સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 પર અપડેટ

Posted On: 26 MAY 2020 5:26PM by PIB Ahmedabad

રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ભારત સરકારે તબક્કાવાર, સાવચેતી સ્વરૂપે અને અતિ સક્રિય અભિગમ દ્વારા કોવિડ-19ના નિવારણ, નિયંત્રણ અને સારવાર માટે કેટલાંક પગલાં લીધા છે. પગલાઓની નિયમિત સમીક્ષા થાય છે અને એના પર ઉચ્ચ સ્તરે નજર રાખવામાં આવે છે.

વહીવટીતંત્રે નિવારણ અને નિયંત્રણના પગલાં જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેથી ઇન્ફેક્શનનો પ્રસાર મર્યાદિત રહે. ઇન્ફેક્શનને ટાળવવા હાથને ચોખ્ખા રાખવા, શ્વાસોશ્વાસની પ્રક્રિયાને નિયમિત જાળવવા અને વારંવાર સ્પર્શ કરવી જરૂરી સપાટીને અસરકારક રીતે સાફ કરવા જેવા પગલાં આવશ્યક છે. કટોકટીમાંથી બહાર આવવા કોવિડનો સામનો કરવા ઉચિત વર્તણૂક સુનિશ્ચિત કરવી જરૂરી છે. એમાં નિયમિતપણે માસ્ક/ચહેરાને ઢાંકવો સામેલ છે તથા વયોવૃદ્ધ અને નબળું સ્વાસ્થ્ય ધરાવતા લોકોની ઉચિત સારસંભાળ રાખવા માટે કામગીરી કરવી આવશ્યક છે. જાહેરમાં શારીરિક અંતર જાળવવું સામાજિક રસી છે, જેને નોવેલ કોરોનાવાયરસ સામે લડવા દુનિયાએ અપનાવી છે.

ભારતે ઝડપથી એની પરીક્ષણ ક્ષમતા વધારી છે અને વિકસતી જરૂરિયાતો પૂર્ણ કરવાના માર્ગે અગ્રેસર છે. અત્યારે ભારત દરરોજ અંદાજે 1.1 લાખ નમૂનાનું પરીક્ષણ કરે છે. પ્રયોગશાળાઓ, શિફ્ટ, આરટી-પીસીઆર મશીનો અને મેનપાવર વધારીને ક્ષમતા વધારવામાં આવી છે. અત્યારે ભારતમાં કુલ 612 પ્રયોગશાળાઓ છે, જેમાં આઇસીએમઆર દ્વારા સંચાલિત 430 અને ખાનગી ક્ષેત્રની 182 પ્રયોગશાળાઓ સામેલ છે, જે કોવિડ-19 ઇન્ફેક્શન માટે લોકોનું પરીક્ષણ કરે છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ચિહ્નોને આધારે તાત્કાલિક પરીક્ષણની સલાહ આપવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તથા ચિહ્નો ધરાવતા પરપ્રાંતીય કામદારોને હોમ ક્વારેન્ટાઇન કરવાની સૂચના આપવામાં આવી છે. મોટા ભાગનાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો કોવિડ-19 પરીક્ષણો માટે ટ્રુનેટ મશીનોને તૈનાત કરવા નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ (એનટીઇપી) સાથે કામ કરી રહ્યાં છે. આરટી-પીસીઆર કિટ્સ, વીટીએમ, સ્વેબ અને આરએનએ એક્સ્ટ્રેક્શન કિટ્સના સ્વદેશી ઉત્પાદકોની ઓળખ કરવામાં આવી છે અને છેલ્લાં થોડાં મહિનાઓમાં તેમની ઉત્પાદન સુવિધા વધારવામાં આવી છે.

દેશમાં રિકવરી દર (દર્દીઓ સાજાં થવાનો દર) સતત સુધરી રહ્યો છે અને હાલ 41.61 ટકા છે. અત્યાર સુધી કુલ 60,490 દર્દીઓ સાજાં થયા છે. દેશમાં મૃત્યુદર પણ ઘટી રહ્યો છે, જે 3.30 (15 એપ્રિલનાં રોજ)થી ઘટીને આશરે 2.87 ટકા થયો છે, જે દુનિયામાં સૌથી ઓછો છે. અત્યારે દુનિયામાં સરેરાશ મૃત્યુદર આશરે 6.45 ટકા છે.

લાખની વસ્તીદીઠ મૃત્યુદરનું વિશ્લેષણ સૂચવે છે કે, ભારત લાખની વસ્તીદીઠ આશરે 0.3 મૃત્યુ ધરાવે છે, જે દુનિયામાં સૌથી ઓછો છે, જેની સામે દુનિયામાં એક લાખની વસ્તીદીઠ મૃત્યુદર 4.4 છે. લાખની વસ્તીદીઠ અને કેસ દીઠ એમ બંને દ્રષ્ટિએ મૃત્યુદર પ્રમાણમાં ઓછો છે, જે સમયસર કેસની ઓળખ અને કેસની નૈદાનિક સારવારનો સંકેત છે.

કોવિડ-19 સાથે સંબંધિત ટેકનિકલ મુદ્દાઓ, માર્ગદર્શિકાઓ અને સલાહો પર તમામ અધિકૃત અને લેટેસ્ટ માહિતી મેળવવા માટે કૃપા કરીને સતત વેબસાઇટ જુઓઃ https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA જુઓ.

કોવિડ-19 સાથે સંબંધિત ટેકનિકલ જાણકારી મેળવવા તમે technicalquery.covid19[at]gov[dot]in પર લખીને મોકલી શકો છો તથા અન્ય પ્રશ્રો માટે ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર લખીને મોકલી શકો છો.

કોવિડ-19  સાથે સંબંધિત કોઈ પણ પૂછપરછથ માટે કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટોલ-ફ્રી) પર સંપર્ક કરો. કોવિડ-19 પર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી અહીં પણ ઉપલબ્ધ છે  https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

 

 



(Release ID: 1626994) Visitor Counter : 197