂ પોડ ફોર આઇસોલેટેડ ટ્રાન્સપોર્ટેશન (ARPIT)ની ડિઝાઇન તૈયાર કરી તેને વિકસાવ્યું છે. આ એવો પોડ છે જેનો ઉપયોગ, ખૂબ ઊંચાઇએ, અંતરિયાળ, છુટા છવાયા અને છેવાડાના સ્થળોમાં કોવિડ-19 સહિત વિવિધ ચેપી બીમારીઓથી પીડાતા ગંભીર દર્દીઓને બહાર લાવવા માટે થશે. કોવિડ-19ને જ્યારે મહામારી જાહેર કરવામાં આવી છે ત્યારે, હવાઇમુસાફરી દરમિયાન કોવિડ-19ના દર્દીઓમાંથી નીકળેલા ચેપી એરોસોલનો ફેલાવો રોકવા માટે હવાઇમાર્ગે નિષ્કાસન માટે કોઇ સિસ્ટમની જરૂર હોવાનું IAFને લાગ્યું હતું. આ સિસ્ટમનું પ્રથમ પ્રોટોટાઇપ 3 BRD AF ખાતે તૈયાર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમાં વિવિધ સુધારા કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “આત્મનિર્ભર ભારત” અભિયાનના આહ્વાનના સમર્થનમાં, આ પોડ તૈયાર કરવા માટે માત્ર સ્વદેશી બનાવટની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્વદેશી બનાવટની સિસ્ટમ માત્ર સાઇઠ હજાર રૂપિયામાં જ તૈયાર કરવામાં આવી છે જે વિદેશમાંથી આયાત કરવામાં આવતી રૂપિયા 6 લાખની સિસ્ટમની સરખામણીએ ખૂબ જ સસ્તી છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630227
કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં લેવા માટે 3D એન્ટીમાઇક્રોબાયલ ફેસ શિલ્ડનું મોટાપાયે ઔદ્યોગિક ગ્રેડમાં ઉત્પાદન કરવા માટે અને વ્યાપારીધોરણે તેને તૈયાર કરવા માટે NIPER ગુવાહાટી અને હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સ લિમિટેડ વચ્ચે સમજૂતી કરાર થયો
કાર્માસ્યુટિકલ્સ વિભાગ અંતર્ગત આવતી રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ શિક્ષણ અને સંશોધન સંસ્થા (NIPER)- ગુવાહાટી પ્રાણઘાતક કોવિડ-19નું સંક્રમણ થતું અટકાવવા માટે વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણો (PPE)ના રૂપમાં ઉપયોગી યોગદાન અને ઉકેલ આપવા માટે કટિબદ્ધ છે. આ સંસ્થાએ પૂણેના પીમ્પરી ખાતે આવેલા હિન્દુસ્તાન એન્ટીબાયોટિક લિમિટેડ (HAL – ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અંતર્ગત PSU) સાથે સમજૂતી કરાર કર્યો છે. કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં લેવા માટે 3D એન્ટીમાઇક્રોબાયલ ફેસ શિલ્ડનું મોટાપાયે ઔદ્યોગિક ગ્રેડમાં ઉત્પાદન કરવા માટે અને વ્યાપારીધોરણે તેને તૈયાર કરવા માટે આ કરાર કરવામાં આવ્યો છે. NIPER- ગુવાહાટીએ નવી દિલ્હીમાં આવેલી ઇન્ડિયન પેન્ટન્ટ કચેરી ખાતે, તેમના 3D એન્ટીમાઇક્રોબાયલ ફેસ શિલ્ડ માટે ઇન્ડિયન ડિઝાઇન પેટન્ટ અને પ્રોવિઝનલ પેટન્ટ લેવાની અરજી કરી છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630215
પર્યટન મંત્રાલયે દેખો અપના દેશ શ્રેણી અંતર્ગત 29મા વેબિનાર દ્વારા મધ્યપ્રદેશના અદભૂત વન્યજીવને દર્શાવતી વર્ચ્યુઅલ સફારી રજૂ કરી
આ વેબિનારમાં દુનિયામાં સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતા હોટસ્પોટમાંથી એક ગણાતા મધ્યપ્રદેશ રાજ્યના વન્યજીવોની અદભૂત વર્ચ્યુઅલ સફારી રજૂ કરવામાં આવી છે. આ રાજ્યને અતુલ્ય ભારતના દિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોવિડ-19ના કારણે પર્યટન ક્ષેત્ર પર થયેલી વિપરિત અસરોને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશ પર્યટન દ્વારા ભાડેથી કારવાં વાહનો શરૂ કરવાનો એક નવતર વિચાર રજૂ કરાયો છે જેમાં બેડ, રેફ્રીજરેટર અને અન્ય તમામ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેથી લોકોને હોટેલમાં રોકાવાની કોઇ જરૂર ના પડે અને આ વાહનોના ઉપયોગથી તેઓ સામાજિક અંતરના માંપદંડોનું પાલન કરીને પર્યટન માણી શકે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1630243
