પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મોદીએ શૈક્ષણિક ક્ષેત્રમાં સુધારાની ચર્ચા કરવા સમીક્ષા બેઠક યોજી

Posted On: 01 MAY 2020 9:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) સહિત શૈક્ષણિક ક્ષેત્રમાં જરૂરી સુધારા અને મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરવા માટે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગ પર અને આ ટેક્નોલોજીના ઉપયોગનો સ્વીકાર અને એના થકી શિક્ષણ પ્રદાન કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ટેકનોલોજીમાં ઓનલાઇન ક્લાસીસ, એજ્યુકેશન પોર્ટલ અને સમર્પિત એજ્યુકેશન ચેનલો પર વર્ગ મુજબ પ્રસારણ સામેલ છે.

 

આ બેઠકમાં નવા રાષ્ટ્રીય શૈક્ષણિક માળખા દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણની સાતત્યપૂર્ણ સુલભતા, પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. નવું રાષ્ટ્રીય શૈક્ષણિક માળખું એકથી વધારે ભાષા પર કેન્દ્રિત છે, જેમાં 21મી સદીની કુશળતા, રમત અને કળા, પર્યાવરણ વગેરે મુદ્દાને સામેલ કરવામાં આવ્યાં છે. બેઠકમાં શાળાઓ અને ઉચ્ચ સ્તરે શિક્ષણ માટે વિવિધ પદ્ધતિઓ એટલે કે ઓનલાઇન પદ્ધતિ, ટીવી ચેનલો, રેડિયો, પોડકાસ્ટ વગેરેમાં ટેકનોલોજીના ઉપયોગ અને પ્રોત્સાહનની વિગતવાર ચર્ચા થઈ હતી. ભારતીય શૈક્ષણિક વ્યવસ્થાને આંતરરાષ્ટ્રીય સ્તરના ઉચ્ચ ધારાધોરણોને સમકક્ષ બનાવીને ઉચ્ચ શિક્ષણની સ્થિતિને સુધારવાની ચર્ચા થઈ હતી, જેથી શિક્ષણને અસરકારક, સર્વસમાવેશક, ભારતીય સંસ્કૃતિ અને નીતિમત્તાના મૂલ્યોને જાળવીને સમકાલીન બનાવી શકાય. સંપૂર્ણપણે જોઈએ તો બેઠકમાં બાળકોના વિકાસ અને શિક્ષણ, મૂળભૂત સાક્ષરતા અને આંકડાકીય જાણકારી, સમકાલીન શૈક્ષણિક પદ્ધતિઓના સ્વીકાર, ભારતની સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતાને જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં વિશેષ ભાર શિક્ષણને રોજગાર અભિમુખ બનાવવા પર મૂકવામાં આવ્યો હતો.

 

બેઠકમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરીને જીવંત નોલેજ સોસાયટીની રચના કરવા શૈક્ષણિક સુધારા કરવાનો નિર્ણય લેવાયો હતો, જેથી ભારતને ગ્લોબલ નોલેજ સુપર પાવર બનાવી શકાય.

આ લક્ષ્યાંકો હાંસલ કરવા અને અસરકારક શૈક્ષણિક વહીવટી સુનિશ્ચિત કરવા ટેકનોલોજીનો બહોળો ઉપયોગ કરવામાં આવશે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પ્રોત્સાહન આપવામાં આવશે.

 (Release ID: 1620311) Visitor Counter : 78