સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

શ્રી નીતિન ગડકરીએ ફૂટવેર ઉદ્યોગનાં પ્રતિનિધિઓને શક્ય તમામ સાથસહકારની ખાતરી આપી

Posted On: 18 APR 2020 6:09PM by PIB Ahmedabad

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ કોવિડ-19ના પ્રસારને નિયંત્રણમાં રાખવા સરકારે રાષ્ટ્રીય સ્તરે લાદેલા લોકાડાઉનને કારણે ફૂટવેર ઉદ્યોગ સામે ઊભા થયેલા પડકારો ઝીલવા સરકાર શક્ય તમામ મદદ કરશે એવી ખાતરી ઉદ્યોગને આપી હતી. તેમણે નાગપુરમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય ફૂટવેર ઉદ્યોગ સંઘના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. શ્રી ગડકરીએ કહ્યું હતું કે, સરકારે છેલ્લાં 10 દિવસમાં આવકવેરા વિભાગ પાસેથી રિફંડ પેટે ગઇકાલે એમએસએમઈને રૂ. 5204 કરોડનું ભંડોળ આપ્યું છે, જેનાથી ક્ષેત્રને મોટા પાયે મદદ મળશે.

ગડકરીએ ઉદ્યોગને આયાતના વિકલ્પ પર કામ કરવા અને હાલનાં પડકારને નિકાસ માટેની તક તરીકે ઉપયોગ કરવા અપીલ કરી હતી.

બેઠક દરમિયાન ફૂટવેર ઉદ્યોગનાં પ્રતિનિધિઓએ કાર્યકારી મૂડી, લોજિસ્ટિક્સની ઊણપ, કાચા માલની અનુપલબ્ધતા, કામ કરવાની શરતો, વ્યવસાયિક કામગીરી ચાલુ રાખવામાં મુશ્કેલીઓ અને કોવિડ-19 વચ્ચે ફૂટવેરની માગ પર થયેલી અસર વિશે રજૂઆતો કરી હતી તેમજ સરકાર સમક્ષ ક્ષેત્રને જીવંત રાખવા માટે જરૂરી સાથસહકાર આપવાની વિનંતી કરી હતી.

ઉપરાંત બેઠકમાં બાબત પર પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, લોકડાઉન પછી પણ ઉત્પાદન તબક્કાવાર શરૂ થશે અને સંપૂર્ણ ક્ષમતાએ પહોંચવામાં થોડા મહિના લાગશે, જે કાચા માલના ભરાવાની સમસ્યા તરફ દોરી જશે. ચીનમાંથી ફૂટવેર ઉદ્યોગ માટે કાચા માલની આયાત અટકાવવાની વિનંતી કરવામાં આવી હતી, જેથી કાચા માલનો સ્ટોક વધી જાય.

શ્રી ગડકરીએ ઉલ્લેખ કર્યો હતો કે, સૌપ્રથમ અને મહત્ત્વપૂર્ણ બાબત છે કે, જ્યારે સરકારે ચોક્કસ ઔદ્યોગિક ક્ષેત્રોને કામગીરી શરૂ કરવાની મંજૂરી આપી છે, ત્યારે ઉદ્યોગોએ કોવિડ-19ના પ્રસારને અટકાવવા માટે પર્યાપ્ત નિવારણાત્મક પગલાં લીધા છે એવી સુનિશ્ચિતતા કરવાની જરૂર છે. તેમણે પીપીઇ (માસ્ક, સેનિટાઇઝર, ગ્લોવ્સ વગેરે)ના વપરાશ પર ભાર મૂક્યો હતો અને વ્યાવસાયિક કામગીરીઓ ફરી શરૂ કરવા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સલાહ આપી હતી.

શ્રી ગડકરીએ ખાતરી આપી હતી કે, તેઓ નાણાં મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલય સમક્ષ ફૂટવેર ઉદ્યોગનાં ક્ષેત્રને તાત્કાલિક રાહત આપવા પ્રસ્તુત મુદ્દાઓ રજૂ કરશે. શ્રી ગડકરીએ એવું પણ જણાવ્યું હતું કે,જ્યારે લોકડાઉન પછી વ્યાવસાયિક કામગીરી ફરી શરૂ થાય, ત્યારે ફૂટવેર ઉદ્યોગે સકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ અને કોવિડ-19 કટોકટીમાંથી ઊભી થયેલા પડકારને તકમાં ફેરવવા ખભેખભો મિલાવીને કામ કરવું પડશે.

 

 

GP/DS

 



(Release ID: 1615863) Visitor Counter : 153