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- કેરળઃ આજે બપોરે ત્રિસુર મેડિકલ કોલેજમાં સારવાર લઇ રહેલી 43 વર્ષીય મહિલાનું મૃત્યુ નીપજતાં કેરળમાં કોવિડ-19ના કારણે 17મું મૃત્યુ નોંધાયું હતું. બીજી તરફ રાજ્યના આરોગ્ય મંત્રી કે. કે. શૈલજાએ જણાવ્યું હતું કે કોવિડ-19નો સમુદાય પ્રસાર થતો અટકાવવો સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ પ્રયાસોમાં લોકોનો સહકાર અને સરકારે આપેલી માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન અત્યંત આવશ્યક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે રાજ્યમાં સંપર્ક દ્વારા રોગનો ફેલાવો 10 અને 15 ટકાની વચ્ચે છે. કોઝિકોડે અને પથનામથિટ્ટામાં ક્વૉરેન્ટાઇનમાં રહેલા બે વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે. તેમના નમૂનાઓ કોવિડ પરીક્ષણ માટે લેવામાં આવ્યાં છે. દુબઇ પહોંચેલા એક કેરળવાસીનું વાયરસના કારણે UAEમાં મૃત્યુ નીપજ્યું છે. ગઇકાલે રાજ્યમાં કોવિડના કારણે એક મૃત્યુ અને 107 પોઝિટીવ કેસો નોંધાયાં હતાં. 1,095 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે.
- તામિલનાડુઃ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તામિલનાડુ સમગ્ર ભારતમાં સૌથી વધુ સાજા થવાનો દર અને સમગ્ર વિશ્વમાં સૌથી ઓછા મૃત્યુ ધરાવે છે. કોવિડ-19ના કેસો વધી રહ્યાં હોવાથી તામિલનાડુના મંદિરો બંધ રહેશે. રાજ્ય સરકારે ખાનગી ક્ષેત્ર માટે પરીક્ષણ ફી ઉપર રૂ. 3,000ની મહત્તમ મર્યાદા મૂકી છે. ઘરે મુલાકાત લઇને પરીક્ષણની સુવિધા બદલ રૂ. 500 વધારાનો દર ચૂકવવો પડશે. લેબોરેટરીની ગુણવતા તપાસવામાં આવશે. ચેન્નઇની આસપાસના ત્રણ જિલ્લાઓમાં ચેપ નિવારણની નવી રણનીતિમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સુક્ષ્મ-સંચાલનનો સમાવેશ થાય છે. તામિલનાડુમાંથી આશરે 70% કેસો એકલા ચેન્નઇમાંથી નોંધાય છે. ગઇકાલે કુલ 1,515 નવા કેસો નોંધાયાં હતાં, જ્યારે 604 લોકો સાજા થયા હતા અને 18 વ્યક્તિઓના મરણ નીપજ્યાં હતા. 1,155 કેસો ચેન્નઇમાંથી નોંધાયાં હતાં. કુલ કેસોની સંખ્યા 31,667 છે, જેમાંથી 14,396 કેસો સક્રિય છે અને 269 લોકોના મરણ નીપજ્યાં છે. 16,999 લોકોને રજા આપવામાં આવી છે. ચેન્નઇમાં 10,982 કેસો સક્રિય છે.
- કર્ણાટકઃ આજથી પ્રાર્થના માટે મંદિરો, મસ્જિદો અને ચર્ચ ખુલ્લા મુકવામાં આવ્યાં છે, પરંતુ સરકારે લોકોની ભીડ એકત્રિત થતી રોકવા માટે કડક માર્ગદર્શિકા બહાર પાડી છે. માર્કેટ, મૉલ અને હોટલ પણ ખોલવામાં આવ્યાં છે. આ દરમિયાન BBMPએ ઘરમાં ક્વૉરેન્ટાઇન થયેલા લોકો માટે SOP જાહેર કરી છે. તે અંતર્ગત ઘરમાં ક્વૉરેન્ટાઇન થયેલા લોકો ઉપર ખાસ નજર રાખવા 460 ટીમોની રચના કરાઇ છે. ગઇકાલે 239 નવા કેસો નોંધાયાં હતાં, 143 લોકોને રજા અપાઇ હતી અને બે વ્યક્તિઓના મરણ નીપજ્યાં હતા. કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 5,452 છે, સક્રિય કેસો 3,257 છે, 61 લોકોનાં મૃત્યુ થયા છે અને 2,132 લોકો સાજા થયા છે.
