કાપડ મંત્રાલય

કોવિડ-19ના દર્દીઓની સારવાર કરતા તબીબી પ્રોફેશનલો માટે જરૂરી કવરઓલના ઉત્પાદનની ક્ષમતા વધારીને દૈનિક 1 લાખથી વધુ કરવામાં આવી; અત્યાર સુધીમાં અંદાજે કુલ દસ લાખથી વધારે કવરઓલ યુનિટ્સનું ઉત્પાદન કરવામાં આવ્યું


કોવિડ-19 સામેની લડાઇમાં અગ્ર હરોળના યોદ્ધા ગણાતા આરોગ્ય સંભાળ કર્મચારીઓને સુરક્ષા પૂરી પાડવા માટે આ એક મોટું પગલું છે

PPE કવરઓલ ઉત્પાદનમાં બેંગલુરુ સૌથી આગળ; તામિલનાડુમાં ચેન્નઇ અને ત્રિપૂર, પંજાબમાં ફગવાડા અને લુધિયાણા, NCRમાં નોઇડા અને ગુરુગ્રામ પણ PPE કવરઓલના ઉત્પાદનના હબ બન્યા

પૂરવઠાની સાંકળ સારી રીતે ચાલતી રહે અને તમામ અવરોધો દૂર કરીને એકધારો પૂરવઠો મળી રહે તે માટે સરકાર વિવિધ ઔદ્યોગિક સંગઠનો અને ઉત્પાદકો સાથે કામ કરી રહી છે

Posted On: 26 APR 2020 3:57PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર કરી રહેલા તબીબી પ્રોફેશનલો માટે જરૂરી કવરઓલના ઉત્પાદનની ક્ષમતા વધારીને દૈનિક 1 લાખ સુધી કરવામાં આવી છે. કોવિડ-19ના કેસોનો સામનો કરવા માટે બેંગલુરુ અત્યારે દેશમાં PPE કવરઓલના ઉત્પાદનમાં મુખ્ય હબ બની ગયું છે. દેશમાં કુલ કવરઓલના ઉત્પાદનમાંથી લગભગ અડધું ઉત્પાદન માત્ર બેંગલુરુમાં થઇ રહ્યું છે. આરોગ્ય પ્રોફેશનલોને ઉચ્ચ સ્તરની સુરક્ષા પૂરી પાડવા માટે બોડી કવરઓલ (PPE) વિશેષ સુરક્ષાત્મક સૂટ હોવાથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સૂચનાઓ અનુસાર તેમાં ખૂબ સખત ટેકનિકલ જરૂરિયાત હોય છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ મેસર્સ HLL લાઇફ કેર લિમિટેડ હોસ્પિટલો અને આરોગ્ય સંભાળ સંગઠનો માટે ખરીદી કરવા નિયુક્ત કરવામાં આવેલી સિંગલ વિન્ડો એજન્સી છે.

 

બેંગલુરુ ઉપરાંત, તામિલનાડુના ત્રિપૂર, ચેન્નઇ અને કોઇમ્બતૂર, ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા, પંજાબમાં ફગવાડા અને લુધિયાણા, મહારાષ્ટ્રમાં કુસુમનગર અને ભીવંડી, રાજસ્થાનમાં ડુંગરપુર, કોલકાતા, દિલ્હી, નોઇડા અને ગુરુગ્રામ અન્ય કેટલાક સ્થળો છે જ્યાં PPE કવરઓલના ઉત્પાદનના માન્યતાપ્રાપ્ત એકમો આવેલા છે. અત્યાર સુધીમાં કુલ દસ લાખથી વધુ કવરઓલ યુનિટ્સનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

 

જાન્યુઆરી 2020ના છેલ્લા અઠવાડિયામાં, WHO દ્વારા ISO 16003 અથવા સમકક્ષના અનુપાલન સાથે ક્લાસ- 3 એક્સોપઝર પ્રેશરને કવરઓલ માટેના ટેકનિકલ માપદંડ તરીકે સૂચવવામાં આવ્યો હતો. આવી સામગ્રીનું ઉત્પાદન કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા કરવામાં આવે છે જેમણે અપૂરતા સ્ટોક અને સ્રોત દેશોમાંથી નિકાસ પર પ્રતિબંધના કારણે સામગ્રીનો પૂરવઠો પહોંચાડવાની ના પાડી દીધી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ખરીદી એજન્સી ખૂબ મર્યાદિત માત્રામાં જથ્થો મેળવી શકતી હતી

