માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રપતિ ભવન ખાતે પાંચ સ્મારક પુસ્તકોના વિમોચન સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યાલયના ચાર વર્ષ પૂર્ણ થયા


સ્મારક પુસ્તકો સર્વસમાવેશી લોકશાહીમાં રાષ્ટ્રના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે અને નાગરિકોને ભારતના વારસા પર ગર્વ લેવા માટે પ્રેરિત કરે છે: શ્રીમતી દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ મુર્મુએ ગૌરવ, નમ્રતા, શાણપણ અને બંધારણ પ્રત્યેની અવિચળ કટિબદ્ધતા સાથે સર્વોચ્ચ બંધારણીય પદને સમૃદ્ધ બનાવ્યું છે: ઉપરાષ્ટ્રપતિ

प्रविष्टि तिथि: 28 JUL 2026 8:47PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને તેમના રાષ્ટ્રપતિ કાળના ચાર વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે પાંચ સ્મારક પુસ્તકોનો પહેલો સેટ વિમોચિત કરીને અર્પણ કર્યો હતો.

આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના રાષ્ટ્રપતિ કાળના ચાર વર્ષ પૂર્ણ થવા પર, ચાર પુસ્તકો, રાષ્ટ્રપતિ ભવન: રાષ્ટ્ર કા ભવન, સેવા ઔર સંવેદના, સમાવેશી સહભાગિતા અને ભારતીયતા કા ઉત્સવ, આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિમોચિત કરવામાં આવ્યા હતા. આ પુસ્તકો માહિતી અને પ્રસારણ મંત્રાલયના પબ્લિકેશન્સ ડિવિઝન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકો ઉપરાંત, ઓડિઆ ભાષામાં વધુ એક પુસ્તક, આમ રાષ્ટ્રપતિ આમ ગૌરવ, પણ વિમોચિત કરવામાં આવ્યું હતું. આમ રાષ્ટ્રપતિ આમ ગૌરવ એ ભારતના આદરણીય રાષ્ટ્રપતિ પરના લેખોનો સંગ્રહ છે.

આ પુસ્તકો ભારતના આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ભારતના આદરણીય ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન અને આદરણીય કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગનની ગરિમામય ઉપસ્થિતિમાં વિમોચિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે આ પુસ્તકોના શીર્ષકો સર્વસમાવેશી લોકશાહીમાં આપણા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સચિત્ર સંકલન વાચકોને રાષ્ટ્રપતિ ભવનની પરંપરાઓ, કામગીરી અને વિવિધ પાસાઓથી પરિચિત કરાવશે. તેમણે જણાવ્યું હતું કે તેમનું સાચુ મહત્વ સહ-નાગરિકોને પોતાના વારસા પર ગર્વ લેવાની સાથે પ્રગતિના પંથે આગળ વધવા માટે પ્રેરિત કરવાની તેમની ક્ષમતામાં રહેલું છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે જ્યારે તેમણે 25 જુલાઈ 2022 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ તરીકેનું પદ સંભાળ્યું હતું, ત્યારે તે તેમના માટે એક સન્માન કરતાં પણ વધુ જવાબદારીનો વિષય હતો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષોમાં, તેમણે આ જ કર્તવ્ય ભાવના સાથે પોતાની ફરજો નિભાવી છે. તેમણે કહ્યું કે જ્યારે પણ તેઓ લોકોને, ખાસ કરીને યુવાનોને, રાષ્ટ્રપતિ ભવનમાં અથવા વિવિધ રાજ્યોની તેમની મુલાકાતો દરમિયાન મળે છે, ત્યારે તેઓ તેમને નૈતિક મૂલ્યોમાં અડીખમ રહેવા અને રાષ્ટ્ર તથા સમાજની પ્રગતિ માટે કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમણે કહ્યું કે તેઓ મહિલાઓને આત્મનિર્ભર બનવા અને આત્મવિશ્વાસ સાથે પ્રગતિના પંથે આગળ વધવા આગ્રહ કરે છે. આદિવાસી સમુદાયોના સભ્યો સાથે વાર્તાલાપ કરતી વખતે, તેઓ તેમને તેમની સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખવાની સાથે વિકાસની મુખ્યધારામાં જોડાવા માટે પણ વિનંતી કરે છે. જ્યારે પણ તેઓ વિદેશ પ્રવાસ કરે છે, ત્યારે તેઓ તે દેશોમાં રહેતા ભારતીય સમુદાયને મળે છે અને તેમને ભારતની વિકાસ યાત્રામાં યોગદાન આપવા પ્રોત્સાહિત કરે છે.

સભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આ પ્રસંગ તેમના માટે વ્યક્તિગત રીતે ખાસ મહત્વ ધરાવે છે, તેમણે ઝારખંડના રાજ્યપાલ તરીકેના પોતાના કાર્યકાળને યાદ કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે સમગ્ર રાજ્યમાં તેમની વ્યાપક મુલાકાતો દરમિયાન, તમામ ક્ષેત્રના લોકોએ શ્રીમતી દ્રૌપદી મુર્મુના રાજ્યપાલ તરીકેના કાર્યકાળ વિશે ખૂબ જ ઉષ્મા અને પ્રશંસા સાથે વાત કરી હતી. તેમણે અવલોકન કર્યું કે નાગરિકો તેમણે જે ગરિમા સાથે પોતાની બંધારણીય જવાબદારીઓ નિભાવી હતી, લોકો સાથેના તેમના ઊંડા વ્યક્તિગત જોડાણ અને આદિવાસી સમુદાયો, વંચિતો તથા યુવાનો પ્રત્યેની તેમની સંવેદના અને સાચી ચિંતાને પ્રેમથી યાદ કરતા હતા. “આવી સદ્ભાવના માત્ર પદ પરથી મેળવી શકાતી નથી, તે ચરિત્ર, કરુણા અને લોકો પ્રત્યેના સમર્પણ દ્વારા મેળવવામાં આવે છે,” તેમણે કહ્યું.

રાષ્ટ્રપતિ મુર્મુના કાર્યકાળ દરમિયાન હાથ ધરવામાં આવેલા અસંખ્ય પહેલોને રેખાંકિત કરતા, ઉપરાષ્ટ્રપતિએ ઐતિહાસિક મુઘલ ગાર્ડન્સનું નામ બદલીને અમૃત ઉદ્યાન કરવા, દેહરાદૂનમાં રાષ્ટ્રપતિ નિકેતન અને રાષ્ટ્રપતિ તપોવનને જનતા માટે ખોલવા, રાષ્ટ્રપતિ ભવનને વધુ દિવ્યાંગજન-અનુકૂળ બનાવવાના પ્રયાસો અને સર એડવિન લ્યુટિયન્સની પ્રતિમાના સ્થાને ભારતના છેલ્લા ગવર્નર-જનરલ ભારત રત્ન ચક્રવર્તી રાજગોપાલાચારીની પ્રતિમા મૂકવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ પહેલો રાષ્ટ્રીય સંસ્થાઓને સંસ્થાનવાદી માનસિકતામાંથી મુક્ત કરવાના અને રાષ્ટ્રપતિ પદની સંસ્થાને લોકોની વધુ નજીક લાવવાના સભાન પ્રયાસને પ્રતિબિંબિત કરે છે.

પ્રકાશનોનો સંદર્ભ આપતા, શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે સેવા અૌર સંવેદના સેવા અને સંવેદનાના મૂલ્યોને દર્શાવે છે જેણે રાષ્ટ્રપતિ મુર્મુના જાહેર જીવનને અંકિત કર્યું છે, જ્યારે સમાવેશી સહભાગિતા એ તેમના એ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે કે ભારતનો વિકાસ સર્વસમાવેશી અને સહભાગી હોવો જોઈએ. તેમણે કહ્યું કે ભારતીયતા કા ઉત્સવ ભારતની સભ્યતાના કાલાતીત મૂલ્યો અને તેની નોંધપાત્ર સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરે છે, અને ઉમેર્યું કે રાષ્ટ્રપતિ મુર્મુએ સતત ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ, સ્થાનિક પરંપરાઓ અને આધ્યાત્મિક વારસાને રેખાંકિત કર્યો છે જે દેશની વિવિધતાની ઉજવણી કરતી વખતે તેને એકતાના સૂત્રમાં બાંધે છે.

રાષ્ટ્રપતિ દ્વારા ઓલ ચિકી લિપિમાં સંથાલી ભાષામાં ભારતના બંધારણના વિમોચનને યાદ કરતા, ઉપરાષ્ટ્રપતિએ તેને એક મહત્વપૂર્ણ પ્રસંગ ગણાવ્યો હતો જેણે આદિવાસી સમુદાયના સભ્યોને ગૌરવથી ભરી દીધા હતા અને ભારતની ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાને જાળવવા અને પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી, ડૉ. એલ. મુરુગન, નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે પુસ્તકોના વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે, તેમણે કહ્યું કે આ પુસ્તકો દેશની સાંસ્કૃતિક વિવિધતાને આવરી લે છે. તેમણે કહ્યું કે આ પુસ્તકો ભવિષ્યની પેઢીઓ માટે સંદર્ભ પુસ્તકો તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે ઉમેર્યું કે આજે વિમોચિત થયેલા પ્રકાશનો આદરણીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની રાષ્ટ્રપતિ પદની યાત્રાનું દસ્તાવેજીકરણ કરવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.


(रिलीज़ आईडी: 2290814) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Tamil , Telugu , Kannada , Malayalam