સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ

Posted On: 30 APR 2020 5:37PM by PIB Ahmedabad

ક્રમબદ્ધ, સક્રીયતાપૂર્ણ અને પૂર્વ-અસરકારક પ્રતિક્રિયા વ્યૂહનીતિ સાથે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.

તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં બિન-કોવિડ આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત થાય તે હેતુથી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી હર્ષવર્ધને તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે અને થેલેસેમિયા, હિમોફેલિયા અને સિકલ સેલ એનેમિયા જેવા લોહીની બિમારી ધરાવતાં લોકો માટે રક્તદાનથી માંડીને તેમને લોહી ચઢાવવાની સુધીની સેવાઓ સુનિશ્ચિત થાય તે માટે નિર્દેશો આપવામાં આવ્યાં છે. વધુમાં રાજ્યોને તમામ આરોગ્ય સેવાઓ, ખાસ કરીને ખાનગી ક્ષેત્રની સેવાઓ કાર્યરત રાખવા ખાતરી કરવા જણાવવામાં આવ્યું છે, જેથી આવી મહત્ત્વપૂર્ણ સેવાઓની જરૂરિયાત ધરાવતાં દર્દીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે. વધુમાં રાજ્યોને જાણકારી આપવામાં આવી છે કે મંત્રાલયના ધ્યાન ઉપર આવ્યું છે કે ખાનગી ક્ષેત્રની કેટલીક હોસ્પિટલો અત્યંત આવશ્યક સેવાઓ જેવી કે ડાયાલિસિસ, લોહી ચઢાવવું, કીમોથેરાપી અને વિવિધ સંસ્થાકીય સેવાઓ પૂરી પાડવામાં દર્દીઓને આનાકાની કરી રહી છે, જે સ્વીકાર્ય નથી. રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે ગૃહ બાબતોના મંત્રાલય દ્વારા તારીખ 15મી એપ્રિલ, 2020ના રોજ બહાર પાડવામાં આવેલા દિશા-નિર્દેશો અનુસાર લૉકડાઉનના સમયગાળા દરમિયાન તમામ આરોગ્ય સેવાઓ કાર્યરત રહેવી જોઇએ. સેવાઓ પૂરી પાડનારની અવર-જવર માટે સુવિધા પૂરી પાડવામાં આવે, ખાસ કરીને તેમના માટે જેઓ ખાનગી ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 7મી એપ્રિલ, 2020ના રોજ ડાયાલિસિસ માટે માનક કાર્યવાહી પ્રક્રિયા (SOP) ધરાવતી વિગતવાર માર્ગદર્શિકાની સાથે સાથે રક્તદાન અને લોહી ચઢાવવા અંગે 9મી એપ્રિલ, 2020ના રોજ માર્ગદર્શિકા પણ બહાર પાડી હતી, જે https://www.mohfw.gov.in/ ઉપર ઉપલબ્ધ છે.

કોવિડ-19 મહામારી દરમિયાન આવશ્યક આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકાય તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 20મી એપ્રિલ, 2020ના રોજ માર્ગદર્શિકા બહાર પડાઇ હતી. તેમાં પ્રજોત્પતિ અને બાળ આરોગ્ય (RCH), રોગપ્રતિકારકતા, ટીબી, રક્તપિત અને કૃમિ-જન્ય રોગો જેવા ચેપી રોગો અને કેન્સર અને ડાયાલિસિસ જેવા બિન-ચેપી રોગોનો સમાવેશ થાય છે.

રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને 17મી એપ્રિલ, 2020ના રોજ ICMR દ્વારા બહાર પડાયેલા કોવિડ-19ના ટેસ્ટિંગ સંબંધિત દિશા-નિર્દેશોનું પાલન કરવા અંગે પણ સલાહ આપવામાં આવી છે. આરોગ્યસંભાળ સેવા પ્રદાતાઓની અંદર પ્રોટોકોલનું વ્યાપક પ્રસારણ કરવું જોઇએ અને કોવિડ-19નું ટેસ્ટિંગ પ્રોટોકોલ અનુસાર થવું જોઇએ. આરોગ્ય સંભાળ સેવા પૂરી પાડનારાઓએ વ્યક્તિગત સુરક્ષા માટે જરૂરી સાવધાનીઓ રાખવી જોઇએ અને આરોગ્ય મંત્રાલયે 24મી માર્ચ, 2020ના રોજ બહાર પાડેલી માર્ગદર્શિકા અનુસાર સમજદારીપૂર્વક PPEનો ઉપયોગ કરવો જોઇએ. જાહેર અને ખાનગી આરોગ્ય સંભાળ સંસ્થાઓમાં આવેલા આરોગ્ય સંભાળ કેન્દ્રોમાં સંક્રમણ નિવારણ અને નિયંત્રણ માટેની માર્ગદર્શિકાનો પણ વ્યાપક ફલાવો કરવો જોઇએ.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 20મી એપ્રિલ 2020ના રોજ બિન-કોવિડ આરોગ્ય કેન્દ્રમાં કોવિડ-19નો શંકાસ્પદ અથવા પોઝિટિવ કેસ જણાઇ આવે તો હાથ ધરવાના પગલાંઓ સંબંધિત માર્ગદર્શિકા પણ પ્રસિદ્ધ કરી છે.

રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને એવી પણ સલાહ આપવામાં આવી હતી કે ખાસ કરીને પરીક્ષણના આગ્રહના કારણે અતિ મહત્વની સેવાઓનો ઇનકાર કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ ફરિયાદોનું ઝડપી નિવારણ કરે. આરોગ્ય સંભાળ સમુદાય સાથે પરાપર્શ દ્વારા યોગ્ય પગલાં લેવા જોઇએ જેથી તેમની અનિશ્ચિતતા ઘટે અને ક્લિનિક્સ તેમજ હોસ્પિટલોની કામગીરી બરાબર ચાલતી રહે.

દેશમાં અત્યાર સુધીમાં 8,324 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 25.19% નો રિકવરી દર દર્શાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 33,050 થઇ છે. ગઇકાલ સુધીમાં ભારતમાં કોવિડ-19ના નવા 1718 કેસો પોઝિટીવ મળ્યા હોવાની પુષ્ટિ થઇ છે.

અત્યાર સુધીમાં થયેલા મૃત્યુના આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો જાણવા મળ્યું છે કે, કેસોમાં મૃત્યુદર 3.2% છે જેમાંથી 65% પુરુષો અને 35% મહિલાઓ છે. ઉંમર અનુસાર વર્ગીકરણ જોઇએ તો, મૃત્યુ પામનારાઓમાં 45 વર્ષથી ઓછી ઉંમરના 14%, 45થી 60 વર્ષથી વચ્ચેની ઉંમરના 34.8%, 60 વર્ષથી વધુ ઉંમરના 51.2% દર્દીઓ છે. તેમાં પણ 60-75 વર્ષની ઉંમરના 42%, 75થી વધુ વર્ષની ઉંમરના 9.2% દર્દીઓ હતા અને તેમાંથી 78% દર્દીને સાથે અન્ય કોઇ બીમારી હોવાનું જાણવા મળ્યું છે.

દેશમાં કેસોની સંખ્યા બમણી થવાના આંકડાનું વિશ્લેષણ દર્શાવે છે કે, કેસ બમણા થવાની રાષ્ટ્રીય સરેરાશ હાલમાં 11 દિવસ છે જે લૉકડાઉન પહેલાં 3.4 દિવસ હતી.

કેસ બમણા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ હોય તેવા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

11થી 20 દિવસની વચ્ચે કેસ બમણા થવાનો દર હોય તેવા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દિલ્હી, ઉત્તરપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, રાજસ્થાન, તામિલનાડુ અને પંજાબ છે. 20 થી 40 દિવસ વચ્ચે કેસ બમણા થવાનો દર હોય તેમાં કર્ણાટક, લદ્દાખ, હરિયાણા, ઉત્તરાખંડ અને કેરળ આવે છે. ઉપરાંત, આસામ, તેલંગાણા, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશ એવા રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો છે જ્યાં કેસ બમણા થવાનો દર 40 દિવસથી વધુ છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19@gov.in પર અને અન્ય પ્રશ્નો ncov2019@gov.inપર ઇમેલ પણ કરી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

 

GP/DS

 (Release ID: 1619764) Visitor Counter : 50