 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સ્વદેશી બનાવટની સામગ્રીની ઉપલબ્ધતા અને કોવિડ-19 સામે લડી રહેલા આરોગ્ય સંભાળ કર્મચારીઓની ઉચ્ચ સ્તરની સુરક્ષા માટે ટેકનિકલ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ક્ષેત્રના તબીબી નિષ્ણાતો સાથે પરામર્શ કર્યા બાદ 2 માર્ચ 2020ના રોજ તમામ ટેકનિકલ જરૂરિયાતોને અંતિમ ઓપ આપ્યો હતો. વિગતવાર સ્પષ્ટીકરણ 05 માર્ચ 2020ના રોજ HLL લાઇફકેરની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને ખરીદીની પ્રક્રિયામાં ભાગ લેવા માટે પૂરતી ક્ષમતા ધરાવતા ઉત્પાદકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા

હાલના તબક્કે, દેશમાં એવી ચાર લેબોરેટરી છે જેમની પાસે સિન્થેટિક બ્લડ પેનેટ્રેશન રિઝિસ્ટન્સ પરીક્ષણ સુવિધા છે તેમજ કોવિડ-19 માટે જરૂરી પરીક્ષણો અને બોડી કવરઓલ (PPE)ના પ્રમાણીકરણ માટે જરૂરી માન્યતાઓ છે. લેબોરેટરીકોઇમ્બતૂર ખાતે, દક્ષિણ ભારત ટેક્સટાઇલ સંશોધન સંગઠન (SITRA), ગ્વાલિયર ખાતે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DEDE) અને ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ હેઠળ આવેલી બે લેબોરેટરીઅવાડી ખાતે હેવી વ્હિકલ્સ ફેક્ટરી અને કાનપૂર ખાતે આવેલી સ્મોલ આર્મ્સ ફેક્ટરી- છે

 

ફેબ્રિક અને PPE કવરઓલ કપડાના સંદર્ભમાં હાથ ધરવામાં આવેલા આવા દરેક પરીક્ષણ કે જેના માટે સંબંધિત ઉત્પાદકો દ્વારા પ્રોટોટાઇપ નમૂના પરીક્ષણ અર્થે મોકલવામાં આવે છે તેમાં એક અનન્ય પ્રમાણીકરણ કોડ (UCC-COVID19) જનરેટ થાય છે. કોડમાં ફેબ્રિકનો પ્રકાર, કપડાનો પ્રકાર, તેના પરીક્ષણની તારીખ, પરીક્ષણના માપદંડો અને અન્ય સંબંધિત વિગતોની નોંધ રાખેલી હોય છે. પાસ થયેલા દરેક નમૂના માટે ઇશ્યુ કરવામાં આવેલા UCCને ઉત્પાદનના કોઇપણ વપરાશકર્તા ચકાસણી કરી શકે તેવા હેતુથી DRDO, OFB અને SITRAની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવે છે. પરીક્ષણની પ્રક્રિયા વધુ સરળ બનાવવા અને PPE કવરઓલની ગુણવત્તા જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા, હવે સંસ્થા દ્વારા તેમના PPE કવરઓલના નમૂનાનું માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવા પાછળના હેતુ અંગે નિર્ધારિત પ્રારૂપમાં સોગંદનામુ જમા કરાવવામાં આવે ત્યારબાદ પરીક્ષણ લેબોરેટરી દ્વારા પરીક્ષણ માટે નમૂના સ્વીકારવામાં આવશે.

 

રાજ્યો દ્વારા જરૂરિયાત અનુસાર આરોગ્ય મંત્રાલયને PPE કીટ્સ મોકલવામાં આવે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ફાર્માસ્યુટિકલ વિભાગ અને કાપડ મંત્રાલય વિવિધ ઔદ્યોગિક સંગઠનો, હિતધારકો અને ઉત્પાદકો સાથે 24X7 ધોરણે અવિરત કામ કરી રહ્યા છે જેથી, પૂરવઠાની સાંકળ જળવાઇ રહે અને તમામ અવરોધો દૂર કરીને આરોગ્ય સંભાળ કર્મચારીઓ માટે તમામ જરૂરી સામગ્રી એકધારી પૂરી પાડી શકાય.

 

 

 

GP/DS



(Release ID: 1618406) Visitor Counter : 306