સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અંગે અપડેટ્સ
Posted On:
05 APR 2020 6:48PM by PIB Ahmedabad
દેશમાં કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. આ તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઇકાલે એમ્પાવર્ડ સમૂહની સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં કોવિડ-19 સામે પ્રતિક્રિયા, તૈયારીઓ અને અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે આ બેઠક યોજાઇ હતી. તમામ સમૂહે અત્યાર સુધીમાં હોસ્પિટલો, આઇસોલેશન અને ક્વૉરન્ટાઇન સુવિધાઓની ઉપલબ્ધતા, પરીક્ષણ અને ગંભીર સારવારની તાલીમ વગેરેને અનુલક્ષીને લેવામાં આવેલા પગલાં અંગે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે કોવિડ-19માંથી બહાર આવવા માટેની તમામ તૈયારીઓની માહિતી મેળવવા માટે ઝજ્જર ખાતે આવેલી ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે, AIIMS ઝજ્જર કોવિડ-19 માટે ડેડીકેટેડ (સમર્પિત) હોસ્પિટલ તરીકે કામ કરશે જેમાં 300 બેડ, આઇસોલેશન વૉર્ડની સુવિધાઓ હોવાથી અદ્યતન તબીબી સપોર્ટમાં આઇસોલેશનની જરૂર હોય તેવા દર્દીઓને તાત્કાલિક સારવાર આપવાનું સુનિશ્ચિત થઇ શકશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, “આ ઘાતક વાયરસ સામે સમગ્ર દુનિયામાં લોકો દિવસ-રાત અવિરત મહેનત કરીને રસી શોધી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઇ સફળતા મળી નથી. આપણે લૉકડાઉન અને સામાજિક અંતરના સંયોજનને જ કોવિડ-19 સામે અસરકારક સામાજિક રસી માનીને તેનો ઉકેલ લાવવો પડશે.”
કેબિનેટ સચિવે આજે તમામ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને આરોગ્ય સચિવો તેમજ તમામ જિલ્લાના DM, SSP, CMO, IDSP સ્ટાફ સાથે વીડિયો કોન્ફરન્સ (VC)ના માધ્યમથી બેઠક કરી હતી. તેમણે તમામ DMને નિર્દેશો આપ્યા હતા કે, દવાઓ અને તબીબી ઉપકરણોના ઉત્પાદનમાં જોડાયેલા તમામ ફાર્મા એકમો સરળતાથી કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવામાં આવે. રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના તમામ સ્ટાફ અને સંબંધિત પ્રતિનિધિઓને આજની વીડિયો કોન્ફરન્સ દરમિયાન આ બીમારીના નિયંત્રણ માટે વ્યૂહનીતિ અંગે દિશાસૂચન કરવામાં આવ્યું હતું. વધુમાં તમામ જિલ્લાને સલાહ આપવામાં આવી હતી કે તેઓ કોવિડ-19 કટોકટી વ્યવસ્થાપન પ્લાન તૈયાર કરે. આ વીડિયો કોન્ફરન્સમાં, છ જિલ્લા (ભીલવાડા, આગ્રા, ગૌતમ બુદ્ધ નગર, પઠાન મિથિટ્ટા (કેરળ), પૂર્વ દિલ્હી અને મુંબઇ મ્યુનિસિપલ)ના જિલ્લા આયુક્તો અને મ્યુનિસિપલ આયુક્તોએ તેમની વ્યૂહરચના અને અનુભવો જણાવ્યા હતા.
આજની તારીખ સુધીમાં, દેશમાં કોવિડ-19 વાયરસના કારણે 274 જિલ્લા અસરગ્રસ્ત થયા છે.
ICMR દ્વારા ક્લસ્ટર્સ (નિયંત્રણ ઝોન સાથે) અને મોટાપાયે વિસ્થાપિતોના મેળાવડા/ સ્થળાંતરણ કેન્દ્રોમાં કોવિડ-19 માટે ઝડપી એન્ટીબોડી આધારિત પરીક્ષણો સંબંધિત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકા અનુસાર, સુવિધાઓ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે કે, પરીક્ષણનું રિપોર્ટિંગ સીધું જ ICMR પોર્ટલ પર કરવા આવ્યું છે. આના કારણે સંપર્ક ટ્રેસિંગની પ્રક્રિયા ઝડપી થશે અને સમયસર સારવાર મળી રહેશે.
ICMR દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, જાહેર જગ્યાએ થૂંકવાથી પણ કોવિડ-19 વાયરસનો ફેલાવો વધી શકે છે. કોવિડ-19 મહામારીના વધતા જોખમને ધ્યાનમાં રાખીને લોકોને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ કોવિડ-19 મહામારી દરમિયાન તમાકુના ચાવવાના ઉત્પાદનોનો ઉપયોગ ટાળે અને જાહેર સ્થળોએ ન થૂંકે.
અત્યાર સુધીમાં 3374 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે અને 79 વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. 267 દર્દીઓ સાજા થયા છે/સાજા થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ-સૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in પર ઇમેલ પણ કરી શકો છો. જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
RP
*****
(Release ID: 1611475)
Visitor Counter : 238
Read this release in:
Assamese
,
Kannada
,
English
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam