સંરક્ષણ મંત્રાલય
ઓપરેશન સિંદૂર એ પાકિસ્તાનના દરેક દુ:સાહસનો નિર્ણાયક જવાબ આપવાની ભારતની ક્ષમતાનો પુરાવો છે: 27મા કારગિલ વિજય દિવસ પર દ્રાસમાં રક્ષા મંત્રી
“પાકિસ્તાન સાથેની કોઈપણ વાટાઘાટો માત્ર પીઓકે પર જ કેન્દ્રિત હશે, જે ભારતનું અભિન્ન અંગ છે”
“ભારત પ્રગતિ અને નવીનતાને અનુસરે છે, પાકિસ્તાન આતંકવાદ અને ઘૂસણખોરીને પ્રોત્સાહન આપે છે"
“‘યે દિલ માંગે મોર’ સંરક્ષણમાં આત્મનિર્ભરતા માટેના ભારતના પ્રયાસોને આગળ ધપાવે છે”
“વિકસિત ભારત@2047 માત્ર આર્થિક સમૃદ્ધિથી પણ આગળ વિસ્તરે છે, તે વ્યૂહાત્મક તાકાત, સાંસ્કૃતિક ગૌરવ અને સામાજિક સૌહાર્દ માટેની પ્રતિબદ્ધતા છે”
प्रविष्टि तिथि:
26 JUL 2026 12:25PM by PIB Ahmedabad
“ઓપરેશન સિંદૂરની સફળતા એ વાતનો પુરાવો છે કે ભારત પાસે પાકિસ્તાનના દરેક દુ:સાહસનો તેની કલ્પના બહારની ગંભીરતા સાથે જવાબ આપવાની ક્ષમતા છે,” રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે પાકિસ્તાન સાથે કોઈ વાટાઘાટો નહીં થાય તે વાતનો પુનરોચ્ચાર કરતા જણાવ્યું હતું કે, કોઈપણ સંવાદ માત્ર પીઓકે પર જ કેન્દ્રિત હશે, જેને તેમણે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલ ભારતનો અભિન્ન ભાગ ગણાવ્યો હતો. જુલાઈ 26, 2026ના રોજ દ્રાસમાં 27મા કારગિલ વિજય દિવસની ઉજવણીને સંબોધતા, રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે ભારતની સાર્વભૌમત્વ સામેના દરેક નાપાક કૃત્યનો એ જ મક્કમ જવાબ આપવામાં આવશે જે ભારતીય સંરક્ષણ દળોએ ઓપ સિંદૂર દ્વારા અપ્રતિમ વીરતા સાથે આતંકવાદીઓ અને તેમના આકાઓને આપ્યો હતો.

શ્રી રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચેનો ભેદ નાબૂદ થઈ ગયો છે, અને તે દેશે આતંકવાદને તેની રાજ્ય નીતિનો એક ભાગ બનાવ્યો છે. “પાકિસ્તાનનું સૈન્ય માત્ર આતંકવાદી સંગઠનોને આશ્રય જ નથી આપતું પરંતુ તેમની સાથે મળીને કામ પણ કરે છે. એટલા માટે, ઓપ સિંદૂર દરમિયાન, અમે સ્પષ્ટ કર્યું હતું કે ભારત હવે આતંકવાદીઓ અને તેમને ઉછેરતી સરકારોને અલગ અલગ સંસ્થાઓ તરીકે નથી જોતું,” તેમણે કહ્યું હતું.
રક્ષા મંત્રીએ ઉમેર્યું કે કારગિલ યુદ્ધને 27 વર્ષ વીતી ગયા છે, અને ભારત તથા પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલા માર્ગો ખૂબ જ અલગ થઈ ગયા છે. “જ્યારે ભારત નવીનતાના નવા રસ્તાઓ શોધી રહ્યું છે, ત્યારે પાકિસ્તાન ઘૂસણખોરી માટે નવા રસ્તાઓ શોધી રહ્યું છે. ભારત ચિપ ડિઝાઇનિંગમાં વ્યસ્ત છે, જ્યારે પાકિસ્તાન આતંકની ડિઝાઇનિંગમાં વ્યસ્ત છે. ભારત સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન આતંકવાદી ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યું છે. ભારત સેમિકન્ડક્ટર્સનું ઉત્પાદન કરી રહ્યું છે; પાકિસ્તાન માનવ બોમ્બ તૈયાર કરી રહ્યું છે. ભારત સ્પેસ મિશન માટે ઓળખાય છે, જ્યારે પાકિસ્તાન પ્રોક્સી મિશન ચલાવી રહ્યું છે. ભારત અવકાશમાં સેટેલાઇટ મોકલી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન સરહદ પાર આતંકવાદીઓને મોકલવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારત વિશ્વને સોફ્ટવેર પૂરું પાડી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન સ્લીપર સેલ્સની નિકાસ કરી રહ્યું છે. ભારત ડેટા સેન્ટરો સ્થાપી રહ્યું છે; પાકિસ્તાન કટ્ટરપંથી કેન્દ્રો સ્થાપી રહ્યું છે. ભારત યુપીઆઈ દ્વારા વિશ્વને જોડી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન આતંકવાદને હવાલા નેટવર્ક સાથે જોડી રહ્યું છે. ટૂંકમાં, આપણા માર્ગો અલગ છે; જો પાકિસ્તાન તેની નાપાક યોજનાઓથી સમૃદ્ધિ તરફના આપણા માર્ગને અવરોધવાનો પ્રયાસ કરશે, તો આપણા સંરક્ષણ દળો યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છે,” તેમણે જણાવ્યું હતું.

શ્રી રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પાસે ખતરાઓનો નિર્ણાયક જવાબ આપવા માટે સંરક્ષણ દળોને છૂટો દોર આપવાની રાજકીય ઇચ્છાશક્તિ છે, અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જ્યાં સુધી તેના સૈનિકો દેશની સરહદોની રખેવાળી કરી રહ્યા છે ત્યાં સુધી કોઈ પણ વિરોધી ભારત તરફ ખરાબ નજરથી જોવાની હિંમત કરશે નહીં.
રક્ષા મંત્રીએ 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન માતૃભૂમિનું રક્ષણ કરવા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા ભારતના વીર સૈનિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન વિક્રમ બત્રા અને કેપ્ટન મનોજ કુમાર પાંડે સહિતના અસંખ્ય વીર સપૂતોને યાદ કર્યા, જેઓ દેશને, ખાસ કરીને યુવાનોને પ્રેરણા આપતા રહે છે. તેમણે કારગિલ વિજય દિવસને વ્યક્તિગત સફળતા અને રાષ્ટ્રીય ફરજ વચ્ચેનો તફાવત સમજવા માગતા દરેક યુવાન માટે પ્રેરણાનો દિવસ ગણાવ્યો.તેમણે કહ્યું, “આ દિવસ આપણને શીખવે છે કે ‘ત્યાગ’ અને ‘સેવા’ ની ભાવના કોઈપણ રાષ્ટ્રની કરોડરજ્જુ બનાવે છે.”
શ્રી રાજનાથ સિંહે રેખાંકિત કર્યું કે કારગિલ વોર મેમોરિયલ સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે કારણ કે શહીદ થયેલા વીરો દેશના દરેક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા હતા. “વિવિધતાઓ છતાં એકતાની આ દીવાલ, આપણને નુકસાન પહોંચાડવા માંગતા લોકો સામે અડીખમ ઉભી છે,” તેમણે કહ્યું હતું.
