પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોવિડ-19 સામે લડવા આગામી વ્યૂહરચના ઘડવા મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી


મુખ્યમંત્રીઓ લૉકડાઉન બે અઠવાડિયા લંબાવવાનું સૂચન કર્યું

અગાઉ આપણો મંત્ર ‘જાન હૈ તો જહાન હૈ’ હતો, પણ હવે ‘જાન ભી જહાન ભી’ છે: પ્રધાનમંત્રી

અત્યાર સુધી વાયરસને નિયંત્રણમાં લેવા માટેના પગલાંની અસરનો અંદાજ મેળવવા આગામી 3 થી 4 અઠવાડિયા મહત્ત્વપૂર્ણઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ કૃષિ ઉત્પાદનોનાં વેચાણની સુવિધા આપવા એપીએમસી કાયદામાં સુધારા સહિત કૃષિ અને આનુષંગિક ક્ષેત્ર માટે ચોક્કસ પગલાંઓનું સૂચન કર્યું

આરોગ્ય સેતુ કોવિડ-19 સામે આપણી લડાઈમાં આવશ્યક ટૂલ છે, જે આગળ જતાં પ્રવાસ કરવા માટે ઇ-પાસ તરીકે કામ કરી શકેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ આરોગ્ય કર્મીઓ પર હુમલા તથા પૂર્વોત્તર અને કાશ્મીરના વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહારની ઘટનાઓને વખોડી

પ્રધાનમંત્રીએ ખાતરી આપી કે, દેશ આવશ્યક દવાઓનો પર્યાપ્ત પુરવઠો ધરાવે છે; કાળા બજાર અને સંગ્રહખોરી સામે કડક પગલાં લેવાનો સંદેશ આપ્યો

Posted On: 11 APR 2020 4:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે આગળની વ્યૂહરચના નક્કી કરવા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ પ્રધાનમંત્રીની મુખ્યમંત્રીઓ સાથે આ પ્રકારની ત્રીજી બેઠક હતી. અગાઉ બે બેઠકો 2 એપ્રિલ અને 20 માર્ચ, 2020નાં રોજ યોજાઈ હતી.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોના સહિયારા પ્રયાસથી કોવિડ-19ની અસરને ઘટાડવામાં ચોક્કસ મદદ મળશે, પણ સ્થિતિ ઝડપથી બદલાઈ રહી હોવાથી સતત સતર્કતા રાખવી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. તેમણે વાયરસને નિયંત્રણમાં લેવા અત્યાર સુધી લેવામાં આવેલા પગલાંની અસર નક્કી કરવા માટે આગામી 3 થી 4 અઠવાડિયા મહત્ત્વપૂર્ણ હોવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ પડકારનો સામનો કરવા ટીમવર્ક ચાવીરૂપ છે.

 

પ્રધાનમંત્રીએ સ્પષ્ટપણે ખાતરી આપી હતી કે, ભારત પાસે આવશ્યક દવાઓનો પર્યાપ્ત પુરવઠો છે. તેમણે જણાવ્યું હતું કે, આ લડાઈમાં મોખરે રહીને કામ કરતાં લોકો માટે રક્ષણાત્મક સાધનો અને મહત્ત્વપૂર્ણ સાધન-સામગ્રીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા વિવિધ પગલાં હાથ ધરવામાં આવ્યાં છે. તેમણે કાળા બજાર અને સંગ્રહખોરી સામે કડક પગલાં લેવાનો સંદેશ પણ આપ્યો હતો. ડૉક્ટરો અને તબીબી સ્ટાફ પર હુમલાની ઘટનાઓ તથા પૂર્વોત્તર અને કાશ્મીરમાં વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહારની ઘટનાઓને વખોડી અને એના પર ચિંતા વ્યક્ત કરી પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારનાં કેસમાં કડક હાથે કામ કરવાની જરૂર છે. તેમણે લૉકડાઉનના ઉલ્લંઘનોને નિયંત્રણમાં લેવાની અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની જરૂરિયાત વિશે વાત કરી હતી.

 

લૉકડાઉનમાંથી બહાર નીકળવાની યોજના વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લૉકડાઉનને વધુ બે અઠવાડિયા વધારવા પર રાજ્યો વચ્ચે સર્વસંમતિ હોય એવું જણાય છે. તેમણે ભાર મૂક્યો હતો કે, સરકારનો સિદ્ધાંત અગાઉ જાન હૈ તો જહાન હૈ હતો, પણ હવે જાન ભી, જહાન ભી છે.

 

પ્રધાનમંત્રીએ ટેલીમેડિસિન દ્વારા દર્દીઓ સુધી પહોંચવા અને હેલ્થકેર માળખાને મજબૂત કરવા વિશે વાત કરી હતી. તેમણે એવું સૂચન પણ કર્યું હતું કે, કૃષિ ઉત્પાદન માટે સીધા વેચાણને પ્રોત્સાહન આપી શકાશે, જેથી મંડીઓમાં ભીડ થતી અટકાવી શકાશે. આ માટે એપીએમસી કાયદામાં ઝડપથી સુધારા કરવા પડશે. આ પ્રકારનાં પગલાંથી ખેડૂતોને તેમના ઘરઆંગણે વેચાણનું ઉત્પાદન કરવામાં મદદ મળશે.

 

પ્રધાનમંત્રીએ આરોગ્ય સેતુ એપને લોકપ્રિય બનાવીને એનું ડાઉનલોડિંગ વધારે સંખ્યામાં સુનિશ્ચિત કરવા વિશે પણ વાત કરી હતી. તેમણે કોન્ટેક્ટ ટ્રેસિંગમાં દક્ષિણ કોરિયા અને સિંગાપોરે કેવી રીતે સફળતા મેળવી એનો સંદર્ભ પણ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, એ અનુભવોને આધારે ભારતે એપ દ્વારા પોતાના પ્રયાસો કર્યા છે, જે ભારતની મહામારી સામેની લડાઈમાં આવશ્યક સાધન બનશે. તેમણે એક સ્થળેથી બીજા સ્થળ પ્રવાસની સુવિધા આપી શકાય એ માટે ઇ-પાસ તરીકે એપની સંભવિતતાનો સંદર્ભ પણ આપ્યો હતો.

 

આર્થિક પડકારો વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ કટોકટી સ્વનિર્ભર બનવાની અને દેશને આર્થિક પાવરહાઉસમાં ફેરવવા માટેની તક છે.

 

મુખ્યમંત્રીઓએ તેમના સંબંધિત રાજ્યોમાં કોવિડ પોઝિટિવ કેસો વિશે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા તેમની સરકારોએ લીધેલા પગલાં, હેલ્થકેર માળખામાં કરવામાં આવેલો વધારો, પરપ્રાંતીયોની મુશ્કેલીઓ લઘુતમ કરવા અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવવા વગેરે જાણકારી આપી હતી. મુખ્યમંત્રીઓએ સૂચન કર્યું હતું કે, લૉકડાઉન બે અઠવાડિયા સુધી લંબાવવું જોઈએ. તેમણે મહામારી સામે લડવા પોતાના સંસાધનો વધારવા કેન્દ્ર સરકાર પાસેથી નાણાકીય અને રાજકોષીય સહાય પણ માગી હતી.

 

આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી, સંરક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી, અગ્ર સચિવ, કેબિનેટ સચિવ અને ભારત સરકારનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

 

GP/RP



(Release ID: 1613364) Visitor Counter : 299