પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ નવી દિલ્હીમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી


ટેકનોલોજી, સમુદાયની ભાગીદારી અને સંકલિત રાષ્ટ્રીય કાર્યવાહી દ્વારા માનવ-વન્યજીવ સંઘર્ષ નિવારણને મજબૂત કરવા પર સમિતિમાં વિચાર મંથન

प्रविष्टि तिथि: 05 AUG 2026 12:27PM by PIB Ahmedabad

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભુપેન્દર યાદવના અધ્યક્ષસ્થાને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠક આજે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય એજન્ડા માનવ-વન્યજીવ સંઘર્ષ (HWC) ના મુદ્દા અને તેના અટકાવ, નિવારણ તથા લોકો અને વન્યજીવો વચ્ચે લાંબા ગાળાના સહઅસ્તિત્વને મજબૂત કરવા માટે જરૂરી પગલાં પર વિચારમંથન કરવાનો હતો. ઉપસ્થિત અગ્રણીઓમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી કીર્તિ વર્ધન સિંહ, સમિતિના ભાગરૂપ સંસદસભ્યો ઉપરાંત મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, પીસીસીએફ (PCCFs) અને સહભાગી રાજ્યોના મુખ્ય વન્યજીવ વોર્ડનનો સમાવેશ થાય છે.

18.12.2025 ના રોજ યોજાયેલી અગાઉની બેઠક દરમિયાન આપવામાં આવેલા નિર્દેશો પર લેવાયેલા અનુવર્તી પગલાંથી સમિતિને માહિતગાર કરવામાં આવી હતી. જેમાં સંઘર્ષગ્રસ્ત વિસ્તારોના સંસદસભ્યો સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવેલ પરામર્શનો સમાવેશ થાય છે. બેઠક દરમિયાન, મંત્રાલયે રેખાંકિત કર્યું હતું કે સંઘર્ષની પેટર્ન વિવિધ ભૂપ્રદેશોમાં અલગ-અલગ હોય છે, જેમાં કેટલાક રાજ્યોમાં માનવ-હાથી સંઘર્ષ મુખ્ય છે, જ્યારે વાઘ, દીપડા, રીંછ, ગેંડા, જંગલી ભૂંડ, ગૌર (જંગલી બળદ), પ્રાઇમેટ્સ અને અન્ય પ્રજાતિઓને સાંકળતા સંઘર્ષો માટે સ્થળ-વિશિષ્ટ વ્યવસ્થાપન અભિગમની જરૂર છે.

રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની 7મી બેઠક દરમિયાન ભારતના પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યા મુજબ સેન્ટર ઓફ એક્સેલન્સ ઓન હ્યુમન-વાઇલ્ડલાઇફ કોન્ફ્લિક્ટ (CoE-HWC)ની સ્થાપના સાકોન (SACON), WII સાઉથ સેન્ટર, કોઈમ્બતુર ખાતે કરવા અંગે સમિતિને જાણ કરવામાં આવી હતી. આ કેન્દ્રની સ્થાપના માનવ-વન્યજીવ સંઘર્ષના અસરકારક વ્યવસ્થાપન માટે વૈજ્ઞાનિક સંશોધન, તકનીકી નવીનતા, નીતિગત સમર્થન, ક્ષમતા નિર્માણ અને સમુદાય-કેન્દ્રિત અભિગમો માટે રાષ્ટ્રીય સંસ્થા તરીકે કરવામાં આવી છે. સમિતિએ સંઘર્ષની ઘટનાઓનું રેકોર્ડિંગ, ડેટા મેનેજમેન્ટ, જ્ઞાનનું આદાન-પ્રદાન અને નિર્ણય લેવામાં સહાય માટેના એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ તરીકે 10.07.2026 ના રોજ 'નેશનલ હ્યુમન-વાઇલ્ડલાઇફ કોન્ફ્લિક્ટ પોર્ટલ' શરૂ કરવાના પગલાંને પણ નોંધ્યું હતું. વધુમાં, માહિતી આપવામાં આવી હતી કે દક્ષિણ ભારત માટે 'રીજનલ એક્શન પ્લાન (RAP) ઓન એલિફન્ટ કન્ઝર્વેશન' ને મંજૂરી આપવામાં આવી છે.

