સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અંગે અપડેટ્સ

Posted On: 02 APR 2020 5:39PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19ના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે સાથે ભારત સરકાર દ્વારા પણ વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. આ તમામ પગલાં પર નિયમિત ધોરણે ઉચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ રાજ્યોને જિલ્લા સ્તરે આ કટોકટીની સ્થિતિનું વ્યવસ્થાપન કરવાની તેમજ પરીક્ષણ, આઇસોલેશન અને ક્વૉરેન્ટાઇન સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વિનંતી કરવામાં આવી હતી. રાજ્યોને એવી પણ વિનંતી કરવામાં આવી હતી કે, તેઓ સ્વાસ્થ્ય સંભાળ માનવ સંસાધનો અપગ્રેડ કરે, અગ્ર હરોળમાં કામ કરી રહેલા કર્મચારીઓ માટે ઑનલાઇન તાલીમનું આયોજન કરે અને સરકારમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ તેમજ ખાનગી હોસ્પિટલો, NGO, NSS અને NSOમાંથી માણસોને સામેલ કરીને વર્તમાન ક્ષમતા વધુ મજબૂત કરે.

માનનીય પ્રધાનમંત્રીને રાજ્યો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, સામાજિક અંતરના માપદંડો અને ઉન્નત સર્વેલન્સ (દેખરેખ)ની મદદથી લૉકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે અને તેઓ ખાસ કરીને વિસ્થાપિત શ્રમિકો અને આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંપર્ક ટ્રેસિંગની સખત કામગીરી કરી રહ્યા છે. રાજ્યોએ એવી પણ માહિતી આપી હતી કે, રાહત શિબિરોમાં સાઇકો-સોશિયલ સહાય અને આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો સુનિશ્ચિત કરવા માટે પૂરતા પ્રમાણમાં સુખાકારી પગલાં લેવામાં આવે તેની તેઓ ખાતરી કરી રહ્યા છે. રાજ્યોએ કોવિડ-19 માટે સમર્પિત હોસ્પિટલો, ICU બેડ, ક્વૉરેન્ટાઇન સુવિધાઓ, વેન્ટિલેટર અને PPE સંબંધિત પોતાની પ્રગતિ વિશે પણ આ બેઠકમાં માહિતી આપી હતી.

નામદાર સર્વોચ્ચ અદાલતના આદેશ અંતર્ગત, રાજ્યોને નિર્દેશો આપવામાં આવ્યા છે કે, તેઓ લોકોમાં ગભરાટનો માહોલ ઉભો ન થાય તે માટે ખોટા સમાચારો વિરુદ્ધ લડવા માટે અસરકારક પગલાં લે.

વધુમાં, #COVID19 દર્દીઓના ડાયાલિસિસ અંગેની માર્ગદર્શિકા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકા www.mohfw.gov.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય અને ન્યૂરો-સાયન્સ સંસ્થા (NIMHANS)ની મદદથી વૃદ્ધ લોકો અને બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે યોગ્ય સામાન્ય જાહેર પગલાં લેવાની ભલામણ કરી છે જેથી કોવિડ-19 મહામારીના કારણે તેમના મનમાંથી અજંપો અને તણાવ દૂર રાખી શકાય. આ ભલામણો www.mohfw.gov.in/ પર ઉપલબ્ધ છે. આચરણ સ્વાસ્થ્ય સંબંધિત કોઇપણ પ્રશ્નના સમાધાન માટે સાઇકો-સોશિયલ ટૉલ ફ્રી હેલ્પલાઇન નંબર 08046110007 પણ કાર્યરત છે.

અત્યાર સુધીમાં, કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાથા 1965 કેસોની પુષ્ટિ થઇ છે જેમાંથી 50 વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં નવા 328 કેસોની પુષ્ટિ થઇ છે અને 12 વ્યક્તિનાં મૃત્યું નોંધાયા છે. 151 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થયા છે/ સાજા થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in પર ઇમેલ પણ કરી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

GP/RP

*****



(Release ID: 1610419) Visitor Counter : 250