ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશોને રાહત કેન્દ્રો / શિબિરોમાં રાખવામાં આવેલા વિસ્થાપિત શ્રમિકોની સુખાકારી માટે સર્વોચ્ચ અદાલતના નિર્દેશોનું પાલન કરવા જણાવ્યું

Posted On: 12 APR 2020 5:03PM by PIB Ahmedabad

દેશના વિવિધ ભાગોમાં રાહત કેન્દ્રો / શિબિરોમાં રાખવામાં આવેલા વિસ્થાપિત શ્રમિકોની સુખાકારી માટે સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલા નિર્દેશોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તમામ રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખી જણાવવામાં આવ્યું છે કે, કોવિડ-19 સામે લડવા માટે લૉકડાઉનનો અમલ કરતી વખતે સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું અસરકારક રીતે પાલન કરવામાં આવે.

અદાલતે નિર્દેશો આપ્યા હતા કે, સમગ્ર દેશમાં રાહત આશ્રયો/ શિબિરોમાં વિસ્થાપિત શ્રમિકોને ભોજન, પીવાનું સ્વચ્છ પાણી અને સેનિટેશન ઉપરાંત પૂરતા પ્રમાણમાં તબીબી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે. વધુમાં, તાલીમબદ્ધ કાઉન્સેલર્સ અને/અથવા તમામ ધર્મ અને સંપ્રદાયો સાથે સંકળાયેલા સામુદાયિક અગ્રણીઓએ પણ આવા રાહત કેન્દ્રો/શિબિરોની મુલાકાત લેવી જોઇએ અને વિસ્થાપિતો કોઇપણ માનિસક વ્યથાથી પીડાઇ રહ્યા હોય તો તે દૂર કરવા માટે મદદરૂપ થાવુ જોઈએ.

અદાલતે એવું પણ અવલોકન કર્યું હતું કે, પોલીસ તેમજ અન્ય સત્તાધીશોએ વિસ્થાપિતોનો અજંપો અને ડર સમજવો જોઇએ અને વિસ્થાપિતો સાથે તેમણે માનવીય અભિગમથી વર્તન કરવું જોઇએ. વધુમાં, રાજ્ય સરકાર / કેન્દ્ર શાસિત પ્રદેશોએ પોલીસની સાથે સ્વયંસેવકો નિયુક્ત કરીને વિસ્થાપિત લોકોની સુખાકારીની પ્રવૃત્તિઓની દેખરેખ રાખવી જોઇએ.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ સંદેશાવ્યવહારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તમામ રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશોને આ સંબંધે આપવામાં આવેલા નિર્દેશોનો પણ પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. આરોગ્ય મંત્રાલયે વિસ્થાપિતોની સમસ્યાઓ ઉકેલવા માટે તમામ રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશો માટે વિગતવાર નિર્દેશો બહાર પાડ્યા હતા જે આ લિંક પર ઉપબલ્ધ છે: 
https://www.mohfw.gov.in/pdf/RevisedPsychosocialissuesofmigrantsCOVID19.pdf

GP/RP 



(Release ID: 1613662) Visitor Counter : 252