આસામ, કર્ણાટક, કેરલમ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ રાજ્યો દ્વારા પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી, જેમાં તેમના સંઘર્ષના પરિદ્રશ્યો, નિવારણના પગલાં, સમુદાયની ભાગીદારીની પહેલો, ટેકનોલોજીનો ઉપયોગ, સંસ્થાકીય પદ્ધતિઓ અને રાષ્ટ્રીય પ્રયાસોને મજબૂત કરવા માટેની ભલામણો રજૂ કરવામાં આવી હતી. રજૂ કરાયેલા અનુભવોએ લેન્ડસ્કેપ-વિશિષ્ટ આયોજન, ઝડપી પ્રતિભાવ પ્રણાલી, રહેઠાણ સુધારણા, વન્યજીવ કોરિડોરનું રક્ષણ, વૈજ્ઞાનિક દેખરેખ, પ્રારંભિક ચેતવણી પ્રણાલી, સમુદાય જોડાણ અને આંતર-રાજ્ય સંકલનના મહત્વ પર ભાર મુક્યો હતો.

ચર્ચામાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે માનવ-વન્યજીવ સંઘર્ષના અસરકારક વ્યવસ્થાપન માટે એકીકૃત અભિગમની જરૂર છે જે પારિસ્થિતિક સંરક્ષણને માનવ જીવન અને આજીવિકાના રક્ષણ સાથે જોડતી હોય. સભ્યોએ GIS, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડ્રોન, રેડિયો ટેલિમેટ્રી અને પ્રિડિક્ટિવ એનાલિટિક્સ સહિતની આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર વિચારમંથન કર્યું હતું, જ્યારે ફ્રન્ટલાઈન ક્ષમતા વધારવા, વળતર વિતરણમાં સુધારો કરવા, જાહેર જાગરૂકતા વધારવા અને સંરક્ષણમાં સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહિત કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

છ રાજ્યો દ્વારા કરવામાં આવેલા પ્રેઝન્ટેશનના મુખ્ય અંશો નીચે મુજબ છે:

આસામ: આસામ સરકારે હાથી, વાઘ, દીપડા, ગેંડા, જંગલી ભેંસ અને જંગલી ભૂંડને સાંકળતા માનવ-વન્યજીવ સંઘર્ષને ઘટાડવા માટે તેની લેન્ડસ્કેપ-આધારિત વ્યુહરચના રજૂ કરી હતી. રાજ્યએ રહેઠાણ પુનઃસ્થાપન, કોરિડોર રક્ષણ, પ્રારંભિક ચેતવણી પ્રણાલી, ઝડપી પ્રતિભાવ, સમુદાયની ભાગીદારી અને આજીવિકાના વૈવિધ્યકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રદેશ-વિશિષ્ટ કાર્ય યોજનાઓ તૈયાર કરવા માટે 'ઝોનલ હ્યુમન-વાઇલ્ડલાઇફ કોન્ફ્લિક્ટ રિસ્ક રિડક્શન કમિટીઓ' ની રચના અંગે માહિતી આપી હતી. સમિતિએ ઝોનલ પ્લાનિંગ અભિગમની પ્રશંસા કરી હતી અને અન્ય સંઘર્ષ-સંભવિત ભૂપ્રદેશોમાં તેનો અમલ કરવા માટે તેના પરિણામોના દસ્તાવેજીકરણ પર ભાર મૂક્યો હતો.

કર્ણાટક: કર્ણાટકે એન્જિનિયરિંગ હસ્તક્ષેપો, AI-સક્ષમ સર્વેલન્સ, કમાન્ડ સેન્ટર્સ, રેપિડ રિસ્પોન્સ ટીમો, કોમ્યુનિટી વોલન્ટિયર નેટવર્ક્સ અને ઈ-પરીહારા ડિજિટલ કોમ્પેન્સેશન સિસ્ટમ્સ પર આધારિત પ્રિડિક્ટિવ માનવ-વન્યજીવ સંઘર્ષ વ્યવસ્થાપન માટે તેના એકીકૃત સિક્સ-પિલર મોડેલનું પ્રદર્શન કર્યું હતું. રાજ્યએ નેશનલ હ્યુમન-વાઇલ્ડલાઇફ કોન્ફ્લિક્ટ મિશન, સામાન્ય સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ (SOPs), કોરિડોર પુનઃસ્થાપન અને સીમાપાર હાથીઓની વસતીના સંચાલન માટે મજબૂત આંતર-રાજ્ય સંકલનનો પણ સૂચવ્યો હતો. સમિતિએ કર્ણાટકની ટેકનોલોજી-સંચાલિત નીતિની પ્રશંસા કરી હતી અને રાજ્યો વચ્ચે શ્રેષ્ઠ પદ્ધતિઓના વ્યાપક પ્રસારની ભલામણ કરી હતી.

