પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિએ ટેલીફોન પર વાત કરી

Posted On: 04 APR 2020 10:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાઝિલના રાષ્ટ્રપતિ મહામહિમ જાયર મેસિયાસ બોલ્સોનારો સાથે ટેલીફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ કોવિડ-19 મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભી થયેલી સ્થિતિની ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ કોવિડ-19 રોગચાળાને કારણે બ્રાઝિલમાં થયેલી જાનહાનિ પર શોક અને આશ્વાસનની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દરેક ભારતીયની પ્રાર્થના આ સમયે બ્રાઝિલના મૈત્રીપૂર્ણ લોકો સાથે છે.

બંને નેતાઓએ ભારત અને બ્રાઝિલ વચ્ચે ગાઢ સહકારના મહત્ત્વ પર, દ્વિપક્ષીય સંબંધ પર તેમજ બહુપક્ષીય સંસ્થાગત માળખાગત કાર્ય પર ભાર મૂક્યો હતો, જેથી કોવિડ-19ને કારણે ઊભી થયેલી કટોકટીની સ્થિતિની અસર ઓછામાં ઓછી કરી શકાય. તેઓ કોવિડ-19 પછીની દુનિયા માટે વૈશ્વિકરણની નવા માનવકેન્દ્રિત વિભાવનાને પરિભાષિત કરવાની જરૂરિયાત પર સંમત થયા હતા.

પ્રધાનમંત્રીએ હાલ કટોકટીના સમયમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિને શક્ય તમામ સાથસહકારની ખાતરી આપી હતી. તેઓ કોવિડ-19ના કારણે ઊભી થયેલી સ્થિતિ અને એમાંથી ઊભા થયેલા પડકારોના સંબંધમાં તેમના અધિકારીઓ નિયમિતપણે સંપર્કમાં રહેશે એ બાબત પર સંમત થયા હતા.

ચાલુ વર્ષે ભારતના 70મા પ્રજાસત્તાક દિવસમાં મુખ્ય અતિથિ તરીકે બ્રાઝિલનાં રાષ્ટ્રપતિના આગમનને યાદ કરીને પ્રધાનમંત્રીએ ભારત અને બ્રાઝિલ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોમાં આવેલી જીવંતતા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ગયા વર્ષે બ્રિક્સના નેતૃત્વ બદલ બ્રાઝિલનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

 

RP



(Release ID: 1611291) Visitor Counter : 185