પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આયુષ ચિકિત્સકો સાથે સંવાદ કર્યો


આયુષ વિભાગ એ રાષ્ટ્રને સ્વસ્થ રાખવા માટેની એક લાંબી પરંપરા સાથે જોડાયેલ છે; કોવીડ-19નો ફેલાવો રોકવા માટે તેની મહત્વની ભૂમિકા છે: પ્રધાનમંત્રી

આયુષ દ્વારા આ રોગનો ઈલાજ કરાયો હોવાના દાવા અને તથ્યોની તપાસ થવી જરૂરી: પ્રધાનમંત્રી

ટેલીમેડીસીનના આ મંચનો ઉપયોગ જાહેર જનતા સુધી પહોંચવામાં અને તેમને સતત જાગૃત કરવા માટે કરો: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ #YogaAtHome ને પ્રોત્સાહન આપવા માટે આયુષ મંત્રાલયના પ્રયત્નોની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આયુષ વિભાગના ચિકિત્સકો સાથે વાતચીત કરી

Posted On: 28 MAR 2020 1:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આયુષ વિભાગ દેશને સ્વસ્થ રાખવા માટેની એક લાંબી પરંપરા સાથે જોડાયેલો છે અને કોવીડ-19ને પહોંચી વળવા માટેના વર્તમાન પ્રયત્નોમાં તેનું મહત્વ અનેકગણું વધી જાય છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે તેમનું નેટવર્ક દેશમાં લંબાઈ અને પહોળાઈ બંને રીતે વિસ્તૃત છે આથી તેમની માટે અતિશય જરૂરી છે કે તેઓ ડબ્લ્યુએચઓની માર્ગદર્શિકા અનુસાર કામ કરીને સારી આદતો કે જે વાયરસના પ્રસારને અટકાવવા માટેના પ્રયત્નો દરમિયાન અપનાવવી જોઈએ તે અંગેનો સંદેશ ફેલાવવા માટે નેટવર્કનો ઉપયોગ કરે. તેમણે મુશ્કેલ સમય દરમિયાન મનને હળવું કરવા અને શરીરને સશક્ત બનાવવા માટે #YogaAtHome ને પ્રોત્સાહન આપવા માટે આયુષ મંત્રાલય દ્વારા વર્તમાન સમયમાં ચાલી રહેલ પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ આયુષ દ્વારા રોગનો ઈલાજ હોવાના કરવામાં આવેલ બિનઆધારભૂત દાવાઓની પ્રમાણભૂતતા ચકાસવાના મહત્વ ઉપર પણ ભાર મૂક્યો હતો અને ઉમેર્યું હતું કે આયુષ વૈજ્ઞાનિકો, આઈસીએમઆર, સીએસઆઈઆર અને અન્ય સંશોધન સંસ્થાઓએ પ્રમાણ આધારિત સંશોધન કરવા માટે સાથે આવવું જોઈએ. તેમણે કહ્યું કે પડકારને પહોંચી વળવા માટે સમગ્ર આરોગ્યકાળજી કાર્યદળનો ઉપયોગ કરવા માટે દેશ તૈયાર હોવો જોઈએ અને જો જરૂર પડે તો સરકાર દ્વારા આયુષ સાથે સંકળાયેલ ખાનગી ડોક્ટર્સ પાસેથી પણ મદદ માંગી શકાય તેમ છે.

પ્રધાનમંત્રીએ સલાહ આપી હતી કે આયુષ દવાઓના ઉત્પાદકો તેમના સંસાધનોનો ઉપયોગ મહત્વની વસ્તુઓ જેવી કે સેનીટાઈઝર્સ કે જેની અત્યારે સૌથી વધુ માંગ છે તે બનાવવા માટે પણ કરી શકે છે. તેમણે ટેલિમેડીસીનના મંચનો ઉપયોગ વધુમાં વધુ જાહેર જનતા સુધી પહોંચવા માટે અને રોગચાળા સામે લડવા માટે સતત જાગૃતિ ફેલાવવા કરવામાં આવે એવું તેમને આહ્વાહન કર્યું હતું. તેમણે રોગચાળાને નાથવા માટે સંપૂર્ણ શક્તિ સાથે સામાજિક અંતર જાળવવાના મહત્વ ઉપર પણ વધુ ભાર મૂક્યો હતો.

આયુષ મંત્રાલયના ચિકિત્સકોએ કોવીડ-19 સામેના યુદ્ધમાં દેશની આગેવાની કરવા બદલ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી. તેમણે રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવવા માટે પરંપરાગત પદ્ધતિઓની અસર વિષે વાત કરી હતી. તેમણે લક્ષણો આધારિત ઈલાજ માટે સંશોધન હાથ ધરવાના તેમના પ્રયત્નોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને સંકટના સમય દરમિયાન રાષ્ટ્રની સેવા કરવાની તેમની ઈચ્છા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભારતની પરંપરાગત ઔષધીઓ અને ઉપચાર પદ્ધતિઓ અંગે જાગૃતિ ફેલાવવી અત્યંત મહત્વનું છે. તેમણે સતત લોકોની સેવામાં રત રહેલા આયુષ ચિકિત્સકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ફરી એકવાર કોવીડ-19 વિરુદ્ધ ભારતની લડાઈમાં તેમણે નિભાવવા માટેની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂક્યો હતો.

સંવાદ દરમિયાન આયુષના કેન્દ્રીય મંત્રી, આયુષ મંત્રાલયના કેબીનેટ સચિવ અને સચિવે પણ ઉપસ્થિત રહ્યા હતા.

GP/DS



(Release ID: 1608802) Visitor Counter : 203