પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોરોનાવાયરસ રોગચાળા પર વારાણસીની જનતા સાથે સંવાદ કર્યો


પ્રધાનમંત્રીએ સંયમ, સંકલ્પ અને સંવેદનશીલતા દાખવવા અપીલ કરી

પ્રધાનમંત્રીએ કોરોનાવાયરસ પર હેલ્પડેસ્ક નંબરની જાહેરાત કરી

Posted On: 25 MAR 2020 6:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે એમના સંસદીય મતવિસ્તાર વારાણસીના લોકો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વારાણસીના સાંસદ તરીકે તેમને કસોટીના આ સમયે તેમની સાથે હોવાની જરૂર હતી, પણ દિલ્હીમાં જે કંઈ બની રહ્યું છે એના કારણે આવું શક્ય બની શકે એમ નથી. તેમણે ઉમેર્યું હતું કે, વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં તેઓ તેમના સાથીદારો પાસેથી વારાણસી વિશે નિયમિતપણે જાણકારી મેળવી રહ્યાં છે. કોરોનાવાયરસ રોગચાળાની શરૂઆત થયા પછી પ્રધાનમંત્રીનો વારાણસીની જનતા સાથે આ પ્રથમ સંવાદ હતો.

પ્રધાનમંત્રીએ કોરોનાવાયરસ સામે દેશની લડાઈમાં સંપૂર્ણ શક્તિ આપણને આપવા માટે માતા શૈલદેવીને પ્રાર્થના અને પૂજાઅર્ચના કરવા બદલ વારાણસીની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, “હકીકતમાં જરૂરિયાતના સમયે લોકો મહત્ત્વપૂર્ણ ચીજવસ્તુઓ પર ધ્યાન આપતા નથી. ભારતમાં પણ આવું જ બની રહ્યું છે.તેમણે લોકોને હકીકતોને સમજવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા પણ વિનંતી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાવાયરસ ધનિક અને ગરીબ વચ્ચેનો ભેદભાવ કરતો નથી અને એ કોઈને છોડશે નહીં. તેમણે કાબુલમાં ગુરુદ્વારામાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા તમામ લોકોના પરિવારજનો પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, સરકારે કોરોનાવાયરસ વિશે સાચી માહિતી મેળવવા માટે વ્હોટ્સએપ સાથે જોડાણમાં એક હેલ્પડેસ્કની રચના કરી છે. તેમણે કહ્યું હતું કે, 9013151515 વ્હોટ્સએપ નંબર પર નમસ્તેલખીને મોકલીને સાચી માહિતી અંગ્રેજી કે હિંદીમાં મેળવી શકાશે. તેમણે જણાવ્યું હતું કે, મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં પાંડવો જીત્યા હતાં અને ભારત નોવેલ કોરોનાવાયરસ સામેની લડાઈ 21 દિવસમાં જીતશે.

પ્રધાનમંત્રીએ તમામ નાગરિકોને અપીલ કરી હતી કે, જો તેમને ડૉક્ટરો અને નર્સો જેવા કોઈ વ્યાવસાયિકો સાથે દુર્વ્યવહારની ઘટનાની જાણકારી મળે, તો તેમણે આ પ્રકારનાં લોકો સામે કાર્યવાહી હાથ ધરવી જોઈએ, કારણ કે તેઓ ખોટું કરી રહ્યાં છે એ સમજવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, તેમણે આ કસોટીના સમયમાં યોગ્ય પગલાં લેનાર ડૉક્ટરો, નર્સો અને અન્ય વ્યાવસાયિકોને સાથસહકાર ન આપતા કે ઉચિત વ્યવહાર ન કરતાં લોકો સામે કડક પગલાં લેવા ગૃહ મંત્રાલય અને ડીજીપીને જણાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ દેશના સામાન્ય નાગરિકો ઉચિત સમયે યોગ્ય પગલાં લેવામાં માને છે. તેમણે જણાવ્યું હતું કે, 22 માર્ચનાં રોજ નાગરિકો જનતા કર્ફ્યૂને કેવી રીતે ટેકો આપે છે એ સ્પષ્ટપણે જોવા મળ્યું છે અને પછી સાંજે 5 વાગે આવશ્યક સેવાઓ પ્રદાન કરવા માટે ફરજ બજાવતા લોકોની પ્રશંસા પણ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, હોસ્પિટલોમાં સફેદ પોશાકમાં તબીબી સેવા આપતા લોકો અત્યારે આપણાં માટે ઈશ્વર સમાન છે. તેઓ આપણને આ બિમારીથી બચાવી રહ્યાં છે અને એ પણ તેમનું જીવન જોખમમાં મૂકીને. ઉપરાંત તેમણે તેમના મતવિસ્તારમાં જીવનનાં વિવિધ ક્ષેત્રનાં લોકોનાં પ્રશ્રોનાં જવાબો આપ્યાં હતાં અને શંકાઓનું સમાધાન કર્યું હતું.

RP


(Release ID: 1608165) Visitor Counter : 310