કેરલમ: રાજ્યએ માનવ-વન્યજીવ સંઘર્ષને 'રાજ્ય-વિશિષ્ટ આપત્તિ' તરીકે જાહેર કરવા, રેપિડ રિસ્પોન્સ ટીમો અને પ્રાઇમરી રિસ્પોન્સ ટીમોની તૈનાતી, 273 સંઘર્ષગ્રસ્ત પંચાયતોની ઓળખ અને 'જના જાગરથા સમિતિઓ' તથા 'SARPA' વોલન્ટિયર પ્રોગ્રામ જેવી સમુદાય-આધારિત પહેલોના અમલીકરણ સહિત તેના એકીકૃત સંસ્થાકીય માળખાને રેખાંકિત કર્યું હતું. રાજ્યએ વન્યજીવ કોરિડોર પુનઃસ્થાપન, રહેઠાણ વ્યવસ્થાપન, જવાબદાર પ્રવાસન અને ટેકનોલોજી-સક્ષમ મોનિટરિંગ પર પણ ભાર મૂક્યો હતો. સમિતિએ કેરલમના મજબૂત સંસ્થાકીય અને સમુદાય-આધારિત અભિગમની નોંધ લીધી હતી અને અન્ય રાજ્યો સાથે સફળ હસ્તક્ષેપોનું સતત આદાન-પ્રદાન પ્રોત્સાહિત કર્યું હતું.

મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશ દ્વારા AI-સક્ષમ સર્વેલન્સ, GPS ટ્રેકિંગ, ડ્રોન, ગજરક્ષક, રેપિડ રિસ્પોન્સ ટીમો, પ્રજાતિ-વિશિષ્ટ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ, સમયબદ્ધ વળતર અને બાગ મિત્ર, હાથી મિત્ર અને ઇકો-ડેવલપમેન્ટ કમિટીઓ દ્વારા વ્યાપક સમુદાય ભાગીદારીને જોડતું માનવ-વન્યજીવ સંઘર્ષ નિવારણ માટેનું તેનું 'પ્રિવેન્શન ફર્સ્ટ' મોડેલ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યએ રહેઠાણ વ્યવસ્થાપન, વન્યજીવ સ્વાસ્થ્ય સમર્થન અને સંઘર્ષ સર્જતા પ્રાણીઓના સ્થળાંતર સહિત વિજ્ઞાન-આધારિત પ્રજાતિ વ્યવસ્થાપન પણ રજૂ કર્યું હતું. સમિતિએ ટેકનોલોજી, સમુદાયની ભાગીદારી અને સમયસર રાહત પ્રણાલીના સંકલનની પ્રશંસા કરી હતી અને પ્રિડિક્ટિવ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટને વધુ મજબૂત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

ઉત્તરાખંડ: રાજ્યએ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર, 24×7 હેલ્પલાઇન (1926), ઈ-સર્વેલન્સ, GPS ટ્રેકિંગ, હેબિટેટ રિસ્ટોરેશન, બાયો-ફેન્સિંગ, સમયસર વળતર અને ગ્રામીણ-આધારિત વોલન્ટિયર નેટવર્ક્સ દ્વારા પ્રાથમિકતા ધરાવતા ભૂપ્રદેશોમાં સંઘર્ષ ઘટાડવા માટેનો તેનો વ્યુહાત્મક રોડમેપ રજૂ કર્યો હતો. રાજ્યએ વન્યજીવ-સંવેદનશીલ પ્લાનિંગ, જિલ્લા સ્તરીય મોનિટરિંગ કમિટીઓ અને 'લિવિંગ વિથ લેપર્ડ્સ/ટાઇગર્સ' પહેલ હેઠળ સહઅસ્તિત્વના પગલાંને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી તેની લાંબા ગાળાની વ્યુહરચનાની રૂપરેખા આપી હતી. સમિતિએ ઉત્તરાખંડના એકીકૃત અભિગમની પ્રશંસા કરી હતી અને ટેકનોલોજી-સક્ષમ પ્રારંભિક ચેતવણી પ્રણાલી અને સમુદાયની સજ્જતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં દીપડા સંબંધિત બનાવો માનવ-વન્યજીવ સંઘર્ષના મોટાભાગના કિસ્સાઓ ધરાવે છે, જેમાં તેરાઈ આર્ક લેન્ડસ્કેપ મુખ્ય હોટસ્પોટ છે. રાજ્યએ રેપિડ રિસ્પોન્સ ટીમો, રેસ્ક્યૂ સેન્ટર્સ (4 નિર્મિત), સોલાર ફેન્સિંગ, પ્રારંભિક ચેતવણી પ્રણાલી, કોમ્યુનિટી વોલન્ટિયર પ્રોગ્રામ્સ, વૈજ્ઞાનિક દેખરેખ અને સુરક્ષિત વિસ્તારોથી પર સંરક્ષણ હસ્તક્ષેપોને મજબૂત કરવા પર આધારિત તેની વ્યુહરચના રજૂ કરી હતી. સમિતિએ વૈજ્ઞાનિક વ્યવસ્થાપન પર રાજ્યના ધ્યાનની પ્રશંસા કરી હતી અને ઉચ્ચ-સંઘર્ષ ધરાવતા વિસ્તારોમાં સમુદાય-આધારિત નિવારણ અને દેખરેખ પ્રણાલીઓને સતત મજબૂત કરવાની સલાહ આપી હતી.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી યાદવે રાજ્યો દ્વારા કરવામાં આવેલી પહેલોની પ્રશંસા કરી હતી અને અવલોકન કર્યું હતું કે માનવ-વન્યજીવ સંઘર્ષના પડકારને સંતુલિત અભિગમ દ્વારા સંબોધવો જોઈએ જે વૈજ્ઞાનિક વ્યવસ્થાપન, સંસ્થાકીય સંકલન, ટેકનોલોજી-સક્ષમ દેખરેખ અને સ્થાનિક સમુદાયોની સક્રિય ભાગીદારીને જોડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નેશનલ હ્યુમન-વાઇલ્ડલાઇફ કોન્ફ્લિક્ટ પોર્ટલ અને સેન્ટર ઓફ એક્સેલન્સ ડેટા-સંચાલિત વ્યુહરચના વિકસાવવા, જ્ઞાનના આદાન-પ્રદાનને સરળ બનાવવા અને શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવામાં રાજ્યોને ટેકો આપવા માટે એક મહત્વપૂર્ણ સંસ્થાકીય માળખું પૂરું પાડશે. અગાઉ, બેઠકને સંબોધતા, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી સિંહે સૂચવ્યું હતું કે વન્યજીવોની વહન ક્ષમતા પર રહેઠાણ-આધારિત વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરવાની જરૂર છે, અને ઇકોસિસ્ટમ પાસે વન્યજીવોની વસતી જાળવી રાખવા માટે પૂરતા સંસાધનો છે કે કેમ તે ચકાસવું જોઈએ. આનાથી સંસાધનો વધારવા અને માનવ-વન્યજીવ સંઘર્ષનું સંચાલન કરવા માટેની વ્યુહરચનાનું વધુ સારા આયોજનમાં મદદ મળશે.

ભારતના સમૃદ્ધ વન્યજીવ વારસાનું લાંબા ગાળાનું સંરક્ષણ સુનિશ્ચિત કરતી વખતે માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના પ્રયાસોને મજબૂત કરવા માટે જરૂરી પગલાં પર સંસદસભ્યો વચ્ચે વિગતવાર ચર્ચા સાથે બેઠક સંપન્ન થઈ હતી.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2294787) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Assamese , Bengali , Bengali-TR , Tamil , Telugu , Kannada , Malayalam