- આંધ્રપ્રદેશઃ તિરૂમાલા મંદિર કાયમી ધોરણે ખોલતાં પહેલા આશરે 80 દિવસોના અંતરાલ બાદ તેને ભક્તોના દર્શન પ્રાયોગિક ધોરણે ખોલવામાં આવ્યું હતું. ખરીફ ઋતુ માટે વાવણીનો લક્ષ્યાંક સામાન્ય પ્રતિ હેક્ટર 37.54 લાખ હેક્ટરની સામે 39.59 લાખ હેક્ટર નિર્ધારિત કરાયો છે. કૌશલ્ય ધરાવતાં વિસ્થાપિતોના વ્યાપક નિર્ગમનના કારણે પ્રભાવિત થયેલા ઔદ્યોગિક જરૂરિયાતોની ઓળખ અને જરૂરી કૌશલ્ય સમૂહો ધરાવતાં માનવબળની શોધ માટે જિલ્લાવાર 'કૌશલ્ય અંતર' માટે પૂર્વ-સર્વેક્ષણ પ્રક્રિયા જૂનના મધ્યમાં શરૂ કરવામાં આવશે. 14,246 નમૂનાઓના પરીક્ષણ બાદ છેલ્લા 24 કલાક દરમિયાન 125 નવા કેસો નોંધાયા હતા, 34 લોકોને રજા અપાઇ હતી અને એકપણ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું નથી. કુલ 3,843 કેસો નોંધાયા હતા, જેમાંથી 1,381 કેસો સક્રિય છે, 2,387 લોકો સાજા થયા છે અને 75 લોકોના મરણ નીપજ્યાં છે.
- તેલંગણાઃ આજથી ભક્તો માટે મંદિરોના દ્વાર ખોલવામાં આવ્યાં છે. સમગ્ર રાજ્યમાં મંદિરોમાં માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું છે. તેલંગણાના રાજ્યપાલ તમિલીસાઇ સૌંદારારાજને સોમવારે ફરજ અદા કરતી વખતે કોવિડ-19થી પ્રભાવિત થયેલા આરોગ્ય કર્મચારીઓને પોતાનું સમર્થન વ્યક્ત કરવા નિઝામ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સની મુલાકાત લીધી હતી. 7 જૂન સુધી કુલ 3,650 કેસો નોંધાયાં છે. આજ દિન સુધી 448 સ્થળાંતરિતો અને વિદેશથી પરત ફરેલા લોકોનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ નોંધાયો છે.
- મહારાષ્ટ્રઃ કોવિડ-19ના નવા 3,007 કેસો નોંધાતાં રાજ્યમાં પોઝિટીવ કેસોનો કુલ આંક 85,975 પર પહોંચી ગયો છે, જેમાંથી 43,591 કેસો સક્રિય છે. રાજ્યના હોટસ્પોટ મુંબઇમાં રવિવારે કોરોનાના નવા 1,421 કેસો નોંધાયા હતા, જેના કારણે શહેરમાં કુલ કેસોની સંખ્યા 48,549 પર પહોંચી ગઇ છે. મહારાષ્ટ્રમાં ખાનગી કચેરીઓએ પોતાની જરૂરિયાત મુજબ 10% ક્ષમતા સાથે તેમની કામગીરી શરૂ કરી છે, જ્યારે બાકીના લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે. લૉકડાઉન 5.0માં રાજ્ય સરકારે ચેપગ્રસ્ત અને બિન-ચેપગ્રસ્ત વિસ્તારો સ્પષ્ટપણે નિર્ધારણના આધારે લૉકડાઉનમાંથી તબક્કાવાર રાહતો આપવાની જાહેરાત કરી છે.
- ગુજરાતઃ કોવિડ-19ના નવા 480 કેસો નોંધાતાં રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 20,070 પર પહોંચી ગઇ છે, જેમાંથી 5,186 કેસો સક્રિય છે. છેલ્લા 24 કલાક દરમિયાન 30 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જે સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક 1,249 પર પહોંચી ગયો છે. આજે ગુજરાતમાં ભગવાન દ્વારકાધીશ અને શ્રી સોમનાથ મંદિર દર્શન માટે ખોલવામાં આવ્યાં હતા. જોકે, ભક્તોને ઉપલબ્ધ સ્લોટમાં ઑનલાઇન બૂકિંગ કરાવીને 12મી જૂન પછી સોમનાથ મંદિરની મુલાકાત લેવા માટે સલાહ આપવામાં આવી છે. ઓપરેશન સમુદ્રસેતુના ભાગરૂપે INS શાર્દુલ ઇરાનમાં અબ્બાસ બંદરેથી ગુજરાતના પોરબંદર બંદર પર ભારતીય નાગરિકોની બચાવ કામગીરી હાથ ધરશે. ઇરાનમાં ભારતીય દુતાવાસ સ્વદેશ લાવવામાં આવનાર ભારતીય નાગરિકોની યાદી તૈયાર કરી રહ્યું છે અને જરૂરી તબીબી પરીક્ષણ બાદ તેમની દરિયાઇ મુસાફરી શરૂ કરાવશે.
