સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ

Posted On: 27 APR 2020 6:25PM by PIB Ahmedabad

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે સૂચન કર્યું હતું કે, વાયરસના સંક્રમણની સાંકળ તુટવી જોઇએ, ખાસ કરીને જે જિલ્લાઓ રેડ અને ઓરેન્જ ઝોનમા છે ત્યાં સંક્રમણની સાંકળ તુટવી અત્યંત જરૂરી છે. તેમણે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો માટે હોટસ્પોટ્સ એટલે કે રેડ ઝોન વિસ્તારોમાં માર્ગદર્શિકાઓના ચુસ્ત પાલનના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રયાસો રેડ ઝોનને ઓરેન્જ ઝોનમાં અને તે પછી ગ્રીન ઝોનમાં પરિવર્તિત કરવાની દિશામાં કેન્દ્રિત હોવા જોઇએ. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ બીમારી અને આરોગ્ય સુવિધા પ્રત્યે સહેજ પણ ભેદભાવની લાગણી કોઇનામાં હોવી જોઇએ અને કોવિડ-19 ઉપરાંત અન્ય આરોગ્ય સેવાઓ પૂરી પાડવી પણ જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, પરંપરાગત તબીબી તંત્રની કામગીરી ચાલુ રહેવી જોઇએ.

દેશમાં 16 જિલ્લા એવા છે જ્યાં અગાઉ કેસ નોંધાયા હતા અને હવે છેલ્લા 28 દિવસમાં ત્યાં કોઇ કેસ નોંધાયો નથી. યાદીમાં 3 નવા જિલ્લા ઉમેરવામાં આવ્યા છે (24 એપ્રિલથી):

  • મહારાષ્ટ્રમાં ગોંડિયા
  • કર્ણાટકમાં દેવનગરી
  • બિહારમાં લાખી સરાઇ

2 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 28 દિવસથી કોઇ કેસ નહોતા નોંધાયા પરંતુ હવે ત્યાં નવા કેસ નોંધાયા છે. જિલ્લા ઉત્તરપ્રદેશમાં પીલિભિત અને પંજાબમાં શહીદ ભગતસિંહ નગર છે. વધુમાં કુલ 85 જિલ્લા (25 રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં) એવા છે જ્યાં છેલ્લા 14 દિવસમાં કોઇ નવા કેસ નોંધાયા નથી.

આજે પત્રકારોને સંબોધતી વખતે, ભારત સરકારના સશક્ત સમૂહ -5 (EG-5) દ્વારા કોવિડ-19 મહામારીના ઉપદ્રવના કારણે ઉભા થયેલા પડકારો અને તેના ફેલાવાને નિયંત્રણમાં લેવા માટેના પગલાં માટે આવશ્યક ચીજોની પૂરવઠા સાંકળ અને લોજિસ્ટિક્સને લગતી વ્યવસ્થાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

મીડિયા સાથે વાત કરતી વખતે, પીવાલાયક પાણી અને સફાઇ વિભાગના સચિવ અને EG-5ના ગવર્નર શ્રી પમેશ્વરન ઐયરે ચાર મહત્વપૂર્ણ ક્ષેત્રો એટલે કે, કૃષિ, ઉત્પાદન, લોજિસ્ટિક્સ અને ખાદ્ય સામગ્રી સામે આવી રહેલા પડકારોને ઉકેલવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંઓની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ખાદ્યચીજો અને દવાઓની હેરફેર કરતી ટ્રકોની સંખ્યાની ટકાવારી 30 માર્ચે 46% હતી તે 25 એપ્રિલે વધીને 76% થઇ ગઇ. સમયગાળામાં , રેલવે રેકની હેરફેરની ટકાવારી 67% હતી તે વધીને 76% થઇ ગઇ છે. બંદરો પર ટ્રાફિકના સંચાલનની ટકાવારી 70%થી વધીને 87% થઇ છે અને સમયમાં , કાર્યરત મુખ્ય મંડી (બજારો)ની સંખ્યા 61%થી વધીને 79% થઇ છે. 1.5 કરોડથી વધુ લોકોને દરરોજ સરકારી એજન્સીઓ, NGO અને ઉદ્યોગો દ્વારા રાંધેલું ભોજન પૂરું પાડવામાં આવે છે.

EG-5ની ભૂમિકા વિશે તેમણે કહ્યું હતું કે, સરકાર આવશ્યક ચીજોના પૂરવઠાની સાંકળમાં આવતા અવરોધો દૂર કરવા માટે નીતિઓ અને અમલીકરણમાં હળવા કરવા પર, પાયાના સ્તરે ચોક્કસ અવરોધો દૂર કરવા પર અને પૂરવઠા કામગીરીમાં જોડાયેલા યોદ્ધાઓ દ્વારા અનુસરવામાં આવતા શ્રેષ્ઠ આચરણ અને મહત્વપૂર્ણ આંકડાઓના ટ્રેકિંગ પર ધ્યાન આપી રહી છે. તેમણે કહ્યું કે, માટે, તેઓ વિવિધ વિભાગો, ગૃહ મંત્રાલય અને ખાદ્ય, ફાર્મા, ટ્રાન્સપોર્ટરો, જથ્થાબંધ વેપારીઓ, છુટક વિક્રેતાઓ અને મંડી સહિત ઉદ્યોગજગતના અન્ય મુખ્ય હિતધારકો સાથે સંકલન કરે છે.

દેશમાં અત્યાર સુધીમાં 6,184 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 22.17%નો રિકવરી દર દર્શાવે છે. ગઇકાલથી અત્યાર સુધીમાં નવા 1396 કેસ પોઝિટીવ નોંધાતા દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 27,892 થઇ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 48 દર્દીના મૃત્યુ થયા હોવાથી અત્યાર સુધીમાં ભારતમાં કોવિડ-19ના કારણે 872 દર્દીના મૃત્યુ થયા છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19@gov.in પર અને અન્ય પ્રશ્નો ncov2019@gov.inપર ઇમેલ પણ કરી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

GP/DS(Release ID: 1618773) Visitor Counter : 98