રક્ષા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં અને રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષોએ માત્ર સંરક્ષણ દળોની ક્ષમતાઓનું જ નહીં પરંતુ દેશોની સ્થિતિસ્થાપકતા, ધીરજ અને સંકલ્પની પણ પરીક્ષા કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત પાસે મજબૂત અને સક્ષમ સૈન્ય હોવા છતાં રાષ્ટ્રીય સુરક્ષાનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની સંયુક્ત જવાબદારી છે. 'રાષ્ટ્ર પ્રથમ' ની ભાવના, શિસ્ત અને ફરજની લાગણીના મહત્વ પર ભાર મુકતા તેમણે કહ્યું કે દરેક ભારતીયમાં સૈનિક જેવી ચેતના હોવી જોઈએ. “હું એવું નથી સૂચવતો કે દરેક નાગરિકે સૈનિક બનવું જ જોઈએ, પરંતુ જો દેશ ક્યારેય એવી પરિસ્થિતિનો સામનો કરે જેમાં તેના લોકોના પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સમર્થનની જરૂર હોય, તો દરેક ભારતીયે દેશના રક્ષણ માટે આગળ આવવા માનસિક, નૈતિક અને શારીરિક રીતે તૈયાર રહેવું જોઈએ. જેવી રીતે દરેક સૈનિક સૌથી પહેલા અને સૌથી મહત્વનો ભારતીય છે, તેવી જ રીતે સૈનિકની હિંમત, શિસ્ત અને દેશભક્તિ દરેક ભારતીયની અંદર હંમેશા જીવંત રહેવી જોઈએ,” તેમણે ઉમેર્યું હતું.

શ્રી રાજનાથ સિંહે રેખાંકિત કર્યું કે 2047 સુધીમાં વિકસિત ભારતનો દ્રષ્ટિકોણ આર્થિક સમૃદ્ધિથી આગળ વિસ્તરે છે, તેને વ્યૂહાત્મક શક્તિ, સાંસ્કૃતિક ગૌરવ અને સામાજિક સૌહાર્દ માટેની પ્રતિબદ્ધતા તરીકે વર્ણવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ દ્રષ્ટિકોણ રાષ્ટ્ર નિર્માણના દરેક ક્ષેત્રમાં કારગિલ યુદ્ધના નાયકો દ્વારા દર્શાવવામાં આવેલ સમર્પણ અને ફરજની ભાવનાને અપનાવીને જ સાકાર થઈ શકે છે.
રક્ષા મંત્રીએ હાઇલાઇટ કર્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર રાષ્ટ્રીય સુરક્ષા અને સૈનિકોના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. “કારગિલ યુદ્ધે આપણને શીખવ્યું છે કે આપણે દરેક ઋતુમાં અને તમામ પરિસ્થિતિઓમાં આપણી સરહદો પર હંમેશા સતર્ક રહેવું જોઈએ”, તેમણે ઉમેર્યું કે તેમની ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા માટે બદલાતા સમય સાથે તાલમેલ મિલાવીને સૈન્ય ક્ષમતાઓના આધુનિકીકરણ પર સમાન ભાર મૂકવાની સાથે સરહદી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સતત મજબૂત કરવામાં આવી રહ્યું છે.
કેપ્ટન વિક્રમ બત્રાના પ્રખ્યાત કેચફ્રેઝ ‘યે દિલ માંગે મોર’ માંથી પ્રેરણા લેતા, શ્રી રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે ઝડપી પ્રગતિ કરવામાં આવી રહી છે, અને સરકાર પ્રગતિને ઝડપી બનાવવા માટે પ્રતિબદ્ધ છે. “જ્યારે અમારી સરકારે કાર્યભાર સંભાળ્યો ત્યારે ભારત 65 થી 70 ટકા સંરક્ષણ ઉપકરણોની આયાત કરતું હતું. આજે, આપણે ભારતીય ધરતી પર જ આપણા 65 ટકા સંરક્ષણ સાધનોનું ઉત્પાદન કરી રહ્યા છીએ. આજે, આપણા સૈનિકો પાસે સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલ એર ડિફેન્સ કંટ્રોલ સિસ્ટમ ‘આકાશ-તીર’ છે. અમે નેક્સ્ટ જનરેશન આકાશ મિસાઇલ વિકસાવી છે. ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર ‘INS વિક્રાંત’, લાઇટ કમ્બેટ એરક્રાફ્ટ ‘તેજસ’, લાઇટ કમ્બેટ હેલિકોપ્ટર ‘પ્રચંડ’, એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર ‘ધ્રુવ’, મેઇન બેટલ ટેન્ક ‘અર્જુન’, ‘પિનાકા’ મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર, ‘અસ્ત્ર’ એર-ટુ-એર મિસાઇલ અને આધુનિક ડ્રોન અને કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ્સ પણ સંરક્ષણ દળોની લડાયક તૈયારીઓને મજબૂત બનાવી રહી છે. પરંતુ, 'યે દિલ માંગે મોર'. અમે ભારતમાં જ વધુ આધુનિક હથિયારો, આગામી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ, સબમરીન અને મિસાઇલો બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું,” તેમણે કહ્યું હતું.