- રાજસ્થાન: રાજસ્થાનમાં વધુ 97 કેસના કોવિડ-19ના પોઝિટીવ રિપોર્ટ આવ્યા હોવાથી રાજ્યમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 10,696 થઇ ગઇ છે. આમાંથી, 7814 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ગયા છે. રાજસ્થાનમાં આજથી હોટેલો, રેસ્ટોરન્ટ્સ, ક્લબો, શોપિંગ મોલ અને તમામ વન્યજીવ અભ્યારણ્યો જાહેર જનતા માટે ફરી ખોલવામાં આવ્યા છે. ASIની માલિકીના ઐતિહાસિક સ્મારકો પણ આજથી પર્યટકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે.
- મધ્યપ્રદેશ: રાજ્યમાં કોવિડ-19ના વધુ 173 કેસના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હોવાથી મધ્યપ્રદેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા વધીને 9,401 થઇ ગઇ છે. આમાંથી, 2658 સક્રિય કેસો તબીબી સારવાર હેઠળ છે. નવા નોંધાયેલા મોટાભાગના કેસો ફરી રાજ્યના હોટસ્પોટ ભોપાલમાંથી છે જ્યારે તે પછી ઇન્દોરનો ક્રમ આવે છે.
- છત્તીસગઢ: રવિવારે રાજ્યમાં વધુ 76 કોવિડ-19 પોઝિટીવ કેસ નોંધાયા હતા જ્યારે આજે સવાર સુધીમાં વધુ 31 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત પોઝિટીવ કેસની સંખ્યા વધીને 1,073 થઇ ગઇ છે જ્યારે સક્રિય કેસની સંખ્યા હાલમાં 834 છે. ધાર્મિક સ્થળોને આજથી જાહેર જનતા માટે ફરી ખોલવામાં આવ્યા છે.
- ગોવા: ગોવામાં રવિવારે કોવિડ-19ના નવા 33 કેસ નોંધાયા હતા. આથી રાજ્યમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 300 સુધી પહોંચી ગઇ છે જેમાંથી 235 કેસ હાલમાં સક્રિય છે. કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો હોવાથી, રાજ્યએ કેન્દ્ર પાસેથી 200 વેન્ટિલેટરની માંગણી કરી છે જેમાંથી 100 વેન્ટિલેટરની ડિલીવરી આવતીકાલે થઇ જશે તેવી અપેક્ષા છે તેમ રાજ્યના આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું.
- મણીપૂર: મણીપૂરમાં કોવિડ-19થી ચેપગ્રસ્ત વધુ 37 દર્દીના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. તેમને ઇમ્ફાલમાં આવેલી કોવિડ સંભાળ સુવિધા ખાતે રાખવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટીવ કેસનો આંકડો 209 થયો છે જેમાંથી 157 કેસ હાલમાં સક્રિય છે.
- મિઝોરમ: મુખ્યમંત્રીએ વિધાનસભાના સભ્યો, સરકારી અધિકારીઓ, બિન સરકારી હોસ્પિટલ સંગઠન, ચર્ચના અગ્રણીઓ, ગામડા અને સ્થાનિક પરિષદના સભ્યો, ટાસ્ક ફોર્સ અને NGOના પ્રતિનિધિઓ સાથે કોવિડ-19 મામલે વિચારવિર્મશની બેઠક યોજી રાજ્યમાં આગામી રણનીતિ અંગે ચર્ચા કરી હતી. મિઝોરમમાં આજે મધ્યરાત્રિથી વધુ 21 દિવસ સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ઝોરમથાંગાએ જણાવ્યું હતું કે, માત્ર અત્યંત અનિવાર્ય સંજોગોમાં જ દર્દીને હોમ ક્વૉરેન્ટાઇનનો વિકલ્પ આપવામાં આવશે
- નાગાલેન્ડ: રાજ્યએ અત્યાર સુધીમાં અન્ય રાજ્યોમાં ફસાયેલા નાગાલેન્ડના લોકોને આર્થિક સહાયરૂપે રૂપિયા 24 કરોડ આપ્યા છે. નાગાલેન્ડમાં 13 હજાર દર્દીઓને રાખી શકાય તેટલી બેડની ક્ષમતા સાથે 238 ક્વૉરેન્ટાઇન કેન્દ્રો છે. રાજ્ય ચુસ્ત ક્વૉરેન્ટાઇનના માપદંડોના અમલમાં દેશમાં પાંચમા ક્રમે આવે છે.

(Release ID: 1630294)
Visitor Counter : 284
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada