ગૃહ મંત્રાલય

લૉકડાઉન 4.0 – રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા હળવી નહીં કરી શકે, સ્થાનિક સ્તરે આકલન અને આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા પછી માત્ર તેને વધુ સખત બનાવી શકશે: ગૃહ મંત્રાલય

Posted On: 18 MAY 2020 1:43PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા 17.05.2020ના રોજ કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે લૉકડાઉનના પ્રતિબંધો સંદર્ભે સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. હવે 31.05.2020 સુધી લૉકડાઉનની મુદત લંબાવવામાં આવી હોવાથી, પ્રતિબંધોમાં વ્યાપક છુટછાટો આપવામાં આવી છે.

આજથી અમલમાં આવતી નવી માર્ગદર્શિકા અંતર્ગત, કોઇપણ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) દ્વારા 17.05.2020ના રોજ બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓને ધ્યાનમાં રાખીને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન નવેસરથી રેખાંકિત કરવાના રહેશે. રેડ/ ઓરેન્જ ઝોનની અંદર, સ્થાનિક સ્તરે ટેકનિકલ ઇનપુટ અને આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર સ્થાનિક સત્તામંડળોએ કન્ટેઇન્મેન્ટ અને બફર ઝોન પરિભાષિત કરવાના રહેશે.

કન્ટેઇન્મેન્ટ ઝોનની અંદર, અગાઉની જેમ સખત પરિસીમા નક્કી રહેશે અને તેની અંદરના ભાગે માત્ર આવશ્યક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે. સમગ્ર દેશમાં મર્યાદિત પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે. બાકીની તમામ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે જેમાંથી ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અંતર્ગત નિર્દિષ્ટ કરીને પ્રતિબંધ મૂકવામાં આવેલી પ્રવૃત્તિઓ બાકાત રહેશે.

મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સમક્ષ પુનરોચ્ચાર કર્યો હતો કે, સુધારેલી માર્ગદર્શિકામાં લૉકડાઉનના પ્રતિબંધોમાં વ્યાપક છુટછાટો આપવામાં આવી હોવા છતાં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનો અમલ હળવો નહીં કરી શકે અને તેમાં છુટછાટોમાં વધારી નહીં શકે. તેઓ પરિસ્થિતિનું પાયાના સ્તરે વિશ્લેષણ કર્યા પછી જો જરૂર જણાય તો પ્રતિબંધોના અમલમાં વધુ સખતાઇ લાવી શકે છે અને અન્ય કેટલીક ચોક્કસ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકી શકે છે.

વધુમાં, એવું પણ કહેવામાં આવ્યું હતું કે, રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોએ સ્થાનિક સ્તરે ઝોન રેખાંકિત કરતી વખતે MoHFW દ્વારા બહાર પાડવામાં આવેલી સુધારેલી માર્ગદર્શિકામાં સૂચિત કરવામાં આવેલા સીમાચિહ્નો/ મર્યાદાઓ આવશ્યકપણે ધ્યાનમાં લેવાની રહેશે. એવી પણ વિનંતી કરવામાં આવી હતી કે, જાહેર જનતાની સુવિધા માટે કેન્દ્ર અને સંબંધિત રાજ્યો દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓનો સ્થાનિક સ્તરે વ્યાપક પ્રસાર કરવામાં આવે.

 

રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે થયેલો સત્તાવાર સંદેશાવ્યવહાર જવા માટે અહીં ક્લિક કરો

 

 

GP/DS


(Release ID: 1624865) Visitor Counter : 341