કાર્યક્રમ દરમિયાન, રક્ષા મંત્રીએ સેનોટાફ (સ્મારક) ખાતે પુષ્પચક્ર અર્પણ કર્યું હતું અને 1999માં ઓપરેશન વિજય દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા વીર સપૂતોની યાદમાં મૌન પાળ્યું હતું. લદાખના ઉપરાજ્યપાલ શ્રી વિનય કુમાર સક્સેના, આર્મી સ્ટાફના વડા જનરલ ધીરજ સેઠ, જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચિફ, નોધર્ન કમાન્ડ લેફ્ટનન્ટ જનરલ પ્રતિક શર્મા, GOC 14 કોર્પ્સ લેફ્ટનન્ટ જનરલ મદનરાજ પાંડે અને GOC 8 Mtn Div મેજર જનરલ એપી સિંહ પણ કારગિલ યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રી રાજનાથ સિંહ સાથે જોડાયા હતા. વરિષ્ઠ સૈન્ય અને નાગરિક મહાનુભાવો, કારગિલ યુદ્ધના અનુભવીઓ, વીરતા પુરસ્કાર વિજેતાઓ, વીર નારીઓ, શહીદોના પરિવારજનો અને સ્થાનિક નાગરિકો પણ ‘શ્રદ્ધાંજલિ સમારોહ’માં ઉપસ્થિત રહ્યા હતા.
રક્ષા મંત્રીએ વિઝિટર્સ બુકમાં હસ્તાક્ષર કર્યા હતા અને ઓપરેશન વિજય દરમિયાન ભારતીય સૈનિકો દ્વારા દર્શાવવામાં આવેલી હિંમત, દ્રઢતા અને અદમ્ય ભાવનાનું વર્ણન કરતા બે નોન-કમિશન્ડ ઓફિસર દ્વારા પ્રસ્તુત ‘ગૌરવ ગાથા’ ના સાક્ષી બન્યા હતા. તેમણે વર્ચ્યુઅલ વોકથ્રુ પોર્ટલનું પણ ઉદ્ઘાટન કર્યું, જે કારગિલ યુદ્ધના ઇતિહાસ અને વારસા સુધી લોકોની વ્યાપક પહોંચ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેમણે હટ ઓફ રિમેમ્બ્રન્સની મુલાકાત લીધી અને વીર ભૂમિ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.



શ્રી રાજનાથ સિંહે ચા પર મહાનુભાવો, સૈનિકો અને પરિવારો સાથે પણ વાતચીત કરી હતી. ત્યારબાદ તેમણે કારગિલ વિજય દિવસના સ્મરણોત્સવના ભાગરૂપે આયોજિત મોટરસાઇકલ રેલી ‘શૌર્ય વિજય યાત્રા’ ને ફ્લેગ-ઇન કરી હતી, જેને તેમણે જુલાઈ 14, 2026ના રોજ નેશનલ વોર મેમોરિયલ, નવી દિલ્હી ખાતેથી ફ્લેગ-ઓફ કરી હતી.

જેમ રક્ષા મંત્રીએ દ્રાસમાં કારગિલ વિજય દિવસની ઉજવણીમાં સંરક્ષણ દળોનું નેતૃત્વ કર્યું હતું, તેમ રક્ષા રાજ્ય મંત્રી શ્રી સંજય સેઠે નવી દિલ્હીના નેશનલ વોર મેમોરિયલ ખાતે પુષ્પચક્ર અર્પણ કર્યું હતું અને શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એનએસ રાજા સુબ્રમણ્ય, ચીફ ઓફ ધ એર સ્ટાફ એર ચીફ માર્શલ એપી સિંહ, ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ એડમિરલ ક્રિષ્ના સ્વામિનાથન, ડિફેન્સ સેક્રેટરી શ્રી રાજેશ કુમાર સિંહ અને વાઇસ ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ સંદીપ જૈને પણ વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2289577)
आगंतुक पटल : 14