પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારતમાં રોકાણને વેગ આપવા માટે વ્યૂહનીતિની ચર્ચા કરવા મહત્વની બેઠક યોજી

Posted On: 30 APR 2020 4:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ આજે કોવિડ-19 મહામારીના કારણે દેશના અર્થતંત્રમાં આવેલા પછડાટમાંથી બેઠા થઇને તેને વેગ આપવા માટે વિદેશી રોકાણકારોને આકર્ષવા તેમજ સ્થાનિક રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટે વ્યૂહનીતિની ચર્ચા કરવા મહત્વની બેઠકનું આયોજન કર્યું હતું.

દેશમાં વર્તમાન ઔદ્યોગિક જમીનો/ પ્લોટ/ એસ્ટેટ્સમાં ઝડપથી કાર્યરત થઇ શકે અને જરૂરી આર્થિક સહાય કરી શકે તેવા વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને પ્રોત્સાહન આપવા માટે એક યોજના હોવી જોઇએ તેવું બેઠકમાં ચર્ચાયું હતું. બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીએ નિર્દેશો આપ્યા હતા કે, રોકાણકરોને માર્ગદર્શન આપવા,એમની સમસ્યાઓ અંગે ધ્યાન આપવા તથા સમયબદ્ધ રીતે બધી મહત્વની કેન્દ્રીય તેમજ રાજ્યોની મંજૂરી મેળવવામાં એમની મદદ કરવાના આશયથી વધારે સક્રિય દ્રષ્ટિકોણ અપનાવવા માટે નક્કર પગલાં લેવા જોઈએ.

ભારતમાં ઝડપથી રોકાણ લાવવા માટે અને ભારતમાં સ્થાનિક ક્ષેત્રોમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે પણ વિવિધ વ્યૂહનીતિઓ વિશે ચર્ચા થઇ હતી. રાજ્યો પોતાની વ્યૂહનીતિઓ ઘડે અને રોકાણોને આકર્ષવા માટે વધુ સક્રિયતા દાખવે તે માટે તેમને માર્ગદર્શન આપવા સંબંધે પણ વિગતવાર ચર્ચા થઇ હતી.

વિવિધ મંત્રાલયો દ્વારા હાથ ધરવામાં આવેલી સુધારાની પહેલો સતત ચાલુ રહેવી જોઇએ અને રોકાણ તેમજ ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન પર વિપરિત અસર પાડતા તેમાં આવતા કોઇપણ અવરોધો સમયસર દૂર કરવા જોઇએ તે બાબતે પણ બેઠકમાં ચર્ચા થઇ હતી.

બેઠકમાં નાણામંત્રી, ગૃહમંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી, રાજ્યમંત્રી (નાણાં) તેમજ ભારત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

 

GP/DS



(Release ID: 1619759) Visitor Counter : 184